ઓપન માઈન્ડ-નેહા.એસ.મહેતા
શણગાર સજીને બહાર જવાનો,સગાઈ ગોળધાણા, લગ્ન પ્રસંગો ઉજવવાનો અને ત્યાં જઈને હાજરી પુરાવવાનો અત્યારે મસ્ત માહોલ ચાલી રહ્યો છે.
આ સીઝન ચાલી રહી છે. એમાં બહુ જ બધા લોકો અત્યારે આનંદમાં હશે અને પોતપોતાના લગ્નના સંભારણા પણ યાદ કરતા હશે. આપણા ગુજરાતીમાં તો ગીત છે: ’વાગ્યા શરણાયું ને ઢોલ હાહાહા…
૨૦૨૩ના બીજા મહિનાનો ૧૨મો દિવસ જે ૧૪મા દિવસની આતુરતાથી રાહ જોતો દિવસ ગણાય. કે બસ એક દિવસ બચ્યો છે. પછી કંઇ પણ બહાનું કાઢીને ચુપકે, છૂપકે, દો દિલ મીલ હી લેતે હૈ. ફુલોનો શણગાર, પ્રેમનો એઝહાર, આ હા હા ક્યા મોસમ હૈ યે પ્યાર. જુના જમાના પ્રમાણે ગીત ગાઈએ: ‘તન ડોલે મેરા મન ડોલે મેરે દિલકા ગયા કરાર રે કોન બજાયે બાંસુરીયા…’ અહીંયાથી માંડી આજ સુધીના રેટરો, ટેકનોબેઝ વાળા મ્યુઝિક સાથે બધા જ પોતપોતાની દિલની ભાવનાઓને ગીતરૂપે લેટર રૂપેે, ફોન રૂપે, મેસેજ રૂપે, કવિતાઓ રૂપેે, ડાયલોગ રૂપે કે કંઈક પ્રતિબિંબરૂપ પોતાના પ્રેમની અભિવ્યક્તિ આજકાલ બધા કરી રહ્યા છે. સીઝન ચાલી રહી છે દોસ્ત. હાહાહા.
પ્રેમ, લગ્ન, સગાઈઓ, રોમાન્સની સીઝનનો મહિનો લઈને આવ્યો છે. ૧૪મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે. દરેક પ્રેમીપંખીડાઓ પોતાના એઝહારે ઈવનિંગ, મોર્નિંગ, નાઈટ બધા પ્લાનિંગ કરી રહ્યા છે. મને એટલું બધું ગમી રહ્યું છે. જાણે મોસમ આખો ગુલાબી ગુલાબી ખાસ મારા માટે થઇ ગયો છે. હાહાહા…
અને તમને ખબર છે? આજે બારમી ફેબ્રુઆરીએ કયો ડે છે? ખબર છે? વાચક મિત્રો આજે છે ‘વર્લ્ડ મેરેજ ડે’. જી હા વાચક મિત્રો વિશ્ર્વમાં ફેબ્રુઆરીમાં ‘મેરેજ ડે’નું પણ સેલિબ્રેશન થાય છે. છે ને મજાની વાત! સંક્ષિપ્તમાં જણાવવાનો ટ્રાય કરીશ, કારણ ‘ઓપન માઈન્ડ’ સાથે આપણે દરેકે દરેક વાતને સ્વીકાર કરવાની વાત છે. અને ખરેખર જોવા જઈએને મિત્રો તો આ ચાર પાંચ દિવસોમાં ખૂબ જ બધા સંબંધો બંધાઈ રહ્યા છે. અને હૃદય એક બીજાની સાથે મળી રહ્યા છે. લગ્નસંબંધ બંધાઈ રહ્યા છે. પરિવારો બેમાંથી એક થઈ રહ્યા છે. ખૂબ બધો લગ્નના નામે સગાઈઓના નામે ખર્ચો પણ થઈ રહ્યો છે. જે માતા-પિતા ભાઈ બહેન ખુશી ખુશી ખર્ચો ઉઠાવવા તૈયાર છે. કેવુંને? મને ઘણીવાર આમ હસવું આવે, કે મોંઘવારીના આટલા બધા દિવસો.
