Homeપુરુષમિલ્ખા સિંહને હરાવનાર ટ્રક ડ્રાઈવરને તમે ઓળખો છો?

મિલ્ખા સિંહને હરાવનાર ટ્રક ડ્રાઈવરને તમે ઓળખો છો?

કવર સ્ટોરી -રાજેશ યાજ્ઞિક

ભારતીય રમતગમતની દુનિયામાં જેને દંતકથા રૂપ ખેલાડીઓ કહેવાય તેમાં મિલ્ખા સિંહનું નામ શિરમોર છે. ખાસ એટલા માટે, કેમકે એથ્લેટિક્સની રમતમાં ભારત તરફથી સફળતા મેળવનાર ખેલાડીઓ બહુ ઓછા છે. મિલ્ખા સિંહને તો પાકિસ્તાનના જનરલ અયુબ ખાને ‘ફ્લાઈંગ શીખ’ના બિરુદથી નવાજેલા. પણ મિલ્ખા સિંહ જેવા રમતવીરને હરાવીને ગોલ્ડ મેડલ જીતનાર પણ કોઈ હતું. અફસોસ, કે એ નામ ગુમનામીની દુનિયામાં ચાલ્યું ગયું. આજે મિલ્ખા ઉપર ફિલ્મ પણ બને છે, પરંતુ તેને ટક્કર આપનાર એ પ્રતિભાશાળી ખેલાડીને કોઈ ઓળખતું સુધ્ધાં નથી. તકલીફો અને અભાવોની વચ્ચે જીવીને એ શખ્સ આ દુનિયામાંથી ચાલ્યો ગયો.
આપણે વાત કરી રહ્યા છીએ ભારતીય રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મિલ્ખા સિંહને માત આપનાર એકમાત્ર ખેલાડી માખન સિંહની. મિલ્ખાની માફક માખન સિંહ પણ પંજાબના હતા. પંજાબના હોશિયારપુરના માખન સિંહ ભારતીય સેનામાં ભરતી થયા હતા અને દોડવાનો શોખ ધરાવતા હતા.
૧૯૩૭માં જન્મેલા માખન સિંહના બાળપણ વિશે બહુ ઓછી વાતો જાણવા મળે છે. પણ તે સમયે શીખ બાળકોની જેમ તેને પણ સેનામાં ભરતી થવું હતું અને દેશ સેવા કરવી હતી. તેના દોડવાના શોખને કારણે તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ ઉપર સ્પર્ધાઓમાં ભાગ લેવાનો મોકો મળ્યો. માખને દેશને નિરાશ નહોતો કર્યો અને મેડલો
જીત્યાં હતાં.
મિલ્ખાને આપી માત
સેનામાં ભરતી થવાનું સુખદ પરિણામ એ આવ્યું કે માખન સિંહને જરૂરી તેવી તૈયારી કરવાની તક મળી. અને તેનાં સારાં પરિણામો પણ જોવા મળ્યા. માખન સિંહે ૧૯૫૯માં કટકમાં નેશનલ ગેમ્સમાં ૪૦૦ મીટર દોડમાં તેનો પહેલો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારબાદ તેમની સફળતાનો સિલસિલો ચાલુ રાખી, ૧૯૬૦માં મદ્રાસમાં સિલ્વર અને ગોલ્ડ અને ૧૯૬૩માં ત્રિવેન્દ્રમમાં સિલ્વર મેડલ જીત્યો. પણ ખરી કમાલ માખન સિંહે ૧૯૬૨માં કરી, એવી કમાલ જે ત્યાર સુધી કોઈ કરી શક્યું નહોતું.
૧૯૬૨માં કલકત્તા નેશનલ ગેમ્સમાં ૪૦૦ મીટર દોડમાં મિલ્ખા સિંહને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો! આ સ્પર્ધા પછી દેશ જ નહીં, આખી દુનિયાની નજર માખન સિંહ ઉપર પડી.
મિલ્ખા સિંહ, જેણે ૧૯૬૦ રોમ ઓલિમ્પિકમાં જબરજસ્ત ફાઇટ આપીને ચોથા સ્થાને આવીને દેશ અને દુનિયામાં તહેલકો મચાવેલો તેને બે વર્ષ પછી ઘર આંગણે હરાવવો નાનીસૂની સિદ્ધિ નહોતી. આ સ્પર્ધામાં તેમણે ચાર ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા હતા.
સફળતા સતત ચાલુ રહી
તેણે ૧૯૬૨માં જકાર્તામાં એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું, જ્યાં તેણે ૪ ડ્ઢ ૪૦૦ મીટર રિલેમાં ગોલ્ડ અને ૪૦૦ મીટરમાં સિલ્વર મેડલ જીત્યો. દેશ માટે તેની દોડ ચાલુ જ રહી. ૧૯૫૯ થી ૧૯૬૪ વચ્ચે માખન સિંહે ૧૬ મેડલ જીત્યા, જેમાં ૧૨ ગોલ્ડ, ૩ સિલ્વર અને ૧ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થતો હતો.
પેટ ભરવા બનવું પડ્યું ટ્રક ડ્રાઈવર
