Homeમેટિનીદિલ મેં છુપા કે પ્યાર કા તૂફાન લે ચલે...

દિલ મેં છુપા કે પ્યાર કા તૂફાન લે ચલે…

રંગીન ઝમાને -હકીમ રંગવાલા

બિલિમોરાનો ગુજરાતી છોકરો જે રીતસર અભણ હતો અને ફિલ્મો પ્રત્યેના આકર્ષણને કારણે મુંબઈ પહોંચીને ‘એક્સ્ટ્રા’ તરીકે ફિલ્મોમાં ઘૂસી ગયો અને આગળ જતાં સાગર ફિલ્મ કંપનીની ફિલ્મોનો દિગ્દર્શક બની ગયો! એ છોકરો મહેબૂબ ખાન રમજાન ખાન હતો, જેણે ભારતની પહેલી ટેક્નિકલર ફિલ્મ ‘આન’ બનાવી. આ ‘આન’ ફિલ્મે અનેક રેકોર્ડ સર્જેલા. ખૂબ જંગી બજેટની ફિલ્મ. સોળ એમ.એમ.માં કોડોક્રોમમાં બનાવીને લંડન જઈને ૩૫ એમ.એમ.માં ટેક્નિકલરમાં બ્લો-અપ કરેલી ફિલ્મ જે હિન્દી ફિલ્મોમાં એક ટેક્નિકલ ક્રાંતિ હતી. ધર્મેન્દ્ર જ્યારે પોતાના દીકરા સનીને લોન્ચ કરવા માટે ફિલ્મ બનાવવા ઈચ્છતા હતા ત્યારે એમણે રાહુલ રવૈલને પસંદ કર્યા અને રાહુલ રવૈલે એક સ્ટોરીલાઈન સંભળાવી દીધી ઝટપટ. આ સ્ટોરીલાઈન સાંભળીને ધર્મેન્દ્ર બોલી ઊઠ્યા, ‘ઓહ, તમે દિલીપ કુમારની ‘આન’ ફિલ્મની રિમેક બનાવવા માગો છો!’ હકીકતમાં શેક્સપિયરની વાર્તા ‘ધ ટેમિંગ ઓફ ધ શ્રૂ’ પરથી મહેબૂબ ખાને ‘આન’ ફિલ્મ બનાવેલી અને એ વાર્તાને આધારે અઢળક ફિલ્મો અનેક ભાષાઓમાં આજ સુધીમાં બની છે.
જબરદસ્ત મોટા મોટા સેટ પોતાના મહેબૂબ સ્ટુડિયોમાં મહેબૂબ ખાને ઊભા કરેલા. નાદિરા ને મહેબૂબ ખાને જોઈ અને ‘આન’માં નરગિસને બદલે નાદિરાને અભિમાની રાજકુમારીનો રોલ મળી ગયો. હિન્દી સાથે જ તમિળ ભાષામાં પણ બનાવેલી. એક તમિળ સાહિત્યકાર પાસે એનાં સંવાદો અને ગીતો લખાવેલાં. બેકગ્રાઉન્ડ મ્યુઝિકનું રેકોર્ડિંગ પણ લંડનમાં કરેલું. ‘માન મેરા અહેસાન અરે નાદાન કે મૈંને તુજસે કિયા હૈ પ્યાર…’ આહ દિલીપ… વાહ નાદિરા… અભિમાની નાદિરાનું અભિમાન ઉતારતો દિલીપ કુમાર… એ સમયે જે સ્ટોરીની વરાઈટી હતી એટલી આજના સમયમાં નથી. આરંભથી અંત સુધી જકડી રાખતી સ્ટોરી, ગીતો અને પટકથા… ગીતો જુઓ – ‘દિલ મેં છુપા કે પ્યાર કા તૂફાન લે ચલે…’, ‘તુઝે ખો દિયા હમને પાને કે બાદ…’, ‘મહોબ્બત ચૂમે જિનકે હાથ…’, ‘ટકરા ગયા તુમસે…’ જેવાં રફી-લતાનાં ગીતો અને લતા-શમશાદનું એક હોળી ગીત ‘ખેલો રંગ હમારે સંગ…’ ક્યાંય પણ વલ્ગારિટી વગર. મહેબૂબ ખાન તો વન એન્ડ ઓન્લી. નાદિરાએ જે ઘમંડ તેની આંખો થકી અને પછી તેનામાં આવતું પરિવર્તન ઉત્કૃષ્ટ રીતે પ્રદર્શિત કર્યું હતું… તેની ફિલ્મ ‘દિલ અપના ઔર પ્રીત પરાઈ’થી લઈને ‘જુલી’ અને ‘સાગર’ સુધીની યાત્રા એકદમ પરફેક્ટ રહી. ‘આન’ ફિલ્મ યાદ કરશો તો નાદિરા યાદ આવશે જ. નિમ્મી અને પ્રેમનાથ પણ સારાં કલાકારો હતાં.
