Homeલાડકીનવા વર્ષે મનને મલીન કરતા સંબંધોની સાફસફાઈ કરી કે નહીં?

નવા વર્ષે મનને મલીન કરતા સંબંધોની સાફસફાઈ કરી કે નહીં?

સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા

દિવાળી પર ઘરની સાફસફાઈ આપણે બધા જ જે કુનેહથી કરીએ છીએ એટલી જ ચોક્કસાઈથી આપણા મનની સાફસફાઈ ક્યારેય કરી? આપણા મનમાં જગ્યા રોકીને બેઠેલા, કશાય કામમાં આવ્યા વગર મનને પીડતા સંબંધો ઊથલાવ્યા? નકામા સામાનનો આપણે જે રીતે નિકાલ કરીએ છીએ એમ વર્ષોથી કાટ લાગેલી, કોઈકની ન ગમતી યાદોનો નિકાલ કર્યો?
દિવાળી ગઈ, દેવદિવાળી પણ ગઈ, મહેમાનોની સરભરા માટે મોંઘા ભાવનાં કોલ્ડ ડ્રિન્ક્સ સર્વિંગ ગ્લાસ અને આઈસક્રીમ સેટ તથા મુખવાસ દાની વળી એની જગ્યાએ યથાવત્ ગોઠવાઈ ગયાં હશે, જે આવતા વર્ષે ફરી બહાર નીકળશે. જ્યારે આપણે આ બધું ગોઠવતા હોઈએ છીએ ત્યારે કેટલીક વસ્તુઓ એવી પણ હોય છે જે ક્યારેય ઉપયોગમાં આવી જ ન હોય. છતાં ક્યારેક તો કામમાં આવશે એવું વિચારીને આપણે એ વસ્તુને હતી ત્યાં ને ત્યાં જ મૂકી દઈએ છીએ જે માત્ર આપણી સ્પેસ રોકીને રાખે છે. જૂની વસ્તુનો નિકાલ કર્યા બાદ અને અન્ય ચીજવસ્તુઓને તેના યથાયોગ્ય સ્થાનમાં ગોઠવ્યા બાદ સ્ટોરરૂમ અને ઘરનું માળિયું સ્પેશિયસ લાગવા માંડે છે. દિવાળી નિમિત્તે ખરીદેલી વસ્તુ અને અન્યોએ આપેલી ગિફ્ટ્સ રાખવા માટેની વ્યવસ્થા ઈઝીલી થઈ શકે છે. બસ આ જ વસ્તુ કેટલાક સંબંધોને, કેટલીક યાદોને લાગુ પડે છે. કાટ ચડી ગયેલા, ઘસાઈ ગયેલા, ઉઝરડા આપતા, બિનજરૂરી અને ખાસ તો આપણા આંતરમનને પીડા આપતા સંબંધો અને તેની યાદોને ઉલેચીને બહાર ફેંકી દેવાં જોઈએ. તેની જગ્યાએ વેઇટિંગ એરિયામાં ઊભેલા, તરોતાજા અને ફળદ્રુપ તથા આનંદ આપનારા સંબંધો વહેલી તકે આવકારવા જોઈએ.
આપણા મોબાઈલની સ્ટોરેજ કેપેસિટી પૂરી થવા આવે તો મોબાઈલ હેંગ થવા લાગે છે. આપણે સમયાંતરે વધારાનો ડેટા ડિલિટ કરી દેતા હોઈએ છીએ, જેથી મેમરી ખાલી રહી શકે અને એમાં આપણી જરૂરી માહિતી સેવ કરી શકાય. તો જે લોકો આપણને નથી ફાવતા, જે વ્યક્તિની યાદો આપણને સતત પીડે છે, જે વ્યક્તિની હાજરીની જ આપણને એલર્જી છે એની સાફસફાઈ માટેનું મુહૂર્ત ક્યારે જોવડાવીશું? આપણા