૧૯૬૪માં ભારત સરકારે માખન સિંહને દેશના રમતગમત માટેના સર્વોચ્ચ સમ્માન અર્જુન ઍવોર્ડથી નવાજ્યા. માખન સિંહે ૧૯૭૨ સુધી ભારતીય સેનામાં સેવા આપી અને સુબેદારની રેન્ક સાથે નિવૃત્ત થયાં. કરમની કઠણાઈ અહીંથી શરૂ થઇ.
માખન સિંહે નિવૃત્તિ પછી ગુમનામીના અંધકારમાં
ગુમ થઇ જવાનો વારો આવ્યો. વિશ્ર્વમાં ભારતનો ઝંડો લહેરાવનાર રમતવીર, દેશની સેનામાં સેવા આપનાર સૈનિક હોવા છતાં તેના પરિવારનું ગુજરાન ચલાવવું તેમના માટે મુશ્કેલ હતું.
માખને ટ્રક ચલાવવાનું શરૂ કર્યું. પણ બદનસીબી જાણે તેનો પીછો છોડવા તૈયાર નહોતી. માખન સિંહ એક રોડ અકસ્માતમાં ઘાયલ થયા અને તેમના બંને પગમાં ઈજાઓ થઇ. સારી રીતે ઈલાજ કરાવી શકાય તેટલા પૈસા તેની પાસે હતા નહીં અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું નામ રોશન કરનાર, અર્જુન ઍવોર્ડ વિજેતાને સરકાર તરફથી કોઈ મદદ મળી નહીં. પરિણામે તેમના એક પગમાં ગેન્ગરિન થવાથી કાપવો પડ્યો. જેના પગ પૈડાંની જેમ દોડતાં હતાં, તેને ચાલવાના પણ વાંધા થઈ ગયા.
તેમના બે પુત્રો, ઈન્દરપાલ સિંહ (૧૪ વર્ષ) અને ગુરવિંદર સિંહ (૨૨ વર્ષ), પણ બીમારીનો ભોગ બન્યા અને યોગ્ય તબીબી સહાયના અભાવને કારણે બંને મૃત્યુ પામ્યા.
ત્યારબાદ ગામથી ત્રણ કિલોમીટર દૂર છાબેવાલમાં તેમણે એક સ્ટેશનરીની દુકાન શરૂ કરી. એક પગ ન હોવા છતાં, સાઈકલ ચલાવીને રોજ આવનજાવન કરતા હતા. પણ તેમનો એક પગ તેમના જીવતરનો ભાર વધારે ખમી શક્યો નહીં. માખનને મદદ કરવા મિલ્ખા સિંહે તેમને કેરોસીન ઓઈલ ડેપો અપાવવામાં મદદ કરી. પણ માખન તેમાંથી એટલું કમાઈ નહોતા શક્યા કે એક સમ્માનભરી જિંદગી જીવી શકે.
ટ્રેક એન્ડ ફિલ્ડમાં હાર ન માનનાર માખન સિંહ આખરે વર્ષ ૨૦૦૨માં જિંદગીનો જંગ હારીને દુનિયામાંથી વિદાય થયા. તેમના પત્ની અને ત્રીજો દીકરો તેમની પાછળ રહ્યા. તેમનો દીકરો પાંચ આંકડાનો પગાર પણ ન મળે તેવી મામૂલી નોકરી કરીને માંડમાંડ ગુજરાન ચલાવે છે.
૧૯૬૪માં અર્જુન ઍવોર્ડ મેળવ્યા પછી લગભગ પચાસ વર્ષે તેમની પત્નીએ ઍવોર્ડ વેચવા મૂકવાનો વારો આવ્યો. તેમણે કહ્યું, ‘મારા પતિ નથી રહ્યા. જો મને કંઇક થઇ જાય તો? આ ઍવોર્ડ વેચવાથી મારા પરિવારને કંઈક ખાવા તો મળશે.’ થોડી કડવાશ સાથે માખન સિંહની પત્નીએ કહ્યું કે, ‘મિલ્ખા સિંહને લોકોએ હીરો બનાવી દીધો, પણ મિલ્ખાને હરાવનારને ભુલાવી દેવાયો.’
જ્યારે તેમના તાલીમના સાથીદાર અને સ્પર્ધક વિશે પૂછવામાં આવ્યું ત્યારે મિલ્ખા સિંહે ટિપ્પણી કરી:
જો ટ્રેક પર મને કોઈનો ડર હતો, તો તે માખન હતો. તે એક શાનદાર એથ્લેટ હતો, જેને કારણે મારી શ્રેષ્ઠતા બહાર આવી. હું તેને પાકિસ્તાનના અબ્દુલ ખાલીક કરતાં પણ વધારે રેટ કરીશ.
અમે વર્ષો સુધી સાથે રહ્યા અને પ્રેક્ટિસ કરી. મને નથી લાગતું કે તે પછી આપણે ભારતમાં ૪૦૦ મીટર ઈવેન્ટમાં કોઈ સારી સ્પર્ધા જોઈ હોય.
તે સમયે અને કદાચ મહદઅંશે આજે પણ નિવૃત્ત સૈનિકો અને રમતવીરોની અવદશા પ્રત્યે બાબુઓ અને નેતાઓનું ઉદાસીન વલણ રહ્યું છે.
દેશને આદર અને સમ્માન અપાવનાર સૈનિકો અને રમતવીરો તેમના પાછલા જીવનમાં આદર અને સમ્માન સાથે જીવી શકે તેવી આર્થિક વ્યવસ્થાની રચના થવી આવશ્યક છે. તો જ આપણે યુવા પેઢીને રમતગમતમાં કારકિર્દી બનાવવા આકર્ષી શકીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular