શિવ-શક્તિનાં જ્યાં લગ્ન થયાં એ જ જગ્યાએ તમારે લગ્ન કરવાં છે?

ઉત્સવ

કેન્વાસ -અભિમન્યુ મોદી

તમારા લગ્ન થઈ ગયા ?, ન થયા હોય તો પણ તમે આ લેખ વાંચી શકો છો. ભારતમાં પહેલા ચોઘડિયા જોઈને લગ્ન થતા હતા. હજુ પણ થાય જ છે પરંતુ તેનું પ્રમાણ ઘટી ગયું છે. અત્યારે તો છોકરો-છોકરી તેના વ્યસ્ત સમયપત્રકમાંથી નવરા થાય એટલે લગ્નની તારીખ નક્કી કરી નાખે. એમાંય આજના લગ્નો તો દેખાડાનો પર્યાય બની ગયા છે. મધ્યમવર્ગથી માંડી ધનાઢ્યવર્ગ ડેસ્ટિનેશન વેડિંગના ઓઠા તળે લગ્નના ડેકોરેશનથી માંડી કેટરર્સ વગેરે પાછળ ધૂમ ખર્ચ કરી રહ્યા છે. આ નક્કી થાય પછી સ્થળની પસંદગી કરવામાં આવે છે. આજકાલ પેલેસનો ટ્રેન્ડ વધ્યો છે. એટલે લોકો રોયલ વેડિંગને વધુ પસંદ કરે છે. તો ઘણાંને પૌરાણિક સ્થળ પર લગ્ન કરવાની ઈચ્છા હોય છે. ત્યારે ભારતમાં એક સ્થળ એવું છે જ્યાં પૌરાણિક કહો, રોયલ કહો કે અત્યાધુનિક કહો.. અહીં દરેક વિચારોનો ત્રિવેણી સંગમ બને છે. આ સ્થળની વિશેષતા એ છે કે અહીં ખુદ મહાદેવ અને પાર્વતીજીના લગ્ન થયા છે.
હું વાત કરી રહ્યો છું… ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ સ્થિત ત્રિયુગી નારાયણ મંદિરની.., આમ તો આ મંદિર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીનું છે. પણ હજજારો વર્ષો પહેલા અહીંયા પાર્વતીજીએ શિવજીને પતિ સ્વરૂપે મેળવવા માટે તપ શરૂ કર્યું હતું. ટૂંકમાં કહું તો ત્રેતા યુગમાં દેવી સતીએ પોતાના પિતા પ્રજાપતિ દક્ષના યજ્ઞ કુંડમાં કૂદીને પ્રાણ ત્યાગ કર્યો હતો. ત્યાર બાદ દેવીએ હિમાવનરાજ અને મૈંનાવતીની પુત્રી પાર્વતીજીના રૂપે જન્મ લીધો. પાર્વતીજીએ કઠોર તપ કરી મહાદેવને પ્રસન્ન કર્યા હતા અને તપની ફલશ્રુતિ રૂપે તેમની સાથે લગ્ન કરવાનું વરદાન માગ્યું હતું. આ પ્રસ્તાવને સ્વીકાર્યા બાદ મહાદેવ વાજતે-ગાજતે તેની ભૂતમંડળીને લઈને આવ્યા હતા. પરંતુ પાર્વતીજીના માતા મૈંનાવતી મહાદેવના ભયંકર રૂપથી ડરી ગયા હતા. તેથી મહાદેવ તેમનો લુક ચેન્જ કરી, હેન્ડસમ હલ્ક બનીને રુદ્રપ્રયાગમાં પરત ફર્યા હતા. જે બાદ બ્રહ્માજીએ પુરોહિતની ભૂમિકા ભજવી હતી. લગ્નમાં સામેલ થવા માટે બ્રહ્માજીએ એક કુંડમાં સ્નાન કર્યું, જેને બ્રહ્મકુંડ કહેવાય છે. અહીં ભગવાન વિષ્ણુએ પાર્વતીજીના ભાઈની ભૂમિકા ભજવી હતી. એક કુંડ વિષ્ણુજીના નામનો પણ છે. બીજા એક કુંડનું નામ રુદ્ર કુંડ છે. અહીં વિવાહમાં આવેલાં દેવી-દેવતાઓએ સ્નાન કર્યું હતું. બ્રહ્માજીએ વેદો અને ઋચાઓના ગાન થકી શાોક્ત વિધિ-વિધાનથી શિવ-શક્તિના લગ્ન અહીં કરાવ્યા હતા. એ સમયે ભગવાન વિષ્ણુએ આ સ્થળને ‘ત્રિયુગી’ નામ આપ્યું હતું. કારણ કે અહીંયા ત્રિદેવ હાજર હતા. શક્તિ સ્વરૂપા પાર્વતીજી, જ્ઞાન સ્વરૂપા સરસ્વતીજી અને સમૃદ્ધિ સ્વરૂપા લક્ષ્મીજી હાજર હતા. શિવ-શક્તિના લગ્ન સમયે પ્રકૃતિનું અણુએ અણુ રોમાંચ અનુભવતું હતું. જેથી આ સ્થળમાં યુગોયુગો સુધી ન સર્જાય એવો શુભયોગ રચાયો હતો. એટલે આ સ્થળને ‘ત્રિયુગી’ બન્યું પણ મહાદેવની ઈચ્છા હતી કે અહીંયા ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા થાય જેથી તેમની આજ્ઞાથી અહીંયા ‘ત્રિયુગી નારાયણ મંદિર’ની સ્થાપના થઈ… આ મંદિરમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.
મંદિરમાં એક અખંડ ધૂણી છે. એના વિશે કહેવાય છે કે જે યજ્ઞવેદી બ્રહ્માજીએ પેટાવી હતી અને જેના ફેરા શિવ-શક્તિએ ફર્યાં હતાં આ એ જ અગ્નિ છે અને તે આજે પણ પ્રજ્વલિત છે. આજે તેમના ફેરાની અગ્નિ ધૂણી તરીકે જાગ્રત છે. આવો ભવ્ય વારસો મુઘલો અને અંગ્રેજોની આંખમાં કણાની માફક ખટકતો હતો. રુદ્રપ્રયાગના સ્થાનિકોનું એવું કહેવું છે કે, દિલ્હીમાં જયારે ઔરંગઝેબનું શાસન હતું. ત્યારે મંદિરોને નષ્ટ કરવાના તેના લિસ્ટમાં ‘ત્રિયુગી નારાયણ મંદિર’ પણ હતું. ઔરંગઝેબે ૧૦ વખત તેની સેના આ મંદિરનો નાશ કરવા માટે મોકલી હતી. પણ દુર્ગમ માર્ગો અને પહાડી વિસ્તારોથી ઘેરાયેલું આ મંદિર ક્યારેય ઔરંગઝેબની સેનાને મળ્યું જ નહીં. એ પછી ચાર્લ્સ હાર્ડિન્જ નામના અંગ્રેજ અમલદારને આ અંખડ ધૂણીને ઠારવાનો કુ-વિચાર સુજ્યો. એવું કહેવાય છે કે તેણે જેટલીવાર પ્રયત્નો કર્યા એટલીવાર ‘ત્રિયુગી નારાયણ મંદિર’ની આસપાસ વરસાદ વરસવાનું શરૂ થઈ જતું. ચાર્લ્સ હાર્ડિન્જના અથાગ પ્રયત્નો પછી પણ તે સફળ થયો ન હતો. એટલે જ છેલ્લા ૩ યુગોથી આ અગ્નિનું મહામાત્ય અકબંધ છે.
ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે એવો આ મંદિરનો ઇતિહાસ છે. તે હવે વેડિંગ ડેસ્ટિનેશન બની ગયું છે. ૩ વર્ષ પૂર્વે આકાશ અંબાણી અને શ્લોકા મહેતા પણ અહીં જ લગ્ન કરવાના હતા. પણ મંદિર પરિસરનો નિયમ છે. અહીં લગ્ન કરવા માટે ભપકાદાર સંગીત, ફટાકડા, અને ખાસ તો ડેસ્ટિનેશન વેડિંગમાં થતા દેખાડાની સખત મનાઈ છે. અહીં લગ્ન કરવા માટે મંદિરના ટ્રસ્ટમાં ૧૦૦ રૂપિયાની દક્ષિણા આપીને સાદાઈથી લગ્ન થઈ શકે છે. તેમાંય તમે જે રૂપિયા આપો તેમાંથી મંદિરના પૂજારી લગ્ન માટેની સામગ્રી ભેગી કરે છે અને અન્ય રીતિ-રિવાજોનું પણ પાલન કરાવે છે. જે લોકો તેમના લગ્નને
ભવ્ય બનાવવા માગે છે તેઓ અહીં ૧૧ હજારથી ૨૧ હજાર સુધીની દક્ષિણા તરીકે મંદિરમાં દાન કરે છે. અહીં કપલ્સ અને અન્ય મહેમાનોને રોકાવા
માટે ઘણાં ગેસ્ટ હાઉસ અને હોટલ્સ છે. અહીં ગઢવાલ મંડળ વિકાસ નિગમની હોટલ્સ પણ છે. ત્યાં તમે તમારા બજેટ પ્રમાણે જગ્યા બુક કરાવી શકો છો. પણ શરત માત્ર એટલી કે અહીં લગ્નમાં બહુ ભપકો નહીં કરવાનો.
ઉત્તરાંખડના રાજ્યમંત્રી ડૉ. ધનસિંહ રાવત અને આઈએએસ અપર્ણા ગૌતમ, સોની ટીવીની ફેમસ ટીવી સિરીઝ એફઆઈઆર ફેમ કવિતા કૌશિક સહિતના સેલેબ્રિટીઝ અહીં સાત ફેરા ફરી લગ્નના બંધનમાં બંધાયા હતા. આ થઈ મંદિરની વાત.. જો તમારે અહીં જવું હોય તો કેદારનાથનો જ રૂટ પકડી લેવાનો કારણ કે આ મંદિર કેદારનાથ મંદિરનો મુખ્ય પડાવ છે. એટલે યાત્રાળુ સરળતાથી અહીં પહોંચી જાય છે. ત્રિયુગી નારાયણ મંદિર અને કેદારનાથની વચ્ચે આશરે ૨૫ કિલોમીટરનું અંતર રહેલું છે. ત્રિયુગી નારાયણ મંદિર, હરિદ્વારથી આશરે ૨૭૫ કિલોમીટર દૂર આવેલું છે. ત્રિયુગી નારાયણ મંદિરથી નજીકનું ઍરપોર્ટ દહેરાદૂનનું છે જે ત્યાંથી આશરે ૨૪૪ કિલોમીટરના અંતરે આવેલું છે.
