Homeઉત્સવખાઈ જાય દિવાળી અને કૂટાઈ મરે સૂપડું

ખાઈ જાય દિવાળી અને કૂટાઈ મરે સૂપડું

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

કોઈએ કામ બગાડ્યું હોય તો એણે ‘લોચો માર્યો’ એમ કહેવાય છે, પણ જો તમે સુરતમાં હો તો સુરતી લાલા તમને કહેશે કે લોચો મરાય નહીં એ તો ખવાય. લોચો એ સુરતની સ્પેશ્યલ ડિશ છે. ખમણ બનાવતી વખતે જો એ ઢીલું રહી જાય તો એને કાપવા જતા લોચા થઇ જાય છે અને એટલે એને લોચો કહેવામાં આવે છે. ફરસાણના આ પ્રકારનો જન્મ સુરતમાં થયો હોવાથી સુરતી વાનગી તરીકે જાણીતો છે. સત્ય પર ઢાંકપિછોડો કરીને ખોટું બોલવા જતા ક્યારેક ગેંગે ફેંફે થઇ જવાતું હોય છે અને એને માટે ‘જીભના લોચા વળવા’ એમ કહેવાય છે. ગરબડગોટાળા માટે ‘લોચા લાપશી’ શબ્દપ્રયોગ તમે જરૂર સાંભળ્યો હશે. ખાવું અને જમવું એ બે શબ્દપ્રયોગ વપરાશમાં જોવા મળે છે. રાંધેલી વસ્તુઓ થાળીમાં પીરસાય ત્યારે જમવા બેઠા એમ કહેવાય છે. જોકે, ખાવું શબ્દ એના અનેરા ભાવ સાથે ભાષામાં ગજબનાક રીતે વણાઈ ગયો છે. કરે કોઈ અને લાભ ઉઠાવી જાય બીજું કોઈ એને માટે ખાઈ જાય દિવાળી અને કૂટાઈ મરે સૂપડું’ એમ કહેવાય છે. ‘ખાય એનો ખૂણો, પીએ એનું ઘર, સૂંઘે એના લૂગડાં, ત્રણેય બરાબર.’ આ અનોખી કહેવતમાં ત્રણ વ્યક્તિત્વનો સુપેરે પરિચય થાય છે. આપણા દેશમાં પાન-તમાકુ ખાનારા ચપટીમાં તમાકુ દબાવી એને હોઠ નીચે સિફતથી દબાવીને ખાવામાં કાળજી લેતા હોય છે. માણસ થૂંકતી વખતે એકદમ બેદરકાર થઈને ખૂણો દેખાય ત્યાં થૂંકી પડતો હોય છે. એવી જ રીતે બીડી-ચલમનો શોખીન બીડીનું ઠૂંઠું ગમે ત્યાં ફેંકી દેતો હોય છે અને તમાકુ સૂંઘનારી વ્યક્તિ પણ હાથ ધોવાને બદલે પહેરેલા કપડાં પર હાથ ઘસીને સાફ કરી નાખતી હોય છે. આમ એકંદરે તમાકુ ખાનાર, બીડી ફૂંકનાર અને તમાકુ સૂંઘનાર એ ત્રણેય ગંદા હોય છે એ અહીં દર્શાવાયું છે. ખોટી ધામધૂમ કરતા કે ડોળ કરતા લોકો માટે એક મજેદાર કહેવત છે કે ‘ખાનાપીના ખેરસલ્લા ઓર ધિંગાણા બહોતર.’ બે ટંક ખાવાના પણ સાંસાં હોવા છતાં તેજ મિજાજ રાખતા લોકો માટે આ કહેવત વપરાય છે. તોળી તોળી કે જોખી જોખીને માપસર બોલવું એ પણ ગુજરાતીઓની એક લાક્ષણિકતા ગણાઈ છે. માપસર કહેવું અને માપસર બોલવું એને માટે જાણીતી કહેવત છે કે ‘ખવાય તેટલું ખાવું નહીં અને બોલાય તેટલું બોલવું નહીં.’ સ્વાર્થ હોય ત્યારે નોકરને શેઠ કહેતા અને એને એવા માનપાન આપતા ન અચકાતા લોકો માટે કહેવાય છે કે ‘ખાધું ધાન અને ઉતાર્યું માન.’ ‘ગરજ સરી કે વૈદ્ય વેરી’ જેવો જ આનો ભાવ છે.