‘આન’ પ્રથમ એવી હિન્દી ફિલ્મ હતી જેને પરદેશના ફિલ્મ માર્કેટમાં સ્થાન મળેલું. હોલિવુડના ડિરેક્ટર સર એલેક્ઝાન્ડર કોર્ડાએ ‘આન’ ફિલ્મના પરદેશના હકો ખરીદેલા અને દુનિયાના અનેક દેશોમાં આ ભવ્ય ફિલ્મ રજૂઆત પામી. ‘આન’ ફિલ્મના સંગીતનાં નોટેશનોનું પુસ્તક બહાર પડેલું!
‘આન’ ફિલ્મનો પ્રીમિયર લંડનના ફિલ્મ થિયેટર રિયલ્ટોમાં યોજાયેલો અને એ વખતે ભારતની ક્રિકેટ ટીમ લંડનના પ્રવાસે હતી એટલે એ ફિલ્મના પ્રીમિયરમાં મહેબૂબ ખાને ભારતીય ક્રિકેટરોને નિમંત્રણ આપેલું અને વિજય હઝારે, પોલી ઉમરીગર, વિજય માંજરેકર, જી. એસ. રામચંદ, પંકજ રોય, રમેશ દિવેચા જેવા ક્રિકેટરો પ્રીમિયરમાં ઉપસ્થિત રહેલા. ભારતના રાજદૂત તરીકે લંડનમાં ઉપસ્થિત વી. કે. કૃષ્ણમેનને ખાસ હાજરી આપેલી અને એમણે જ ઉદ્ઘાટન કરેલું પ્રીમિયરનું જેમાં ભારતથી દિલીપ કુમાર, નાદિરા, નિમ્મી, પ્રેમનાથ, નૌશાદ, ફરદુર ઈરાની (કેમેરામેન) અને મહેબૂબ ખાનનાં પત્ની સરદાર અખ્તર અને દીકરો અયુબ ખાન હાજર હતાં. ‘આન’ ફિલ્મ સુપરહિટ થયા પછી એક વર્ષ સુધી મહેબૂબ સ્ટુડિયો બંધ રહેલો તો પણ મહેબૂબ ખાને દરેક કર્મચારીને એનો પગાર નિયમિત આપેલો અને દરેક કર્મચારીને બીજે કામ કરવાની પણ સ્વતંત્રતા આપેલી!
મહેબૂબ ખાન પ્રોડક્શનની દરેક ફિલ્મમાં ફિલ્મ શરૂ થતાં પહેલાં સિનેમાના પરદા પર દાતરડું અને હથોડાનું ચિત્ર આવતું અને બુલંદ અવાજમાં ‘મુદ્દઈ લાખ બૂરા ચાહે તો ક્યા હોતા હૈ? વહી હોતા હૈ જો મંજુરે ખુદા હોતા હૈ’ સંભળાતું. આ સૂત્ર અને પરદા પર આવતું ચિત્ર ખરેખર તો ગજબનો વિરોધાભાસ છે! સામ્યવાદી વિચારધારા પસંદ કલાકાર પોતે અલ્લાહ પ્રત્યે ગજબની આસ્તિકતા ધરાવતા હતા! મહેબૂબ ખાન માટે દિલીપ કુમારે કહ્યું છે જાહેર પ્લેટફોર્મ પરથી કે ‘મહેબૂબના રસ્તા પર કાંટા વિખેરતા લોકો અનેક હતા, પણ એમને કોઈ જવાબ આપ્યા વગર જ્યારે મહેબૂબ ખાને પ્રતિષ્ઠા અને સફળતા પ્રાપ્ત કરી ત્યારે એમના વિરોધીઓ પણ મહેબૂબની પાછળ પાછળ ચૂપચાપ ચાલતા થઈ ગયા!’
મહેબૂબ ખાન હિન્દી ફિલ્મ ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થયેલું પાનું છે અને એ નામનો આજે પણ હિન્દી સિનેમા પર પ્રભાવ છે. જ્યાં સુધી હિન્દી ફિલ્મોનું અસ્તિત્વ છે ત્યાં સુધી હિન્દી ફિલ્મોનો અસલી ‘મહેબૂબ’ આ મહેબૂબ ખાન છે, હતો અને રહેવાનો. મહેબૂબ ખાન એક મહાન ગુજરાતી સર્જક છે, જેમણે પોતાની શક્તિ અને ક્લાપ્રેમથી દેશ અને દુનિયામાં પોતાનું નામ અમર કરી દીધું છે.

RELATED ARTICLES

Most Popular