પાર્ટીના નેતાઓ સાથેની બેઠક બાદ આક્રમક સ્વરૂપ દેખાડ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: જેમણે પક્ષનું નામ અને ચિહ્ન ચોરી લીધું છે. આ પૂર્વ આયોજિત કાવતરૂં હતું. તેમણે શિવસેના નામ ચોરી લીધું હોવા છતાં તેઓ ઠાકરે નામ ચોરી શકતા નથી. આથી આ એક બાબત માટે હું ખરેખર નસીબદાર છું કે મેં બાળાસાહેબ અને માંસાહેબને ત્યાં જન્મ લીધો છે. આ નસીબ તેમને મળ્યું નથી અને દિલ્હીવાળા આ ભાગ્ય તેમને આપી શકે તેમ નથી, એવા શબ્દોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ઉદ્ધવ ઠાકરેએ સોમવારે ટોણો માર્યો હતો અને કહ્યું હતું કે આજે જે સ્થિતિ શિવસેના પર આવી છે તે આવતીકાલે દેશની કોઈપણ રાજકીય પક્ષ માટે આવી શકે છે. અત્યારે આનો મુકાબલો નહીં કરવામાં આવે તો કદાચ
આગામી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી છેલ્લી ચૂંટણી બની રહી શકે છે. કેમ કે ત્યારપછી દેશમાં લોકશાહીની જગ્યાએ સરમુખત્યારશાહીનો નગ્ન નાચ જોવા મળશે.
તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચે પક્ષનું નામ અને ચિહ્ન આપવામાં ઉતાવળ કરી હતી અને આ બધી બાબતોને જોતાં એવું લાગી રહ્યું છે કે ચૂંટણી પંચને બરખાસ્ત કરી નાખવું જોઈએ.
તેમણે કહ્યું હતું કે જાણી જોઈને ગુંચવાડો વધારવાના હેતુથી ચૂંટણી પંચે ઉતાવળે નિર્ણય લીધો નહોતોને? વિવાદ થયા બાદ ચિહ્ન અને નામ ફ્રીઝ કરી દેવામાં આવતું હોય છે. ચિહ્ન ફ્રીઝ કરવાની માગણી કરનારાએ અંધેરીની પેટાચૂંટણી લડવાની હિંમત પણ દાખવી નહોતી. અમે મશાલના ચિહ્ન પર ચૂંટણી લડી. કોર્ટે આપેલા નિર્દેશ મુજબ અમે બધા શપથપત્ર ચૂંટણી પંચ પાસે જમા કરાવ્યા હતા. આ બધું કર્યા બાદ હવે ચૂંટણી પંચ કે છે કે તે કશું નહીં ચાલે. ચૂંટાઈને આવેલા હતા તેના સંખ્યાબળને આધારે પક્ષ કોનો તે નક્કી કરવામાં આવશે. તેનો પણ વાંધો નહોતો, પરંતુ તેઓ પાત્ર છે કે અપાત્ર તે નક્કી થાય તેની તો રાહ જોવી હતી. આ બધું જે રીતે થઈ રહ્યું છે તેને જોઈને હવે એવું લાગી રહ્યું છે કે આ ચૂંટણી પંચને જ બરખાસ્ત કરી નાખવાની આવશ્યકતા છે, એમ ઉદ્ધવ ઠાકરેએ સોમવારે સેનાભવનમાં પોતાના વિધાનસભ્યો અને પાર્ટીના નેતાઓ સાથેની બેઠક બાદ કહ્યું હતું.
ચૂંટણી પંચના ત્રણમાંથી એક કમિશનરની નિયુક્તિ સામે પ્રશાંત ભૂષણે વાંધો ઉઠાવ્યો છે. તેમની પસંદગી નથી થઈ, નિયુક્તિ કરવામાં આવી છે. આ દેશનું કમનસીબ છે. પક્ષમાં લોકશાહી અને ચૂંટણી થવી જોઈએ તો પછી ચૂંટણી કમિશનરની નિયુક્તિ થતી હોય તો પછી લોકશાહી સંકટમાં આવી રહી છે, એમ પણ ઉદ્ધવે કહ્યું હતું.
—
સુપ્રીમમાં ચૂંટણી પંચના નિર્ણયને પડકારીશું
ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી પંચના નિર્ણયની ટીકા કરતાં કહ્યું હતું કે ચૂંટણી પંચના નિર્ણયના વિરોધમાં અમે સુપ્રીમ કોર્ટમાં ગયા છીએ. અહીં ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા તાકીદે સુનાવણી કરવાની માગણી કરવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તાકીદે સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો હતો. હવે આ કેસની સુનાવણી ક્યારે થશે તે મંગળવારે જાણવા મળશે. ઉ