માનવમાત્રની સેવાનું કાર્ય કરતા ભારતના વિવિધ ગુરુદ્વારાની સફર

ઉત્સવ

હેમકુંડ સાહેબ ગુરુદ્વારા -મણિકરણ સાહેબ ગુરુદ્વારા

ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી

ધરતીના કોઈ પણ ખૂણે પહોંચી વળો, કોઈ પણ જગ્યાએ જાઓ તમને દરેક જગ્યાએ કોઈ ને કોઈ ધર્મસ્થાન મળશે જ. ચોક્કસપણે સદીઓથી માનવ સમાજને ધર્મ અને આસ્થા સાથે ગાઢ સંબંધ રહ્યો છે. સમયના વહેણ સાથે ધરતી પર અનેક ધર્મોનો ઉદય અને વિકાસ થયો. તેની સાથે ધર્મસ્થાનો અસ્તિત્વમાં આવતાં ગયાં. ભારતની વૈવિધ્યસભર ધરતી પર અનેક ધર્મોનો આવિર્ભાવ થયો છે. દરેક શેરી મહોલ્લામાં તમને કોઈ મંદિર, મસ્જિદ, દેરાસર, ચર્ચ, ગુરુદ્વારા કંઈક ને કંઈક તો જોવા મળી જ જાય. હમણાં જ શ્રી ગુરુ ગોવિંદ સાહેબની જન્મજયંતી ગઈ. તેમને યાદ કરી આજે આપણે શીખ ધર્મના ખૂબ જ અનોખા અને પવિત્ર ગુરુદ્વારાનું સાંનિધ્ય માણીશું. અમૃતસરના સુવર્ણમંદિર વિશે આપણે સૌ જાણીએ છીએ. આજે આપણે ભૌગોલિક તેમ જ પોતાની વિશિષ્ટ ઓળખ ધરાવતાં ત્રણ ગુરુદ્વારા તરફ પ્રયાણ કરીશું.
પ્રથમ તો પાર્વતીવેલીમાં પાર્વતી નદીના કાંઠે આવેલું મણિકરણ સાહેબ ગુરુદ્વારા. તોષ અને કસોલ વચ્ચે આવેલું મણિકરણ શીખ સમુદાય માટે આસ્થાનું કેન્દ્ર છે, કારણે કે ગુરુ નાનક દેવજીએ ભાઈ મર્દાના અને પંજ પ્યારે સાથે અહીં મુલાકાત લીધી હતી. મણિકરણ ગુરુદ્વારા સાહિબમાં અન્ય ગુરુદ્વારાની જેમ લંગરની વ્યવસ્થા છે, પરંતુ અહીં લંગરનો પ્રસાદ અલગ રીતે બનાવવામાં આવે છે. મણિકરણની ખાસિયત ત્યાં આવેલા ગરમ પાણીના ઝરા છે. ગુરુદ્વારા પાસેથી વહેતી પાર્વતી નદીનું બરફીલું પાણી એક બાજુ વહે છે તો તેની પાસે જ અચરજ પમાડે એવા ગરમ પાણીના ઝરા નીકળે છે. એ એટલા ગરમ હોય છે કે ગુરુદ્વારાનું સમગ્ર લંગર અહીં મોટી હાંડીમાં ભરીને અનાજ પાણીમાં નાખવામાં આવે છે અને થોડી જ વારમાં તે પ્રસાદ તૈયાર થઈ જાય છે. અહીંનું બધું જ લંગર આગ વગર ગરમ પાણીમાં જ બનાવવામાં આવે છે. શ્રદ્ધાળુઓ અહીં ચોખાની પોટલી બાંધીને તેને પાણીના કુંડમાં નાખે છે અને તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે. અહીંના ગરમ પાણીના ઝરાનું પાણી ઔષધીય ગુણો ધરાવે છે. અહીં ઘણા લોકોના ચર્મ રોગોના ઇલાજો થયા છે. ઝરાનું પાણી ખૂબ જ ગરમ છે જેથી લોકો સ્નાન કરી શકે તે માટે અલગ કુંડ બનાવવામાં આવ્યા છે. ગુરુદ્વારાની બાજુમાં નીકળતા ઝરાના પાણીમાંથી સતત પાણીની વરાળ નીકળતી દેખાય છે. ગુરુદ્વારામાં એક હોટ કેવ છે. એવું કહે છે કે આ ગુફાની અંદર બેસવાથી ઘણી બધી બીમારીઓ ઠીક થાય છે. અહીં રહેવા-જમવા જેવી બધી સામાન્ય સુવિધાઓ વિનામૂલ્યે મળી રહે છે. શીખ ધર્મ અનુસાર ગુરુ નાનકજીના આદેશથી જ અનેક સ્થળોએ લંગર અને રહેવા માટે વ્યવસ્થા શરૂ થઈ હતી.