મોબાઈલમાં સેવ કોન્ટેકટ લિસ્ટ તરફ પણ ક્યારેક નજર નાખવી જોઈએ. એમાં સેવ થયેલા હજારેક ફોન નંબર્સ અને નામમાંથી ૨૦૦ જેટલા લોકો કોણ છે એની આપણને ખબરેય નહિ હોય. છતાંય સાચવીને રાખીએ છીએ ને આવું તો કેટકેટલું વધારાનું ભર્યું હોય છે. વળી ફરિયાદ કરીએ કે મોબાઈલ હેંગ થાય છે. અરે વડીલ! પાંચ-પચીસ હજારનો ફોન પણ ઓવરલોડ થવાથી હેંગ થતો હોય તો આપણું અમૂલ્ય મગજ કે જે ઢગલાબંધ સારા-નરસા માણસો અને એની યાદોને વર્ષોથી સાચવીને બેઠું છે, તો એનું શું થતું હશે?
એટલે જ દરેક વસ્તુઓનો સમયસર નિકાલ થવો આપણા ઘર માટે જેટલો જરૂરી છે તેમ આપણા શરીર અને મન માટે પણ જરૂરી છે. અપરિગ્રહ માત્ર વસ્તુઓનો જ નહીં, પણ સમયની માગ સાથે મનને પીડતા સંબંધોનો પણ હોવો જોઈએ. આપણું શરીર પણ કાંઈ સંઘરી શકતું નથી તો મનને શા માટે કારણ વગરનું કષ્ટ આપવું? આપણું શરીર પણ સમયસર એણે ગ્રહણ કરેલું છોડી દે છે, વર્ષભર વસ્તુઓ એકઠી કર્યા પછી દિવાળી પર એનું સાફસફાઈ અભિયાન શરૂ કરી દઈએ છીએ એમ જ મનની મેમરીમાં જરૂરી સ્પેસ માટે ત્યાં પડ્યાપાથર્યા રહેતા, બિનજરૂરી, નકામા સંબંધોને આઝાદ કરી દેવાથી નવું નજરાણું ત્યાં ફિટ કરી શકાય છે. ઘરના સફાઈ અભિયાન બાદ જે નિરાંત અને રાહત અનુભવી શકાય છે એનાથી ક્યાંય વધુ મનને ઢંઢોળીને એને ફોર્મેટ માર્યા બાદ મળતી સ્પેસથી થાય છે. એક ભાઈને મળવાનું થયું. તેમના ડિવોર્સ બાદ બંને પોતપોતાની લાઈફમાં આગળ વધે છે. બંનેનાં ફરી મેરેજ થાય છે, પણ ભાઈના ફરી ડિવોર્સ થાય છે. હવે એ ભાઈ ત્રીજી વાર પરણવા નથી માગતા કે નથી કોઈ સાથે રિલેશન રાખવા માગતા, કારણ કે પહેલી પત્નીને તેઓ ભૂલી જ નથી શકતા. જો એ ભાઈએ ખુશ રહેવું હશે, પોતાની લાઈફમાં આગળ વધવું હશે તો પાસ્ટના પડઘામાંથી એમણે ફરજિયાત બહાર નીકળવું પડશે. આપણી આસપાસ નજર નાખીએ તો આ પ્રકારના કેટલાય લોકો આપણને જોવા મળે કે જે ભૂતકાળની બારીઓ ખોલીને બેઠેલા હોય. એટલું બધું સંઘરેલું હોય કે એના નિકાલ માટે અલગથી વ્યવસ્થા કરવી પડે. ખરેખર મનના બોજ, ભાર, પીડા અને તકલીફોનો નિકાલ કરી ઊજળા ભવિષ્યને આવકારો આપવો એ જ આપણું ન્યુ યર સેલિબ્રેશન છે. કરમની કઠણાઈ પર રોદણાં રોઈને બેસી રહેવા કરતાં