ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી
તુમ્હે ગરઝ જો દિલે-દાગદાર કો દેખો,
તુમ અપને હુસ્ન કો, અપની બહાર કો દેખો.
જવાબ સોચ કર વોહ દિલ મે મુસકુરાતે હૈં,
અભી ઝુબાન પે મેરા સવાલ ભી તો ન થા.
વો બાત ન કેહની થી, ગુસ્સે ને ઊગલવા દી,
શરમાવે બહોત દિલ મેં, વો મુઝ પે ખફા હો કર.
તુમ કેહતે હો: ‘દિલ મેં ન કોઈ મેરે સિવા આયે’,
ક્યા ટાલ દૂ ઉસ કો ભી મોહબ્બત અગર આયે.
– બેખુદ દેહલવી
‘બેખુદ’નો અર્થ અજાણ, અચેત, બેઘ્યાન, બેશુદ્ધ થાય છે. આ અનોખા શાયરે તેમની ગઝલોના છેલ્લા શે’રમાં તેમના ઉપનામને ખૂબીપૂર્વક વણી લીધું છે. તેમનું મૂળ નામ હાજી સૈયદ વહીદુદ્દીન અહમદ હતું. તેમનો જન્મ ૨૨ ફેબ્રુઆરી ૧૮૬૦ના રોજ ભરતપુર (રાજસ્થાન)માં થયો હતો. તેમના જન્મના બે માસ પછી તેમના માતા-પિતા આ બાળકને લઈ દિલ્હીમાં વસી ગયા હતા. માત્ર ૪ વર્ષની વયે તેમના શિક્ષણનો આરંભ થઈ ગયો હતો.
પિતા અને પુત્ર બંને સાહિત્યકાર હોય તેવાં ઉદાહરણો વિશ્ર્વની કેટલીક ભાષાઓમાં નોંધાયાં છે. ઉર્દૂ ભાષા પણ આવા દાખલાથી ભરપૂર છે. ‘બેખુદ’ના દાદા ‘સાલિક’, પિતા ‘સાલિમ’, બંને કાકા ‘મૌ ઝૂં’ અને ‘ફર્દ’ તેમના મામા ‘શૈદા’ અને બેખુદની માતાના ફૂવા ‘આઝુર્દા’ ઉપનામથી શાયરી લખતા હતા. આમ ‘બેખુદ’ને શાયરીની દૌલત વિરાસતમાં મળી હતી. ગઝલના સ્વરૂપ પર પકડ આવે
તે માટે આ શાયર માત્ર વ્યાયામ ખાતર
ગઝલો લખી નાખતા અને પછી તેનો નાશ કરતા હતા.
અહીં એક પ્રસંગ ટાંકવા જેવો છે. તેમના કાકા ‘મૌઝૂં’ કશુંક લખી રહ્યા હતા ત્યારે બેખુદે કાકાને પૂછયું કે તેઓ શું લખી રહ્યા છે? ત્યારે કાકાએ જવાબ આપ્યો : ‘હું ગઝલ લખી રહ્યો છું: તો બેખુદે પૂછયું: ‘તમે રજા આપો તો હું પણ તમને મારી ગઝલ સંભળાવું?’ કાકાએ મજાકમાં કહ્યું: ‘તું વળી ગઝલ શું કહેવાનો?’ આવા પ્રતિભાવથી બેખુદે ગાંઠ વાળી લીધી: “હવે હું ચોક્કસ ગઝલની રચના કરીશ. તે વખતે બેખુદની ઉંમર કેવળ ૧૪ વર્ષની હતી. આ પછી તેમણે એવી સિદ્ધિ હાંસલ કરી કે આ ઘટનાના ૨૫ વર્ષ પછી તેમના કાકા ‘મૌઝૂં’ તેમના ભત્રિજા
‘બેખુદ’ પાસેથી ગઝલ અંગે સલાહ-સૂચન મેળવતા હતા.
હજરત ‘હાલી’ની ભલામણથી ‘બેદિલ’ નામના શાયર-મૌલવી બેખુદને ‘દાગ’ સાહેબ પાસે લઈ ગયા. બેખુદની ગઝલો સાંભળી ‘દાગ’ પ્રભાવિત થયા અને બેખુદને શાગિર્દ તરીકે સ્વીકારી લીધા. બેખુદ લગભગ ૬ મહિના સુધી હૈદરાબાદમાં રહ્યા અને ‘દાગ’ પાસેથી ગઝલના શાસ્ત્રની કક્કો-બારાખડી શીખી લીધી. બેખુદને ‘દાગ’ના ઉત્તરાધિકારી ગણવામાં આવે છે. એમ કહેવાય છે કે બેખુદના પોતાના પણ ૩૦૦ શિષ્યો હતા અને
તેઓને માર્ગદર્શન આપતા હતા. પાછલી જિંદગીમાં બેખુદ અંગ્રેજોને ઉર્દૂ ભાષાનું શિક્ષણ આપતા હતા.
