Homeપુરુષદો મિનિટ ચલને કે ફાયદે તુમ ક્યા જાનો?

દો મિનિટ ચલને કે ફાયદે તુમ ક્યા જાનો?

કવર સ્ટોરી-દર્શના વિસરીયા

આપણે આજકાલના આધુનિક જમાનામાં ભલે આપણા ઘરના વડીલો કે પૂર્વજો કહી ગયા હોય એ વાતો તરફ દુર્લક્ષ કરતાં હોઈએ પણ લાખ રૂપિયાની વાત એ છે કે આપણા ઘરના વડીલો કે પૂર્વજો જે કંઈ પણ કહીને ગયા છે એ વાત પાછળ હંમેશા કોઈને કોઈ વૈજ્ઞાનિક કારણ રહેલું જ હોય છે. આવી જ એક સલાહ એટલે જમ્યા બાદ તરત બેસી રહેવાને બદલે ચાલવાનું રાખો. પણ આપણે આ સલાહને સાવ હળવાશથી લઈએ છીએ. સરસમજાનું ભોજન કર્યા બાદ કોનામાં હોંશ હોય કે ચાલવા જાય? પછી તો આખા દિવસનો થાક અને સ્ટ્રેસને કારણે શરીરમાં કાં તો આળસ ભરાય કે પછી બેડ પર આળોટવાનું મન થાય. પણ હકીકતમાં તો જમ્યા બાદ દરેક વ્યક્તિએ ‘શતપાવલી’ એટલે કે ઓછામાં ઓછા ૧૦૦ પગલાં તો ચાલવા જ જોઈએ. શતપાવલીનો બીજો અર્થ એ પણ છે કે જમ્યા બાદ આશરે બે મિનિટ સુધી ચાલવું. બે મિનિટ ચાલવાને કારણે શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.
એક પ્રસિદ્ધ જર્નલમાં પબ્લિશ થયેલાં અહેવાલ અનુસાર જમ્યા બાદ ધીમે ધીમે ચાલવાથી શરીરમાં શુગર લેવલ જળવાઈ રહે છે અને નિષ્ણાતોનું વાત પર વિશ્ર્વાસ કરીએ તો જમ્યા બાદ બે મિનિટનું વોક સારા પાચનતંત્ર માટે આવશ્યક છે. આજે આપણે વાત કરીશું કે બે મિનિટના વૉકથી શું-શું ફાયદા થઈ શકે છે-
આગળ કહ્યું એમ સૌથી પહેલાં તો વૉકને કારણે શરીરમાં શુગરનું લેવલ જળવાઈ રહે છે. ડાયાબિટીસના નિષ્ણાતોની વાત પર વિશ્ર્વાસ કરવામાં આવે તો ટાઇપ-૨ ડાયાબિટીસનો ભોગ બનેલાં દર્દીઓએ જમ્યા બાદ દસ-૧૫ મિનિટ ચાલવું જોઈએ. જર્નલમાં પબ્લિશ થયેલા સંશોધનમાં સાત અલગ અલગ પ્રકારનાં સંશોધન વિશે પણ વિસ્તારથી વાત કરવામાં આવી હતી. જેમાં બેસવાની સરખામણીએ ઊભા રહેવા કે ચાલવાના મુદ્દા પર વાત કરવામાં આવી હતી. સંશોધકોને જાણવા મળ્યું કે જમ્યા બાદ ધીમે ધીમે ચાલવાથી શરીર પર સકારાત્મક અસર જોવા મળે છે અને શરીરનું બ્લડ શુગર લેવલ જળવાઈ રહે છે. સંશોધકોએ તો એવી પણ સલાહ આપી હતી કે જમ્યા બાદ ૬૦થી ૯૦ મિનિટની અંદર વ્યક્તિએ ચાલવું જોઈએ. ડાયાબિટીસના નિષ્ણાતો કહે છે કે ટાઇપ-૨ ડાયાબિટીસ ધરાવતા દર્દીઓએ જમ્યા બાદ દસ-૧૫ મિનિટ ચાલવું જોઈએ. એની સાથે સ્ટાર્ચ ધરાવતી વસ્તુઓ ખાવાનું ઓછું કરી દેવું જોઈએ, તેમ જ દવાઓ સમયસર લેવી જોઈએ.
