Homeમેટિનીદીના પાઠક: રમતિયાળ મા

દીના પાઠક: રમતિયાળ મા

૭૫ વર્ષ પહેલાં ગુજરાતી ફિલ્મ ‘કરિયાવર’થી શરૂઆત કરી હસમુખ અને ક્યારેક કડક સ્વભાવની માતાના રોલમાં લોકપ્રિયતા મેળવી

હેન્રી શાસ્ત્રી

હીરો અને એની બહેન (અમોલ પાલેકર અને મંજુ સિંહ) ડ્રોઈંગ રૂમમાં બેસી મોજથી સંગીત સાંભળી રહ્યા છે ત્યાં શેઠ ભવાની શંકર (ઉત્પલ દત્ત)નું આગમન થાય છે. આનંદ છવાયેલો હતો એ ચહેરા પર અચાનક ટેન્શન આવી જાય છે. માનો સ્વર્ગવાસ થયો હોવા છતાં મા છે એવા ચલાવેલા નાટકની ચોરી આજે તો પકડાઈ જશે એ બીક ભાઈ – બહેનની આંખમાં ડોકિયાં કરે છે. શેઠ પણ મનમાં સળવળેલી શંકાનું સમાધાન કરવા જ અચાનક ટપકી પડ્યા હોય છે. અચાનક અંદરના રૂમમાંથી માતુશ્રી – શ્રીમતી કમલા શ્રીવાસ્તવ (દીના પાઠક)નો અવાજ સંભળાય છે અને માને જોઈને ભાઈ – બહેનના ભયથી અકળાયેલા ચહેરા પર ભગવાન વહારે આવ્યા એવા ભાવ જોવા મળે છે. થોડી વાર પહેલા જ બિલ્લીપગે ઘરની પછવાડે રહેલી બારીમાંથી શરીર સંકોચી જેમતેમ ઘરમાં ચહેરા પર મલકાટ સાથે દાખલ થયેલાં દીના પાઠક હિન્દી ફિલ્મો માટે અજાણ્યો એવો રમતિયાળ માનો અવતાર છે. લીલા ચીટનીશ અને નિરૂપા રોયના રડમસ માતાના અવતારથી ટેવાયેલા હિન્દી ફિલ્મના દર્શકો માટે આ સુખદ બદલાવ હતો. આ ‘નવી મા’ને દર્શકોએ હસતે મોઢે આવકાર આપ્યો અને મુશ્કેલી હોવા છતાં મલકાતા રહેતાં માતા – દાદીમા તરીકે દીના પાઠક જામી ગયાં. અંગત જીવનમાં પણ અનેક વિટંબણાઓ સહેવા છતાં દીના બહેનની આંખમાં આંસુ નહીં પણ ચહેરા પર સ્મિત નજરે પડ્યું છે અને રિયલ લાઈફને તેમણે જાણે કે રીલ લાઈફમાં જીવી જાણી.
રૂપેરી પડદા પરના આ અલાયદી માતા વિશે તેમની દીકરી અને પ્રતિભાશાળી અભિનેત્રી રત્ના પાઠક – શાહે ગયા વર્ષે માતાની જન્મશતાબ્દી નિમિત્તે કરેલી વાત જાણવા જેવી છે. રત્નાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ‘એમના અનેક પ્રસંગ યાદગાર છે, પણ હૃદય સાથે જડાઈ ગયેલી એક ઘટના શેર કરવાની લાલચ થાય છે. ‘મિથ્યા અભિમાન’ નામનું નાટક કરવા અમે ૩૦ કલાકાર મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ જવા નીકળ્યા હતા, પણ અમારી પાસે ૧૫ ટિકિટનું જ રિઝર્વેશન હતું. કેમ જવાશે, કંઈ રીતે પહોંચાશે એવો ફફડાટ ૨૯ જણને હતો, પણ માના જીવને ગજબની નિરાંત હતી. ‘થઈ રહેશે, પહોંચી જાશું’ એવી અમને હૈયાધારણ આપતાં હતાં. હજી બોરીવલી નહોતું આવ્યું ત્યાં ‘દીના પાઠક – દીના પાઠક’નો ગણગણાટ ડબ્બામાં શરૂ થઈ ગયો. માના ચહેરા પર તેમનું કાયમી સ્મિત ફરકી રહ્યું હતું અને તરત તેમને બેસવા માટે જગ્યા મળી ગઈ. અન્ય મુસાફરોને માને નજીકથી જોવામાં, તેમની સાથે વાત કરવામાં અને તેમને સાંભળવામાં વધુ રસ હોય એ સ્વાભાવિક હતું. મજાની વાત તો એ હતી કે ઘણા મુસાફરોએ તેમના ‘મેના ગુર્જરી’ સહિતનાં અનેક નાટક તેમજ તેમની કેટલીક ફિલ્મો જોઈ હતી. મોટાભાગના પેસેન્જર સાથે ગુજરાતીમાં અને બે ચાર સાથે મરાઠી અને બંગાળીમાં સંવાદ કરી માએ ફિલ્મોની મજેદાર વાતો તેમની સાથે શેર કરવાનું શરૂ કર્યું. તમે માનશો, હજી ટ્રેન દહાણુ નહોતી પહોંચી ત્યાં તો રિઝર્વેશન વિનાના ૧૫ કલાકારને બેસવા – સૂવા માટે જગ્યા મળી ગઈ અને ચા – નાસ્તો બોનસમાં મળ્યા. આ હતાં દીના પાઠક, અમારા માતુશ્રી. લોકો માટે તેમને અપાર લગાવ હતો અને બધા સાથે બહુ જલદી ભળી જતાં. આ લોકોનું વર્તન, તેમની રીતભાત તેમના મનમાં નોંધાઈ જતું અને એ પછી તેમના અભિનયમાં જોવા મળતું.’ ફિલ્મોમાં આપણે જે વાતોડિયા, હસમુખ દીના બહેન જોયાં અને માણ્યાં છે એ એમના વ્યક્તિત્વનો જ પડઘો હતો એમ જરૂર કહી શકાય.
