ગુજરાતીઓમાં પણ સૌરાષ્ટ્રવાસીઓનું સ્થળાંતર વધારે છે. કાઠિયાવાડીઓ દેશ-દુનિયામાં જઈને વસ્યા છે અને કાંડાના જોરે સ્થાયી થયા છે. મીઠી બોલી, શાંત સ્વભાવ, ધંધામાં સૂઝ અને ઉદાર હૃદયવાળા સોરઠીઓને સૌએ આવકાર્યા પણ છે. દક્ષિણ ભારત ભાષા, રહેણીકહેણી, ખાણીપીણી તમામમાં ખૂબ જ અલગ હોવા છતાં અહીં પણ સોરઠીઓએ વસવાટ કર્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે તમિળનાડુમાં 25 લાખ જેટલા સૌરાષ્ટ્રવાસીઓ વસે છે. ગુજરાતમાં સોમનાથ ખાતે આગમી 17મી એપ્રિલથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યોજાવાનો છે. જેમાં તમિલનાડુમાં વસતાં મૂળ સૌરાષ્ટ્રવાસીઓ મોટી સંખ્યામાં
ભાગ લેશે. તમિલનાડુ રાજ્યમાં ૨૫ લાખ કરતા વધારે સૌરાષ્ટ્રવાસી સમુદાય પોતાની જૂની સૌરાષ્ટ્રવાસી તરીકેની ઓળખ તેમજ પોતાના સૌરાષ્ટ્ર વિસ્તારની પરંપરા અને વારસાને અકબંધ રાખી નિવાસ કરી રહ્યો છે. ૧૦૨૪ની સાલમાં મોહમ્મદ ગઝનીના આક્રમણ સમયે દરિયાઈ માર્ગે સોમનાથ પ્રભાસ પાટણ, વેરાવળથી અને આજુબાજુના વિસ્તારમાંથી સામુહિક સ્વરૂપે વસતા સૌરાષ્ટ્રવાસીઓ દરિયાઈ માર્ગે હિજરત કરી ખંભાત, સુરત અને ત્યારબાદ વિજયનગર સામ્રાજ્યમાં આશરો લઈ રહ્યા હતા. વિજયનગરના પતન બાદ રેશમ વણાટ કામ અને અન્ય હસ્તકલાઓમાં કૌશલ્ય ધરાવતા આ સમુદાયને મદુરાઈના રાજવંશ મહારાજાએ રાજ્યાશ્રય આપ્યો હતો. ૧૫૦૦ની સાલથી આ સમુદાય મદુરાઈ તેમજ આજુબાજુના વિસ્તારની અંદર સ્થાયી થયો છે.
આરોગ્ય- સંસદીય બાબતોના કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલએ જણાવ્યું હતું કે, તમિલનાડુમાં વસેલા આપણા ભાઈઓ-બહેનોમા પોતાના વતન પરત ફરવાનો, પોતાના મૂળ સાથે જોડાવાનો અને પોતાની મૂળ સંસ્કૃતિને ઓળખવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે ગુજરાત સરકારના આઠ મંત્રીઓ તમિલનાડુના આઠ વિવિધ સ્થાનો પર આમંત્રણ આપવા ગયા હતા ત્યારે ત્યાં સૌરાષ્ટ્ર તમિલ સમુદાયમાં ગુજરાત આવવાનો, પોતાના મૂળ સાથે જોડાવા માટેનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. માત્ર મંત્રી તરીકે નહીં પણ એક ગુજરાતી તરીકે પણ ખૂબ આદર સત્કાર અને આવકારનો ભાવ મળ્યો હતો ત્યારે તમિલનાડુથી આવતા આ ભાઈઓ-બહેનોને આદરભાવથી આવકારી, સૌરાષ્ટ્રની મહેમાનગતિ- પરોણાગતિનો અનુભવ કરાવવાનો છે.
જોકે આ આંકડો ભૂલભરેલો હોવાનો દાવો પણ થઈ રહ્યો છે અને હાલમાં અહીં ગુજરાતી ભાષા બોલનારાઓની સંખ્યા ત્રણેક લાખ જેટલી છે, તેમ કહેવાય છે.