ડૉલર ઈન્ડેક્સ મજબૂત રહેતાં રૂપિયો બે પૈસા નરમ

વેપાર વાણિજ્ય

મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતા સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો સાધારણ બે પૈસાના ઘટાડા સાથે ૭૯.૮૦ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદાના ભાવમાં ઘટાડો આવ્યો હોવાથી રૂપિયામાં ઘટાડો ઓછો રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના ૭૯.૭૮ના બંધ સામે સુધારાતના ટોને ૭૯.૭૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ઉપરમાં ૭૯.૫૯ અને નીચામાં ૭૯.૮૧ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધથી સાધારણ બે પૈસાના ઘટાડા સાથે ૭૯.૭૮ના મથાળે બંધ રહ્યો હતો.
આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધથી ૦.૨૬ ટકા વધીને ૧૧૦.૦૫ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ ગત શુક્રવારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૩૨૬૦.૦૫ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના અહેવાલને કારણે રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૩૦૦.૪૪ પૉઈન્ટનો અને ૯૧.૪૦ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી તેમ જ આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધથી ૧.૫૨ ટકા ઘટીને બેરલદીઠ ૮૯.૯૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયામાં ઘટાડો સિમિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.