પિતાની સલાહ તમને સાંભળવી ગમે છે?

ઇન્ટરવલ

આનન-ફાનન-પાર્થ દવે

આપણા પરિવારમાં પિતા એક એવું પાત્ર છે, જે બહુ વ્યક્ત નથી થતું. તેનાં કારણો ઘણાં છે. આર્થિક સ્ટેબિલિટી માટેની દોડ અને પરિવારની જવાબદારી તથા પુરુષ હોઈ એક પ્રકારની આવી જતી સામાજિક જવાબદારી. આ બધા વચ્ચે તે પોતાની જિંદગીને બેલેન્સ કરવાની કોશિશ કરતા રહે છે

થોડા દિવસો પહેલાં ‘જર્સી’ ફિલ્મ જોઈ. મૂળ એ જ નામની તેલુગુ ફિલ્મની સત્તાવાર રિમેક એવી આ ફિલ્મ સ-રસ બની છે. તેલુગુ અને હિન્દી બેઉ વર્ઝન જોવાલાયક છે. કોરોના સહિતનાં અમુક કારણોસર હિન્દી વર્ઝનને દર્શકો નથી મળ્યા, પણ જોવાલાયક એટલે છે કે ફિલ્મમાં ‘હીરો’ની વાત છે, પણ જીતતા હીરોની નહીં, ‘હારતા’ હીરોની. આપણે ત્યાં હીરો હંમેશાં જીતતો જ હોય અથવા જે જીતે એ હીરો જ હોય! ‘જર્સી’માં નિષ્ફળ નાયકની વાત છે.
આપણે ત્યાં ફિલ્મો કે નવલકથાઓ પણ મોટા ભાગે સફળ લોકો પર બને છે, જે ૧૦૦માંથી એકાદ હોવાના, કદાચ. બાકીના જે નવ્વાણું છે તેમનું શું? જેઓ સામાન્ય માણસો છે. દક્ષિણ ભારતની ફિલ્મો અત્યારે વધુ ચાલવાનું કારણ પણ આ સામાન્યતા છે, કારણ કે તેમાં રંગેરૂપે સામાન્ય દેખાતા લોકો વધુ હોય છે. બીજું, સામાન્ય વ્યક્તિ પણ તેના પરિવાર માટે તો હીરો હોય જ છે. આખી દુનિયા તમારો અસ્વીકાર કરે, તરછોડે, હતોત્સાહ કરે, પણ પરિવારમાંથી એક સભ્ય તમારા પડખે ઊભો હોય, તમને સમજતો હોય તો તે જિંદગી જીવી નાખવા માટે કાફી છે! એમાં પણ તે વ્યક્તિ તમારો પુત્ર હોય તો?
‘જર્સી’નો નાયક એક જગ્યાએ એ પ્રકારનું કહે છે કે મને બધાએ નાકામ ને નિષ્ફળ માની લીધો હતો. બધાને એમ જ હતું કે હું જીવનમાં કંઈ જ નહીં કરી શકું. મારી જિંદગી આમ જ – વ્યર્થ પૂરી થઈ જશે, ત્યારે એક નજર એવી હતી જેનામાં મને મારા માટે વિશ્ર્વાસ દેખાતો હતો. તે મારા દીકરાની નજર. મારા દીકરાએ ક્યારેય મને જજ નથી કર્યો. મારી નિષ્ફળતા, નાકામી, હારને કારણે તેના પ્રેમમાં ઓટ નથી આવી. હું જે કરું છું તે તેને પસંદ છે. તેનો હીરો સ્પાઇડરમેન કે સુપરમેન નથી, હું છું. – આ વાત દરેકને લાગુ પડે છે. જાણેઅજાણે આપણે પણ આવો સ્વીકારભાવ, નજીકની વ્યક્તિ પાસે ઝંખતા હોઈએ છીએ.
પિતા અને પુત્રના સંબંધ વિશે લખાયું છે, પણ બહુ નહીં. આપણા પરિવારમાં પિતા એક એવું પાત્ર છે જે બહુ વ્યક્ત નથી થતું. તેનાં કારણો ઘણાં છે. આર્થિક સ્ટેબિલિટી માટેની દોડ અને પરિવારની જવાબદારી તથા પુરુષ હોઈ એક પ્રકારની આવી જતી સામાજિક જવાબદારી: આ બધા વચ્ચે તે પોતાની જિંદગીને બેલેન્સ કરવાની કોશિશ કરતો રહે છે. બહુધા બાપ પોતાનો આનંદ વ્યક્ત નથી કરી શકતા. પોતાના ડર અને આંસુ પણ નહીં. તે જિંદગીભર તમારા પિલર બની ઊભા રહશે, તમને મજબૂતી બક્ષસે, પણ સીધો પ્રેમ વ્યક્ત નહીં કરી શકે! કદાચ એ જ પ્રેમ છે!
