તમિલનાડુ પોલીસે કૃષ્ણગિરીમાં ભારતીય સેનાના એક સૈનિકને માર મારી મોતને ઘાટ ઉતારવા બદલ ડીએમકેના કાઉન્સિલર અને તેના સાથીદારોની ધરપકડ કરી હતી. સૈનિક અને ડીએમકે કાઉન્સિલર વચ્ચે પાણીની ટાંકી પાસે કપડાં ધોવા બાબતે ઝઘડો થયો હતો.
તમિલનાડુના કૃષ્ણાગિરીમાં પાણીની ટાંકી પાસે કપડાં ધોવા બાબતે થયેલા વિવાદને પગલે ડીએમકેના કાઉન્સિલર અને તેના સાથીઓએ ભારતીય સેનાના 33 વર્ષીય સૈનિકને માર માર્યો હતો.
8 ફેબ્રુઆરીના રોજ, પ્રભુ નામનો સૈન્યનો જવાન અને ડીએમકેના સભ્ય ચિન્નાસામી પોચમપલ્લી વિસ્તારમાં એક ટાંકી પાસે કપડાં ધોવા બાબતે ઉગ્ર બોલાચાલીમાં ઉતર્યા હતા. આ વાતનો ખાર રાખીને કાઉન્સિલર ચિન્નાસામીએ નવ માણસો સાથે મળીને તે રાત્રે પ્રભુ અને તેના ભાઈ પ્રભાકરન પર કથિત રીતે હુમલો કર્યો હતો.
હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા પ્રભુએ તુરંત ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ગઈ કાલે તેમણે હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો.
પ્રભાકરનની ફરિયાદના આધારે પોલીસે ચિન્નાસામીના પુત્ર રાજાપંડી સહિત છ લોકોની ધરપકડ કરી હતી. પોલીસે આ કેસને હત્યાના કેસમાં ફેરવી દીધો છે અને બુધવારે ચિન્નાસામી અને તેના સાથીઓની ધરપકડ કરી છે. હુમલાના દિવસથી જ તેઓ ફરાર હતા.
નેતાઓને પ્રજાની સેવા અને રક્ષા માટે ચૂંટવામાં આવે છે, ત્યારે રક્ષક જ ભક્ષક બને અને લોકોને મોતને ઘાટ ઉતારે તો પ્રજાએ કોને ફરિયાદ કરવી એવો લોકોનો આક્રોશ છે.