યુનિવર્સિટીમાં ન ભણી શકી, પણ જાતે શીખી, હવે બીજાને શીખવાડે છે

કવર સ્ટોરી -મુકેશ પંડ્યા

વાત છે રાજસ્થાનના બારમેર ગામમાં જન્મેલી પાયલ શ્રીશ્રીમાલની. તે સાત વર્ષની હતી ત્યારથી જ તેને ‘મસ્ક્યુલર ડિસ્ટ્રોફી’ નામની અસાધ્ય બીમારી લાગુ પડી. આ બીમારીમાં ધીરે ધીરે આખા શરીરના સ્નાયુઓ નબળા પડતા જાય છે. હલનચલન, સંતુલન, શ્ર્વસનક્રિયા પર અસર થાય, જલદી થાકી જવાય. ક્યારે શરીર જવાબ આપી દે કંઇ કહેવાય નહીં. પાયલને મુંબઇની મોટી હોસ્પિટલમાં પણ દેખાડવામાં આવ્યું. ડૉક્ટરસાહેબે કહ્યું કે આ વિરલ કિસ્સો છે. ત્રણ લાખ લોકોમાંથી એકને આ દર્દ લાગુ પડે છે અને તેમાંય મોટે ભાગે છોકરાઓને જ આ બીમારી થાય છે. ડૉક્ટરસાહેબ પાસે પહેલી વાર એવો કેસ આવ્યો હતો જેમાં કોઇ છોકરીને આ રોગ થયો હોય. આ જાતની બીમારીમાં ખાસ કોઇ દવા હોતી નથી. કસરતથી થોડો ઘણો ફેર પડે, પણ વિશેષ કશું નહીં.
જોકે પાયલ મનોબળની મક્કમ. બધા જ પડકારોને પડકારતી રહી. બારમેર ગામમાં ૧૨મા ધોરણ સુધી ભણી. તેને ડ્રોઇંગ-પેઇન્ટિંગમાં બહુ રસ. તેની ઇચ્છા હતી કે મુંબઇમાં ફાઇન આર્ટ્સ શીખે અને ગ્રેજ્યુએટ બને, પરંતુ નસીબજોગે એડમિશન ન મળ્યું. જોકે નિરાશ થાય એ બીજા, પાયલ નહીં.
બારમેરમાં તે પોતે જ ડ્રોઇંગ-પેઇન્ટિંગની તાલીમ લેતી રહી. વચ્ચે વચ્ચે તેણે ઇન્ટર મિડિયેટ ડ્રોઇંગની પરીક્ષા પણ આપી. મહાભારતની પેલી કથા યાદ છેને? જેમાં ગુરુ દ્રોણ એકલવ્યને બાણવિદ્યા શીખવવાની ના પાડે છે તો નિરાશ થયા વગર પોતે જ પોતાને તાલીમ આપીને શ્રેષ્ઠ બાણાવળી બન્યો. બસ, પાયલને પણ તમે આજની એકલવ્ય કહી શકો. પાયલ પોતે તો બેસ્ટ પેઇન્ટર બની, પણ હવે તે બીજાને પણ ડ્રોઇંગ-પેઇન્ટિંગ શીખવાડે છે. તેણે અનેક શહેરોમાં યોજાતાં પેઇન્ટિંગ્સ એક્ઝિબિશન્સમાં પણ ભાગ લીધો છે. તેનાં અત્યાર સુધીમાં અનેક પેઇન્ટિંગ્સ વેચાઇ ચૂક્યાં છે. સ્કેચ, પોર્ટ્રેઇટ્સ, ઓઇલ પેઇન્ટિંગ, વોટર પોઇન્ટિંગ, કોફી પેઇન્ટિંગ હોય કે કાપડ અથવા કોઇ પણ ચીજવસ્તુ હોય તે દરેક જગ્યાએ અવનવાં પેઇન્ટિંગ કરી શકે છે.
કુદરતે અટકાવી એની ચાલ,
પણ હાથ છે બેમિસાલ
પાયલ છેલ્લાં કેટલાંક વર્ષથી ચાલી નથી શકતી. વ્હીલચેર પર બેસીને જ કામ કરે છે. જોકે ભગવાને પગની બધી શક્તિ તેના બે હાથમાં આપી દીધી છે એમ કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય, કારણ કે પાયલ ‘એમ્બિડેક્સ્ટ્રસ’ છે અર્થાત્ બન્ને હાથ પાસેથી એક સરખું કામ લઇ શકે છે. પાયલ જેવું અને જેટલું ચિત્રકામ જમણા હાથે કરી શકે છે એવું અને એટલું જ ચિત્રકામ ડાબા હાથે પણ કરી શકે છે.
ઓલરાઉન્ડ ડિઝાઇનર
પાયલ ક્રાફ્ટવર્ક પણ સારું કરી જાણે છે. કેલિગ્રાફીમાં માહેર છે, મેંદી મૂકવામાં નિષ્ણાત છે, નેઇલ પેઇન્ટિંગ (નખ પર ચિત્રકામ) કરી જાણે છે. સીવણકામ જાણે છે, ડ્રેસ અને ફેશન ડિઝાઇનર છે. ચિત્રકામ ઉપરાંત તે ‘વેસ્ટમાંથી બેસ્ટ’ના સિદ્ધાંતનો ઉપયોગ કરી સરસ મજાની આકર્ષક ઢીંગલીઓ સહિત અનેક વસ્તુ બનાવી શકે છેે, હાથેથી ગૂંથેલાં રમકડાં બનાવી શકે છે. તે કહે છે કે વેસ્ટમાંથી બેસ્ટ એવાં વાક્યો મેં સાંભળ્યાં પણ નહોતાં ત્યારથી અનેક ચીજોને રિયુઝ
અને રિસાઇકલ કરીને હું અનેક ચીજવસ્તુઓ બનાવું છું.
નાનપણથી જ કલાકાર
પાયલ આમ તો નાની હતી ત્યારથી જ ચિત્રોમાં સુંદર રંગો ભરતી હતી, પણ તેની કુશળતાનો પરિચય સહુ પ્રથમ ત્યારે આપ્યો જ્યારે તે ૯ વર્ષની હતી. એ સમયે તેણે સહુ પ્રથમ બાર્બી ડૉલને સુંદર વસ્ત્રો અને આભૂષણોથી શણગારી. પછી તો વિવિધ પ્રકારનાં કંઇ કેટલાંય વસ્ત્રો અને ફેશનથી સજાવટ કરી.
મિસ બ્યુટિફુલ હેરનો
ખિતાબ મળ્યો
ભગવાને પાયલને સરસ મજાના લાંબા વાળ પણ આપ્યા હતા. ૨૦૧૪માં યોજાયેલી ‘મિસ વ્હીલચેર’ સ્પર્ધામાં તેણે ભાગ લીધો ત્યારે એ ‘મિસ બ્યુટિફુલ હેર’નો ખિતાબ પણ જીતી. જોકે બે વર્ષ પહેલાં તેણે પોતાના ૨૮ ઇંચ લાંબા વાળ કેન્સરના પેશન્ટોને દાન કર્યા. બોલો પાયલને દિવ્યાંગ કહેવી કે દાતા?
સકારાત્મકતા તેની રગ રગમાં ભરી છે
માંસપેશીઓની નબળાઇની વિરલ બીમારી ધરાવતી આ ક્ધયાની રગ રગમાં સકારત્મકતા ભારોભાર ભરી પડી છે. કોલેજ દ્વારા તેને ફાઇન આર્ટ્સનું શિક્ષણ ન મળ્યું તો નિરાશ થવાને બદલે પોતાની જાતે જ અનેક કળાઓ શીખતી ગઇ. બીજાને શિખવાડતી ગઇ. નાનીમોટી અનેક ચીજો તે સજાવતી ગઇ. નવા પ્રયોગો કરતી રહી. મેંદીના કોન કે પીંછી સિવાય બીજી કોઇ ભારે ચીજો એ પોતે ઉપાડી શકતી ત્યારે જે હાથે સ્વીકાર્યું તેનો સદુપયોગ કરી તેણે હૈયામાં હામ ભરી નોર્મલ લોકો જે કામ ન કરી શકે તેવાં કામ કરી બતાવ્યાં. છેલ્લાં ૧૮ વર્ષથી એ
પોતાની કળા અને સકારાત્મકતા અન્ય વિદ્યાર્થીઓને પણ શીખવાડી રહી છે.
પાયલ કહે છે કે દિવ્યાંગો માટે અન્ય દેશોમાં જે જાગૃતિ હોય છે, જે સુવિધાઓ તેમને આપવામાં આવે છે એવી સુવિધાઓ ભારતમાં પણ દિવ્યાંગોને મળવી જોઇએ. આપણે ત્યાં લોકો દિવ્યાંગતા વિષય પર બહુ વાત કરવા તૈયાર નથી હોતા. માબાપ પણ દિવ્યાંગ બાળકો માટે વધુ પડતાં
સંરક્ષણાત્મક હોય છે. તેમણે દિવ્યાંગોને સાહસ કરવા માટે પ્રોત્સાહિત કરવાં જોઇએ.
માથા પર વ્હીલચેર એ તેનું માનીતું ચિત્ર, શ્રેષ્ઠ સંદેશ
આમ તો પાયલે ઘણાં ચિત્રો દોર્યાં છે અને વેચ્યાં છે. તેણે દોરેલું અમિતાભ બચ્ચનનું ચિત્ર પણ જોઇને ખુદ અમિતાભે તેને શાબાશીનો સંદેશો મોકલ્યો હતો. જોકે, પાયલનું કોઇ ફેવરિટ ચિત્ર હોય તો એ છે વ્યક્તિના માથા પર મૂકેલી વહીલચેર. આ ચિત્ર દ્વારા પાયલ એ સમજાવવા માગે છે કે અમે તો શરીરથી દિવ્યાંગ છીએ અને તે ખામીને દૂર કરી શકતા નથી, છતાંય અશક્ય કામો કરી શકીએ છીએ, પણ કેટલીયે વ્યક્તિ એવી હોય છે જે શરીરે સાંગોપાંગ હોવા છતાં તેમનામાં આત્મવિશ્ર્વાસનો અભાવ હોય છે. આ કામ તો અમારાથી નહીં થઇ શકે, પેલું કામ તો અશક્ય લાગે છે એવા નકારાત્મક વિચારોથી ભરેલા હોય છે. અમે તો વ્હીલચેર પર રાજ કરીએ છીએ જ્યારે આવા લોકોનાં તો મગજ અને માથા પર વ્હીલચેર (અસમર્થતા) સવાર હોય છે. આ લોકો માનસિક રીતે દિવ્યાંગ હોય છે.
મગજમાંથી એક વાર દિવ્યાંગતાની વાતો કાઢી નાખો તો અક્ષમ વ્યક્તિ પણ સક્ષમ બની શકે છે એવી ફિલોસોફી ધરાવતી પાયલ સારી કવિતા પણ રચી જાણે છે.
વાહ! પાયલની આ જીવનકથની નોર્મલ-એબનોર્મલ દરેક વ્યક્તિને પ્રેરણા આપતી રહેશે એમાં કોઇ શંકાને સ્થાન નથી.

Google search engine