તો પણ આ લગ્નસંબંધ અને દીકરીને પારકે ઘરે મોકલવાની અને પારકા ઘરથી કોઈક દીકરીને વહુ બનાવીને અહીંયા લાવવાની. આ પ્રસંગ એટલો જોરદાર ધમધોકાર ઉજવાતો હોય છે કે ના પૂછો વાત. ખેર, આ એક પોત પોતાની જીવન જીવવાની એક અભિલાષા હોય છે. અને પોત પોતાના જીવનનું એક મહત્ત્વનું પાસું હોય છે. જેને કોઈ જ રીતે ઓછું ના આંકી શકાય. માનવ જીવનની સુંદર મજાની સામાજિક સંસ્કૃતિ. પરિવારને અને જીવનને આગળ વધારવાની રીત. લગ્નસંબંધ, પ્રેમસંબંધ અને હૃદયનો મેળાપ એવો સુંદર મજાનો ફેબ્રુઆરીનો મહિનો કહી શકાય. (૬ ફેબ્રુઆરીથી તો ફાગણનો મહિનો પણ છે. હિન્દુ તારીખિયા પ્રમાણે) ફૂલ ગુલાબી મહિનો ઉજવાઈ રહ્યો છે. ગુજરાતી ગીત પણ છે. ફાગણ ફોરમતો આવ્યો, આવ્યો રે આવ્યો, ફાગણ ફારમતો આવ્યો! તો ચાલો આપણે પણ જાણીએ કે વોટ ઇસ ધીઝ ‘મેરેજ ડે સેલિબ્રેશન ઇન ધ વર્લ્ડ’.
મિત્રો વિશ્ર્વના દરેક ભાગમાં લગ્ન એ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ સંસ્કૃતિ છે. બે લોકો વચ્ચેના સંબંધના ઔપચારિકકરણનું પ્રતીક છે.( ફિલ્મી ભાષામાં કહુ તો અપને પ્યાર કો પહેચાન દેના) વિશ્ર્વ લગ્ન દિવસ, લગ્ન વિશેની દરેક વસ્તુની ઉજવણી કરે છે. અને તમારા જીવનસાથીને પ્રપોઝ કરવા, અથવા તમે પહેલેથી પરિણીત છો, તો તેની ઉજવણી કરવા માટેનો એક ઉત્તમ દિવસ મોસમ અને માહોલ છે!
મૂળરૂપે એક અમેરિકન સંસ્થા દ્વારા વર્લ્ડવાઇડ મેરેજ એન્કાઉન્ટર નામથી બનાવવામાં આવેલ વર્લ્ડ મેરેજ ડે.
જે કેથોલિક મેરેજ મૂવમેન્ટ તરીકે પણ ઓળખાય છે. તેની સાથે સંકળાયેલ છે. જે ફેબ્રુઆરીના બીજા રવિવારે ઉજવવામાં આવે છે, તેથી તારીખ દર વર્ષે બદલાય છે. આ વખતે ૧૨ ફેબ્રુઆરીએ રવિવારે પડે છે. આ દિવસનો ધ્યેય “પતિ અને પત્નીને પરિવારના અને સમાજના મૂળભૂત એકમ તરીકે મૂળ પાયા તરીકે ઓળખવા અને ઉજવવા માટે નક્કી કરવામાં આવ્યો હતો. એક રીતે લગ્ન પ્રથાને સન્માન આપવાનો પ્રયાસ પણ છે. કે લગ્ન જીવનમાં બે વ્યક્તિની વફાદારી, બલિદાન, સ્વિકૃતિ અને આનંદને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
વિશ્ર્વ લગ્ન દિવસની શરૂઆત ૧૯૮૦ના દાયકાની શરૂઆતમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં થઈ હતી. કહેવાય છે કે તે યુગલોની ગ્રાસ-રૂટ ચળવળ હતી. જેમાં યુગલોએ વિનંતી કરી હતી કે શહેરના મેયર, રાજ્યના ગવર્નર અને ચર્ચના બિશપ સેન્ટ. વેલેન્ટાઇન ડેને “વિશ્ર્વ લગ્ન દિવસ તરીકે પણ માનીએ છીએ તેમ જાહેર કરીને પરિણીત યુગલોનું પણ સન્માન કરે.
માત્ર એક વર્ષની અંદર, આ વિચાર આગળ વધ્યો હતો અને દેશના ૫૦ રાજ્યના ગવર્નરોમાંથી ૪૩ લોકોના મતે એ દિવસની કાયદેસરની ઘોષણા કરી હતી. પણ ૧૯૮૩ સુધીમાં, એજ મુવમેન્ટ “વર્લ્ડ મેરેજ ડે માં બદલાઈ ગઈ હતી અને ફેબ્રુઆરીના બીજા રવિવારે ઉજવાય તો ક્યારેક વેલેન્ટાઈન ડે પર કાં એની આજુબાજુ આવે છે.
