હજારો દર્દીને રાહત, બે દિવસમાં અનેક ઓપરેશન થયા રદ
રાહત : મહારાષ્ટ્રમાં વિલંબિત માગણીઓ પૂરી નહીં કરતા મહારાષ્ટ્ર એસોસિયેશન ઓફ રેસિડન્ટ ડોક્ટર (માર્ડ) સોમવારથી હડતાળ પર ઊતર્યા હતા, જેમાં મહારાષ્ટ્રના પ્રધાને ૧,૪૩૨ સિનિયર ડોક્ટરની ભરતી કરવા સાથે અન્ય માગણી પૂરી કરવાની ખાતરી આપતા મંગળવારે રાતે સંગઠને હડતાળ પાછી ખેંચતા સરકારે રાહતનો શ્વાસ લીધો હતો. (જયપ્રકાશ કેળકર)
——
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રેસિડન્ટ ડૉક્ટરોએ સતત બીજા દિવસે પણ હડતાળ ચાલુ રાખતા મુંબઈની હૉસ્પિટલોમાં અનેક ઑપરેશનો રદ થયાં હતાં, જેને કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. છેવટે સરકાર સાથે બેઠકમાં સકારાત્મક ચર્ચા થયા બાદ હડતાળિયા ડૉક્ટરોએ પોતાની હડતાળ પાછી ખેંચી લીધી હતી. જુદી જુદી માગણીઓ સાથે બે જાન્યુઆરીથી રેસિડન્ટ ડૉક્ટરો હડતાળ પર ઊતરી ગયા છે અને જ્યાં સુધી સરકાર લેખિતમાં આશ્ર્વાસન નહીં આપે ત્યાં સુધી હડતાળ પાછી નહીં ખેંચવામાં આવે એવું ચોખ્ખા શબ્દોમાં રેસિડન્ટ ડૉક્ટરોએ સરકારને ચીમકી આપી હતી. રેસિડન્ટ
ડૉક્ટરોના પ્રતિનિધિમંડળ સાથે સકારાત્મક ચર્ચા થયા બાદ મેડિકલ ઍજ્યુકેશન મિનિસ્ટર ગિરીશ મહાજને કહ્યું હતું કેે રેસિડન્ટ ડૉક્ટરોને કોઈ પણ તકલીફ થાય નહીં માટે કાળજી લેવામાં આવી રહી છે. હૉસ્ટેલ માટે પ્રયાસ કરવામાં આવી રહી છે. ડૉક્ટરોના પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા બાદ તેઓએ હડતાળ પાછી ખેંચવાની તૈયારી બતાવી હતી.
રેસિડન્ટ ડૉક્ટરોની હડતાળ પાછી ખેંચાઈ ગઈ હતી, જોકે બે દિવસ દરમિયાન પાલિકા સંચાલિત હૉસ્પિટલોમાં ઓપીડીને અસર થવાની સાથે જ અનેક ઑપરેશન રદ થયાં હર્તાં. તેથી દર્દીને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.