દિગ્વિજયનું નિવેદન વ્યક્તિગત અને કોંગ્રેસને કોઈ નિસ્બત નહીં….
નવી દિલ્હીઃ 2016માં કેન્દ્ર સરકારે કરેલી સર્જિકલ સ્ટ્રાઈક અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહના સવાલો કરીને તેની નવો વિવાદ ઊભો કર્યો છે ત્યારે તેમના નિવેદનને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ અપમાનજનક ગણાવ્યું હતું, જ્યારે કોંગ્રેસે પણ વ્યક્તિગત ગણાવ્યું હતું.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે દિગ્વિજય સિંહ દ્વારા વ્યક્ત કરવામાં આવેલા વિચારો વ્યકિતગત છે અને એનાથી કોંગ્રેસને કોઈ સંબંધ નથી અને એવું ક્યારેય વિચારે નહીં. 2014 પૂર્વે યુપીએ સરકારે પણ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. રાષ્ટ્રીય હિતમાં કોંગ્રેસે હંમેશાં તમામ લશ્કરી કાર્યવાહીને સમર્થન કર્યું છે અને સમર્થન કરતી રહેશે.
એના પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર નિરંતર સર્જિકલ સ્ટ્રાઈકની વાત કરે છે, પરંતુ તેમાં કેટલા લોકોને માર્યા હતા, પણ એની કોઈ સાબિતીઓ નથી. કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહને ટાર્ગેટ બનાવીને રાહુલ નફરતની વાત કરીને દેશને બદનામ કરી રહ્યા હોવાનું દિગ્વિજયે જણાવ્યું હતું. ઉપરાંત, તેમણે કહ્યું હતું કે યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના ભાષણોને સાંભળવા જોઈએ. તેઓ ખુલ્લેઆમ લોકોને મારવાની વાત કરીને નફરત ફેલાવી રહ્યા છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે સવાલ કરતા કહ્યું હતું કે કલમ 370 હટાવવાથી કોને ફાયદો થયો. કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે આતંકવાદ ખતમ થશે અને હિંદુઓની બોલબાલા થશે. પણ હાલત અલગ છે, જ્યારથી કલમ 370 હટાવવામાં આવ્યા પછી આતંકવાદ વધ્યો છે. જમ્મુ કાશ્મીરમાં રોજેરોજ હિંસાના બનાવો બની રહ્યા છે. પહેલા આતંકવાદી ગતિવિધિઓ કાશ્મીરની ખીણ સુધી મર્યાદિત હતી, પરંતુ હવે રાજોરી, ડોડા સુધી પહોંચી છે. તેમણે કહ્યું હતું કે સરકાર પ્રદેશની સમસ્યાનું નિરાકરણ લાવવા ઈચ્છતી નથી. દિગ્વિજયના નિવેદનને ભાજપે વખોડી નાખીને ગુનાહિત ગણાવ્યું હતું.