આપણને આપણાં દેશની સંસ્કૃતિ પ્રમાણે લગ્ન અને તેના દરેક સંસ્કાર ખબર છે. પણ વિદેશમાં અત્યારે પણ સંસ્કૃતિ ને પારિવારિક સંબંધોને લઇને હવે લયબદ્ધતા આવી છે તેમ કહેવાય. આપણે ત્યાં તો કોઇને અનબન થાય તો વડીલોની સલાહ લઇને ઘરના સહકર્મીઓ સાથે પણ વાત થાય. ને મામલા બને ત્યાં સુધી ભાઇ બહેન કાકી મામી માશી ફ્રેન્ડ બધાથી ઉલઝન સુલઝી જાય.
પણ વિદેશમાં એ વખતે કેવું હશે એને એકદમ સરસ રીતે જો જાણીએ તો તેઓ એવી કઈ નાની નાની વાતો પર
એક યુગલને, કપલને કે પતિ પત્નીને ધ્યાન આપવા કહે, કે ધ્યાન દોરે. કે જેનાથી તેમની ‘ટુગેધરનેસ’ પ્રેમથી સહયોગથી
બની રહે! કદાચ એ બધી વાતો અને વિચાર જાણીને આપણે આપણાં જીવનમાં પણ રંગ ગુલાબી પ્રીતનો ભરી શકીએ.!!
મારાં ‘મમ્મી પપ્પાના’ કહેવા પ્રમાણે,
‘પૂર્ણ કશું જ નથી અને સંપૂર્ણ કોઇ નથી.’આમ જોવા જાવ તો આપણે બધાએ પ્રેમના રંગે રંગાવું જોઇએ.
(નિર્દોષ પ્રેમ માટે કહે છેને કે ઇશ્ક કા રંગ સફેદ).પણ આજે મેરેજ ડેની વાત છે. તો પતિ પત્નીઓ માટે ખાસ આ વાત. હા વાંચતા વાંચતા પતિદેવને મસ્ત બંગડીના ખનકાર સાથે એકાદ બે કુણીઓ મારવામાં આવશે કે જોવો. કામમાંથી ટાઇમ મળે તો કરો આમાંનું કશું અમને ખુશ કરવા. કાઢો અમારા માટે પણ ટાઇમ.સમજ્યા.હાહાહા. શક્ય છે કે આ વાંચીને કોક ગાડી કાઢીને સવાર સવારમાં સાથીને લઈને નજીકના જંગલમાં, બગીચામાં હોટલમાં બહાર ફરવા ઉપડી પડે અને એમનો મેરેજ ડે ઉજવે. કંઇ નહીંતો, કીટલી કે રેકડી પરની મસ્ત એક પ્યાલી ચાહ. આહા કોક આપણું કંઇક નાનું સરખું પણ આપણાં માટે કરે તો કેવુ ગમી જાય. આવો માણીએ નિષ્ણાતો શું કહે છે…
કહે છે કે યુગલો તમે તમારા માટે સમય ખાસ કાઢો. જંગલમાં ફરવા જાઓ, નવા શહેરની મુલાકાત કરો અને રોજિંદા તણાવથી દૂર રહો. પાર્કમાં પિકનિક કરો. જો બજેટ ચુસ્ત હોય તો પણ,પાર્કમાં પિકનિક લગભગ સંપૂર્ણપણે મફત હોઈ શકે છે. માટે બજેટ બાજુમાં મૂકીને ‘એક બીજાની’ બાજુમાં થોડીક વાર બેસો.
બોટનિકલ ગાર્ડન અથવા મ્યુઝિયમનો આનંદ માણો. ફક્ત એકસાથે ખાલી ફરવા જાવ. આર્ટવર્ક અથવા નાનકડા છોડની ચર્ચા કરવી પણ આરામદાયક પ્રવૃત્તિ હોઈ શકે છે. હાથ પકડો, તમને ગમતી વસ્તુઓ બતાવો અને એક બીજાની સરળ કંપેનીયનશિપની પ્રશંસા કરો. એક બીજા સાથે વાત કરી મનની મૂંઝવણ દૂર કરો.
શું માતા-પિતા કે દાદા-દાદી અથવા અન્ય મિત્રો કે જેમના લગ્ન ઘણા લાંબા સમયથી થયા છે? જેમને તમે તમારા લગ્ન પછી ભૂલી જ ગયા છો. તેમને કોલ કરો અથવા તેમને એક કાર્ડ મોકલો અને જણાવો કે તેઓ એક ઉત્તમ ઉદાહરણ છે. તેમને તેમના સંબંધોની વાર્તાઓ કહેવા માટે કહો અથવા જુઓ કે તેઓ આટલા વર્ષો પછી તેમના લગ્નજીવનને ટકાવી રાખે છે. તે અંગે કેટલીક ટિપ્સ આપશે. તેમને કહો કે તેમના લાંબા ગાળાના લગ્ન કેટલા પ્રભાવશાળી છે. તેમની જર્ની વિષે પૂછો. તમારી કોઈ વાત જે લાગે ઉજવવી છે.
