શું તમારી બ્રાન્ડની કોઈ વાર્તા છે?

વીક એન્ડ

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી

પપ્પા, એક વાર્તા કહો પછી હું સૂઈ જઈશ. દરેક ઘરમાં આ વાત દરેક રાત્રે અચૂક કહેવાતી હશે, પછી તે કોઈ પણ દેશ, ભાષા કે વર્ગની વ્યક્તિ હશે. વાર્તા એ આપણા જીવનનું અગત્યનું અંગ છે તેમ કહેવું વધુ પડતું નહિ હોય, આથી જ કદાચ પુરાણો રચાયાં હશે, વાર્તાના સ્વરૂપે સરળતાથી બોધ આપી શકાય તેના માટે. લવ-કુશને પણ રામ સુધી પહોંચવા માટે અને તેમને વિશ્ર્વાસ દેવડાવવા કે તેઓ તેમના પુત્ર છે વાલ્મીકિ ઋષિએ બંને તેજસ્વી બાળકોને વાર્તાનો સહારો લેવા કહ્યું. વાર્તાનું કામ કોઈ પણ વિચારને દિલથી લઈને મગજમાં સ્થિર કરવાનું છે. આજના શબ્દમાં કહીએ તો આ એક સ્ટ્રોંગ માધ્યમ છે લોકો સુધી વાત પહોંચાડવાનું. આજની તારીખે તે ક્ધટેન્ટના નામે પ્રચલિત છે.
આજે સ્ટોરી ટેલિંગના વર્ગો ચાલે છે, કારણ કોર્પોરેટની દુનિયામાં પણ આને આગવું સ્થાન મળવા લાગ્યું છે. આજના સ્ટાર્ટઅપના જમાનામાં ઇન્વેસ્ટર્સ પૂછે છે કે તમારી બ્રાન્ડ સ્ટોરી શું છે? તમારું કોમ્યુનિકેશન કેટલું રસપ્રદ છે? લોકો તેની સાથે પોતાને સંલગ્ન કરે છે! જેને માર્કેટિંગની પરિભાષામાં એન્ગેજિંગ ક્ધટેન્ટ કહેવામાં આવે છે.
આ વાક્ય આપણે આજે ડગલે ને પગલે સાંભળતા હોઈશું કે ક્ધટેન્ટ ઇઝ કિંગ. અહીં આપણે ક્ધટેન્ટને કઈ રીતે રસપ્રદ બનાવી શકાય તેની વાત કરવી છે. વૈશ્ર્વિક સ્તરે ઘણી બ્રાન્ડે સ્ટોરી ટેલિંગના સહારે પોતાની બ્રાન્ડને બિલ્ડ કરી છે. સ્ટોરી ટેલિંગ અર્થાત્ વાર્તાના આધારે બ્રાન્ડનું માર્કેટિંગ. વાર્તા સાંભળવી કોને ન ગમે! વાર્તા બધાને એક સમાન સ્તરે લાવે છે અને સપનાની દુનિયામાં લઈ જાય છે. આની અસર લાંબા ગાળા સુધી લોકોના દિલોદિમાગ પર રાજ કરે છે. આપણે કોઈ પણ ઉંમરના હોઈશું, જો કોઈ કહે કે ચાલો વાર્તા કહું તો આપણે તરત જ તે સાંભળવા તૈયાર થઈ જઈશું. એમ કહેવાય છે કે એક સત્ય ઘટના યાદ રાખવા કરતાં વાર્તા બાવીસ ગણી વધારે યાદ રહેશે. જો વાર્તા આટલું પાવરફુલ માધ્યમ હોય અને બ્રાન્ડ આનો સહારો ન લે તો તે અજબની વાત છે. બ્રાન્ડનો અંતિમ ગોલ છે ક્ધઝ્યુમર તેને લાંબા ગાળા સુધી યાદ રાખે. તો આવા સમયે રસપ્રદ વાર્તાના સહારે જો બ્રાન્ડ કેંપેઇન અને બ્રાન્ડ સ્ટોરી બનાવવામાં આવે તો ક્ધઝ્યુમર તેને ચોક્કસપણે લાંબા ગાળા સુધી યાદ રાખશે.