——–
લોકબોલીનાં રત્નો
શહેરની કહેવાતી સુધરેલી બોલીના શબ્દો આ લોકબોલી સામે ઘણી વાર ફીકા લાગે. વસ્તુ માગવા માટે આપવી કે પહોંચાડવી શબ્દોથી આપણે વાકેફ છીએ. લોકબોલીમાં અંબાવવું શબ્દ છે. આ ડબ્બો મને જરા અંબાવો ને એ વાક્ય જ્યારે કાનમાં પડે ત્યારે રૂપાની ઘંટડી વાગી હોય એવું લાગે. મીઠાશ અને લહેકો ધરાવતો બીજો એક પ્રયોગ છે કડદો કાઢવો. એનો અર્થ છે ખૂબ મહેનત કરાવવી કે શ્રમ કરાવવો. આજે તો ઘરમાં એટલું કામ હતું કે મારો તો કડદો નીકળી ગયો વાક્ય સાંભળતી વખતે કપાળ પરના પરસેવાના ટીપાં નજર સામે આવી જાય. મીઠો રણકો ધરાવતો આજનો ત્રીજો શબ્દપ્રયોગ છે ટાઢુંબોળ. બોળ એટલે શીતળ એવો અર્થ છે. પાણી ખૂબ જ ઠંડું છે, પણ કેટલું ઠંડું? તો એને બોળની ઉપમા આપી છે. ‘આમાં નહાવું કઈ રીતે? આ તો ટાઢુંબોળ પાણી છે.’
—–
KITE IDIOMS
પતંગ ચગાવવી એ ભારતીય લોકો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે ઉત્સવ ગણાય છે, પણ વિદેશમાં એનો ઉપયોગ વિજ્ઞાનના ક્ષેત્રમાં થતો આવ્યો છે. જગવિખ્યાત ઈટાલિયન વટેમાર્ગુ માર્કો પોલોએ
૧૨૯૫ની સાલમાં પતંગ બનાવવાની અને ચગાવવાની કળા જગત સામે મૂકી હોવાની નોંધ ઇતિહાસમાં છે. ૧૮મી સદીમાં વિજ્ઞાનના ક્ષેત્રમાં પતંગના ઉપયોગની શરૂઆત થઈ અને ૧૭૪૮માં એક સ્કોટિશ સંશોધકે ૩૦૦૦ ફૂટની ઊંચાઈએ કેટલું તાપમાન હોય છે એ પતંગ ચગાવીને માપ્યું હતું. પતંગ – KITE ભાષામાં પણ વણાઈ ગયો છે. રૂઢિપ્રયોગ અને કહેવતમાં એની હાજરી કેવો રંગ લાવે છે એ આજે જોઈએ. પહેલો રૂઢિપ્રયોગ છે High as a Kite. આ પ્રયોગ દારૂનો નશો ચડી ગયો હોય, નશામાં ચૂર હોય એવી વ્યક્તિ માટે વપરાય છે. ૧૬૦૦ની સાલથી આ અર્થમાં એનો ઉપયોગ થતો આવ્યો છે અને હવે કોઈ ડ્રગના સેવનથી ભ્રમણા થતી હોય, ભાન ભૂલી જવાતું હોય એ દર્શાવવા પણ વપરાય છે.I tried to talk to my manager after the part but he was as high as a kite. પાર્ટી પૂરી થયા પછી મેં મારા મૅનેજર સાથે ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો, પણ એ નશામાં ચૂર હતો.In foreign’s jail KITE is used frequently. The term KITE refers to a written request for something. વિદેશની જેલમાં કાઇટનો ઉપયોગ કોઈ વસ્તુની માગણી માટેની લેખિત રજૂઆત માટે વપરાય છે. A typical example. Inmate: “I need to see the doctor. I’m sick.”” Officer: “Well, fill out a kite then.” એક ઉદાહરણ જોઈએ. કેદી: હું બીમાર છું એટલે ડૉક્ટરને બતાવવું છે. જેલ અધિકારી: એને માટે લેખિત અરજી આપવી પડશે.Kite flying has become one of the symbols for freedom dating back to ૧૯૨૭. પતંગ ચગાવવાના ભાષા પ્રયોગને ૧૯૨૭માં સ્વાતંત્ર્ય સાથે સાંકળી લેવામાં આવ્યો હતો.Simon, Go Back was written on these kites as a form of protest against the Simon Commission and the British rule in India before it was set to trail freely up in the sky. ભારતને આઝાદી મળી એના ૨૦ વર્ષ પહેલા બંધારણીય સુધારાના સંદર્ભમાં બ્રિટિશ સરકારે સાયમન કમિશનની રચના કરી હતી. જોકે, દેશભરમાં એનો તીવ્ર વિરોધ થયો હતો ‘સાયમન પાછો જા’ એવું લખાણ ધરાવતા અનેક પતંગ એ સમયે મુક્તપણે આકાશમાં ચગતા નજરે પડ્યા હતા. પેલો પતંગ ચગાવે છે એમ કહેવું એટલે એની ટીકા કરવી એવો અર્થ છે: If you say that someone is flying a kite, you are critical of them.
