શિન્ઝો આબેને ભારતની દોસ્તી મોંઘી પડી ગઈ કે આર્ટિકલ ૯ની કિંમત ચૂકવવી પડી?

વીક એન્ડ

ભાત ભાત કે લોગ-જ્વલંત નાયક

લાંબા સમય પછી એશિયામાં કોઈક મોટા ગજાની પોલિટિકલ હત્યા થઈ હોવાના સમાચાર આવ્યા છે. આ લખાય છે ત્યારે એવા ખબર છે કે એક અજાણ્યા બંદૂકધારીએ જાપાનના ભૂતપૂર્વ, પરંતુ અત્યંત લોકપ્રિય વડા પ્રધાન શિન્ઝો આબેને ગોળી મારી દીધી છે! ૮ જુલાઈ, શુક્રવારે ભારતીય સમય મુજબ સવારે આઠેક વાગ્યે શિન્ઝો આબે એક જાહેર સભાને સંબોધી રહ્યા હતા. જાપાનમાં હથિયારો રાખવાનું બહુ ચલણ નથી. અમેરિકા જેવું ગન કલ્ચર અહીં નથી અને એ પ્રકારના શૂટ આઉટના બનાવો પણ ભાગ્યે જ બને છે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કક્ષાની વ્યક્તિ પણ અહીં જાહેર સ્થળે લોકોની એકદમ નજીક જઈને વાત કરી શકે છે. આદર્શવાદી વાતોને બાજુએ રાખીને જોઈએ તો આ બાબત બહુ જોખમી ગણાય. શિન્ઝો આબેને એનું માઠું પરિણામ ભોગવવું પડ્યું. જાપાની નેવીના એક ભૂતપૂર્વ સર્વિસમેને હાથબનાવટની એક બંદૂકમાંથી ૪ સેક્ધડ્સમાં બે ગોળીઓ છોડીને શિન્ઝો આબેને ઢાળી દીધા!
શિન્ઝો આબે. આ માણસે બહુ લાંબો સમય જાપાન પર રાજ કર્યું. એ પછી પોતાની અંગત તબીબી સમસ્યાઓને કારણે એમણે સ્વચ્છાએ જ વડા પ્રધાનપદેથી રાજીનામું આપીને નિવૃત્ત જીવન જીવવાનું સ્વીકાર્યું. હાલમાં તેઓ પોતાના પક્ષ માટે પ્રચાર કરી રહ્યા હતા. જાપાનની રાજકીય પરિસ્થિતિ જોતાં એમનો પક્ષ આરામથી ચૂંટણીઓમાં જીતી જશે એવી વકી છે. આમેય શિન્ઝો જેના સભ્ય છે એ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (કઉઙ) પોતાના સ્થાપના કાળથી જાપાનમાં એકહથ્થુ કહી શકાય એવી સત્તા ભોગવે છે. ખુદ શિન્ઝો આબેના નામે સૌથી લાંબા સમયગાળા માટે જાપાનના પ્રધાનમંત્રી રહેવાનો રેકોર્ડ છે. લાંબી રાજવટ ભોગવ્યા બાદ હાલમાં બીમાર અને નિવૃત્ત જીવન ગાળી રહેલા શિન્ઝો કે જેમની કોઈ રાજકીય મહત્ત્વાકાંક્ષા બાકી નહોતી, એમને કોઈ ગોળી શું કામ મારે? અત્યારે આ લખાય છે ત્યારે આખી દુનિયા આ પ્રશ્ર્ન પૂછી રહી છે અને હાલ પૂરતો કોઈ પાસે સાચો જવાબ નથી. બની શકે કે શનિવારનાં છાપાંઓ અને સોશિયલ મીડિયા જાત જાતની કોન્સ્પિરસી થિયરીઝથી ઊભરાતાં હોય.
