સોનામાં ઘટ્યા મથાળેથી માગનો સળવળાટ થતાં ડિસ્કાઉન્ટમાં પણ ઘટાડો

વેપાર વાણિજ્ય

અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સની જાહેરાત પશ્ર્ચાત્ ગત ડૉલરમાં મજબૂત વલણ રહેતાં ડૉલર ઈન્ડેક્સ વધીને એક મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. તેમ જ ડૉલર ઈન્ડેક્સની મજબૂતી સાથે વૈશ્ર્વિક બજારમાં રોકાણકારોની સોનામાં વેચવાલી અને નવી લેવાલીનો અભાવ રહેતા ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક સોના-ચાંદી બજારમાં પણ સોનાના ભાવ ઘટી આવ્યા હતા. જોકે, ડૉલર ઈન્ડેક્સની મજબૂતી સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સાપ્તાહિક ધોરણે ૧૫ પૈસાનો ઘટાડો આવ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં વધારો થવાને કારણે વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે સ્થાનિકમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ૧૦ ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત ૧૨મી ઑગસ્ટના રૂ. ૫૨,૪૬૧ સામે સપ્તાહની ઊંચી રૂ. ૫૨,૧૮૦ની સપાટીએ ખૂલ્યા હતા, જ્યારે સપ્તાહના અંતે નીચી રૂ. ૫૧,૮૦૨ની સપાટીએ બંધ રહ્યા હતા. આમ ભાવમાં સાપ્તાહિક ધોરણે ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૫૯ અથવા તો ૧.૨૫ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. એકંદરે સ્થાનિકમાં સોનાના ભાવ ગત ત્રીજી ઑગસ્ટ પછીની સૌથી નીચી સપાટીએ રહ્યા હતા. વિશ્ર્વબજાર પાછળ ભાવમાં ઘટાડાતરફી વલણ રહેતાં સપ્તાહ દરમિયાન રિટેલ માગમાં થોડો સળવળાટ જોવા મળ્યો હોવાનું કોલકાતા સ્થિત જેજે ગોલ્ડ હાઉસના પ્રોપ્રાઈટર હર્ષદ અજમેરાએ જણાવતા ઉમેર્યું હતું કે ભાવમાં ઘટાડો અને માગમાં ચમકારો થવાથી સ્થાનિકમાં ડીલરો દ્વારા ઑફર કરવામાં આવતા સોનાના ભાવ પરના ડિસ્કાઉન્ટ જે આગલા સપ્તાહે ઔંસદીઠ ૧૪ ડૉલર ઑફર કરી રહ્યા હતા તેની સામે ગત સપ્તાહે ઔંસદીઠ ચાર ડૉલર ડિસ્કાઉન્ટ ઑફર કરી રહ્યા હતા. જોકે, મુંબઈ સ્થિત એક ડીલરે જણાવ્યું હતું કે સપ્તાહ દરમિયાન ટ્રેડરોની ચાંદીમાં રોકાણલક્ષી માગ રહી હોવાથી સોનામાં માગ નિરસ હતી.
સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે પણ સોનામાં ઘટ્યા મથાળેથી છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ પાંચથી આઠ ડૉલર આસપાસના પ્રીમિયમમાં ટકેલા ધોરણે ઓફર કરી રહ્યા હતા. વધુમાં હૉંગકૉંગ ખાતે એકંદરે કામકાજો નિરસ રહેતાં પ્રીમિયમ ઔંસદીઠ બે ડૉલર આસપાસના સ્તરે રહ્યા હતા. તે જ પ્રમાણે સિંગાપોર ખાતે પ્રીમિયમ ઔંસદીઠ ૧.૫૦ ડૉલરથી ૨.૩૦ ડૉલર આસપાસની ગત સપ્તાહની સપાટીએ જ રહ્યાના અહેવાલ હતા. વધુમાં જાપાન ખાતે ગત સપ્તાહે ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક બજારની સમકક્ષ અથવા તો ઔંસદીઠ ૫૦ સેન્ટ આસપાસના પ્રીમિયમમાં ઑફર કરી રહ્યા હતા, પરંતુ અપેક્ષિત માગનો વસવસો હતો. તેમ છતાં ઉનાળાની રજાઓ ચાલુ થઈ રહી હોવાથી આગામી સપ્તાહમાં રિટેલ સ્તરની માગ ખૂલવાનો આશાવાદ બજાર વર્તુળો સેવી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ કરીને અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ૨૦-૨૧ સપ્ટેમ્બરનાં રોજ યોજાનારી બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે ફરી વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા ડૉલર ઈન્ડેક્સ મજબૂત થવાથી સોનાના વૈશ્ર્વિક ભાવમાં સતત પાંચમાં સપ્તાહમાં ઘટાડાતરફી રહ્યા હતા અને નવેમ્બર પછીનું સૌથી વધુ સમયગાળાનું ભાવઘટાડાનું વલણ જોવા મળ્યું હતું. તેમ જ ભાવમાં સાપ્તાહિક ધોરણે ૨.૯ ટકા જેટલો ઘટાડો પણ નોંધાયો હતો. આમ બજાર વર્તુળો વ્યાજદરમાં વધુ વધારો થાય તેવી ધારણા મૂકી રહ્યા હોવાથી ડૉલર મજબૂત થઈ રહ્યો છે અને સોનામાં સુધારો અટક્યો હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સનાં વિશ્ર્લેષકે જણાવતા ઉમેર્યું હતું કે ડૉલર ઈન્ડેક્સ એક મહિનાની ઊંચી સપાટીએ પહોંચતા સોનાના ભાવ ઊંચા પુરવાર થઈ રહ્યા છે.
અમેરિકી ફેડરલ રિઝર્વ વધતા ફુગાવાને અંકુશમાં રાખવા માટે ધિરાણ ખર્ચ ઊંચો રાખી રહી છે. ગત ગુરુવારે સેન્ટ લુઈસ ફેડના પ્રમુખ જેમ્સ બુલાર્ડે આગામી સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધુ ૭૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કરે તેવો અવકાશ છે. સામાન્યપણે વ્યાજદરમાં વધારાના સંજોગોમાં સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણકારો નવી લેવાલીથી દૂર રહેતા હોવાથી સોનાના ભાવ દબાણ હેઠળ રહે છે. ગત સપ્તાહે અમેરિકી ફેડરલ રિઝર્વની જુલાઈ મહિનાની બેઠકની મિનિટ્સમાં જણાવ્યું હતું કે વ્યાજદરમાં વધારાની તીવ્રતા અંગેનો નિર્ણય આગામી આર્થિક ડેટાઓ પર અવલંબિત રહેશે. આમ વ્યાજદરમાં વધારાની અને ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ જળવાઈ રહે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં અમારા મતે વર્તમાન સપ્તાહે પણ વૈશ્ર્વિક સોનાના ભાવ દબાણ હેઠળ રહે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં ઓનલાઈન વાયદામાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૦,૨૦૦થી ૫૨,૫૦૦ આસપાસની રેન્જમાં અથડાતા રહે તેવી શક્યતા એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સનાં વિશ્ર્લેષકે વ્યક્ત કરી હતી.
દરમિયાન ગત સપ્તાહના અંતે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર ડૉલર ઈન્ડેક્સ મજબૂત રહેતાં સત્રના અંત આસપાસ હાજરમાં સોનાના ભાવ આગલા બંધથી ૦.૬ ટકા ઘટીને ગત આઠમી જુલાઈ પછીની સૌથી નીચી ઔંસદીઠ ૧૭૪૮.૫૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ સાપ્તાહિક ધોરણે સતત પાંચમાં સપ્તાહમાં ઘટાડાતરફી વલણ રહેતાં વધુ ૨.૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો. તેમ જ સોનાના વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૫ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૧૭૬૨.૯૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદરે હાલને તબક્કે ડૉલર અને સોના વચ્ચે સલામતી માટેની માગની સ્પર્ધા ચાલી રહી છે અને ઊંચા વ્યાજદર ડૉલર ઈન્ડેક્સની તરફેણ કરી રહ્યા હોવાથી ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને સોનામાં નરમાઈનું વલણ જોવા મળી રહ્યું હોવાનું કિટકો મેટલ્સનાં વરિષ્ઠ વિશ્ર્લેષક જિમ વાઈકોફે જણાવતા ઉમેર્યું હતું કે ડૉલરની મજબૂતીને દરિયાપારના ખરીદદારોનું પણ સોનાની ખરીદી માટે આકર્ષણ ઘટી રહ્યું છે. અમુક વિશ્ર્લેષકોના મતાનુસાર હાલ વૈશ્ર્વિક સોના માટે ઔંસદીઠ ૧૭૦૦ ડૉલરની સપાટી ટેકાની સપાટી પુરવાર થાય તેવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. તેમ છતાં જો અગ્રણી અર્થતંત્રના આર્થિક ડેટા નબળા આવે અને વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિની ચિંતા સપાટી પર આવે તો સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગ જોવા મળી શકે, એવું બજાર વર્તુળોનું મંતવ્ય છે. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.