Homeદેશ વિદેશવિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. ૧૩૪ની અને ચાંદીમાં રૂ. ૬૩ની પીછેહઠ

વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. ૧૩૪ની અને ચાંદીમાં રૂ. ૬૩ની પીછેહઠ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અમેરિકા ખાતે દેવાની કટોકટીનો ઉકેલ આવે તેવા આશાવાદે આજે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ સાત સપ્તાહની ઊંચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ ડૉલરની મજબૂતી સાથે સોનામાં સલામતી માટેની માગ ઘટતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આગળ ધપ્યો હતો. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૩થી ૧૩૪નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ ૧૮ પૈસા ગબડીને ૮૨.૩૭ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાથી વિશ્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. તેમ જ આજે મધ્યસત્ર દરમિયાન ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૬૩ ઘટી આવ્યા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન મુખ્યત્વે સોનામાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. તેમ છતાં વધુ ભાવઘટાડાના આશાવાદે સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૩ ઘટીને રૂ. ૬૦,૨૭૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૩૪ ઘટીને રૂ. ૬૦,૨૭૦ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે વિશ્ર્વ બજાર પાછળ .૯૯૯ ટચ ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલીનું દબાણ રહ્યું હતું તેમ છતાં ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૬૩ના સાધારણ ઘટાડા સાથે રૂ. ૭૧,૭૪૫ના મથાળે રહ્યા હતા.

અમેરિકી પ્રમુખ જૉ બિડેન અને કૉંગ્રેશનલ રિપબ્લિકન કેવિન મૅકકૅર્થી ટૂંક સમયમાં જ સંભવિત ડિફોલ્ટ ટાળવા માટે દેવાની ટોચ મર્યાદા ૩૧.૪ ટ્રિલિયન ડૉલર સુધી વધારવા સહમત થશે એવા નિર્દેશો મળતાં આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હતું તેમ જ સોનામાં સલામતી માટેની માગ ઓસરી જતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૧૯૭૭.૭૯ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા ઘટીને ૧૯૮૨.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩.૬૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદરે દેવાની ટોચની મર્યાદા વધારવાની દિશામાં થઈ રહેલી પ્રગતિને કારણે બજારોમાં અનિશ્ચિતતામાં ઘટાડો થવાથી સોનામાં સલામતી માટેની માગ ઘટતાં ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું વિશ્લેષક ક્રિસ્ટોફર વૉન્ગે જણાવ્યું હતું. જોકે, ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદર યથાવત્ રાખે તેવી શક્યતા ૬૯ ટકા બજાર વર્તુળો રાખી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -