ભારતીયો હંમેશાં પોતાના વિરલ અને જવલંત ઈતિહાસ અને ધરોહરથી અજાણ રહ્યા છે અને વિદેશી પરંપરા, ઈતિહાસ, માનસિકતાએ આપણા પણ હજુયે એટલી જ પકક્ડ જમાવી છે. આ વાત સ્વીકારવી ગમે નહીં તો પણ ઘણે અંશે સાચી છે. સાચી ન હોત તો આજે આઠમી માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસની જેમ સોશિયલ મીડિયા પર મેસેજીસ, ઈમેજીસનો મારો ચાલ્યો હોત અને વિવિધ જગ્યાએ મહિલાઓ માટે કંઈક સ્પેશિયલ ઓફર્સ હોત. કાર્યક્રમો પણ યોજાયા હોત.
જી હા, આજે ભારતીય મહિલા દિવસ છે એટલે કે રાષ્ટ્રીય મહિલા દિવસ છે અને આ દિવસ ભારતના વિરાગંના, કવિયિત્રી, રાજકારણી અને સમાજસુધારક સરોજિની નાયડૂના જન્મદિવસ નિમિત્તે મનાવવામાં આવે છે. જેઓ ભારતનો આઝાદીનો ઈતિહાસ જાણે છે તેમને કહેવાની જરૂર નથી કે તેમનું યોગદાન ભારતીય સ્વતંત્રતા ચળવળ, રાજનીતિ અને મહિલા સશક્તિકરણમાં કેટલું છે. 13મી ફ્રેબ્રુઆરી, 1879ના રોજ હૈદરાબાદમાં જન્મેલા આ બંગાળી ચટોપાધ્યાય પરિવારની દિકરીએ તે સમયે મદ્રાસ, લંડન અને કેમ્બ્રીજમાં અભ્યાસ કર્યો હતો. અને ભારતને આઝાદીનો સૂર્ય બતાવી બીજી માર્ચ, 1949માં તેમણે દેહ છોડ્યો હતો.
સરોજિની નાયડુ ગાંધીજી દ્વારા કરવામાં આવેલા મીઠાના સત્યાગ્રહના એક અનિવાર્ય અંગ હતા અને ભારત છોડો આંદોલનમાં પણ તેમણે અગ્રેસર ભૂમિકા ભજવી હતી. 1925માં તેમણે ઈન્ડિયન નેશનલ ક્રોંગ્રેસનું સૂકાન સંભાળ્યું હતું અને આ પદ સંભાળનારા તેઓ પ્રથમ મહિલા હતા. એટલું જ નહીં, આઝાદી બાદ પ્રથમ મહિલા રાજ્યપાલ બનવાનો શ્રેય પણ તેમને જાય છે. તેઓ 15 ઓગસ્ટ 1947 to બીજી માર્ચ 1949 દરમિયાન ઉત્તર પ્રદેશ (યુનાઈટેડ પ્રોવિન્સ)ના રાજ્યપાલ બન્યા હતા. બ્રિટિશરાજમાં જ્યારે પ્લેગ ફાટી નીકળો હતો ત્યારે તેમણે કરેલી સેવાને બિરદાવવા ખુદ અંગ્રેજ શાસને તેમને કૈસર-એ-હિંદનું બિરૂદ આપ્યું હતું. જોકે તેઓ ભારતના કોકીલા એટલે કે નાઈટિંગલ ઓફ ઈન્ડિયાના નામથી વધારે જાણીતા થયા. તેમના શ્યામરંગ, કાવ્યો અને સુમધુર અવાજને જોઈ ગાંધીજીએ તેમને આ નામ આપ્યું હતું.અમેરિકા ખાતે તેમણે 1928માં વકવ્ય આપ્યું હતું અને ભારતની આ મહિલા એક નવા ભારતની પ્રતિનિધિ તરીકે ઊભરી આવી હતી. મહિલાઓની સમાજમાં સ્થિતિ સુધારવા અને ખાસ કરીને મહિલાઓને શિક્ષણ આપવાના ક્ષેત્રમાં તેમનું યોગદાન ઘણું ખાસ હતું. તેમના કાવ્યોમાં પણ રોમાન્સ સાથે દેશદાઝ અને સમાજને સુધારવાની તેમની ખેવના ઝળકતી હતી.
Beautiful! Proud of Bharat 🇮🇳!
Rare footage of India’s Sarojini Naidu speaking to Americans during a visit to the US in 1928.
— Erik Solheim (@ErikSolheim) February 6, 2023
“>
ગાંધીજી ઉપરાંત સરલા દેવી, ગોપાલક્રિષ્ણ ગોખલે, રવિન્દ્રનાથ ટાગોર સાથેના તેમના સંબંધો ઘણા ગાઢ હતા. તેમણે ગોવિંદારાજુ નાયડુ સાથે લગ્ન કર્યા હતા અને પાંચ સંતાન સાથે તેમણે સુખી સંસાર પણ જોયો. તેમના કાર્યો અને તેમના કાવ્યો બન્નેની યાદી ખૂબ મોટી છે. આજે તેમના જન્મદિવસે તેમને કોટિ કોટિ વંદન. અને હા, આપણા દેશની દરેક દિકરીમાં સરોજિની જેવી હિંમત અને પ્રતિભા છે, તેને સ્વીકારી તેને ખિલવાનો મોકો આપીએ ત્યારે જ ખરો નેશનલ વિમેન્સ ડે ઉજવ્યો ગણાશે.