અહીં દિવસ-રાતનું વાતાવરણ ખૂબ જ સુંદર રહે છે. નીચે ખળ ખળ વહેતી પાર્વતી નદી અને ચારેતરફ બાંધેલા ફ્લેગ્સ મણિકરણને પવિત્ર બનાવે છે. અહીં શિવ મંદિર, કૃષ્ણ મંદિર, વિષ્ણુ મંદિર પણ આવેલાં છે.
હવે આપણે લદાખમાં આવેલા ગુરુદ્વારા પથ્થર સાહિબ વિશે વાત કરીએ. અહીં હાલમાં ગુરુદ્વારાનું સંચાલન ભારતીય સેના દ્વારા કરવામાં આવે છે. આસપાસ પહાડીઓ વડે ઘેરાયેલું આ ગુરુદ્વારા ખૂબ જ સુંદર છે. દૂર દૂર સુધી ભૂરી માટીવાળી પહાડીઓના લેન્ડસ્કેપ અને તેની વચ્ચે નાનકડું આકર્ષક ગુરુદ્વારા. આ ગુરુદ્વારા ગુરુ નાનક દેવની યાદીમાં બાંધવામાં આવેલ છે. લેહથી અંદાજિત ૨૫ કિલોમીટર દૂર લેહ કારગિલ રોડ પર આવેલું છે. એવું કહેવાય છે કે ગુરુ નાનક દેવ સાહેબની ભૂતાન, નેપાળ અને ચીનની યાત્રા દરમિયાન તેઓ અહીંથી ઈસવી સન ૧૫૧૭ના સમયગાળામાં પસાર થયેલા. ગુરુદ્વારામાં જણાવેલી વિગત મુજબ નાનક દેવજી જ્યારે અહીંથી પસાર થયા ત્યારે અહીં એક રાક્ષસ લોકોને પરેશાન કરતો હતો. નાનક દેવ એક વાર ધ્યાનમાં મગ્ન હતા ત્યારે એ રાક્ષસએ તેમની પાછળ એક મોટો પથ્થર ફેંક્યો અને ગુરુ નાનક દેવને અડકતાં જ એ પથ્થર મીણની જેમ પીગળી ગયો અને નનાક દેવની પીઠનો ભાગ પથ્થર પર અંકિત થઈ ગયો અને આજે એ જ પથ્થરની પૂજા કરવામાં આવે છે. જે સ્થળ આજે ગુરુદ્વારા પથ્થર સાહિબ તરીકે ઓળખાય છે. પીળા અને વાદળી રંગનું આ ગુરુદ્વારા લદાખના લેન્ડસ્કેપમાં અત્યંત આકર્ષિત લાગે છે. બોર્ડર રોડના ક્ધસ્ટ્રક્શન દરમિયાન ગુમ થયેલો આ પથ્થર મળી આવ્યો હતો ત્યાર બાદ આ ગુરુદ્વારાનું નિર્માણ ઇન્ડિયન આર્મી એ જ કરાવ્યું હતું અને હાલમાં સંચાલન પણ આર્મી દ્વારા જ કરવામાં આવે છે.