આજે જ્યારે માધ્યમો પ્રિન્ટ અને ટીવી પૂરતાં સીમિત ન રહેતાં ઘણાં વધ્યાં છે અને તેમાં પણ ડિજિટલ માધ્યમમાં સ્ટોરી ટેલિંગ મહત્ત્વનો ભાગ ભજવે છે ત્યારે રસપ્રદ, મતલબ સભર વાર્તા બધાને આકર્ષે છે. વાર્તાઓ આપણને ગમે છે, કારણ કે આપણે પોતાને તેની સાથે રિલેટ કરીએે છીએ; તેમાં રહેલાં ચરિત્રો, તેમાં આવતી વાતો, તેમાં આવતા નજારાઓ વગેરે, તેથી બ્રાન્ડ માટે સૌથી અગત્યની વાત છે કે વાર્તા જે કોઈ પણ હોય તેની સાથે ક્ધઝ્યુમર પોતાને રિલેટ કરવો જોઈએ. વૈશ્ર્વિક સ્તરે જોઈએ તો સ્ટારબક્સ, ઍપલ, જોની વોકર, કોકા કોલા જેવી બ્રાન્ડ સાથે ક્ધઝ્યુમર બ્રાન્ડ લોયલ્ટી બતાવે છે, કારણ તેઓ જે સ્ટોરી બિલ્ડ કરે છે અને જણાવે છે તે સાંભળી લોકોને લાગે છે કે આ મારી વાત કરી રહ્યા છે. ઍપલ કે માઇક્રોસોફ્ટ જ્યારે કહે કે અમે એક ગેરેજમાંથી અમારી કંપનીની શરૂઆત કરી અને પછી ઇનોવેશન દ્વારા કેવી રીતે સફળ થયા ત્યારે આપણને લાગે કે આ બ્રાન્ડ તો મારા માટે છે, હું પણ આવી જ કોઈ રીતે મારા જીવનમાં જીવી રહ્યો છું અને તેથી હું પણ એક દિવસ સફળ થઈશ. પોતાને તરત જ તે બ્રાન્ડ સાથે સંલગ્ન કરશે. જ્યારે નાઇકી, એડીડાસ કે પ્યુમા રમતવીરોની જર્ની બતાવે કે કઈ રીતે તેઓ મહેનત કરી સફળતાના શિખરે પહોંચે છે. તેમની વાત જાણી, આપણે પણ મોટિવેટ થઈ જઈશું અને આ બ્રાન્ડને આપણા જીવનમાં સ્થાન આપીશું. બીજી રીતે જો આનો અભ્યાસ કરીએ તો ઉપર જણાવેલી કંપનીઓ સ્પોર્ટ્સ શૂઝ અને એક્સેસરીઝ બનાવે છે. જરૂરી નથી કે આપણે બધા સ્પોર્ટ્સમેન છીએ કે આપણી તાસીર કે શોખ સ્પોર્ટ્સને રિલેટેડ છે, તેથી કહી શકાય કે આ કે આવી બ્રાન્ડની આપણા જીવનમાં જરૂર નથી, પરંતુ આપણા બધા પાસે એક જોડી સ્પોર્ટ્સ શૂઝ તો હશે જ. આ છે બ્રાન્ડ સ્ટોરી ટેલિંગની તાકાત; જે તમને મોટિવેટ કરે અને તમારી લાઇફ સાથે કનેક્ટ કરે. બીજી બ્રાન્ડનું ઉદાહરણ લઈએ, પેપર બોટ; જ્યારે ફ્લેવર્ડ શરબતો કે કોલા ફન, ઍડ્વેંચર અને યુથફુલનેસની વાતો કરે છે ત્યારે તે જ કેટેગરીમાં અને તે જ ટાર્ગેટ ઓડિયન્સ માટે તેણે પોતાની બ્રાન્ડ બનાવી. ફન અને ઍડ્વેંચરની વાતો ન કરતાં, નોસ્ટાલ્જિયાની વાતો કરી, યુથને પોતાના નાનપણના દિવસોની યાદ અપાવી પોતાની બ્રાન્ડને ન ફક્ત સ્થાપિત કરી, પરંતુ સફળ પણ બનાવી. પોતાનું પેકેજિંગ પણ અલગ બનાવ્યું, જેથી તેની એક અલગ વાર્તા કરી શકાય અને ડિફરેન્સિયેશન ઊભું થાય
તે અલગ.