દીના પાઠકની ફિલ્મ કારકિર્દી પર નજર નાખતા જાણવા મળે છે કે ૧૯૪૮માં ‘કરિયાવર’થી ફિલ્મમાં અભિનયની શરૂઆત કર્યા પછી ૧૮ વર્ષ રૂપેરી પડદાથી દૂર રહ્યા. નાટકની પ્રીતિએ ‘નટ મંડળ’ નામના થિયેટર ગ્રુપની રચના કરાવી અને ‘ઈપ્ટા’ સાથે હિન્દી નાટકો પણ કર્યા. ફિલ્મના ગ્લેમરથી દૂર હતાં, પણ હૃષીકેશ મુખરજી, ગુલઝાર, બાસુ ભટ્ટાચાર્ય વગેરે સાથે નિકટતા કેળવી હતી. ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરશે એ નિશ્ર્ચિત હતું, પણ ક્યારે એની કોઈને ખબર નહોતી. અને ૧૯૬૬માં બાસુ ભટ્ટાચાર્યની ‘ઉસકી કહાની’માં માતાના રોલ સાથે એક નવા દોરનો પ્રારંભ થયો. અહીં એ વાતનો ઉલ્લેખ જરૂરી છે કે તેમણે માનો રોલ કર્યો પણ એ ભૂમિકા હિન્દી ફિલ્મોની ‘ગાજર કા હલવા’નો સ્ટેમ્પ ધરાવતી ટિપિકલ માની હોય છે એવી નહોતી. ‘ઉસકી કહાની’ સમાંતર સિનેમાની શરૂ થયેલી નવી ચળવળની ફિલ્મ હતી અને દીના બહેનનું ઘડતર જે વાતાવરણમાં થયું હતું એ જોતા તેમને પેરેલલ સિનેમાની ફિલ્મો માટે વધુ પ્રીતિ હોય એ સ્વાભાવિક હતું. એટલે બાસુ ભટ્ટાચાર્યની ફિલ્મ પછી ખ્વાજા અહમદ અબ્બાસની ‘સાત હિન્દુસ્તાની’, બાસુ ચેટરજીની ’સારા આકાશ’ અને હ્રષિદાની ‘સત્યકામ’ તેમણે કરી. ‘સત્યકામ’ પછી તેમને નિયમિત કામ મળવા લાગ્યું. હ્રષિદાની જ ‘ચૈતાલી’, ‘ગોલમાલ’, ‘ખૂબસૂરત’, ‘નરમ ગરમ’, ‘જુઠી’માં દેખાયાં. દર્શકોને ‘ગોલમાલ’ના હસમુખ અને માયાળુ કમલા શ્રીવાસ્તવ અને ‘ખૂબસૂરત’ના આખા ઘરને નિયંત્રણમાં રાખતા શિસ્તના અતિ આગ્રહી કડક સ્વભાવનાં નિર્મલા ગુપ્તા માટે માયા થઈ. આજે સુધ્ધાં આ બંને પાત્ર સિને રસિકોના સ્મરણમાં સચવાયા છે. એમાંય ’ગોલમાલ’ પછી તો ચલો બુલાવા આયા હૈ જેવો ઘાટ થયો. ગુલઝારની ‘કોશિશ’, ‘મૌસમ’, ‘કિનારા’, ‘મીરા’, ‘ઈજાઝત’માં વિવિધતા નજરે પડી. મૌસમ’માં વેશ્યાવાડો ચલાવતા બાઇની ભૂમિકામાં કુર્તા અને લુંગીના પહેરવેશમાં જ્યારે કજલી (શર્મિલા ટાગોર)ને કોઠા પરથી લઈ જવા માગતા સંજીવ કુમારને ‘યહાં અચ્છી બુરી કોઈ નહીં હોતી. હાં, ધંધા અચ્છા કર લેતી હૈ’ એમ સંભળાવી દે છે ત્યારે એમની ક્રૂરતા દર્શકનું હૈયું દઝાડી જાય છે. આ પ્રકારની ભૂમિકા સુલોચના, નિરૂપા રોય જેવી અભિનેત્રીની કલ્પના પણ ન થઈ શકે કારણ કે તેઓ દયામણી માતાના ચોકઠામાં ફિટ થઈ ગયાં હતાં. કેતન મહેતાની ‘મિર્ચ મસાલા’માં ગ્રામ્ય મહિલાના પાત્રમાં પણ પ્રભાવી લાગ્યાં હતાં. ઘણી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું. અફસોસની વાત એ છે કે કલા રસિકોના સ્મરણમાં માત્ર તેમની ફિલ્મનાં કેટલાંક પાત્રો જ સ્મરણમાં છે. ‘ઢીંગલીઘર’ જેવા ચીલો ચાતરનારા યોગદાન વિસરી જવાયા છે અને એની કોઈ દસ્તાવેજી નોંધ પણ નથી સચવાઈ.
