દિલ ચાહતા હૈ-પાર્થ દવે

મેટિની

રાજકુમાર રાવ કહેશે, ‘ઓ માય ડાર્લિંગ!’
પરમ દિવસે રાજ કુમાર રાવનો જન્મદિવસ હતો. ‘લવ સેક્સ ઔર ધોખા’ અને ‘શૈતાન’ અને ‘ગેન્ગ્સ ઑફ વાસેપૂર’ના તેના પ્રમાણમાં ટૂંકા, પણ મજબૂત પાત્રો નથી ભુલાયા. પછી તો ભાઈએ પુષ્કળ દમદાર કામ કર્યું. જોકે, તેના એકજેવા, સહેમાસહેમા રહેતા પાત્રો રિપિટેટિવ પણ થવા લાગ્યા.
વાત એમ છે કે, રાજકુમાર રાવની નેટફ્લિક્સ ઉપર વસન બાલા દિગ્દર્શિત, નિઓ-નુઆર ઝોનરાની ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે, ‘મોનિકા, ઓ માય ડાર્લિંગ’. તેમાં તેની સાથે હુમા કુરેશી, રાધિકા આપ્ટે અને રાધિકા મદાન છે. ટીઝર અત્યારે તો રસપ્રદ લાગી રહ્યું છે. સસ્પેન્સ થ્રિલર ઝોનરની લાગતી ફિલ્મમાં બ્લેકમેઇલ અને દગાની વાત હોય તેમ લાગે છે. રાવની તાજેતરમાં જ ‘હિટ: ધ ફર્સ્ટ કેસ’ પહેલા થીએટરમાં અને પછી ઓટીટી પર રિલીઝ થઈ છે. નબળી રહેલી તે ફિલ્મ એ જ નામની તેલુગુની સત્તાવાર રિમેક હતી. આ ઍવરેજ ફિલ્મોનો સિલસિલો ૨૦૧૮થી રાજકુમારનો પીછો નથી છોડતો. તમે માર્ક કરશો તો ૨૦૧૮માં ‘સ્ત્રી’ ફિલ્મ રિલીઝ થઈ ત્યાર પછી રાજકુમારની ૯ ફિલ્મો ફ્લોપ ગઈ છે! વિશ્વાસ નથી આવતો? નામ ગણાવું: ૫ વેડિંગ્સ, એક લડકી કો દેખા તો ઐસા લગા, જજમેન્ટલ હૈ ક્યા, મેઇડ ઇન ચાઇના, શિમલા મિર્ચી, રુહી, બધાઈ દો, હમ દો હમારે દો અને હિટ. નેશનલ એવોર્ડ વિનર ‘શાહિદ’ કે ‘સિટીલાઇટ્સ’વાળા રાજકુમાર રાવ નથી દેખાતા. કદાચ તેઓ ‘સ્ટાર’ બની ગયા છે એટલે?! વેલ, જોઈએ હવે ‘મોનિકા ઓ માય ડાર્લિંગ’ અને આગામી ‘ભીડ’ ફિલ્મ કેવીક રહે છે…
———————
‘કાર્તિકેય ૩’ આવશે?
મૂળ તેલુગુમાં બનેલી અને સ્વયંભુ પેન ઇન્ડિયા ફિલ્મ બની ચૂકેલી ‘કાર્તિકેય ૨’ના લીડ ઍક્ટર નિખિલ સિદ્ધાર્થે મુંબઈ સમાચાર સાથે ખાસ વાત કરી.
અત્યારે બોયકોટ ટ્રેન્ડ અને મેકિંગની દૃષ્ટિએ પણ ઠિકઠાક હોવાના કારણે ‘લાલ સિંહ ચડ્ઢા’ અને ‘રક્ષા બંધન’, બેઉ ફિલ્મ બોક્સ ઑફિસ પર નબળી સાબિત થઈ છે
અને બીજી બાજુ ૧૩મી ઓગસ્ટે રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ ‘કાર્તિકેય ૨’ સફળ સાબિત થઈ રહી છે. લોકો સ્વયંભુ ફિલ્મ જોવા જઈ રહ્યા છે અને તે જોતા ફિલ્મના અભિનેતા નિખિલ સિદ્ધાર્થ, ફિલ્મ રિલીઝ થઈ ગયાના પંદર દિવસ બાદ મુંબઈ, અમદાવાદ સહિતનાં શહેરોમાં પ્રચાર માટે નીકળ્યા છે! દ્વાપર યુગ અને આજના યુગને જોડતી ઍક્શન એડવેન્ચર ફિલ્મ ‘કાર્તિકેય ૨’માં આપણા માટે મજાની વાત એ છે કે, તે ફિલ્મમાં દ્વારકા સ-રસ દર્શાવાયું છે. ઓછા બજેટમાં બનેલી ‘કાર્તિકેય ૨’ બેટ દ્વારકા ઉપરાંત કચ્છ, ગોંડલ, ધર્મજ અને અમદાવાદમાં શૂટ થઈ છે. મુંબઈ સમાચાર સાથે વાત કરતા નિખિલ સિદ્ધાર્થે કહ્યું કે, ‘ડિરેક્ટર ચંદૂ મોન્ડેટીએ આ ફિલ્મના રિસર્ચ માટે ૨ વર્ષનો સમય લીધો હતો. અને અમારે કૃષ્ણ ભગવાનની વાત સામાન્ય લોકો સમજી શકે તે રીતે ઍક્શન અને હળવાસથી કહેવી હતી.’