એક બાબત માર્ક કરી છે કે પિતામાં પેશન્સ બહુ હોય છે. જીવનના જુદા જુદા તબક્કે તમને અલગ પિતા દેખાય છે. જે વાત તમે અગાઉ નહોતા સમજતા, નહોતા સમજી શકતા તે હવે સમજો છો. તમને ખ્યાલ આવે છે કે પિતા સાચા હતા! મારા મિત્રના પપ્પા યુવાનીમાં આવ્યા ત્યારે તેમના પિતા એટલે કે મિત્રના દાદા સાથે કામમાં જોડાયા. બંને બાજુ બાજુમાં બેસતા. વર્ષો બાદ, એ જ રીતે મારો મિત્ર પણ કોલેજ દરમ્યાનથી તેના પપ્પા સાથે જોડાયો. બંને સાથે બેસે. કામને લઈને ચર્ચા થાય. એ સિવાયની પણ ચર્ચા થાય. મિત્રના જીવનમાં સારા-ખરાબ તબક્કા આવતા ગયા. આખો દિવસ પપ્પા બાજુમાં બેસે એટલે પહેલા સાંભળનાર એ થયા. મિત્ર બધું શેર કરે. એક દિવસ મિત્રએ મને કહ્યું કે ‘યાર, બાપા બધું જ સમજે છે! હી નોઝ એવરીથિંગ!’
આ કોઈ મહાન ઘટના નથી. એવી કોઈ વાતની મેં ખોલ પણ નથી આપી, પણ પપ્પા બધું જ સમજે છે તે ફીલિંગ મહત્ત્વની છે. ગામમાં એક શિલ્પી હતો જે જુદી જુદી પ્રતિમા બનાવતો અને કમાતો. તેનો છોકરો પણ નાનપણથી પ્રતિમા બનાવતો. છોકરો અમુક ભૂલો કરતો તો તેના પર પિતા ધ્યાન દોરતા. છોકરો સમજતો અને તેના પર ધ્યાન આપીને, વધુ સ-રસ આકૃતિ ઘડતો.
થયું એવું કે છોકરાનું કામ વધુ સરસ થવા લાગ્યું. લોકો પિતા કરતાં તેના પુત્રને વધુ રકમ આપીને મૂર્તિઓ ખરીદવા લાગ્યા. પિતા તો જૂની કિંમતે જ વેચી રહ્યા હતા. પિતા હજુ પણ ક્યારેક ક્યારેક તેની ભૂલો કાઢતા, જે હવે છોકરાને ગમતું નહોતું. એક દિવસ કંટાળીને છોકરાએ પપ્પાને કહ્યું, ‘તમે મારી ભૂલો કાઢો છો જાણે તમે મારા કરતાં મોટા શિલ્પકાર હો! જો એવું જ હોય તો તમારી પ્રતિમાઓ મારા કરતાં વધુ કિંમતે વેચાવી જોઈએને! મને તમારી સલાહની હવે જરૂર નથી. મારું કામ પરફેક્ટ છે!’
ત્યાર પછી પિતાએ દીકરાને સલાહ આપવાની બંધ કરી દીધી. થોડા દિવસો છોકરો ખુશ રહ્યો, પણ ત્યાર બાદ લોકોએ તેના સર્જનને વખાણવાનું બંધ કર્યું અને તેને મળતી કિંમત પણ ઘટી ગઈ. છોકરો આ સમજી ન શક્યો. તે ફરી પિતા પાસે ગયો અને આ બધી વાત કરી. પિતા કંઈ ન બોલ્યા. છોકરાએ પૂછ્યું, ‘પપ્પા, તમને ખબર હતી આ બધું થવાનું છે?’ પિતાએ કહ્યું, ‘હા, કેમ કે વર્ષો પહેલાં હું પણ આ જ પરિસ્થિતિમાંથી પસાર થયો છું!’
દીકરાએ કહ્યું, ‘તો પછી મને કેમ નહોતું કહ્યું તમે?’
પિતાએ કહ્યું, ‘કેમ કે તારે એ સમયે સમજવું જ નહોતું. મને ખબર છે હું તારા જેટલાં સુંદર શિલ્પો નથી બનાવતો. એ પણ શક્ય છે કે અમુક વખત મારી સલાહ યોગ્ય નહીં હોય અને મારી સલાહના કારણે જ તું સરસ કામ કરે છે તે સંપૂર્ણ સાચું પણ નથી, પણ જ્યારે જ્યારે તારા કામ માટે તું પોતે સેટિસ્ફાય નથી હોતો ત્યારે ત્યારે તેને ઇમ્પ્રુવ કરવાની તું કોશિશ કરે છે.’
પિતાએ આગળ કહ્યું, ‘તારી સફળતાનું રહસ્ય સુધારા સાથે વધુ ને વધુ સારું કામ કરતા રહેવું તેનો નિશ્ર્ચય હતો, પણ જ્યારે તને તારા કામથી સંતોષ થવા લાગ્યો, તને થયું કે તું પરફેક્ટ છો, ત્યારથી તારો ગ્રોથ અટકી ગયો…’
ચૂપચાપ સાંભળ્યા બાદ દીકરાએ પૂછ્યું, ‘તો હું શું કરું હવે?’
પિતા કહે છે, ‘અસંતુષ્ટ બનતાં શીખ! તું જે કામ કરીશ એમાં વધુ સારું કેમ થઈ શકે તે વિશે વિચાર. આ બાબત તને હંમેશ પ્રેરણા આપશે.’
આ નાની, પણ મજેદાર વાત પરથી એ પણ શીખવા મળે છે કે પિતાની વાત સાંભળવી. તેમની વાત કે સલાહ પહેલી વખત કદાચ આઉટડેટેડ લાગે, પણ પાછળથી સમજાતી હોય છે! ત્યાં સુધી મોડું ન થઈ ચૂક્યું હોય તેનું ધ્યાન રાખવું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.