શીખ ધર્મના સૌથી ઊંચાઈ પર આવેલું ગુરુદ્વારા એટલે હેમકુંડ સાહેબ ગુરુદ્વારા. વેલી ઓફ ફ્લાવર્સના ટ્રેકમાં આવતા ઘાંઘરિયાથી હેમકુંડ સાહેબ ૬ કિલોમીટર જેટલું સ્ટીપ ટ્રેકિંગ છે. આ રસ્તા પર અનેક શીખબંધુઓ ગુરુદ્વારા દર્શન કરવા જતા મળી આવશે. શીખ ધર્મની સૌથી કઠિન યાત્રા કહી શકાય. શીખ ધર્મના દસમા ગુરુ ગોવિંદ સિંહે અહીં ધ્યાનમાં વર્ષો વ્યતીત કર્યાં હતાં. અહીંના ગુરુદ્વારાની ખાસિયત એ છે કે તે પંચકોણીય આકારમાં બંધાયેલું એકમાત્ર ગુરુદ્વારા છે, કારણ કે અહીં છ મહિના દરમિયાન થતી બરફવર્ષાથી ગુરુદ્વારાને રક્ષણ મળે તે માટે અહીં આસપાસ સાત શિખરો આવેલાં છે અને તેની મધ્યમાં ગુરુદ્વારા હેમકુંડ સાહિબ અને લક્ષ્મણ મંદિર આવેલું છે. અહીંના હેમકુંડમાં આસપાસના ગ્લેશિયરમાંથી પાણી આવે છે. આ કુંડનું પાણી એકદમ ક્રિસ્ટલ ક્લિયર સાથે સાથે આધ્યાત્મિક વાતાવરણમાં અહીં લગાવેલી ડૂબકી અવિસ્મરણીય બની જશે. અહીં રામાયણ સાથે જોડાયેલું લક્ષ્મણ મંદિર પણ છે. હેમકુંડ સાહેબ માટે એટલું કહી શકાય કે અહીંનું વાતાવરણ એકદમ પવિત્ર છે. ત્યાંથી પ્રવાહિત થતો લક્ષ્મણ ગંગા અથવા તો હેમગંગાનો પ્રવાહ કે જે હેમકુંડમાંથી નીકળે છે તે ઘાંઘરિયા નજીક પુષ્પાવતી નદીને મળે છે. ત્યાંથી આગળ આ પુષ્પાવતી નદી ગોવિંદ ઘાટ પાસે અલકનંદા નદીને મળે છે. અહીંનું કુદરતી સૌંદર્ય સત્ત્વ અને તત્ત્વથી ભરેલું છે. પ્રકૃતિનો નશો અહીં દરેક ટેકરીઓમાં, ઠેર ઠેર ખળ ખળ વહેતાં ઝરણાંઓમાં, બરફાચ્છાદિત ધવલ પહાડો પાછળથી ડોકિયું કરતાં રૂનાં પૂમડાં જેવાં વાદળોમાં, બાળકો માફક કિલકિલાટ કરતાં હિમાલયન પક્ષીઓના સંગીતમાંથી સીધો જ આપણી નસ નસમાં વહેવા લાગે એવું અનુભવી શકાય. ગોવિંદ ઘાટથી ગુરુ ગોવિંદ સિંહની તપોભૂમિ એવા હેમકુંડનો ટ્રેક શરૂ થાય છે. અલકનંદા પર હવામાં ઝોલા ખાતા લાકડાના પુલને પાર કરીને રંગબેરંગી ફૂલોથી સજાવેલા ટેરેસ ગાર્ડન તો વળી ક્યાંક નાનકડાં ખેતરોના કુદરતી માહોલની કંપની વચ્ચે ચઢાઈ કરતાં કરતાં સૌંદર્ય સફર શરૂ થાય છે. અહીંની યાત્રા ખૂબ જ કઠિન કહી શકાય છતાં તમને અનેક શીખબંધુઓ અહીં સત શ્રી અકાલના નાદ સાથે યાત્રા કરતા જોવા મળશે. આ ગુરુદ્વારાની આસપાસનું વાતાવરણ અલોકિક અને દૈવી કહી શકાય તેવું નિર્મલ. લાંબો સમય ટ્રેક કર્યા પછી ગુરુદ્વારામાં પહોંચીને લંગરનો પ્રસાદ ખાઈ હેમકુંડમાં લગાવેલી ડૂબકી તમને તણખલા જેટલા હળવા કરી દે એવી અનુભૂતિ કરાવે છે.
જ્યારે નિર્મળ મનથી કોઈ આવા પવિત્ર સ્થળની મુલાકાત લેતા હોઈએ ત્યારે ધર્મ કોઈ પણ હોય દરેક સ્થળનો પોતાનો અલગ મેગ્નેટિક પાવર હોય છે જે તમને બે ઘડી વિશ્ર્વથી અલિપ્ત કરી દે છે. ખાસ કરીને હિમાલયન વિસ્તારોમાં કંઈક અલગ જ અનુભવો મળે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.