નિખિલ સિદ્ધાર્થે પોતે જ હિન્દીમાં ડબ્ડ કર્યું છે. ફિલ્મના નિર્માતા અભિષેક અગ્રવાલ છે, જે ‘ધ કશ્મિર ફાઇલ્સ’ના નિર્માતા પૈકીના એક હતા. આ ફિલ્મનો પહેલો ભાગ ૨૦૧૪માં આવ્યો હતો. હવે ત્રીજો ભાગ આવશે? નિખિલ કહે છે, ‘અમે સફળતા એનકેશ કરવા માટે ત્રીજો ભાગ નહીં બનાવી નાખીએ! પૂરતા રિસર્ચ અને પ્રોપર વાર્તા સાથે અમે પાછા આવીશું.’ ફિલ્મમાં નિખિલ સિદ્ધાર્થ સાથે અનુપમા પરમેશ્વરમ્, અનુપમ ખેર, આદિત્ય મેનન તથા તુલસી શીવમણી સહિતના કલાકારો છે.
———————
શિલ્પા શિંદેને માધુરી દીક્ષિત બનવું હતું!
‘ભાભી જી ઘર પર હૈ’ ફેમ શિલ્પા શિંદે ‘ઝલક દિખલા જા’ની ૧૦મી સીઝનમાં દેખાવાની છે. ઍન્ડ ટીવીની સીરીયલ ‘ભાભી જી ઘર પર હૈ’માં અંગૂરી ભાભીનું પાત્ર ભજવીને જાણીતી થયેલી અભનેત્રી શિલ્પા શિંદે હવે ડાન્સ રિયલિટી શો ‘ઝલક દિખલા જા’માં જોવા મળશે. આ વખતે ઝલક દિખલા જામાં સ્પર્ધક તરીકે અલી અસગર, અમૃતા ખાનવિલકર, ધીરજ ધૂપર, નિતી ટૈલર અને નિઆ શર્મા સહિતના કલાકારો છે. ‘મિસ્ટર ફૈશુ’ તરીકે જાણીતો ટીકટોક સ્ટાર ફૈશલ શૈખ પણ ભાગ લઈ રહ્યો છે. શિલ્પા શિંદેએ કહ્યું કે, હવે તો હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બદલાઈ ગઈ છે, પણ પહેલા ફિલ્મોમાં આવવા માટે ડાન્સ શીખવો જરૂરી હતો. જોકે, ‘ઝલક દિખલા જા’ મારા માટે ડાન્સની ટ્રેનિંગ જ રહેશે. ભવિષ્યમાં ફિલ્મ કરશું તો તેમાં કામ આવશે!’
કભી આયે ના જુદાઈ, રબ્બા ઈશ્ક ન હોવે, માયકા અને લાપતાગંજ સહિતની સીરીયલો કરી ચૂકેલી શિલ્પા શિંદેને ‘બરફી’ ફેમ અનુરાગ બસુ સાથે કામ કરવાની ઈચ્છા છે. તેણે મુંબઈ સમાચાર સાથે વાત કરતા કહ્યું કે, ‘નાની હતી ત્યારે હું ભગવાનને પ્રાર્થના કરતી કે મને માધુરી દીક્ષિત બનાવી દે! એટલે મોટી તેમની ફેન હતી. હવે તેમની સામે પરફોર્મ કરવાની છું તે વિચારીને આનંદ થાય છે.’
મિડલ-ક્લાસ મરાઠી છોકરી શિલ્પા શિંદેએ ‘ભાભી જી ઘર પર હૈ’ છોડેલું ત્યારે કોન્ટ્રોવર્સી થયેલી. તે વિશે શિલ્પાએ કહ્યું કે, મને તેનો કોઈ અફસોસ નથી. તે શો ન છોડ્યો હોત તો હું બિગ બોસમાં ન ગઈ હોત અને ઝલક દિખલા જા પણ ન કરતી હોત!
જે પણ થાય છે તે સારા માટે થાય છે, આમ કહી અમે ઉમેર્યું કે, નહિંતર તમે અમારા સાથે અત્યારે વાત પણ ન કરતા હોત!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.