Homeવીકએન્ડ‘દિવાળી ગઇ હવે સાચા ફટાકડા ફૂટશે’

‘દિવાળી ગઇ હવે સાચા ફટાકડા ફૂટશે’

મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી

દિવાળી આ આવી અને ગઇ. દિવાળી એ તો લોકોએ પહેલા ક્યારેય ફટાકડા ફોડ્યા નહીં હોય અને હવે ફટાકડા ફોડવા નહીં મળે તેમ વિચારી અને ફટાકડા ફોડ્યા. આ લેખ વાંચતા હશો તે દિવસે અથવા તો પછીના બે ત્રણ દિવસમાં જ તમે સાંભળશો કે ગુજરાતમાં ચૂંટણી જાહેર થઈ ગઈ છે.
છેલ્લા એક અઠવાડિયાથી છુટ્ટક છુટ્ટક ફટાકડા ફૂટવાની શરૂઆત થઈ ગઈ છે. ઘણા એવું પણ બોલે છે કે આ રોયા લોહી પી ગયા છે. આવી દિવાળી ન આવે તો સારું બાપા. એક જ શેરીમાં રહેતા પરંતુ સામસામે ઘર હોય તેવા લોકો સામસામી રોકેટબાજી કરી રહ્યા છે. ફટાકડા યુદ્ધ કહી શકાય. ચુનિયો ઘણા સમયથી સોસાયટી નો પ્રમુખ થવા મથી રહ્યો છે. એટલે તે આ વખતે ફટાકડા યુદ્ધમાં લડી લેવાના મૂડમાં છે. સામા પક્ષે વર્તમાન પ્રમુખ ફટાકડાનો આખો સ્ટોર ખોલીને બેઠા છે. તેમની પાસે રોકેટ તેમજ નાના ફટાકડાથી માંડી અને મોટા બોમ્બનો કોઈ તૂટો નથી.
ફટાકડા માત્ર દિવાળી ઉપર ફૂટે તેવું નથી અમારા ગુજરાતમાં તો ઘણા પ્રસંગોએ ફટાકડા ફૂટે છે. લગ્ન પ્રસંગે ફૂટતા ફટાકડા શરૂઆતમાં રંગબેરંગી આકાશ કરી આપે છે પરંતુ વખત જતા મોટા ધડાકાવાળા બૉમ્બ ફૂટે છે. તે જ રીતે ચૂંટણી વખતે કે પ્રચાર વખતે ફૂટેલા ફટાકડા શરૂઆતમાં આકાશને વાયદારૂપી ધડાકા આપે છે અને ચૂંટાયા પછી ઉમેદવારોને રંગીનિયત આપે છે.
ચુનિયો આ વખતે આરપારની લડાઇ માટે કેટલાક જૂના તો કેટલાક નવા ફટાકડા સાથે સજજ છે. પરંતુ હમણાં સમાચાર મળ્યા છે કે સોસાયટીમાં એક નવો પાડોશી ભાડે રહેવા આવ્યો છે.ઘરનું ઘર લેવાનું વિચારે છે.જે નવી પ્રકારના ફટાકડા લાવ્યો છે અને અત્યારથી ફોડવાની શરૂઆત કરી દીધી છે.તેણે શરૂઆતથી જ આકાશને રંગીનિયત આપવા માટે પ્રયત્ન કર્યો છે.એટલે ચુનિયા તથા સ્થાપિત પ્રમુખ બંનેએ પોતાના ફટાકડા પણ બદલ્યા છે.
એક વખત એવો હતો કે ફટાકડા તો ભૂતકાળમાં પણ ફૂટતા પણ સૌ પોતપોતાના ફટાકડા બજારમાં મૂકતા અને ફોડતા પરંતુ હવે સમાજમાં નવો ટ્રેન્ડ શરૂ થયો છે એકબીજાના ફટાકડા ચોરી અને ફોડવાનો. ચુનિયાના ફટાકડા સ્થાપિત પ્રમુખ ચોરી ચોરી અને વખતો વખત ફોડતા આવ્યા છે. ખાસિયત એ છે કે સારા અને મોટા ધડાકાવાળા ફટાકડા જ ચોરવામાં આવે છે. પોતાના સ્ટોરમાં રહેલા ફટાકડા ઘણીવાર ફૂટવા માટે આતુર હોય છે. પરંતુ હવાઈ જાય ત્યાં સુધી તેમનો ફૂટવાનો વારો આવતો નથી. રોજ સવારે ફટાકડાઓને એમ હોય કે આજે તો ફૂટવા મળશે પરંતુ રાત્રે જ કોઈ સામેના પક્ષના ફટાકડા તેની આગળ ગોઠવાઈ ગયા હોય છે એટલે સૌથી પહેલા તેને જ ઉત્સાહપૂર્વક ફોડવામાં આવે છે.
ઘણી વાર આખી તડાફડી ફૂટી ગયા પછી એકાદ સુરસુરિયું દોડાદોડી કરાવી મૂકે.
હવે ઇકો ફ્રેન્ડલી ફટાકડા બજારમાં ચાલતા નથી. મોટા મોટા ધડાકા થાય તો જ લોકોને આનંદ આવે છે.