સમાન કેટેગરીમાં અલગ વાત કરવાની કળા તો ખરી જ, પણ વાર્તાના સથવારે તે વાત લોકો સુધી પહોંચાડી તેમના જીવનને સ્પર્શે અને પોતીકી લાગે તે રીતેની રજૂઆતની કોશિશ બ્રાન્ડ કરતી હોય છે. તાજેતરમાં ઉજવાયેલા મધર્સ અને ફાધર્સ ડે અને આવા ઘણા સ્પેશિયલ ડે રસપ્રદ વાર્તાઓના સહારે લોન્ગ ફોરમેટ ફિલ્મ બનાવી ડિજિટલ મીડિયામાં ચલાવે છે અને લોકો સાથે ઇમોશનલી સંબંધ બાંધે છે. આવી વાર્તાઓ આપણે શોધવા જવાની જરૂર નથી, કારણ આપણા દેશ પાસે સમૃદ્ધ ઈતિહાસ છે તે ઉપરાંત પુરાણોની વાર્તાઓનો આપણે સાર લઈ શકીએ. ઉદાહરણ તરીકે; જો આપણે કનેક્ટ કરવું હોય કે બાળકોને પોતાના બાળપણની મજા માણવા દેવી તો આપણને શ્રી કૃષ્ણની બાળકથાઓ કે પછી શિવાજી મહારાજનું બાળપણ યાદ આવશે. આ વાર્તાઓ આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ અને આપણા દિલોદિમાગ પર તેની અસર અંકિત થયેલી છે, તેથી જો કોઈ આ રીતે વાર્તાને કનેક્ટ ન કરી શકે છતાં પણ એક છાપ આવી વાર્તાઓની પડેલી છે તેની અસર રૂપે આવી વાતો તરત જ યાદ રહી જશે. બ્રાન્ડ માટે આ મોટી શીખ છે જે તેમણે યાદ રાખવી પડશે, કારણ ઘણી આવી ઇનસાઇટ્સ તેઓને આ બોધકથાઓમાંથી મળશે. આમ સ્ટોરી ટેલિંગનું મહત્ત્વ બ્રાન્ડ માટે ઘણું છે. આજે ઘણાં કોર્પોરેટ પોતાની ટીમને કંઈ પણ પ્રેઝન્ટ કરવું હોય તે વાર્તાના સ્વરૂપે કરવા પ્રેરિત કરે છે. આની પાછળ મોટો અર્થ સમાયેલો છે કે જો તમે તમારો મુદ્દો સરળતાથી વાર્તાના સહારે સમજાવી શકો તો તે ક્ધઝ્યુમર સુધી આસાનીથી પહોંચશે. બ્રાન્ડને જો આજે સફળ થવું હશે તો વાર્તાઓનો સહારો લેવો પડશે.
આજે વાર્તાઓ વધુ રિલેવન્ટ છે, જ્યારે ડિજિટલ મીડિયા ફૂલીફાલી રહ્યું છે. ઘણાં સ્ટાર્ટઅપ પોતાના જીવનમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો અને તેના સોલ્યુશન રૂપે તેઓએ ધંધો શરૂ કર્યોની વાતો ઘણી પ્રચલિત છે કારણ તે વાર્તાના સ્વરૂપે લોકો સુધી પહોંચી છે. સ્ટોરી ટેલિંગ દ્વારા બ્રાન્ડ એક્સપીરિયન્સ થવા દો. બીજી મહત્ત્વની વાત તે કે બને તેટલી સાચી વાતો કરો, સાચા કિસ્સાઓ જણાવો. તમારી પોતાની બ્રાન્ડના એવા કિસ્સાઓ હોય જેની સાથે ક્ધઝ્યુમર પોતાને કનેક્ટ કરી શકે, તેને પોતાની વાત લાગે તો તમારી વાર્તાનો અંત સુખદ આવશે અને તમે આવનારી પેઢીઓની પેઢીઓને કહી શકશો કે ખાધું, પીધું ને રાજ કર્યું. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.