કવર સ્ટોરી -અભિમન્યુ મોદી
સોનિયા ગાંધીએ સંન્યાસની વાત વહેતી કરી અને વિશ્ર્વ મીડિયા રાજકીય સંન્યાસની તારીખ ગણવા બેસી ગયું. બીજે જ દિવસે સોનિયા બા તેમના નિવેદનથી પલટી ગયાં. આમ જોવા જઇએ તો, સોનિયા ગાંધીએ નિવૃત થવાની વાત પહેલી વખત નથી કહી. આ અગાઉ પણ તેઓ રિટાયર થવાની વાત કરી ચૂક્યા છે. ડિસેમ્બર, ૨૦૧૭માં જ્યારે રાહુલ ગાંધી કૉંગ્રેસનું અધ્યક્ષપદ સંભાળવાના હતા ત્યારે સોનિયા ગાંધીને એવું પૂછવામાં આવ્યું હતું કે, રાહુલ અધ્યક્ષ બનશે એ પછી તમારી ભૂમિકા શું હશે ત્યારે સોનિયા ગાંધી એવું બોલ્યાં હતાં કે, હું રિટાયર થવાની છું. ૨૦૦૪માં જ્યારે કૉંગ્રેસનો વિજય થયો ત્યારે સોનિયા ગાંધી વડા પ્રધાન બને એવો આગ્રહ કૉંગ્રેસીઓનો હતો. સોનિયા ગાંધી પોતે વડા પ્રધાન બન્યાં ન હતાં અને નિવૃત્તિની વાતો કરીને મનમોહનસિંહને વડા પ્રધાન બનાવ્યા હતા. ખેર! સોનિયા ગાંધી તો વિદાય લેવાના હશે ત્યારે લેશે ,પરંતુ તેમણે રાજીનામાની વાત કરીને એ પ્રશ્ર્ન ખડો કરી દીધો કે શું મહિલાઓ ક્યારેય રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનો વિચાર સુદ્ધાં કરે છે!
ઇતિહાસનાં પાનાં ઉથલાવીએ તો સ્ત્રી સાથે જોડાયેલી સત્તાને ન તો કોઈ સીમા નડી છે કે ન એ ક્યારેય ડિગ્રી કે તકની મોહતાજ બની છે. સમ્રાટ અશોકની પુત્રી સંઘવી (ઈ.પૂર્વે ૩૪૦-૩૧૪) બૌદ્ધ ધર્મના પ્રચાર-પ્રસાર અર્થે દક્ષિણ એશિયાના દેશોમાં ગઈ હતી. ગાર્ગી, બુદ્ધનાં પત્ની યશોધરા, અત્રિઋષિનાં પત્ની અનસૂયા, વશિષ્ઠ ઋષિનાં પત્ની અરુંધતી, ગૌતમ ઋષિનાં પત્ની અહલ્યા, અજના પત્ની ઈંદુમતી, પાતાળલોકના સર્પરાજ કૌરવ્યની પુત્રી તેમ જ અર્જુનને વરનાર પાંચાલી, જનકપુત્રી સીતા તેમજ ઉર્મિલા, સ્વર્ગની અપ્સરાઓ તિલોત્તમા, મેનકા,નળરાજાની પત્ની દમયંતી, યયાતિનાં પત્ની દેવયાની, અગસ્ત્ય ઋષિનાં પત્ની લોપામુદ્રા, દૈત્યરાજ વૃષપર્વાની પુત્રી તેમ જ યયાતિનાં બીજાં પત્ની શર્મિષ્ઠા, શ્રીકૃષ્ણ ભગવાનની પટરાણી સત્યભામા અને રુક્મિણી, હરિશ્ર્ચંદ્રનાં પત્ની તારામતી, રામાયણમાં રાવણને સાચી સલાહ આપનાર મંદોદરી તેમ જ ત્રિજટા, નકારાત્મક ભૂમિકામાં કૈકેયી તેમ જ મંથરા, હનુમાનજીના માતા અંજની, મહાભારતકાળમાં અંબા, અંબિકા, અંબાલિકા, પાંડવોની માતા કુંતિ, કૌરવોની માતા ગાંધારી, અહલ્યાબાઈ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, સરોજિની નાયડુ, કસ્તુરબા, સુચિતા ક્રિપલાની, શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત, મણિબેન પટેલ, દરબાર ગોપાલદાસના પત્ની ભક્તિબા સહિતનાં નારીરત્નોએ પોતાના સમયના સક્રિય રાજકારણમાં સિંહફાળો આપ્યો હતો.
