મેલ મેટર્સ-અંકિત દેસાઈ

ગયા સપ્તાહે આપણે પુરુષોમાં વધી રહેલી એન્ક્ઝાઈટી વિશે વાત કરી. એવી જ એક બીજા પ્રકારની એન્ક્ઝાઈટી હોય છે રિલેશનશિપ એન્ક્ઝાઈટી. આ એન્ક્ઝાઈટી જોકે માત્ર પુરુષોમાં જ નથી જોવા મળતી. પુરુષ અને સ્ત્રી બંનેમાં લગભગ સમાન રીતે રિલેશનશિપ એન્ક્ઝાઈટી જોવા મળતી હોય છે, પરંતુ આપણે વાત કરવી છે માત્ર પુરુષોના સંદર્ભથી. આખરે પુરુષ જો રિલેશનશિપ એન્ક્ઝાઈટીનો સામનો કરતો હોય તો એની સાથે આ વિષય પર ચર્ચા કરવી જરૂરી બની જાય છે.
સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે રિલેશનશિપ એન્ક્ઝાઈટી છે શું? સાદી ભાષામાં સમજીએ તો રિલેશનશિપ એન્ક્ઝાઈટી એટલે કોઈ પણ રિલેશનશિપ કે લગ્નમાં એક પાર્ટનરને હંમેશાં એમ લાગે કે તેનો કે તેની પાર્ટનર તેને પ્રાથમિકતા આપતી નથી કે તેને અવગણે છે કે પાર્ટનરના જીવનમાં પોતાનું કોઈ મહત્ત્વ નથી. હવે આવું કેમ થાય છે તો તેની પાછળ અનેક કારણ જવાબદાર હોય. કોઈ વાર પાર્ટનરને એમ લાગે કે પાર્ટનરના જીવનમાં બીજી કોઈ વ્યક્તિનું મહત્ત્વ વધારે છે. તો કોઈ વાર એન્ક્ઝાઈટીથી પીડાતા પાર્ટનરને એમ લાગે કે તેના પાર્ટનર માટે તેનું કામ કે તેની કરિયર વધુ મહત્ત્વનાં છે. આવું ત્યારે જ બને છે જ્યારે એન્ક્ઝાઈટી અનુભવતા પાર્ટનરની અંદર પોતાના દેખાવ બાબતે અથવા તો પોતાના કામ બાબતે કે પછી પોતાના આત્મવિશ્ર્વાસ બાબતે લઘુતા હોય.
પણ યસ, આ મોડર્ન રિલેશનશિપમાં હવે પુરુષો રિલેશનશિપ એન્ક્ઝાઈટી અનુભવે છે એ વાત એકદમ સાચી છે અને આવું જ્યારે થાય છે ત્યારે પુરુષ હંમેશાં એક શોધમાં રહે છે કે તેની પાર્ટનરના જીવનમાં તેનું વજૂદ શું છે? કે પછી તેની વેલ્યુ શું છે? અને આ સવાલોની શોધમાં ને શોધમાં પુરુષ મનમાં જ પરણીને મનમાં જ રંડાતો હોય છે અને આવા સવાલોના જવાબોની શોધમાં મોટા ભાગે તેને ખોટા જવાબો જ મળતા હોય છે, કારણ કે તેની પાર્ટનર તો આમેય આખી વાતથી અજાણ હોય છે. એમાં વળી, એ પોતાના જીવનની મથામણોમાં વ્યસ્ત હોય. ત્યાં પાર્ટનરના વજૂદ ટેસ્ટમાં ક્યાં એ સતત પાસ થતી રહેવાની? અને વજૂદ ટેસ્ટના માપદંડ શું હોય? એ માપદંડો પણ શંકાથી ભરેલા જ હોવાના, જેમ કે મારા મેસેજના રિપ્લાય્ઝ કેટલી વારમાં આવે છે અને બીજાને કેટલી વારમાં રિપ્લાય્ઝ મળે છે. મને જમવાનું પહેલાં પૂછે છે કે નહીં? મારાં કપડાં વ્યવસ્થિત મૂકે છે કે નહીં? મારું ભાવતું ખાવાનું બનાવ્યાને કેટલાય દિવસો થઈ ગયા. બ્લાં બ્લાં બ્લાં સાવ ક્ષુલ્લક વિચારો અને સાવ ક્ષુલ્લક માપદંડો. પછી થાય શું? તો કે આવા ક્ષુલ્લક વિચારોને પ્રાથમિકતા આપવા માટે પાર્ટનર આમેય રેડી ન હોય એમાં વળી ઓલો એન્ક્ઝાઈટીનો શિકાર થયેલો પાર્ટનર સતત ઝંખના રાખતો
હોય કે તેને પ્રાથમિકતા અપાય. તે વળી કેમ શક્ય બને? એટલે પછી તેના મનમાં બીજા વિચારોનાં જાળાં ગૂંથાય, જેને પગલે થાય એવું કે રિલેશનશિપમાં ક્યાં તો ઉચાટ આવી જાય અને સાવ નાની નાની બાબતોએ પાર્ટનર્સ વચ્ચે તનાવ થવા માંડે અથવા તો પછી એન્ક્ઝાઈટી અનુભવતો પાર્ટનર ધીમે ધીમે મૌન થવા માંડે અને સંબંધની પરિભ્રમણકક્ષામાંથી બહાર નીકળવા માંડે અને બંને કિસ્સામાં અંતત: ક્યાં તો સંબંધ તૂટી જાય છે અથવા સંબંધમાં ચોક્કસ અંતર અને મર્યાદા આવી જાય છે.
અને આ રીતે સંબંધ સ્મશાન સુધી પહોંચી જાય એમાં ભૂલ કોની ગણવી? તો કે જેણે કારણ વિના પાર્ટનર વિશે અમુક વિચારો કર્યા કે જે કારણ વિના લઘુતા અનુભવીને પાર્ટનર પર શંકા કરતો રહ્યો એ જ. પાર્ટનરની તો આમાં રજમાત્ર ભૂલ નથી. તો પછી આ રિલેશનશિપ એન્ક્ઝાઈટીમાંથી બહાર આવવા શું કરવું? અને એવું તે શું કરી શકાય કે જેનાથી પાર્ટનર અમુક પરીક્ષાઓ આપવામાંથી પણ બચી જાય અને સંબંધ પણ ટકી જાય. વળી જે પાર્ટનર એન્ક્ઝાઈટી ફીલ કરે છે એને પણ માનસિક પરિતાપમાંથી તો બચાવવાનોને? એટલે ચોક્કસ ઉપાયો તો જોઈશે જ. આવતા મંગળવારે વાત કરીએ એ ઉપાયો વિશે. (ક્રમશ:)

Google search engine