ભારતનો સાચો દોસ્ત
ભારત માટે આબે બહુ મહત્ત્વના રાજનીતિજ્ઞ સાબિત થયા. પોતાના કાર્યકાળ દરમિયાન સૌથી વધુ વખત ભારત પ્રવાસ કરવાનો રેકોર્ડ પણ આબેના નામે છે. તેઓ કુલ ૧૨ વખત ભારત પ્રવાસે આવી ચૂક્યા છે. ભારતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ધારવા કરતાં ઓછી કિંમતે આવી શક્યો, એ આબે અને મોદીની દોસ્તીના કારણે. છેલ્લા દાયકા દરમિયાન ભારત અને જાપાનના સંબંધો એ હદે મજબૂત થયા કે ચીનના વધતા જતા દુષ્પ્રભાવ સામે આ બન્ને એક મજબૂત ધરી તરીકે ઊભરી આવ્યા. જેના નામોલ્લેખ માત્રથી ચીનના પેટમાં ઊકળતું તેલ રેડાય છે, એ ચીફમ સંગઠનને ફરીથી ઊભું કરવામાં ભારત-જાપાન (મોદી-આબે) વચ્ચેની રાજનૈતિક દોસ્તી બહુ કામ લાગી છે. ચાર દેશોના આ સંગઠનમાં ભારત અને જાપાનની સાથે ઓસ્ટ્રેલિયા અને અમેરિકા પણ જોડાયેલાં છે. ચીફમ દેશોની આ ધરી એશિયન ઉપખંડમાં ચાઈનીઝ ડ્રેગન સામેની લડતમાં અત્યંત મહત્ત્વની સાબિત થવાની છે.
ચીન હંમેશાં એવું ઈચ્છે છે કે એશિયાનાં બીજાં રાષ્ટ્રો પોતાની નીતિ અને આંતરરાષ્ટ્રીય સંબંધો બાબતે ચીનની મરજી મુજબ વર્તે. હજી બે દિવસ પહેલાં જ તિબેટના દલાઈ લામાને વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છા સંદેશ પાઠવવા બદલ ચીને પ્રધાનમંત્રી મોદી સામે નારાજગી વ્યક્ત કરી હતી, પણ મોદીએ નમતું જોખવાને બદલે આખા મામલાને ભારતનો નીતિવિષયક મામલો ગણાવ્યો. આબે પણ આમ જ ચીનની દાદાગીરી સામે બરાબર શીંગડાં ભેરવતા હતા. આબે હાલમાં ભલે નિવૃત્ત હતા, પણ જ્યારે તેઓ વડા પ્રધાનપદે કાર્યરત હતા, ત્યારે એમણે ચીનની લગીરે સાડાબારી રાખ્યા સિવાય ભારત સાથે સંબંધો વિકસાવવાનું ચાલુ રાખ્યું. જાપાન ભારતને ટેક્નોલોજી બાબતે સહાય કરે અને ભારત ચીનની સ્પર્ધામાં ઊતરે, એ વાત ચીની શાસકો માટે અસહ્ય હતી.
આર્ટિકલ ૯ની બબાલ
બીજો એક મહત્ત્વનો મુદ્દો આર્ટિકલ ૯ બાબતે છે. દ્વિતીય વિશ્ર્વયુદ્ધમાં જાપાન મિત્ર દેશોની સેના સામે પૂરા ઝનૂનથી લડ્યું. એ સમયના જાપાની શાસકો સામ્રાજ્યવાદી પણ ખરા, આથી વિશ્ર્વયુદ્ધમાં જાપાનની હાર પછી મિત્રદેશોએ એવી શરત લાદી કે જાપાને ફરીથી પોતાનું સૈન્ય જમાવવું નહિ. આ માટે ૩ મે, ૧૯૪૭ના દિવસે જાપાનીઝ બંધારણમાં ‘આર્ટિકલ ૯’ નામક એક ક્લોઝ ઉમેરવામાં આવ્યો. આ ક્લોઝ ‘નો વોર’ ક્લોઝ તરીકે પણ ઓળખાય છે. આ ક્લોઝ મુજબ જાપાન ભવિષ્યમાં (બીજા વિશ્ર્વયુદ્ધ પછી) ક્યારેય કોઈ યુદ્ધમાં ભાગ નહિ લે અને પોતાની સેના નહિ બનાવે, એવી જોગવાઈ કરવામાં આવી હતી. સરહદોની સુરક્ષા માટે ડિફેન્સ ફોર્સ રાખવાની છૂટ હતી, પણ ગમે તે સંજોગોમાં જાપાન એટેક તો ન જ કરી શકે. બીજા વિશ્ર્વયુદ્ધ પછીના સમયગાળામાં કદાચ આ ક્લોઝ ઉપયુક્ત હોઈ શકે, પરંતુ આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં કોઈ દેશ લશ્કર વિના લાંબો સમય ટકી શકે નહિ. ખાસ કરીને એવો દેશ, જેનું પડોશી ચીન હોય! જોકે બીજા વિશ્ર્વયુદ્ધ પછીના સમયગાળામાં બે બે અણુબોમ્બનો માર સહન કરીને હારેલા, થાકેલા જાપાન પાસે આવી અન્યાયી શરત માની લીધા સિવાય છૂટકો નહોતો. યુદ્ધ પછીના સાતેક દાયકાઓ દરમિયાન ‘નો વોર’ પોલિસીના પાલનમાં જાપાનને ખાસ કોઈ વાંધોય ન આવ્યો, પરંતુ છેલ્લા એકાદ-બે દાયકા દરમિયાન પરિસ્થિતિ બદલાઈ. ચીન સુપર પાવર થતું ગયું, તેમ તેમ ચીની ડ્રેગને પડોશી દેશોને ભરડો લેવાનું શરૂ કર્યું. ભારત તો પહેલેથી જ ચીનની વિસ્તારવાદી નીતિઓથી પીડિત છે, એમાં જાપાનનોય વારો આવી ગયો. જાપાનના તત્કાલીન પ્રધાનમંત્રી શિન્ઝો આબેને પણ સમજાઈ ગયું હતું કે ચીનનો ખતરો તોળાતો હોય ત્યારે લશ્કર નહિ રાખવાનો નિર્ણય નરી મૂર્ખામી જ ગણાય! આથી એમણે આર્ટિકલ ૯માં સુધારો કરવા માટે ભરચક પ્રયત્નો શરૂ કરી દીધેલા.