ભારતમાં આઝાદીના સાત દાયકાઓમાં મહિલાઓના દરજ્જા, સ્થાન તેમજ સમાજની મહિલાઓ માટેની વિભાવનામાં નોંધનીય પરિવર્તન આવ્યું છે. હવે તેઓ અબળામાંથી સબળા બની છે. પરિવારથી પાર્લામેન્ટ સુધી નીતિ નિર્ધારણ ક્ષેત્રે મહિલાઓએ મહત્ત્વપૂર્ણ
યોગદાન આપ્યું છે. જોકે, રાજકારણનું ક્ષેત્ર મહિલાઓ માટે કપરી કસોટી સમાન છે. પાટલીબદલુઓની સમસ્યા, આયારામ-ગયારામની ખેંચાખેંચી, રાજકીય હુંસાતુંસી, મની, મસલ્સ તેમજ મેનપાવર અને પોલિટિકસ, પ્રોપર્ટી તેમજ પઝેશનનું પ્રભુત્વ મહિલાઓના વ્યક્તિની પરીક્ષા કરે છે. છતાં મહિલાઓને ક્યારેય કોઈ અટકાવી શક્યું નથી. રઝિયા સુલતાન તેનું બેનમૂન ઉદાહરણ છે. ભારતમાં અલુપા શાસનકાળમાં એક દસકો રાજ કરનાર સ્ત્રી શાસક, દસમી સદીમાં કાશ્મીરમાં રાજ કરનાર સુગંધા કોટા રાની કે પછી ભોપાલ સ્ટેટમાં માત્ર અઢાર વર્ષની ઉંમરે શાસન કરનાર ગોહર બેગમ એનાં ઉદાહરણ છે. ઈતિહાસ જેને સન્માને તેવાં અનેક નામ સત્તા અને શાસન માટેની ક્ષમતા માટેનો વિશ્ર્વાસ વધારે છે.
રાજકારણ એક જમાનામાં પુરુષપ્રધાન ક્ષેત્ર ગણાતું હતું. સોનિયા ગાંધીની માફક શીલા દીક્ષિતે પણ દિલ્હીમાં ‘આપ’ના ઉદય બાદ રાજકીય સંન્યાસની વાત કરેલી, પરંતુ ક્યારેય દિલ્હી કૉંગ્રેસના પ્રમુખ પદનો ત્યાગ ન કર્યો. સુષ્મા સ્વરાજ પણ પોતાના છેલ્લા શ્ર્વાસ સુધી રાજકીય ક્ષેત્રે સક્રિય હતાં. પૂર્વ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ આજે પણ પોતાના પક્ષને મજબૂત કરવા મહેનત કરે છે, દિવંગત સીએમ જયલલિતાએ કેટલાંયને હરાવ્યા-હંફાવ્યાં છતાં આસન ન ગુમાવ્યું, પશ્ર્ચિમ બંગાળમાં મમતા દીદી ઇડી અને પીએમ મોદી બન્ને સાથે લડીને અને જરૂર પડે ત્યારે રડીને રાજ કરી રહ્યાં છે. ભારતના સૌપ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એ ૨૦૨૦માં ક્ષેત્ર સંન્યાસની વાતો કરી અને ૨૦૨૨માં રાષ્ટ્રપતિ પદને સ્વીકારી લીધું.
આજે દુનિયાભરની મહિલાઓ એક યા બીજી રીતે લગભગ દરેક દેશના આ ક્ષેત્રમાં સ્થાન ધરાવે છે. ઇંગ્લેન્ડનાં માર્ગારેટ થેચર કે ભારતનાં ઇન્દિરા ગાંધીની પહેલાં શ્રીલંકામાં વિશ્ર્વમાં પ્રથમ મહિલા વડા પ્રધાન નિમાયાં હતાં. ૧૯૬૦માં જ્યારે શ્રીલંકા સિલોન તરીકે ઓળખાતું હતું. તે સમયે શીરીમાવો બન્દારનાઇકે પ્રથમ મહિલા વડા પ્રધાન બન્યાં હતાં. ત્યાર બાદ ૧૯૬૬માં ભારતના વડા પ્રધાન ઇન્દિરા ગાંધી વિશ્ર્વમાં બીજા અને ભારતનાં પ્રથમ મહિલા વડા પ્રધાન તરીકે ચૂંટાઇ આવ્યાં હતાં. જ્યારે ઇઝરાયલમાં પ્રથમ મહિલા વડા પ્રધાન ૧૯૬૯માં ગોલ્ડા મેઇર ચૂંટાયાં હતાં. ૧૯૭૯માં ઇંગ્લેન્ડમાં પ્રથમ મહિલા વડાપ્રધાન માર્ગારેટ થેચર ચૂંટાઇને આવ્યાં હતાં. હિલેરી ક્લિન્ટન અમેરિકાના પ્રેસિડન્ટ પદ માટે ચૂંટણી લડનાર પ્રથમ મહિલા નથી. ૧૮૭૨ની સાલમાં વિક્ટોરિયા સી વુડહલ ઇકવલ રાઇટ પાર્ટી તરફથી અમેરિકામાં પ્રેસિડેન્શિયલ પદ માટેના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યાં, જોકે જીતી શક્યાં નહોતાં. ૬૦ના દાયકા બાદ વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ તરીકે મહિલાઓએ સફળતાપૂર્વક પદ સંભાળ્યા બાદ સિત્તેર અને એંસીના દાયકામાં પણ મહિલાઓના રાજકીય ક્ષેત્રે સત્તા મેળવવા તરફ મક્કમ પગલાં ભરાતાં રહ્યાં, પરંતુ નેવુંના દાયકામાં તો લગભગ ૨૭ દેશોમાં મહિલાઓએ સત્તા સંભાળી હતી. તેમાં પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોનું નામ પણ છે, તો કેનેડા, જર્મની, નેધરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ, મંગોલિયા વગેરે સહિત બાંગ્લાદેશ, રુવાન્ડા જેવા ટચૂકડા અને સતત સંઘર્ષશીલ દેશો સામેલ છે. રુવાન્ડામાં અગાથે ઊવિલિન્ગીયીમાનાએ ૧૯૯૩માં વડા પ્રધાન પદ સંભાળ્યું અને વર્ષમાં જ તેમને ઠાર કરવામાં આવ્યાં હતા. શ્રીલંકા, ભારત, નોર્વે, નેધરલેન્ડ – ચાર જ દેશ એવા છે જ્યાં એકથી વધુ વાર મહિલાઓ વડાપ્રધાન કે રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચી હોય. હાલમાં બાંગ્લાદેશ, ફિનલેન્ડ, ક્રોસિયા, આયર્લેન્ડ, કાયઝિસ્તાન, લિબરિયા, લિથુનિયા અને સ્વિટ્ઝર્લેન્ડ સહિત ૮ દેશો એવા છે જ્યાં મહિલાઓ સરકાર ચલાવે છે.
