છેલ્લા ઘણા સમયથી શ્વાનનો શિકાર મોટા ભાગના શહેરોમાં રહેતા લોકો અને ખાસ કરીને બાળકો બની રહ્યા છે. રખડતા ઢોરની સમસ્યાથી પીડાતા ગુજરાતના મોટા ભાગના શહેરો માટે હવે શ્વાનનો ત્રાસ પણ એક ગંભીર સમસ્યા બનતી જાય છે. આ ગલીમાં રખડતા શ્વાન હવે બીજા એક પ્રાણી માટે ખતરો બની ગયા છે અને પ્રાણીઓ એ છે જેમની સેન્ચ્યુરી બની છે અને વર્ષે લાખો પર્યટકો તેની મુલાકાતે આવે છે. આ પ્રાણી છે જંગલી ગધેડા. જંગલી ગધેડાની કચ્છના નાના રણમાં સેન્ચ્યુઅરી છે.
આ ગધેડા દુનિયાના ઝડપી દોડી શકતા પ્રાણીઓમાના એક માનવામાં આવે છે, પરંતુ હાલમા તેઓ શ્વાનથી પરેશાન છે. ગયા મહિને એક ગધેડો અને તેનુ બચ્ચાને શ્વાને બચકા ભરી ઘાયલ કરી નાખ્યા હતા. આ પહેલી કે એકમાત્ર ઘટના નથી. આવી ઘટના બનતી રહે છે. શાકાહારી પ્રાણીઓ અને પક્ષીઓ પર હુમલો કરવામાં આવે છે. આ શ્વાનો દસ-પંદરના ઝૂંડમાં પ્રાણીઓને પાછળ પડે છે. ઘણીવાર પ્રાણીઓને વીંખી નાખે છે. આ શ્વાનોથી પ્રાણીઓને રેબીસ થવાનો ભય રહે છે, પરંતુ આજ સુધી આવો કોઈ અભ્યાસ કરવામાં આવ્યો નથી.
અગાઉ એક અહેવાલમાં શ્વાનોના વધતા ત્રાસ અને વધતી સંખ્યા અંગે ચેતવવામાં આવ્યા હતા. જંગલી ગધેડા અને અન્ય પ્રાણીઓ માટે જોખમી એવા લગભગ 400થી વધારે શ્વાન હાલમાં સેન્ચ્યુરીમાં છે. જોકે સ્થાનિકો અને નિષ્ણાતોનું માનીએ તો આ સંખ્યા 700 જેટલી છે. જંગલી ગધેડાઓને સૌથી વધારે આનાથી ખતરો છે અને આ સંખ્યાને નિયંત્રીત કરવામાં આવે, તેમ નિષ્ણાતો પણ કહે છે. જંગલી ગધેડા માટે આ સેન્ચ્યુરી પોતાનું પ્રાકૃતિક ઘર છે.
જંગલી ગધેડા નાશ પામતી પ્રજાતિ છે અને વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ, 1972 હેઠળ શેડ્યુલ વન અંતર્ગત તેને માનવામાં આવે છે. વર્ષ 2020માં ગુજરાતમાં માત્ર 6,082 જંગલી ગધેડા છે.