——
ગુજરાતી નાટક અને ચિત્રપટમાં પ્રભાવશાળી યોગદાન
ડાબેરી વિચારસરણી ધરાવતા અને સાંસ્કૃતિક જાગૃતિ માટે ધબકતી ‘ઈપ્ટા’ (ઈન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિયેશન) સાથે સંકળાયેલાં અને બલરાજ સાહની, મુલ્કરાજ આનંદ જેવી વિચારસરણી ધરાવતા કલાકારોના સહવાસમાં રહેલા દીના પાઠક ૨૬ વર્ષની ઉંમરે તેમની વિચારસરણીને જરાય માફક ન આવે એવું ગુજરાતી ફિલ્મ ‘કરિયાવર’ (૧૯૪૮)નું નાગ દેવતાને પ્રસન્ન કરતી ખેડૂતક્ધયા રાજુનું પાત્ર કરવા કેમ તૈયાર થયાં હશે એ સમજવું મુશ્કેલ છે. ખેર. દીના બહેનને માત્ર હિન્દી ફિલ્મોની હસમુખ સ્વભાવની માતા તરીકે જ ઓળખવા એ એમની સાથે અન્યાય કરવા બરાબર કહેવાય. ગુજરાતી ફિલ્મો અને વિશેષ તો રંગભૂમિમાં તેમનું માતબર યોગદાન છે. તેમને કિશોરાવસ્થામાં જ પારસી અને ગુજરાતી જૂની રંગભૂમિનાં નાટકો જોવાની તક મળી જે નાટ્ય પ્રીતિ ઘડવામાં નિમિત્ત બની. રંગભૂમિ માટેના લગાવને કારણે જ ઈપ્ટા સાથે જોડાયાં. અહીં તેમણે રાજકીય – સામાજિક પ્રતિબદ્ધતા ધરાવતા નાટકોમાં કામ કરવાને પ્રાધાન્ય આપ્યું. જયશંકર ‘સુંદરી’, જશવંત ઠાકર વગેરે સાથે નાટ્ય મંડળી સ્થાપી અનોખા નાટક કર્યા. ‘મિથ્યાભિમાન’, ‘અલ્લાબેલી’, ‘મેના ગુર્જરી’ અને ‘ઢીંગલી ઘર’ જેવા વૈવિધ્યપૂર્ણ નાટકોએ દીના બહેનને ઊંચા આસન પર બેસાડી દીધા. નૃત્ય નાટકો સુધ્ધાં કર્યા. જોકે, આ બધામાં નોર્વેના નાટ્યકાર હેન્રીક ઈબ્સનના જગવિખ્યાત નાટક ‘ડોલ્સ હાઉસ’ પરથી ગુજરાતીમાં તૈયાર કરવામાં આવેલા ‘ઢીંગલી ઘર’ની વાત જ ન્યારી છે. ગૃહિણીને થતા ભારોભાર અન્યાય સામે આક્રોશ વ્યક્ત કરતા આ નાટકના વ્યાપક અને દૂરગામી પ્રભાવ વિશે કહેવાયું છે કે અંતે ગૃહત્યાગ કરતી વખતે નાટકનું મુખ્ય પાત્ર – ગૃહિણી નોરા હતાશા અને આવેશમાં જે જોસથી બારણું પછાડે છે એનાથી અનેક સ્તરે સામાજિક અને કૌટુંબિક માળખામાં ખળભળાટ મચી ગયો અને એ બારણાની પછાડના પડઘા અનેક દેશોમાં સાંભળવા મળ્યા. એ જ રીતે દીના બહેનના પરફોર્મન્સના પડઘા નાટ્યજગત અને ફિલ્મજગતને પણ સંભળાયા. સિવાય હિન્દી અને મરાઠી નાટકોના દર્શકોને પણ પ્રભાવિત કર્યા. ગુજરાતી ફિલ્મો સુધ્ધાં કરી જેમાં ‘કરિયાવર’ ઉપરાંત ‘શેણી વિજાણંદ’, ‘મળેલા જીવ’, ‘મોટી બા’, ‘ડાકુરાણી ગંગા’, ‘જીવી રબારણ’, ‘માણસાઈના દીવા’ વગેરેનો સમાવેશ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular