નવી દિલ્હી: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બંગલાદેશનાં વડા પ્રધાન શેખ હસીનાએ શનિવારે સાંજે પાંચ વાગ્યે ભારત અને બંગલાદેશ વચ્ચે ૧૩૧.૫ કિલોમીટરની એનર્જી પાઇપ લાઇનનું વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું. આ પાઇપ લાઇન દ્વારા ભારત તરફથી ઉત્તર બંગલાદેશના ૭ જિલ્લામાં હાઈસ્પીડ ડીઝલનો પુરવઠો આપવામાં આવશે. હાલ ૫૧૨ કિલોમીટરના રેલવે રૂટ દ્વારા બંગલાદેશને ડીઝલ પહોંચાડવામાં આવે છે. આ પાઇપ લાઇનનું બાંધકામ વર્ષ ૨૦૧૮માં શરૂ કરવામાં આવ્યું હતું.
અંદાજે ૩૭૭.૦૮ કરોડ રૂપિયાના ખર્ચે બંધાયેલી ‘ફ્રેન્ડશિપ પાઇપલાઇન’ તરીકે ઓળખાતી ભારત અને બંગલાદેશ વચ્ચે પહેલી ક્રોસ બોર્ડર એનર્જી પાઇપલાઇનમાં બંગલાદેશનો ૨૮૫ કરોડ રૂપિયાનો હિસ્સો ભારતના અનુદાનથી બંધાયો છે. વર્ષે ૧૦ લાખ મેટ્રિક ટન હાઈસ્પીડ ડીઝલના વહનની આ પાઇપ
લાઇનની ક્ષમતા છે. હાઈસ્પીડ ડીઝલના પરિવહનનું સ્થાયી, વિશ્ર્વસનીય અને પ્રભાવક માધ્યમ ગણાતી આ પાઇપલાઇન બન્ને દેશોના ઊર્જા ક્ષેત્રે સહયોગમાં વૃદ્ધિ કરશે.
નવી એનર્જી પાઇપ લાઇન પશ્ર્ચિમ બંગાળના સિલિગુડીની નુમાલીગઢ રિફાઇનરીના માર્કેટિંગ ટર્મિનલથી બંગલાદેશના દિનાઝપુર જિલ્લાના પરબતીપુર શહેરના બંગલાદેશ પેટ્રોલિયમ કૉર્પોરેશનના ઑઇલ ડેપો સુધી ડીઝલ સપ્લાય કરશે. તેનો કસ્ટડી ટ્રાન્સફર પોઇન્ટ સિલિગુડીની બંગલાબંધા ઇન્ટરનેશનલ બોર્ડર પર રહેશે. ૩૭૭.૦૮ કરોડ રૂપિયાના ખર્ચથી તૈયાર કરેલી પાઇપલાઇનમાં ભારત સરકાર તરફથી ૨૮૫.૨૪ કરોડ રૂપિયાનું ફન્ડિંગ અને નુમાલીગઢ રિફાઇનરી તરફથી ૯૧.૮૪ કરોડ રૂપિયાનું ફન્ડિંગ કરવામાં આવ્યું છે. ૨૮૫ કરોડ રૂપિયાની બંગલાદેશને ગ્રાન્ટ અપાઈ છે. ૧૩૧.૫ કિલોમીટરની પાઇપલાઇનનો પાંચ કિલોમીટરનો હિસ્સો ભારતમાં અને બાકીનો ભાગ બંગલાદેશમાં રહેશે.
