મોંઘાદાટ લાકડાની વાત થાય તો તરત ચંદનનું લાકડું મગજમાં આવે. ચંદનનું લાકડું કિલો લો તો લગભગ સાત થી આઠ હજાર ચૂકવવા પડે, પણ જો તમારે એક કિલો લાકડાનો ભાવ રૂ. સાત કે આઠ લાખ ચૂકવવાનો થાય તો…હા ભઈ બરાબર લખ્યું છે, ટાઈપિંગ મિસ્ટેક નથી. દુનિયાનું આ સૌથી મોંધુ લાકડું છે અને આ ભાવે જ વેચાય છે. આ લાકડું છે આફ્રિકન બ્લેકવૂડ.
દુનિયાના માત્ર વીસેક જેટલા દેશમાં આ ઝાડ ઉગે છે. 20થી 40 ફૂટની ઊંચાઈ ધરાવતા આ વૃક્ષો સેનેગલ પૂર્વથી ઈરિટ્રીયા સુધી આફ્રિકાના સૂકા પ્રદેશો અને દક્ષિણ આફ્રિકાના ઉત્તર પૂર્વીય ભાગોમાં મળે છે. આ વૃક્ષોને યોગ્ય રીતે મોટા થતાં લગભગ 60 વર્ષ લાગે છે. દુઃખની વાત તો એ છે કે આ લાકડામાં રોકડી થતી હોવાથી તે માફિયાઓની રડાર પર હોય છે અને તેઓ વૃક્ષો મોટા ન થાય તે પહેલા જ કાપી નાખે છે.
આ વૃક્ષોમાંથી શરણાઈ, ગિટાર તેમ જ વાંસળી બને છે. આ સાથે ખૂબ લાંબા સમય સુધી ટકે તેવા ફર્નિચર બનાવવા માટે આનો ઉપયોગ થાય છે.