——-
स्नान आणि पुण्य
આપણા દેશમાં આજના ટેકનોલોજીના હરણફાળ યુગમાં સુધ્ધાં ભરપૂર અંધશ્રદ્ધાના ખેલ જોવા મળે છે. અલબત્ત કોને શ્રદ્ધા માનવી અને કોને અંધશ્રદ્ધાનું લેબલ ચીપકાવવું એ અંગત સમજણ પર નિર્ભર કરે છે. તીર્થસ્થાન જઈ એ વિસ્તારમાં વહેતી પવિત્ર નદીમાં નાહવાથી આપણા ચોપડે પુણ્ય જમા થાય અને પાપ બધા ધોવાઈ જાય એવી માન્યતા જોવા મળે છે. હવે એને શ્રદ્ધા ગણવી કે અંધશ્રદ્ધા એ દરેક જણે પોતાની વિવેકબુદ્ધિ અનુસાર નક્કી કરી લેવું. ગંગા નદીની ગંદકી જોયા પછી વર્તમાન સમયની નદી પવિત્ર છે કે કેમ એવો સવાલ અનેક લોકો ઉઠાવી રહ્યા છે. તીર્થસ્થાનની નદીમાં ડૂબકી લગાવતી વખતે શ્રદ્ધાળુની આંખો તો બંધ હોય જ છે, પણ એના દિમાગમાં શ્રદ્ધાનું સામ્રાજ્ય સ્થપાયું હોય છે. આ માન્યતા પર પ્રકાશ પાડી મનુષ્યના દિમાગને ઢંઢોળનારી કહેવત છે स्नान करुन पुण्य घडे, तर पाण्यात बेडूक काय थोडे? આ કહેવતના શબ્દાર્થમાંથી જ એનો ભાવાર્થ સ્પષ્ટ થઈ જાય છે. સરિતાના જળમાં જો એક ક્ષણ ડૂબકી મારવાથી પુણ્ય પ્રાપ્ત થવાનું હોય તો એ નદીમાં દિવસ – રાત વસવાટ કરતા દેડકાઓને કેટલું પુણ્ય મળતું હશે એની તો કલ્પના જ કરી શકાય. એ બધા દેડકા મૃત્યુ પછી સ્વર્ગમાં જ વસવાટ કરતા હોત. ચોપડે પુણ્ય જમા કરાવવું હોય તો
ડૂબકી નહીં, સારા કામ કરવા જોઈએ એના તરફ ઈશારો છે. બીજી કહેવત પણ જાણવા – સમજવા જેવી છે: सुंभ जळला तरी पीळ नाही. सुंभ એટલે નારિયળ પરના રેસા. ગર્વિષ્ઠ કે જિદ્દી લોકોને નુકસાન થાય તો પણ જીદ ન છોડે એ સ્વભાવ દર્શાવતી આ કહેવત છે. આટલું વાંચ્યા પછી તમને ગુજરાતી કહેવત ‘સીંદરી બળી જાય પણ વળ ન છોડે’ ચોક્કસ યાદ
આવી હશે.
———
नीम की कहावते
લીમડો અને પીપળો એ બંને વૃક્ષ અત્યંત લોકપ્રિય હોવાની સાથે સાથે માનવ જીવનમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. બંને વૃક્ષનો છાંયો વટેમાર્ગુને રાહત આપે છે. લીમડાના વૃક્ષની આસપાસની હવા, એના પાન સ્વાસ્થ્યવર્ધક ગણાય છે. ‘કડવો હોય લીમડો, શીતળ તેની છાંય’ એ ઉક્તિથી તમે પરિચિત હશો. આ વૃક્ષ ઉપયોગી સુધ્ધાં છે. જોકે, એના ગુણ અને એની ઉપયોગિતા હોવા છતાં તેની કડવાશને કારણે ભાષામાં લીમડા પ્રત્યે તિરસ્કાર કે ઉપેક્ષાની ભાવના જોવા મળે છે. एक तो तितलौकी दूजे चढी नीम કહેવતના ભાવાર્થ પરથી વાત સ્પષ્ટ થઈ જશે. તિતલૌકી એટલે કોળાના આકાર જેવું ફળ જે સ્વાદમાં કડવું હોય છે. મૂળે કડવું ફળ અને એમાં લીમડાની સંગત કરી એટલે કડવાશની તો વાત જ ન પૂછવી એવો એનો શબ્દાર્થ છે. બૂરી સંગતથી બુરાઈ પ્રવેશે કે વધે એવો એનો
ભાવાર્થ છે.
લીમડાના ગુણ એક કોરે રહ્યા અને એની કડવાશ
વગોવાઈ ગઈ. આ કહેવતएक तो करेला, दूसरा नीम चढा તરીકે પણ જાણીતી છે. ફરક એટલો જ છે કે તિતલૌકીને સ્થાને કારેલું છે. नीम लगाकर आम खाना (લીમડો વાવીને કેરી ખાવી) કહેવત પણ સમજવા જેવી છે. આ કહેવતबबूल लगाकर आम चाहना(વાવ્યા બાવળ અને ઈચ્છા કેરી ઊગે એવી રાખવી) તરીકે પણ જાણીતી છે. કડવો લીમડો વાવીને મીઠી મધુરી કેરીના અરમાન રાખવા એ નરી મૂર્ખતા જ છે. ટૂંકમાં કહીએ તો ‘વાવો તેવું લણો અને કરો તેવું પામો’ એ સાર સમજવાની વાત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular