ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના પ્રચાર માટે આજે છેલ્લો દિવસ છે ત્યારે રાજકીય ગરમીનો પારો ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસ અને ભાજપના નેતાઓ એક બીજા પર આક્ષેપો પ્રતિ-આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પ્રચાર માટે આવેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પીએમ મોદીને રાવણ સાથે સરખાવીને વિવાદ ઉભો કર્યો છે. રવિવારે સુરતમાં એક જાહેરસભા દરમિયાન ખડગેએ પોતાને અસ્પૃશ્ય અને વડાપ્રધાન મોદીને જુઠ્ઠાણાના સરદાર પણ ગણાવ્યા હતા. ત્યારે હવે ભાજપે પણ વળતી પ્રતિક્રિયા આપી છે.
અમદાવાદના બહેરામપુરામાં એક જાહેર સભા સંબોધતા મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે, “અમને મોદીજીનો ચહેરો દરેક જગ્યાએ દેખાય છે. કોર્પોરેશનની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય. શું તમારી પાસે રાવણની જેમ 100 ચહેરા છે?.”
ખડગેએ વધુમાં કહ્યું, “હું જોઉં છું કે પીએમ મોદીના નામ પર વોટ માંગવામાં આવે છે, પછી તે કોર્પોરેશનની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણીઓ હોય, ઉમેદવારના નામ પર વોટ માંગો. શું મોદીજી આવશે નગરપાલિકામાં કામ કરવા? શું તે તમારી જરૂરિયાતના સમયે તમને મદદ કરશે?”
વડાપ્રધાન મોદીની સરખામણી રાવણ સાથે કરતા ભાજપના નેતાઓ રોષે ભરાયા છે. ભાજપના પ્રવક્તા અમિત માલવિયાએ વળતી પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પાર્ટી પર વડાપ્રધાનનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાત ચૂંટણીની ગરમી સહન કરી નથી શકતા. આ કારણે તેઓ પોતાના શબ્દો પરનો કાબૂ ગુમાવી રહ્યા છે અને પીએમ મોદીને ‘રાવણ’ કહી રહ્યા છે. કોંગ્રેસ સતત ગુજરાત અને તેના પુત્રનું અપમાન કરી રહી છે.
‘શું મોદીજી પાસે રાવણની જેમ 100 ચહેરા છે?’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની વડાપ્રધાન અંગે વિવાદાસ્પદ ટીપ્પણી
RELATED ARTICLES