આ દિવાળીએ ચુનિયાએ નક્કી કર્યું છે કે અમુક ફટાકડા દેખાડવા જ નથી. છેલ્લી ઘડીએ સીધા મેદાનમાં મૂકી અને ફોડીશું. પરંપરાગત વર્ષો વર્ષ ફૂટતા ફટાકડાઓથી લોકો વાકેફ છે.પરંતુ નવો આવેલો પાડોશી અધ્યતન પ્રકારના અને ઓછા અવાજે વધારે રંગીનિયત આપતા ફટાકડાઓનો ભંડાર લઈ બેઠો છે. દિવાળીની રાત્રે જેમ ફટાકડા યુદ્ધ જામે તેમ નજીકના ભવિષ્યમાં દિવાળીની તારીખો જાહેર થશે એટલે તરત જ નીત નવા ફટાકડાઓ સાથે ચુનિયો, પ્રમુખ અને નવો પાડોશી પોતપોતાના ફટાકડા લઈ અને બેસતા વર્ષ સુધી લોકોને ચકાચૌંધ કરશે. જે ફટાકડા ફોડનાર લોકોને વધારે આનંદ કરાવશે કે લોકોને જે ફટાકડામાં વધારે આનંદ આવશે તે લાભ પાંચમથી પોતાના લાભની શરૂઆત કરશે. ત્યાર પછી પ્રજા આકાશ તરફ મોઢું વકાસી અને કોઈ રંગીન ફટાકડો ફૂટે તેની રાહ જોતી બેસી રહેશે.
ફટાકડા વિશે કહીએ તો લોકો મોટા બૉમ્બ માની અને લઈ જતા હોય અને જ્યારે ફોડવા જાય ત્યારે ક્યારેક તેમાં વાટ જ ન હોય અથવા તો સુરસુરિયા થઈ અને સમયે ફૂટે નહીં તેવું બને. ક્યારેક સાવ નાનો ટેટો મોટા બૉમ્બની સામે ડોળા કાઢી અને મોટો અવાજ કરી લે.રોકેટ સળગાવ્યું હોય આપણા ઘર પાસે પરંતુ આકાશમાં આડું અવળું થતું ફૂટે અને પ્રકાશ આપે સામા વાળાના ઘર પર.એટલે લોકોને એવું થાય કે સામેવાળાએ સરસ ફટાકડા ફોડ્યા છે.ક્યારેક સારા ફટાકડાઓ આપણે સાચવી રાખ્યા હોય અને સમયે ફોડવાના હોય ત્યારે સળગાવવા માટે બાકસ ન મળે ત્યારે સામેવાળો તમારા ફટાકડામાં અગ્નિ લગાવી અને ક-સમયે ફોડીને નીકળી જાય.અમુક સારા અને મોટા અવાજવાળા ફટાકડાઓ તમે ભંડારી રાખો પરંતુ સામેવાળાની નજરમાં આવી જ જાય.ગમે ત્યારે તેને ચોરી અને પોતાના ઘર પાસેથી ધડાકો કરી જ લે છે. ટૂંક સમયમાં જ કોણ કેવા ફટાકડા બજારમાં છોડશે તેનું ડિસ્પ્લે મૂકવું તો પડશે જ. ઘણીવાર ફટાકડા પોતે બીજાના હાથે ફૂટવા માગતા હોય છે.
ત્રણેય ફટાકડાના સ્ટોરવાળા પોતપોતાના ફટાકડાની જાહેરાતો અવનવી રીતે કરે છે.અને સાબિત કરવાનો પ્રયત્ન કરે છે કે અમારા ફટાકડા ઉત્તમ છે.પરંતુ હકીકત એ છે કે પ્રજાએ તો તે જ્યારે જે ઘરે ફૂટે તે જ જોવાનું તે ફૂટતા રોકી પણ ન શકે કે ફોડી પણ ન શકે. તમને શું લાગે છે કોના ફટાકડા સરસ ફૂટશે? જોકે ચુનિયો, સ્થાપિત પ્રમુખ અને નવો પાડોશી ત્રણેય એવું વિચારે છે કે કોઈપણ બે ની સામ સામી આતશબાજી વચ્ચે આપણા ત્રીજા ફટાકડા સ્ટોરના ફટાકડા વધુ રંગીનિયત આનંદ આપશે.
જોઈએ દર્શકો ક-મને કોના વખાણ કરે છે.
આશા રાખીએ કે સૌ પોતપોતાના ફટાકડાઓ જ ફોડે.
——-
વિચારવાયુ
આકાશની રંગીનિયત જોઈ અને આંધળી થયેલી પ્રજા તથા ધડાકાના તીવ્ર અવાજ સાંભળી અને બેરી થયેલી પ્રજા દિવાળી ઈચ્છે છે કે નહીં તે કોઈ ફટાકડા ફોડનાર ધ્યાન રાખતું નથી. તેને તો પોતાની લાભ પાંચમ વહેલી આવે એટલે હાઉં.

RELATED ARTICLES

Most Popular