મુંબઈની એક જાણીતી હૉસ્પિટલમાં ડાયાબિટીસ વિભાગના પ્રમુખ નામ ન આપવાની શરતે જણાવે છે કે અમે ડાયાબિટીસના દર્દીઓને જમ્યા બાદ ચાલવાની સલાહ આપીએ છીએ, પણ ઝડપથી નહીં. જમ્યા બાદ શરીરમાં બ્લડ શુગરનું સ્તર વધવા લાગે છે, પણ ચાલવાથી તે નિયંત્રણમાં રહે છે. હાલ ભારતમાં ૭.૭ કરોડ લોકો એવા છે જેઓ ડાયાબિટીસથી પીડાય છે. અનુમાન છે કે ૨૦૪૫ સુધી આ આંકડો ૧૩ કરોડને પાર કરી જશે.
મેડિસિન સ્પેશિયાલિસ્ટ ડૉ. ઈરાની કહે છે કે જો શરીરમાં શુગરનું સ્તર નિયંત્રિત રહે, તો બીજાં અંગો પણ સ્વસ્થ રહે છે. ઘણા લોકો જમ્યા બાદ બેસી રહેવાનું કે સૂઈ જવાનું પસંદ કરે છે. શહેરી વિસ્તારોમાં આ ખૂબ સામાન્ય બાબત છે. ડૉક્ટર કહે છે, ‘જમ્યા બાદ તુરંત હાથમાં રિમોટ લઈને ટીવી સામે બેસી ન રહો. નિષ્ણાતોના મતે જમ્યા બાદ ચાલવાથી શરીરની માંસપેશીઓ જલદીથી શુગરને કોષોમાં શોષી લે છે. તેનાથી ઇન્સુલિન પણ અસરકારક રીતે કામ કરે છે. તેનાથી શરીરમાંથી શુગરની માત્રા ઓછી થાય છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ‘જમ્યા બાદ શરીરમાં શુગરનું સ્તર વધે છે. તો ૧૦૦ જેટલાં પગલાં અથવા દસ મિનિટ સુધી ચાલવાથી શરીરમાંથી માંસપેશીઓ અને લિવરના માધ્યમથી વધારાનું શુગર બહાર નીકળી જાય છે. તેનાથી શરીરમાં શુગરનું લેવલ જળવાઈ રહે છે. એટલું જ નહીં માત્ર ઊભા રહેવાથી પણ શરીરમાં શુગરનું પ્રમાણ ઓછું થાય છે. પરંતુ તેની અસર ચાલવા કરતાં ઓછી થાય છે. ચાલવું એ એક પ્રકારની કસરત છે જે પગની માંસપેશીઓનો ઉપયોગ કરે છે એટલે તો શરીરમાંથી શુગરનું સ્તર ઓછું કરવા માટે ચાલવું ખૂબ જરૂરી છે.’
શુગર લેવલ બાદ ચાલવાને કારણે પાચનતંત્ર પણ સુધરે છે. જમ્યા બાદ ચાલવાથી પાચન સારી રીતે થાય છે અને મગજ પણ શાંત થાય છે. જમ્યા બાદ ચાલવાથી પેટ જલદીથી ખાલી થાય છે. તે ઝડપથી ખાધેલા પદાર્થોને પચાવી શકે છે. નિષ્ણાતો ઉમેરે છે કે લોકોને પેટમાં ગડબડની સમસ્યા રહે છે, કબજિયાતની તકલીફ રહે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ જમ્યા પછી ચાલે તો આવી સમસ્યાઓ સામે લડવામાં ઘણી મદદ મળે છે. જમ્યા બાદ લોકોએ ધીમી ગતિએ ચાલવું જોઈએ અને ઝડપથી નહીં. ઝડપથી ચાલવાથી પેડુમાં દુખાવો થાય છે, એવું નિષ્ણાતોએ વધુમાં જણાવ્યું હતું.
નિષ્ણાતોના મતે જમ્યા બાદ શરીરમાં કોઈ પણ પ્રકારની ઍક્ટિવિટીની જરૂર હોય છે અને તેમાં પણ ખાસ કરીને રાત્રિભોજન બાદ. આ પાછળનું કારણ એવું છે કે જો જમ્યા બાદ તરત જ સુઈ જશો તો લિવરમાં ચરબીનું પ્રમાણ વધી શકે છે. જો આવું થતું અટકાવવું હોય તો તમારે દરરોજ જમ્યા બાદ પાંચથી દસ મિનિટ ચાલવું જોઈએ. કેટલાક લોકો જમ્યા બાદ તુરંત સૂઈ જાય છે. તેનાથી પાચનશક્તિ પર અસર થાય છે. પાચન ધીમું થઈ જાય છે. તેવામાં શતપાવલી ખૂબ અસરકારક હોય છે.
હૃદય માટે ચાલવું એ સૌથી શ્રેષ્ઠ કસરત છે. ચાલવાથી હાર્ટ રેટ વધે છે અને હૃદયની કસરત થાય છે. સંશોધકોએ વોલ્નિટિયર્સને દર ૨૦ મિનિટે બે મિનિટ અને દર ૩૦ મિનિટે પાંચ મિનિટ માટે ઊભા રહેવાનું કે પછી ચાલવાનું જણાવવામાં આવ્યું હતું. દિવસમાં ઘણી વખત આ પેટર્નનું નિરીક્ષણ થતું. આ વિશે વાત કરતાં હાર્ટ સ્પેશિયાલિસ્ટ જણાવે છે કે ‘ચાલતી વખતે સોલિયસ મસલ્સ સક્રિય થઈ જાય છે, જેને પેરિફેરલ હાર્ટ મસલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ માંસપેશીઓ શરીરના બીજા ભાગોમાંથી હૃદય સુધી લોહી પહોંચાડે છે. તેનાથી રક્તવહનમાં સુધારો થાય છે. જોકે, જે લોકો પહેલેથી હૃદયના રોગી છે તેમણે જમ્યા બાદ તુરંત વધારે પડતી કસરત કરવી જોઈએ નહીં. તેનાથી હૃદય પર દબાણ વધી શકે છે.
સંશોધનના એક સંશોધક એડન બફેટે એક પ્રખ્યાત પ્રસાર માધ્યમ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે બેસવા અને ઊભા રહેવાની સરખામણીએ ધીમી ગતિએ ચાલવું વધારે ફાયદાકારક છે. નિષ્ણાતોના મતે ચાલવાથી એડ્રાનલિન અને કોર્ટિસોલ જેવા સ્ટ્રેસ હોર્મોનમાં ઘટાડો થાય છે. તેનાથી માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. તો શું જમીને ચાલવાથી માનસિક સ્વાસ્થ્ય પર પણ કોઈ અસર પડે છે? મનોચિકિત્સક કહે છે, ‘જમીને ચાલવાથી માનસિક સ્વાસ્થ્ય પર કોઈ નોંધપાત્ર અસર પડતી નથી.’ જોકે, તેઓ કહે છે કે ચાલવાના માનસિક સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા હોય છે. તેમના મતે, જો ઝડપથી ચાલવામાં આવે તો મગજમાં હકારાત્મકતા આવે છે. તેની હકારાત્મક અસર થાય છે. તેનાથી શરીરમાં સારી ભાવના આવતાં કેમિકલ છૂટે છે. તો ચાલવાના શરીર માટે હકારાત્મક ફાયદા છે. નિષ્ણાતોના મતે સારી ઊંઘ મેળવવા માટે જમ્યા બાદ ધીમી ગતિએ ચાલવાથી ઘણો ફાયદો થાય છે. ઉ

RELATED ARTICLES

Most Popular