એક વાર હિંમત કરીને લાત મારીને કહી દેવાનું કે ‘જાઓ આપ આઝાદ છો’. ખરેખર સામેવાળું તો ઠીક આપણે જ એનાથી મુક્ત થઈ જશું. આમ કરવાથી મનને જે હળવાશ અનુભવાશે એની ફીલિંગ જબરદસ્ત હશે. એક બહેન આખા ઘરનો સામાન બહાર કાઢી ઘર પાણીથી ધોતાં હતાં. અચાનક એમને યાદ આવ્યું કે ડિટરજન્ટ પાણીમાં નાખવાનું તો રહી જ ગયું. વળી એમણે બબડતાં બબડતાં પાણીમાં ડિટરજન્ટ નાખી ફરી ફ્લોર અને દીવાલો ધોઈ. પછી ઘરનો સામાન પહેલાં જેમ હતો એમ જ ફરી ગોઠવ્યો. મેં એમને સહજ પૂછ્યું કે ‘એક વાર સાફ કર્યા પછી ફરી કેમ કર્યું?’ તો બહેને કીધું કે ‘મન માને તો સાફ કર્યું એ લેખે લાગે’. આ જવાબે મને વિચારતાં કરી મૂકી. આપણે આવી ક્ષુલ્લક સાફસફાઈ માટે આપણા નાજુક મનનું કેટલું ધ્યાન રાખીએ છીએ, પણ એમાં ભરેલું વેસ્ટેજ આપણી જાતને પળે પળે કેટલું નુકસાન પહોંચાડી રહ્યું છે એ અંગે તો સાવ બેદરકાર છીએ…!
આગળના દિવસે જ ટિપાઈ લૂછીને ટ્રે એના પર મૂકી દીધી હોય છતાંય નવા વર્ષના દિવસે ફરી ટિપાઈને હાથફેરો કરીએ છીએ જેથી એમાં ધૂળનો લીસોટો રહી ન જાય. એ જ રીતે હૃદયના ખૂણે બાઝેલી કેટલીક યાદોરૂપી ધૂળનું શું? એને હટાવવા હેલ્પર બહેન કે ભાઈ નહિ આવે. એની શુભ શરૂઆત આપણે ને માત્ર આપણે જ કરવી પડશે. ક્યારથી? આનો જવાબ એકાંતમાં પોતાની જાતને પૂછી લેવો. તો આવો સૌ સાથે મળીને આ નવા વર્ષમાં આપણે સંકલ્પ કરીએ કે હું મારી જાતને ટોપ મોસ્ટ પ્રાયોરિટી આપીશ. વણજોઇતા સામાનની સાથોસાથ વણજોઇતા સંબંધોને મનના વોર્ડરોબમાંથી કાયમી વિદાય આપીશ. મનની ગેલેરીમાં માત્ર આનંદ આપે એવી ક્ષણોને જ સ્ટોર કરીશ જેને ઉથલાવતાં હોઠ સાથે બે આંખોય ખડખડાટ હસી શકે. કેટલાક ચાપલૂસિયા સંબંધીઓ માટે ઘસાવા કરતાં જરૂરિયાતમંદ લોકો માટે સમય અને નાણું વાપરીશ. જે હૃદયની નજીક છે એમના માટે નિયમિત સમયનું દાન કરીશ. મિત્રોની મોજ માણતાં ખુદને ક્યારેય રોકીશ નહીં. પોતાની લાઈફના છેલ્લા ક્વોર્ટરમાં કોઈ સામે લાંબો હાથ ન કરવો પડે એમ જીવીશ. જે વર્તનથી હું દુ:ખી થાઉં છું એવું વર્તન બીજાઓ સાથે ક્યારેય નહીં કરું. મારા અધિકારોને પછી અને મારી ફરજને જીવનમાં પહેલાં સ્થાન આપીશ.

RELATED ARTICLES

Most Popular