આ સ્વાભિમાની અને ખુદ્દાર શાયરને ઈ.સ. ૧૯૪૭થી ભારત સરકાર તરફથી પ્રતિ માસ રૂ. ૧૫૦ની સહાય અપાતી હતી. ભાગલા થયા પછી તેમણે પાકિસ્તાન જવાનું ટાળ્યું હતું અને આકરી મુશ્કેલીઓ વેઠી દિલ્હીમાં રહેવાનું પસંદ કર્યું.
તેમનો ૩૩૮ પાનાં ધરાવતો દળદાર ગઝલગ્રંથ ‘ગુફતારે-બેખુદ’ ઈ.સ. ૧૯૩૮માં પ્રકાશિત થયો હતો. બીજો સંગ્રહ ‘હુર્ર-એ-શહવાર’નામથી પ્રગટ થયો હતો. ૨ ઑક્ટોબર-૧૯૫૫ના રોજ ૯૭ વર્ષની પાકટ વયે દિલ્હીમાં જામા મસ્જિદ પાસેના તેમના ખાનદાની નિવાસસ્થાન મહિયામહલમાં ‘બેખુદ’સાહેબે છેલ્લો શ્ર્વાસ લીધો હતો.
તેમના પસંદગી પામેલા કેટલાક શે’રનું રસદર્શન કરીએ:
* ખિલવત સમઝ રહા હૂં તેરી બઝમે-નાઝ કો,
મેં ક્યા કરું કે ગૈર મુઝે સૂઝતા નહીં:
તારી આ નટખટ મંડળીને હું એકાન્ત સમજુ છું. હું કરું પણ શું? મારી નજરમાં અન્ય કોઈ વસતું જ નથી. માટે મને બીજું ક્યાંથી દેખાય?
* નિગાહે-મસ્ત કો સાકી કી કૌન દે ઈલ્ઝામ?
મેરા નસીબ કે રુસ્વા મેરા શબાબ હુવા.
સાકીની મસ્તીસભર નજરોનો વાંક વળી શો કાઢવો?
મારું ભાગ્ય જ એવું છે કે મારી યુવાનીને બદનામી મળી.
* તુમ્હારે બાદ સુના હૈ મેરી અજલ આઈ,
તુમ્હારે સાથ સુના થા મેરા શબાબ ગયા.
તમારા આગમન પછી જ મારું મૃત્યુ આવ્યું. વળી તમારી સાથે સાથે જ મારી યુવાનીએ પણ વિદાય લીધી.
* અદા હૈ શર્ત બનાવટ ભી લુત્ફ દેતી હૈ,
વો ખુદ ભી રૂઠ ગયે હૈં મુઝે ખફા કર કે.
તમે જરા સારા હાવભાવ સાથે મારી સાથે વાત કરો. આવી બનાવટ પણ આનંદ આપતી હોય છે. તમે પોતે તો નારાજ થયા છો ને મને પણ નારાજ કર્યો છે.
* એક વો હૈ, જિન્હે દુનિયા કી બહારે હૈ નસીબ,
એક મૈૈં હૂં, કફસે-તંગ કો દુનિયા સમઝા.
એક તો એ છે કે જેમને દુનિયાભરની વસંત તેમના પોતાના ભાગ્યમાં છે. જ્યારે બીજો હું છું કે સાંકડા પિંજરાને જ દુનિયા સમજી બેઠો છું.
* ખાક ભી હમ તો ન ઐ નાસેહે-નાદાં સમઝે,
જા કે સમઝા તૂ ઉસે જો તુઝે ઈન્સાં સમઝે.
અરે ઓ નાદાના ઉપદેશક! તેં જે કાંઈ કહ્યું છે તેમાંનું કશું જ હું સમજી શક્યો નથી. તું એક કામ કર. જે કોઈ તારી ગણતરી ઈન્સાનમાં કરતું હોય એવા કોઈ પાસે જઈને તું ઉપદેશ આપજે.
* ક્યા હૂં મૈં? મેરે સમઝને કો સમઝ હૈ દરકાર,
ખાક સમઝા જો મુઝે ખાક કા પુતલા સમઝા.
હું કોણ છું? શું છું? મને અને જે મારા છે તેને સમજવા માટે સમજદારીની જરૂર છે. જેઓ મને માટીનું પૂતળું સમજીને બેઠા છે તેઓ મને જરાય સમજી શક્યા નથી.
