(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વડા પ્રધાન પાક વીમા યોજના ખરીફ -૨૦૨૨માં નુકસાનગ્રસ્ત ખેડૂતોને વિવિધ વિમા કંપનીના માધ્યમથી નુકસાન ભરપાઈની રકમ ૩૧ મે, ૨૦૨૩ સુધી વહેંચવામાં આવશે. આ બાબતની કાર્યવાહી કરવામાં વિલંબ કરનારી વીમા કંપનીની પર કાર્યવાહી કરવામાં આવશે એવી કૃષિ પ્રધાન વિધાનસભામાં માહિતી આપી હતી. રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને તેમને હજી સુધી સરકાર તરફથી કોઈ મદદ મળી નથી ત્યારે કૃષિ પ્રધાન અબ્દુલ સત્તારે વિધાનસભામાં માહિતી આપતા કહ્યું હતું કે વડાપ્રધાન પાક વીમા યોજના રાજ્યમાં ભારતીય કૃષિ વીમા કંપની, એચડીએફસી અર્ગો, આઈસીઆઈસીઆઈ લોંબાર્ડ, યુનાઈટેડ ઈંડિયા કંપની અને બજાજ અલાયન્સ આ પાંચ કંપની મારફત અમલમાં મૂકવામાં આવી છે. ખેડૂતોને નૈસર્ગિક તેમ જ અન્ય પ્રતિકૂળ પરિસ્થિતિ વગેરેમાં થયેલા નુકસાન ભરપાઈનું સર્વેક્ષણ પૂરા થયા બાદ તમામ પ્રક્રિયા પૂરી કરીને તેમને વીમાની રકમ આપવામાં આવશે.
દરમિયાન રાજ્યમાં ખેડૂતોને બોગસ ખાતર, બિયારણ તથા પેસ્ટીસાઈડ્સનું વેચાણ કરી ખેડૂતોની સાથે છેતરપિંડી કરનારી કંપની વિરુદ્ધ અને વિક્રેતા વિરુદ્ધ સખત પગલાં લેવામાં આવશે એવી જાહેરાત સરકારે કરી હતી.રાજ્યમાં જુદા જુદા સ્થળે આઠસોથી વધુ ખાતર વેચાણ કરનારી દુકાનોની તપાસ કરવામાં આવી છે. અહીં ૫૧,૮૪૪ નમૂના તપાસવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં ૯૬૩ દાવા દાખલ કરવામાં આવ્યા હોઈ તેમાંથી ૭૭ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવામાં આવ્યા છે. તપાસમાં ૭૬ના લાઈસન્સ રદ કરવામાં આવ્યા છે, તો ૫૩ દુકાનદારોને વેચાણ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્યમાં આ તપાસણીમાં છ કરોડ ૩૩ લાખ રૂપિયાનું બોગસ ખાતર, બિયારણનો ૨,૩૬૫ મેટ્રિક ટન સ્ટોક જપ્ત કરવામાં આવ્યો હોવાની માહિતી કૃષિ પ્રધાન અબ્દુલ સત્તારે વિધાનપરિષદમાં આપી હતી.