આ ફ્રેન્ડશિપ પાઇપલાઇન દક્ષિણ એશિયાના બન્ને દેશો વચ્ચે પહેલી ક્રોસ બોર્ડર પાઇપલાઇન છે. આ પ્રોજેક્ટ નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડ અને બંગલાદેશના મેઘના પેટ્રોલિયમ લિમિટેડે સંયુક્ત રૂપે પાર પાડ્યો છે. બંગલાદેશે શરૂઆતમાં અઢી લાખ ટન ડીઝલની ખરીદી કરી હતી. ત્યારપછી તબક્કાવાર રીતે ખરીદીનું પ્રમાણ વધીને ચાર લાખથી પાંચ લાખ ટન સુધી પહોંચશે. પાઇપલાઇનને કારણે ડીઝલ ખરીદવાનો બંગલાદેશનો ખર્ચ બૅરલદીઠ આઠ ડૉલરથી ઘટીને પાંચ ડૉલર થશે. તે ઉપરાંત ડીઝલના ટ્રાન્સપોર્ટેશનનો સમયગાળો, ડીઝલની ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ અને ડીઝધલના વહનના કારણે થતા પ્રદૂષણ- કાર્બન ફૂટપ્રિન્ટ પણ ઘટશે. બંગલાદેશ પુરવઠાના પહેલા દિવસથી ૧૫ વર્ષ સુધી આ પાઇપલાઇન દ્વારા ભારત પાસેથી ડીઝલ ખરીદશે. હાઈસ્પીડ ડીઝલ મુખ્યત્વે કમર્શિયલ વેહિકલ્સ, સ્ટેશનરી, ડીઝલ એન્જિન્સ, લોકોમેટિવ્ઝ, પંપ્સ તેમ જ ૭૫૦ આરપીએમથી વધુ ક્ષમતા ધરાવતા હાઈસ્પીડ ઇગ્નિશન એન્જિન્સમાં વપરાય છે. (એજન્સી)
—
જાડા ધાન્યનું ઉત્પાદન વધારો: મોદી
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિજ્ઞાનીઓને જુવાર, બાજરા, રાગી જેવા જાડા ધાન્યનું ઉત્પાદન વધારવા અનુરોધ કર્યો હતો. ખાદ્ય સુરક્ષા અને લોકોની ખાવાની આદતોના પડકારને પહોંચી વળવામાં આ બાબત મદદરૂપ થશે, એમ જણાવી મોદીએ વિજ્ઞાનીઓને રાષ્ટ્રના ખાદ્ય ઉત્પાદનમાં જાડા ધાન્યનો હિસ્સો વધારવા કહ્યું હતું. ગ્લૉબલ મિલેટ્સ (શ્રી અન્ન) કૉન્ફરન્સને સંબોધન કરતાં મોદીએ કહ્યું હતું કે એ ખરેખર ગૌરવની વાત છે કે ભારતના પ્રસ્તાવ અને પ્રયાસો બાદ સંયુક્ત રાષ્ટ્રસંઘે વર્ષ ૨૦૨૩ના વર્ષને ‘ઈન્ટરનેશનલ યર ઑફ મિલેટ્સ’ જાહેર કર્યું છે. વૈશ્ર્વિક ઝુંબેશના ભાગરૂપ ભારત મિલેટ્સ
(જાડા ધાન્ય-શ્રી અન્ન)ના ઉત્પાદનને સતત પ્રોત્સાહન આપી રહ્યું છે.
રસાયણો, ખાતર વિના અને વિપરિત હવામાનમાં પણ જાડા ધાન્ય સરળતાથી ઉગાડી શકાય છે, એમ જણાવતાં મોદીએ કહ્યું હતું કે ભારતના મિલેટ્સ મિશનને કારણે અંદાજે અઢી કરોડ જેટલા નાના અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા ખેડૂતોને લાભ થશે.
આજે કુલ રાષ્ટ્રીય ખાદ્ય ઉત્પાદનમાં મિલેટ્સનો હિસ્સો માત્ર પાંચથી છ ટકા જેટલો છે, એમ જણાવતાં મોદીએ કહ્યું હતું કે આ હિસ્સો ઝડપથી વધે તે માટે હું વિજ્ઞાનીઓ અને ખેડૂતોને વિનંતી કરું છું.
સરકારે ફૂડ પ્રોસેસિંગ સેક્ટર માટે પ્રોડક્શન લિંન્કડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ)ની જાહેરાત કરી હોવાનું જણાવતાં મોદીએ કંપનીઓને મિલેટ્સ આધારિત વસ્તુઓનું ઉત્પાદન વધારવાની યોજનાનો લાભ લેવા કહ્યું હતું.
મિલેટ્સના મહત્ત્વને સમર્થન આપવા ઉપરાંત લોકોને પોષ્ણયુક્ત ખાદ્ય પૂરા પાડવા અને સ્થાનિક તેમ જ વૈશ્ર્વિક સ્તરે તેની માગમાં વધારો કરવા ભારતે માર્ચ ૨૦૨૧માં સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં વર્ષ ૨૦૨૩ને ‘ઈન્ટરનેશનલ યર ઑફ મિલેટ્સ’ જાહેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
વિશ્ર્વના ૭૨ દેશે ભારતના આ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું અને સંયુક્ત રાષ્ટ્રસંઘે વર્ષ ૨૦૨૧ની ૨૧ માર્ચે વર્ષ ૨૦૨૩ને ‘ઈન્ટરનેશનલ યર ઑફ મિલેટ્સ’ જાહેર કર્યું હતું.
જાડા ધાન્યમાં જુવાર, બાજરા, રાગી વગેરેનો સમાવેશ થાય છે.
ભારત દર વરસે ૧૭૦ લાખ ટન જાડા ધાન્યનું ઉત્પાદન કરે છે, જે જાડા ધાન્યના એશિયાના કુલ ઉત્પાદનના ૮૦ ટકા અને વિશ્ર્વના કુલ ઉત્પાદનના ૨૦ ટકા છે. (એજન્સી)