ગુમનામીમાં મૃત્યુ પામનારા ભારતીય ત્રિરંગાના જનક પિંગલી વેન્કૈયાને ઓળખો છો?

પુરુષ

પ્રાસંગિક-અનંત મામતોરા

૨ ઓગસ્ટ, ૧૮૭૬ના રોજ આંધ્ર પ્રદેશના મછલીપટ્ટનમમાં એક તેલુગુ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા પિંગલી વેન્કૈયાનું નામ ભલે આજે દરેક લોકો ઓળખતા ન હોય, પરંતુ આ એ જ વ્યક્તિ છે જેણે આપણને રાષ્ટ્રધ્વજ એટલે કે ત્રિરંગો આપ્યો હતો. વેન્કૈયાએ જ ભારતનો રાષ્ટ્રધ્વજ બનાવ્યો હતો. વેન્કૈયાએ બલિદાન, સમૃદ્ધિ અને શાંતિના પ્રતીક સમા આ ત્રિરંગાને રાષ્ટ્રધ્વજનો દરજ્જો અપાવવા માટે લાંબી લડાઈ લડી હતી.
ઘણી ભાષાઓ અને ખેતીનું સારું જ્ઞાન ધરાવતા પિંગલીએ પોતાનું મોટા ભાગનું જીવન દેશની સેવામાં વિતાવ્યું. તેમના પિતાનું નામ હનુમંતરાયુડુ અને માતાનું નામ વેંકટરત્નમ્મા હતું. મદ્રાસમાંથી હાઈ સ્કૂલમાં સ્નાતક થયા પછી, તેઓ સ્નાતક થવા માટે કેમ્બ્રિજ યુનિવર્સિટી ગયા.
પાછા ફરીને તેમણે રેલવે ગાર્ડ તરીકે કામ કર્યું. ત્યાર બાદ તેમણે લખનઉમાં સરકારી કર્મચારી તરીકે પણ કામ કર્યું અને બાદમાં એંગ્લો વૈદિક કોલેજમાં ઉર્દૂ અને જાપાનીઝનો અભ્યાસ કરવા લાહોર ગયા. આ રીતે તેમણે અનેક વિષયોનું જ્ઞાન મેળવ્યું. તેમને ભૂસ્તરશાસ્ત્ર અને કૃષિમાં વિશેષ રસ હતો.
આ તે સમય હતો જ્યારે શિક્ષિત ભારતીય યુવાનો બ્રિટિશ આર્મીમાં ભરતી થતા હતા. ૧૯ વર્ષની ઉંમરે પિંગલી બ્રિટિશ આર્મીમાં આર્મી નાયક બની ગયા. બ્રિટિશ આર્મીમાં સેવા આપતી વખતે, દક્ષિણ આફ્રિકામાં એંગ્લો-બોઅર યુદ્ધ દરમિયાન પિંગલી મહાત્મા ગાંધીને મળ્યા હતા.
પિંગલી મહાત્મા ગાંધીથી એટલા પ્રભાવિત થયા કે તેમની સાથે કાયમ માટે ભારત પાછા ફર્યા. ભારત પાછા ફર્યા પછી તેઓ સ્વતંત્રતાસેનાની બન્યા. દેશ માટે કંઈ પણ કરવાનો ઉત્સાહ ધરાવતા વેન્કૈયા હંમેશાં માનતા હતા કે ભારતનો પોતાનો રાષ્ટ્રધ્વજ પણ હોવો જોઈએ.
તેમણે પોતે સામે ચાલીને ગાંધીજીને આપણા દેશનો ધ્વજ બનાવવાની સલાહ આપી. ત્યાર બાદ ગાંધીજીએ તેમને જવાબદારી સોંપી. આ પછી વેન્કૈયાએ ઘણા દેશોના ધ્વજ વિશે અભ્યાસ કરવાનું શરૂ કર્યું. તેઓ આપણા દેશ માટે એવો ધ્વજ બનાવવા માગતા હતા, જે અહીંના ઈતિહાસને પ્રતિબિંબિત કરે. તેમણે ૧૯૧૬થી ૧૯૨૧ સુધી વિશ્ર્વભરના ધ્વજના અભ્યાસમાં પોતાને સમર્પિત કર્યા. વિજયવાડામાં યોજાયેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૧૯૨૧ના અધિવેશનમાં, પિંગલી મહાત્મા ગાંધીને મળ્યા અને તેમને લાલ અને લીલા ધ્વજની ડિઝાઇન બતાવી. તે સમયે, ગાંધીજીના સૂચન પર, પિંગલી વેન્કૈયાએ રાષ્ટ્રધ્વજમાં શાંતિના પ્રતીક સફેદ રંગનો સમાવેશ કર્યો હતો.
વિજયવાડામાં કોંગ્રેસની બેઠકમાં મહાત્મા ગાંધીની મંજૂરી મળ્યા બાદ ૧૯૩૧માં તિરંગાને અપનાવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા હતા અને લાલ રંગને હટાવીને ધ્વજમાં ભગવો રંગ ઉમેરવામાં આવ્યો હતો. આમ ભગવા, સફેદ અને લીલા રંગની સાથે સફેદ પટ્ટા પર ફરતા ચક્ર સાથેનો ત્રિરંગો ધ્વજ તૈયાર કરવામાં આવ્યો હતો.
૨૨ જુલાઈ, ૧૯૪૭ના રોજ બંધારણ સભામાં પિંગલીએ બનાવેલા ધ્વજને રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકારવામાં આવ્યો. આના થોડા સમય પછી, તેમાં ફરી એક વખત સુધારો કરવામાં આવ્યો, જેમાં સમ્રાટ અશોકના ધર્મચક્રને ચરખાને હટાવીને ત્રિરંગામાં સામેલ કરવામાં આવ્યું.
જે ત્રિરંગા ધ્વજને પિંગલીએ દેશની ઓળખ બનાવવાનું સપનું જોયું હતું તે આખરે સાકાર થયું. જોકે વર્ષો સુધી પિંગલી વિજયવાડામાં સામાન્ય જીવન જીવતા હતા. ૧૯૬૩માં પિંગલી વેન્કૈયાનું વિજયવાડામાં એક ઝૂંપડીમાં મૃત્યુ થયું હતું.
તે સમય સુધી પિંગલી વિશે બહુ ઓછા લોકો જાણતા હતા, પરંતુ વર્ષ ૨૦૦૯માં જ્યારે ભારતીય ટપાલ વિભાગે તેમના નામ પર ટપાલ ટિકિટ બહાર પાડી ત્યારે પિંગલીના કાર્યને નવું સન્માન મળ્યું. આ પછી જ ઘણા લોકોને આપણા ત્રિરંગાના સર્જક વિશે ખબર પડી.
તો હવે જ્યારે પણ તમે ત્રિરંગો જોશો તો પિંગલી વેન્કૈયાને યાદ કરવાનું ભૂલશો નહીં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.