મુંબઈઃ દિંડોશીમાં મંગળવારે સવારે વનવિભાગ દ્વારા લગાવવામાં આવેલા પિંજરામાં એક દીપડો કેદ થઈ ગયો હતો. કેદ થયેલાં આ દીપડાને વન અધિકારઓએ પહેલાંથી જ ટેગ કર્યો હોઈ તેને ફરી એક વખત સંજય ગાંધી નેશનલ પાર્કમાં મેડિકલ ચેક અપ માટે લંઈ જવામાં આવ્યો છે. આ દિપડાને કારણે કોઈ પણ પ્રકારનો અનુચિત બનાવ ન બન્યો હોઈ તેને ફરી જંગલમાં છોડી દેવામાં આવશે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. પાળેલા મરઘા-મરઘી જેવા શિકારની શોધમાં દીપડો દિંડોશી તરફ આવ્યો હશે એવી શક્યતા વન અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે. દીપડાએ કોઈને નુકસાન પહોંચાડ્યું નથી કે તેને કારણે કોઈ પણ પ્રકારની દુર્ઘટના બની નહોતી. તેમ છતાં દિંડોશીના રહેવાસીઓ દ્વારા અહીં પિંજરું લગાવવા માટે વન અધિકારીઓ પર દબાણ કરવામાં આવ્યુ હતું. આ દબાણને પગલે વન વિભાગ દ્વારા આ પરિસરમાં પિંજરુ લગાવવામાં આવ્યું હતું.
આખરે મંગળવારે સવારે વન વિભાગે લગાવેના પિંજરામાં દીપડો કેદ થયો હતો અને દીપડાના ડરમાંથી નાગરિકોએ છુટકારાનો શ્વાસ લીધો હતો. આ પહેલાં પણ 7મી માર્ચના મરોળ પરિસરમાં મોડી રાતના દીપડો ફરતો દેખાયો હતો. અહીં પણ સ્થાનિકોના કહેવા પર બે પિંજરા લગાવવામાં આવ્યા હતા. દિંડોશી-મરોળ વિસ્તારમાં દીપડો જોવા મળ્યા બાદ હવે આ દીપડાને ફરી એક વખત આરેના કોલોનીના જંગલમાં છોડી મૂકવામાં આવશે, એવું કહેવાઈ રહ્યું છે.