ફર્સ્ટ ક્લાસના પાસધારકો માટે બંને રેલવેમાં અલગ નિયમથી પ્રવાસીઓ હેરાન

આમચી મુંબઈ

પ. રે.માં ‘ઑન બોર્ડ ડિફરન્સ’ ચૂકવી પ્રવાસીઓ ટ્રાવેલ કરી શકે, મ. રે.માં વિન્ડો પરથી ટિકિટ લેવાનો નિયમ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સબર્બન રેલવેમાં એસી (એરકન્ડિશન્ડ) લોકલ ટ્રેનોને લોકપ્રિય બનાવવા એસી લોકલનું ભાડું ઘટાડવાની સાથે સર્વિસીસ વધારવામાં આવી રહી છે, પરંતુ બંને રેલવેમાં એક સરખા નિયમો નહીં હોવાને કારણે પ્રવાસીઓને વિના કારણ હાલાકી અને દંડ ભોગવવાની નોબત આવી રહી છે, જેથી એકસમાન નિયમો બનાવવાનું જરૂરી છે, એમ પ્રવાસીઓએ જણાવ્યું હતું. મે મહિનાથી બંને લાઈનમાં દોડાવાતી એસી લોકલની ટિકિટનું ભાડું પચાસ ટકા ઘટાડવામાં આવ્યું હતું, પરંતુ ફર્સ્ટ ક્લાસના પાસધારકો માટે તો બંને લાઈનમાં નિયમો એકસમાન નથી. પશ્ર્ચિમ રેલવેમાં ફર્સ્ટ ક્લાસ (પાસધારક) ઓન બોર્ડ ટ્રેનમાં ટીસીની પાસે ડિફરન્સ ચૂકવીને ટ્રાવેલ કરી શકે છે, પણ મધ્ય રેલવેમાં એવું નથી. એનાથી વિપરીત મધ્ય રેલવેમાં પ્રવાસી ભૂલ કરે તો દંડ ભરવાની નોબત આવે છે, એમ પ્રવાસીએ જણાવ્યું હતું. આ મુદ્દે ડોંબિવલીના પ્રવાસી રંજન ગડાએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે મારે નિયમિત રીતે બંને લાઈનમાં ટ્રાવેલ કરવાનું થાય છે. બુધવારે ઇમર્જન્સી હોવાથી મેં સ્ટેશન પર બપોરના એક વાગ્યાની એસી લોકલ આવી એટલે એમાં બેસી ગઈ હતી. મારી પાસે ફર્સ્ટ ક્લાસનો પાસ હોવાથી મને થયું કે ડિફરન્સ ચૂકવીને ટ્રેનમાં ટીસી પાસેથી ટિકિટ લઈ લઈશ અને મેં ફર્સ્ટ ક્લાસના પાસ પર ટીસીને વિનંતી કરી મને ડિફરન્સ ચૂકવીને ટિકિટ આપો, પરંતુ મારી વાત માનવા તૈયાર નહોતો. મેં કહ્યું કે રેલવેમાં આ નિયમ તો છે, જેમાં પશ્ર્ચિમ રેલવેમાં પણ ચાલે છે. જોકે, તેમણે મારી એક વાત માની નહોતી, પરંતુ મારી પાસેથી ૩૯૦ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. વાસ્તવમાં, મારી ભૂલ કે મેં સામેથી ચાલીને ડિફરન્સ ચૂકવીને ટિકિટ માગી હતી. બાકી પીક અવર્સમાં જ નહીં, પરંતુ રાતના સમયગાળામાં હવે એસી ટ્રેનોમાં પ્રવાસીઓની ભીડ વધારે હોય છે. પેસેન્જર ફ્રેન્ડલી નિયમો બનાવવામાં આવે તો એટલિસ્ટ વધુ પ્રવાસીઓ એસી લોકલનો લાભ લઈ શકે, એવું તેમણે ગુસ્સામાં જણાવ્યું હતું. આ મુદ્દે મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે ફર્સ્ટ ક્લાસના પાસધારકે ફક્ત ટિકિટ વિન્ડો પરથી ડિફરન્સ ચૂકવીને ટિકિટ લે તો ટ્રાવેલ કરી શકે નહીં તો દંડ વસૂલવામાં આવે છે, જે નિયમ પહેલાથી છે. જોકે મધ્ય રેલવેથી તદ્ન વિપરીત આ મુદ્દે પશ્ર્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે કહ્યું હતું કે શરૂઆતથી પશ્ર્ચિમ રેલવેમાં ફર્સ્ટ ક્લાસના પાસધારકને એસી ટ્રેનમાં ટ્રાવેલ કરવો હોય તો ઓન બોર્ડ પ્રવાસી ડિફરન્સ (ફર્સ્ટ ક્લાસની ટિકિટ) ચૂકવીને ટ્રાવેલ કરવાની સુવિધા આપી હતી. પ્રવાસીઓની સુવિધા અને સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડના નિયમો પ્રમાણે તબક્કાવાર ટ્રેનોની સર્વિસીસ વધારવામાં આવી રહી છે, એવું તેમણે જણાવ્યું હતું.
એસી લોકલમાં ફક્ત એસી ટ્રેનની ટિકિટ અને પાસધારક પ્રવાસી ટ્રાવેલ કરી શકે એ ઉદ્દેશ માટે નિયમિત રીતે અમે ચેકિંગ કરીએ છીએ, જેમાં છ મહિના (ફેબ્રુઆરીથી જુલાઈ,ઽઽ૨૦૨૨)માં એસી ટ્રેનમાં ટિકિટ વિના ટ્રાવેલ કરવાના ૧૨,૮૬૯ કેસ નોંધાયા હતા, જ્યારે તેમની પાસેથી ૪૩.૭૧ લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો, એમ પશ્ર્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
——
ટૂંક સમયમાં મધ્ય રેલવેમાં વધારાશે એસી લોકલની સર્વિસીસ

પ્રવાસીઓની સુવિધા માટે ટૂંક સમયમાં મધ્ય રેલવેમાં વધુ દસ એસી લોકલ ટ્રેનની સર્વિસીસ વધારવામાં આવશે, જેમાં ખાસ કરીને થાણે, કલ્યાણ અને બદલાપુર સેક્શનમાં નવી સર્વિસ ઉમેરવામાં આવશે. પંદરમી ઑગસ્ટના સ્વાતંત્ર્ય દિવસ નિમિતે સોમવારે મધ્ય રેલવેના જનરલ મૅનેજર અનિલ કુમાર લાહોટીએ એસી લોકલ ટ્રેનની સર્વિસીસ વધારવાની જાહેરાત કરી હતી. થાણે-સીએસએમટી-થાણે અપ એન્ડ ડાઉન લાઈનમાં ચાર અને બદલાપુર-સીએસએમટી-બદલાપુર વચ્ચે ચાર અને કલ્યાણ-સીએસએમટી વચ્ચે બે સર્વિસીસ વધારાશે. હાલના તબક્કે સીએસએમટીથી કલ્યાણ, બદલાપુર, અંબરનાથ, ટિટવાલા વચ્ચે એસી લોકલની સર્વિસીસ છે, જેમાં કુલ ૫૬ સર્વિસીસ છે. પ્રવાસીઓ એસી લોકલમાં વધુ પ્રવાસ કરે તે ઉદ્દેશને ધ્યાનમાં રાખીને પાંચમી મેથી એસી લોકલની ટિકિટની સાથે ફર્સ્ટ ક્લાસની ટિકિટનાં ભાડાંમાં પણ વધારો કરવામાં આવ્યો છે, ત્યાર બાદ ફેબ્રુઆરીની તુલનામાં જુલાઈમાં પ્રવાસીની સંખ્યામાં છ ગણો વધારો થયો છે. નવી દસ સર્વિસ વધારવાને કારણે મધ્ય રેલવેમાં કુલ સર્વિસીસની સંખ્યા ૬૬ થશે, જ્યારે નિયત સમયગાળામાં રેક (એસી ઈએમયુ-ઈલેક્ટ્રિ મલ્ટિપલ યુનિટ) મળતી રહેશે, ત્યાર બાદ વધુ સર્વિસ દોડાવી શકાશે, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે પાંચમી મેના એસી લોકલ ટ્રેનની ટિકિટનાં ભાડાંમાં ઘટાડો કરવામાં આવ્યા પછી હાર્બર લાઈનમાં એસી લોકલ ટ્રેન (સીએસએમટી-પનવેલ)ની સર્વિસીસ બંધ કરી હતી. હાર્બર લાઈનમાં ૧૬ એસી લોકલ ટ્રેનની સર્વિસીસ બંધ કરવામાં આવ્યા પછી સીએસએમટી-કલ્યાણ સેક્શનમાં સર્વિસ વધારી હતી. સીએસએમટીથી થાણે, ડોંબિવલી, અંબરનાથ, ટિટવાલા કોરિડોરમાં નવી સર્વિસ વધારી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.