ત્રિયુગી નારાયણ મંદિરનું સ્થાપત્ય અને શિલ્પકામ કેદારનાથ મંદિર જેવું છે. આજથી આશરે ૧૨૦૦ વર્ષ પહેલા આદિ શંકરાચાર્યએ આ મંદિરનું પુન:નિર્માણ કરાવ્યું હતું. ત્યારથી લઈને આજસુધી મંદિર અડીખમ છે. એવું પણ કહેવાય છે કે અહીંયા જે લગ્ન કરે છે તેના દંપતી ૭ જન્મ સુધી એકબીજા સાથે જોડાય જાય છે. પણ હવે મહત્ત્વની વાત.. હું પહેલા જ ચોખવટ કરી લઉં કે કોઈની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાનો મારો હેતુ નથી. પણ ખુદ કવિતા કૌશિકના લગ્ન જીવનમાં ભંગાણના સમાચાર સામે આવ્યા હતા. પોતાના મેન્ટલ સ્ટ્રેસના નિવારણ અર્થે તેણે બિગ બોસ – ૧૪માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરી હતી. પણ ત્યાં તો તેમણે ભારે ધમપછાડા કર્યા હતા. અંતે બિગ બોસમાંથી નીકળી પતિ દેવના શરણે જ જવું પડ્યું હતું. અને છુટા-છેડાનો વિચાર તેમણે માંડી વાળ્યો હતો. તમે લગ્ન સાદાઈથી કરો કે લખલૂટ ખર્ચ કરીને.., ધાર્મિક સ્થળ પર કરો કે બેનક્વેટ હોલમાં…પતિ -પત્નીજો આજના પ્રેક્ટિકલ યુગમાં એકબીજાના વિચારોને સમજી શકશે તો લગ્ન સફળ થવાની સંભાવના છે.
લગ્નો તો વેન ડાયાગ્રામ જેવા હોય છે મેથ્સના. બે અલાયદા વર્તુળ પોતાનું અસ્તિત્વ ટકાવીને એકબીજાને છેદતી કોમન સ્પેસ નક્કી કરીને જોડાય. જેટલી એ કોમન સ્પેસ મોટી એટલા લગ્નજીવન સફળ જવાના ચાન્સીઝ વધુ. નેચરલી પોસિબલ ન હોય તો ટ્રાય કરવી પડે. જેનું નામ છે એડજસ્ટમેન્ટ. યાને બાંધછોડ. આપણું અણગમતું ય સામેના સ્વીકારીને આપણી ખામીને બદલે ખૂબીઓને બિરદાવી એનો આનંદ લે, તો આપણે ય એમની અમુક મર્યાદાઓ સ્વીકારી જે સારું છે..
આ લવ, ટ્રસ્ટ, રિસ્પેક્ટ કોઈ મોબાઈલ સ્ક્રીનગાર્ડ નથી કે ખરીદીને કોર્નર ટુ કોર્નર પ્રેશર કરીને ચોંટાડી દો. એ ક્રિએટ થાય બે રીતે : કોમ્યુનિકેશન એન્ડ ઈન્સિડન્ટસ. સંવાદ અને ઘટના. વિના પ્રયાસ બનતા કોઈ કટોકટીના બનાવ જેમાં કોઈનું હીર ઝળકે અને બીજાને પ્રભાવિત કરી જાય અને મોટી મોટી ફિલસૂફીઓ કે જોક્સ સિવાયની નાની-નાની નકામી લાગતી વાતોની વેવલેન્થ. ના.. ના.. હું સફળ દામ્પત્ય જીવનના પાઠ નથી શીખવતો.. આ તો જયારે યુગલ લગ્નની વેદીની ફરતે ફેરા ફેરે છે ત્યારે આવા જ કંઈક વચનોમાં બંધાય છે. તેમાં ‘ત્રિયુગી નારાયણ મંદિર’ જેવું પવિત્ર સ્થળ હોય તો તો વાત જ ન પૂછો.. પણ લગ્ન પછી બધું જ ઠારી ઠામ થઈ જાય તો શું કામનું?
અહીં જેમના લગ્ન થયા એ શિવ-શક્તિએ પ્રેમનું અનન્ય ઉદાહરણ છે. એવો જ અનન્ય પ્રેમ દરેક યુગલના મનમાં જાગે તો ખરા અર્થમાં શિવ-શક્તિની જેમ પ્રકૃતિનું અણુએ અણુએ રોમાંચ અનુભવે કે નહીં? તમારું શું કહેવું છે ?

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.