સમગ્ર હિન્દુસ્તાનનું ધ્યાન હાલ ઈશાન ભારતના રાજકારણ પર કેન્દ્રિત છે. તેમાંય બ્રિટિશરો જેને ‘સ્કોટલેન્ડ ઓફ ઇસ્ટ’ તરીકે સંબોધતા એવા મેઘાલયમાં તો મહિલા મતદારો જ જીતની રણનીતિ તૈયાર કરે છે. મેઘાલયમાં સૌથી વધારે વસતી ધરાવતા ખાસી અને ગારો આદિવાસી સમાજ ‘પુરુષ પ્રધાન નહીં પણ મહિલા પ્રધાન’ સામાજિક વ્યવસ્થા ધરાવે છે. સંતાનોને પિતાની નહીં પણ માતાની અટક મળે છે. પુત્ર જન્મને બદલે પુત્રી જન્મને ઉમંગભેર વધાવવામાં આવે છે. પરિવારની સૌથી નાની પુત્રીને બધી મિલકત અને વારસો મળે છે. એ પુત્રી જ માતા-પિતા અને ભાઇ-ભાંડુની સંભાળ રાખે છે. કોઈ પરિવારમાં પુત્રી ન હોય તો દત્તક લેવાય છે. મહિલાઓ પર કોઇ જ પ્રકારના પ્રતિબંધો નથી. મહિલાઓ અન્ય જ્ઞાતિ કે સમાજમાં નિર્વિઘ્ને લગ્ન કરી શકે છે. લગ્ન કરવા, ન કરવા કે એકલા રહેવું તે નક્કી કરવાનો મહિલાઓને સંપૂર્ણ અધિકાર છે. મેઘાલયમાં સિંગલ વુમન ધરાવતા ૪૧ ટકા પરિવાર છે. ટૂંકમાં મહિલા અધિકાર અને નારી સન્માનની બાબતમાં મેઘાલય નંબર વન છે. મેઘાલયમાં બેટી બચાવો આંદોલનની જરૂર નથી પડતી.
ભારતમાં તો ગ્રામ પંચાયતથી માંડીને વિધાનસભામાં સ્ત્રીની અનામત બેઠકનો લાભ લેવા માટે જે તે પોલિટિકલ પાર્ટી કે પતિનું પ્યાદું બનીને સત્તારૂઢ થવું એ ઠીક છે, પણ પોતાનામાં શાસન કરવાની ઈચ્છા અને તાકાત છે એ સમજાય, પોતાના ઠોસ વિચારોને અમલમાં મૂકવાની હિંમત પોકારે ત્યારે એ મેળવેલ શાસન કે સત્તા ઐતિહાસિક અને ઉદાહરણીય બને છે.
સૌથી મોટો સવાલ એ છે કે, મહિલાઓ કેમ નિવૃત્ત થઇ શકતા નથી? મહિલા તો શું પુરુષો પણ રાજકારણને છોડી શકતા નથી. આખરે એવું તે કયું તત્ત્વ છે જે રાજકારણીઓને છોડતું નથી? ન્યૂઝીલેન્ડનમાં ૪૨ વર્ષીય મહિલા વડા પ્રધાન જેસિન્ડા આર્ડને હજુ થોડા સમય પહેલા જ રાજકારણને અલવિદા કહીને બધાને ચોંકાવી દીધા હતા. જેસિન્ડાએ કહ્યું હતું કે ‘મારે દેશને જે આપવાનું હતું એ મેં આપી દીધું છે. હવે મારી પાસે દેશને આપવા માટે નવું કંઇ નથી.’ આવું વિચારનારા પણ થોડાંક જ હોય છે. ભારતમાં આજ સુધી કોઈ મહિલા તો શું કોઈ રાજકારણીએ સ્વૈચ્છાએ રાજીનામું આપ્યું નથી અને ભવિષ્યમાં ફારગતિ લેશે પણ નહીં. કેમ? જ્યાં સુધી સત્તાનો મોહ મૃત:પ્રાય નહીં બને ત્યાં સુધી ‘રાજીનામું’ નામના શબ્દનો રાજકારણમાં ઉદય નહિ થાય. એટલે રાજીનામું શબ્દ પણ રાજકારણમાં અફવાનો પર્યાય બનીને રહી ગયો છે.