અહીં એક વાત ખાસ નોંધી લેજો. આપણને લાગે છે કે ચીનને ભારત સામે વેર છે, પણ હકીકતે ચીન વિસ્તારવાદી માનસિકતા ધરાવે છે અને પોતાના મોટા ભાગના પડોશી દેશો સાથે જાણી જોઈને સરહદી વિવાદો ઊભા કરે છે. જાપાન પણ એમાંથી બાકાત નથી. ચીન આર્થિક મોરચે જેમ જેમ મજબૂત બનતું જાય છે, તેમ તેમ એની આ પ્રકારની હરકતો વધતી જ જાય છે. એશિયાના દેશોની તકલીફ એ છે કે અહીં રાજકીય અસ્થિરતા વધુ જોવા મળે છે. હાલમાં ચીન સિવાય માત્ર ત્રણ દેશો એવા છે, જે આવનારા દાયકાઓમાં આર્થિક અને રાજકીય મોરચે ચીનને ટક્કર આપી શકે એમ છે. આ ત્રણ પૈકી એક સમયની મહાસત્તા ગણાતા રશિયાની કંઈક જુદી જ નીતિઓ છે અને ચીન-રશિયા એકબીજાને વતાવતાં નથી. એ સિવાય ભારત અને જાપાન, એવા દેશો છે જ્યાં આજની તારીખે મજબૂત (આસાનીથી ઊથલાવી ન શકાય એવી) સરકાર અને પ્રમાણમાં સારું અર્થતંત્ર છે. એમાંય ભારત તો પાછું લશ્કરી દૃષ્ટિએ પણ ચીનને વળતી લડત આપી શકે એવું છે. હવે જો જાપાન પણ લશ્કર વિકસાવે અને ભારત સાથે યુતિ પણ બનાવે, તો સ્ટ્રેટેજિક રીતે ચીન મુશ્કેલીમાં મુકાય! વળી જાપાની લશ્કરને શસ્ત્રો વિકસાવવામાં ભારત સારી એવી મદદ કરી શકે. ટૂંકમાં, જાપાન-ભારતની દોસ્તી ચીનને બધી રીત ભારે પડી જાય.
સ્વાભાવિક છે કે ચીની શાસકોને પ્રખર જમણેરી રાષ્ટ્રવાદી નેતા ગણાતા શિન્ઝો આબે આંખમાં કણાની જેમ ખૂંચતા હોય. જો શિન્ઝો આબેનો કાંટો કાઢી નાખવામાં આવે તો ચીન સામે માથું ઊંચકવાનો પ્રયાસ કરનારા તમામ એશિયન નેતાઓ ફફડી જાય! વળી શિન્ઝો આબે અત્યારે સત્તા પર નહોતા, એટલે એમને સરળતાથી ટાર્ગેટ પણ કરી શકાય. તો શું આપણે એમ માનવું કે યેનકેન પ્રકારેણ ચીને જ શિન્ઝો આબેનો કાંટો કાઢીને એશિયાના બીજા રાષ્ટ્રવાદી નેતાઓને સાનમાં સમજી જવાનો મેસેજ આપી દીધો?! આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં આવા આરોપો ભાગ્યે જ સાબિત કરી શકાય છે, પણ કશું સાબિત ન થાય તો પણ સુજ્ઞજનો તો સમજી જ જતા હોય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.