કેતકી જાની
સવાલ: મારા પતિને કોરોનાકાળમાં બે વખત કોવિડ થયો હતો. તેઓ દવાખાનામાં બંને વાર દાખલ થઈ ખૂબ સીરિયસ હતા પણ કુદરતની દયાથી સારા થઈ ઘેર આવ્યા હતા. ઘણાં સમય સુધી અમે ઘરનાં સૌ કોરોનાને લીધે પરેશાન રહ્યા છીએ. હવે જીવન થોડુંથોડું પાટે ચડ્યું છે પણ એક નવો પ્રોબ્લેમ અમારી વચ્ચે આવ્યો છે. મારા પતિ હવે પહેલાની જેમ સેક્સ નથી કરી શકતાં. અમે બંને બહુ જ ડિસ્ટર્બ છીએ. આ વાત કોઈને કહેવાય તેમ પણ નથી, અમને લાગે છે હજી તેઓ બીમાર જ છે, શું કરવું?
જવાબ: તમે બંને જે પરિસ્થિતિથી ગુજરી રહ્યા છો, તેનાથી માત્ર તમે જ નહીં, બહેન ઘણાં લોકો ગુજરી રહ્યા છે. માટે મનમાં મુંઝાવ નહીં, કોવિડ — અને પુરુષની સેક્સ ડ્રાઈવ વચ્ચે સીધુંસટ કનેકશન છે એમ અનેક ડૉક્ટર્સ દાવો કરી ચૂકયા છે. કોવિડ થયાં બાદ વ્યક્તિમાં આવતાં અનેક પરિવર્તનોમાં નાદુરસ્ત સેક્સ લાઈફ માત્ર તમારા પતિના જ નહીં ઘણા પુરુષોના હિસ્સામાં આવી છે. માટે ચિંતા ના કરો. માત્ર આ જ કારણને લીધે તમને બંનેને લાગતું હોય કે તે બીમાર જ છે હજી સુધી તો તમારે સમજણ વધારવાની જરૂરત છે, પરંતુ આ સિવાય જો અન્ય કોઈ મુશ્કેલીઓ જે કોવિડ થયો ત્યારે પણ હતી તે તમારા પતિને પજવતી હોય તો તમારે એકવાર ડૉક્ટરનો સંપર્ક ચોક્કસ કરવો જરૂરી છે. કારણ કે આજકાલ ઘણાં બધા કેસ ડૉક્ટર્સ પાસે એવા આવી રહ્યા છે કે જેમાં પેશન્ટને કોવિડ થયાં બાદ પણ જીવન ગાડું તેના રેગ્યુલર રૂટ પર પરત નથી ફર્યું. કોવિડ નેગેટિવ થયાં હોય પણ છતાં ઘણા સમયથી કફ-શરદી સતત હોય, પણ કામકાજ બાદ થાક લાગી જતો હોય જે પહેલાં ના લાગતો હોય, વાળ પહેલાં કરતાં ધ્યાન જાય તેટલી વધુ તીવ્રતાથી ઊતરતા હોય, ક્યારેક ક્યારેક શ્ર્વાસ લેવામાં તકલીફ થતી હોય અને પહેલાની જેમ જે-તે કામ ચીવટતાથી કરવામાં તકલીફ થાય એટલે કે અટેંશન ડીસઓર્ડર જેવું લાગે તેવા જેને ‘લોંગ કોવિડ/ક્રોનિક કોવિડ/એક્યૂટ કોવિડ’ જેવા અનેકો નેક કેસો આજકાલ ડૉક્ટર્સ પાસે આવી રહ્યા છે. શરીરમાંથી વાટ/રસ ભલે નીકળી ગયો છે પણ તે તેની દૂરગામી અસરોવાળાં લક્ષણો શરીરમાં મૂકી ગયો છે, જે ઘણાં લોકોમાં આજકાલ દેખાઈ રહ્યા છે, તમારા પતિ માટે તમે આવું કંઈ છે કે કેમ? તે વહેલામાં વહેલી તકે ક્ધફર્મ કરાવો. તમે પ્રશ્ર્નમાં લખ્યું છે કે તમને બંનેને એવું લાગે છે કે હજી તેઓ બીમાર જ છે, આ સંદર્ભે તમને એકવાર ડૉક્ટર પાસે જઈ તમારા પતિની સેક્સ ડ્રાઈવમાં આવેલ તકલીફ અને અન્ય જે પણ પ્રોબ્લેમ છે તે લેશમાત્ર સંકોચ વગર કહો. પૂર્વવત સેક્સ ના કરી શક્વો, તમારી આ વાત કોઈને કહેવા જેવી નથી તેવું તમે શા માટે માનો છો? હકીકતમાં આ વાત કોઈમાંથી છુપાવવા જેવી નથી તેમ વિચારો. પોસ્ટ કોવિડ લક્ષણોથી આ થતું હશે તો ચોક્કસ તેઓ અને તમે બંને તંદુરસ્ત સેક્સ જીવન માણી શકશો તેવો વિશ્ર્વાસ રાખજો. કોવિડ રોગમાં લોહીની ગાંઠો થઈ જવી એટલે લોહી ગંઠાઈ જવું એ ખૂબ ચર્ચિત લક્ષણ હતું તેના જ કારણે નપુંસકતા આવવી તેને કોવિડ સાથે ડાયરેક્ટ સંબંધ હોવાનું મનાય છે. પુરુષના લિંગ ઉત્થાનમાં લોહીના પરિભ્રમણની તીવ્રતા એ જ એકમાત્ર જરૂરી તત્ત્વ મનાય છે, કોવિડને લીધે તે ખોરંભાય છે. માટે ધીરજ રાખી તમારા પતિને સપોર્ટ કરો. (ક્રમશ:) બધું જ ઠીક થઈ જશે અને હા, ડૉક્ટર પાસે ચોક્કસ જાવ, અસ્તુ.