તો તેમની સાથે તેની ઉજવણી કરો.
વિશ્ર્વભરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજિત,વિશ્ર્વ લગ્ન દિવસના કાર્યક્રમો મોટા કે નાના હોઈ શકે છે. પરંતુ તેમનું ધ્યાન હંમેશાં લગ્ન પ્રથાની પ્રતિબદ્ધતા અને લાભોનું સન્માન કરવા પર હોય છે.( મિત્રો વિદેશમાં હોં!) વિવિધ ક્લબો, બિન-લાભકારી સંસ્થાઓ, ઉપચાર જૂથો અથવા ચર્ચ દ્વારા સ્થાનિક વિસ્તારમાં કઈ ઇવેન્ટ યોજવામાં આવી શકે ખાસ કપલ્સ માટે. લગ્ન વિશે એક પુસ્તક વાંચો.
જેઓ પહેલેથી પરિણીત છે તેઓ સમજે છે કે સંબંધો ઘણું સેક્રીફાઇસ લે છે.અને રોજ, શીખવા માટે હંમેશાં ઘણું બધું હોય છે. અને જેઓ કુંવારા છે પરંતુ કોઈ દિવસ લગ્ન કરવા ઈચ્છે છે. તેઓને પણ વધુ સારી વ્યક્તિ કેવી રીતે બનવું તે વિશે શીખવાથી ફાયદો થઈ શકે છે. (જે એક સારા જીવનસાથી તરીકે મદદરૂપ થઈ શકે છે).
વિવાહિત જીવનને કેવી રીતે સુધારવું તે વિશે શીખવાની મુસાફરી ચાલુ રાખવા માટે પુસ્તકો વાંચવા દંપતી માટે એક સરસ રસ્તો છે. આ મહત્ત્વપૂર્ણ દિવસના સન્માનમાં તમે પણ વાચકમિત્રો આમાંથી કેટલાક સૂચનો અજમાવી શકો છો. અને મિત્રો આપણી સંસ્કૃતિમાં લગ્નના સાત ફેરાના સાત સિદ્ધાંતો માટે અમેરિકાના અગ્રણી સંબંધ નિષ્ણાતોનું કહેવું છે કે આ વ્યવહારુ મુખ્ય મુદ્દાઓ લગ્નને મુશ્કેલ સમયમાં પણ ટકાવી રાખવામાં મદદ કરી શકે છે. વ્યક્તિ ખરેખર અન્ય લોકો માટે તેમનો પ્રેમ વધારવા માટે કામ કરી શકે છે, જેનાથી વ્યક્તિઓ લગ્ન, કુટુંબ, વાલીપણા અને સ્વ-પ્રેમમાં વધુ સારી રીતે “પ્રેમ કરવાની કળા શીખી શકે. જ્યારે તમને તમારા સાથીથી દૂર ચાલ્યા જવાનું મન થાય ત્યારે ખાસ તમારા સાથીને એકલો ન છોડો. રાધર, વધારે પ્રેમ કરવો. વધારે માન જાળવવું એ લગ્ન સંબંધનું. જેનાથી પરિણીત લોકો પર અને પ્રેમી પંખીડાઓના મન પર હકારાત્મક અસર પડે છે.
પ્રેમ અને લગ્નના ભાવનાત્મક વાતાવરણને ઓર ફૂલ ગુલાબી બનાવતો ફાગણ ખુશનુમા છે. તો વગર એનિવરસરીએ પણ મેરેજ ડે ઉજવીજ લેવાય. તો વાચકમિત્રો! જીવનમાં નવરંગ ભરી ઉર્ધ્વ દિશા તરફ પ્રયાણ થઈ જાય! હેપ્પી મેરેજ ડે, હેપ્પી વેલેન્ટાઇન અને પ્રેમથી ભરપૂર દરેક હ્રદયને ખૂબ ખૂબ ખૂબ ખૂશનુમા રંગ તરંગ ને ઉમંગ..
ખાસ તમારા માટે…
ફાગણ ફોરમતો આયો, આયો રે
આયો, ફાગણ ફોરમતો આયો.
એના રંગે મલક રંગાયો, રે આયો
ફાગણ ફોરમતો આયો.
લાલ લાલ લાલ લાલ રંગ પેલા કેસુંડાના સરસર અંગ પથરાયો.ઋતુઓનો રાજા પેલો ફાગણ આંગણ આવી અલબેલો લહેરાયો…ફાગણ ફોરમ નો આયો.
હવે બધા રંગ રસિયા, ગાજો પ્રેમના ગીત, વગાડજો મધુર સંગીત. મને પણ કહેજો કેવી છે તમારી પ્રીત.