* ફિર બેવફા સે અહદે-વફા લે રહે હૈ હમ,
બે એઅતેબા ઉયો કા નહીં એઅતેબાર આજ.
તમે જોયું ને? એ બેવફા પાસેથી હું ફરીથી વફાદારીનું વચન લઈ રહ્યો છું. આજકાલ તો બિનભરોસાપણાનો કોઈ ભરોસો નથી. (માટે મારે આમ કરવું પડ્યું છે.)
* ફર્ક કુછ આલમે-ઈજાદ સે પહેલે ન થા,
એક હી રંગ થા, ઉસ વક્ત તો મેરા-તેરા
સૃષ્ટિની રચના થઈ તે પહેલાં આવો ક્યાં કોઈ તફાવત હતો?
તે વખતે તો મારા ને તારા રંગમાં પણ કશો ભેદ ક્યાં હતો?
(હવે કેમ બધું બદલાઈ ગયું?)
* બાગે-આલમ કે તમાશાઈ મુઝે ભી દેખ લે,
મેં ભી ઈસ ગુલશન કા હૂં એક ફૂલ કુમ્હલાયા હુવા.
વિશ્ર્વના બગીચાનો તમાશો જોવાવાળાઓ, તમે મને પણ જોઈ લ્યો. હું પોતે પણ એ જ બગીચાનું કરમાયેલું ફૂલ છું.
* બિગડના ઉસ કા ગુસ્સે મેં ભી શોખી સે નહીં ખાલી,
મઝે કી બાત કહ જાતા હૈ, ઝાલિમ બેમજા હો કર.
(પ્રિયા) ગુસ્સે થાય તો પણ તેનાથી તેનું નટખટપણું છૂટી શકતું નથી. તે ચિડાય છે ત્યારે મને આનંદ આપી જાય છે.
* બૈઠે હુવે હૈં સામને સૂરત તો દેખિયે,
‘બેખુદ’ હૈ નામ કે યે પિયેંગે શરાબ ક્યા?
શાયરે તેમના તખલ્લુસને અહીં આ શે’રમાં સુંદર રીતે વણી લીધું છે. આ સામે બેઠા છે તેનો ચહેરો તો જુઓ. તે તો માત્ર નામ પૂરતા ‘બેખુદ’ (બેધ્યાન) લાગી રહ્યા છે. તેઓ શું ધૂળ સુરાપાન કરવાના હતા!
* બે-ખલિશ ઝિન્દગિએ-ઈશ્ક મઝા દેતી હૈ,
કામયાબી કી ન ઉમ્મીદ મોહબ્બત મેં રહે.
પ્રેમસભર જિંદગી ચિંતા વિના આનંદ આપતી હોય છે. મોહબ્બતમાં સફળતાની કશી આશા રાખવી જોઈએ નહીં.
* અજલને મુંહ પે મુંહ રખકર દમે-આખિર કહાં મુઝ સે,
“ઈધર તો દેખ, આંખે ખોલ, મૈં તેરી તમન્ના હૂં.
છેલ્લો શ્ર્વાસ ચાલતો હતો ત્યારે મૃત્યુએ મારા મોઢા પર મોઢું રાખી મને કહ્યું: ‘તું જરા આ તરફ તો જો. તારી આંખો ખોલ. તને જેની તમન્ના હતી તેને પૂરી કરવા હું હાજર થઈ ગયો છું.’
* ગુઝર જાતે હૈં દો-દો દિન હમેં બેદાના-પાની કે,
કફસ મેં કૌન ખાયે બૈઠ કર સૈયાદ કે ટુકડે!
પાણી-અનાજ લીધા વગર અમારા બબ્બે દિવસો નીકળી જાય છે પિંજરામાં શિકારીએ નાખેલા ટુકડા કોણ ખાય?
* જફાયે તુમ કિયે જાઓ, વફાયે મૈં કિયે જાઉં,
તુમ અપને ફન મેં કામિલ હો, મૈં અપને ફનમેં યકતા હું.
તમે ભલે અત્યાચાર કરો પણ હું વફાદારી ચુકીશ નહીં. તમે તમારા હુન્નરમાં પરિપૂર્ણ છો તો હું મારી કળામાં પાવરધો છું.
* તૂ-હી-તૂ હો, જિસ તરફ દેખે ઊઠા કર આંખ હમ,
તેરે જલવે કે સિવા પેશે-નઝર કુછ ભી ન હો.
જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં માત્ર તું જ તું (ઈશ્ર્વર) નજરે ચઢે. હું ઈચ્છું કે મને તારા દર્શન સિવાય કશું જ દેખાય નહીં.