વિપુલ વૈદ્ય
મોટા ભાગના અધિકારીઓ પછી નિર્દોષ પૂરવાર થાય છે, પરંતુ ઓળખ છતી થવાને કારણે ભારે બદનામીનો સામનો કરવો પડે છે એવી દલીલ કરી
મુંબઈ: રાજ્યમાં ભ્રષ્ટાચાર માટે ધરપકડ કરાયેલા અધિકારીઓની ઓળખ છતી ન કરવી એવી અજબ માગણી મહારાષ્ટ્ર અધિકારી મહાસંઘ દ્વારા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સમક્ષ કરવામાં આવી છે.
રાજ્યમાં દરેક કામ માટે પૈસા માગવામાં આવે છે એવો દરેક નાગરિકનો અનુભવ છે અને બધા જ લોકો ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે આમ છતાં આવા માથાભારે અધિકારીઓ સુધરવાનું નામ લેતા નથી.
2022ના વર્ષમાં 748 સરકારી કર્મચારીઓ સામે એસીબીએ ગુનો નોંધ્યો હતો અને આ આંકડો 2014ના 1316 કરતાં ઓછો હોવા છતાં લાંચ લેનારાઓ હજી પણ પકડાઈ રહ્યા છે તે સચ્ચાઈ છે. આમ હોવા છતાં રાજ્યસરકારના કર્મચારીઓના મહાસંઘે રાજ્ય સરકાર પાસે અજબ માગણી કરી છે.
મહાસંઘે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનને પત્ર લખીને એવી માગણી કરી છે કે સરકારી અધિકારી કે કર્મચારી લાંચ લેતા રંગેહાથ પકડાય તો પણ તેમનાં નામ અને ફોટા જાહેર કરવા જોઈએ નહીં, કેમ કે મોટા ભાગના કર્મચારીઓ સામે આરોપો સિદ્ધ થતા નથી. તેઓ નિર્દોષ પૂરવાર થાય ત્યાં સુધીમાં તેમની ઘણી બદનામી થઈ જાય છે.
સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ એસીબી (એન્ટી-કરપ્શન બ્યૂરો)ના નિશાન પર હોય છે. આવા કિસ્સામાં કર્મચારી પૈસા લેતાં રંગેહાથ પકડાય તો પણ તેમના નામ કે ફોટા મીડિયામાં પ્રકાશિત કરવા જોઈએ નહીં. એસીબીના અધિકારીઓ સરકારી કર્મચારી/અધિકારીને લાંચ લેતા પકડે એટલે તરત જ મીડિયાને બોલાવીને નામ અને ફોટા પ્રસિદ્ધિ માટે આપી દેતા હોય છે.
આને કારણે કર્મચારીઓની બદનામી થાય છે.
શું માગણી છે?
* અનેક કર્મચારીઓ અદાલતી લડાઈમાં નિર્દોષ સિદ્ધ થતા હોય છે. અત્યાર સુધી અનેક વખત આવો અનુભવ થયો છે. પરંતુ તે પહેલાં કર્મચારી અને તેના પરિવારને ઘણી બદનામીનો સામનો કરવો પડે છે.
* મહાસંઘે એવી પણ માગણી કરી છે કે સરકારે એવા સ્પષ્ટ આદેશ આપવા કે શંકાસ્પદ આરોપીના નામ અને ફોટા મીડિયામાં કે કોઈપણ વ્યક્તિ અથવા વિભાગમાં ત્યાં સુધી સાર્વજનિક ન કરવા જ્યાં સુધી તેઓ અદાલતમાં દોષી સિદ્ધ ન થાય.
* તેમણે એવી પણ રજૂઆત કરી છે કે પ્રિયદર્શીની કેસમાં અદાલતે પોતે એવા નિર્દેશ આપ્યા છે કે જ્યાં સુધી આરોપો પૂરવાર ન થાય ત્યાં સુધી આરોપીની ઓળખ છતી થવી જોઈએ નહીં.