અનવર માટેની દુઆ અમિતાભને ફળી?

મેટિની

ફિલ્મનામા -નરેશ શાહ

મારા ભાઈના પ્રોડક્શન હાઉસમાં ‘બોમ્બે ટુ ગોવા’ ફિલ્મ બનાવવાનું નક્કી થયું ત્યારે શરૂઆતના તબક્કે ભાઈની (કોમેડિયન મેહમૂદની) ઈચ્છા લીડ રોલમાં જિતેન્દ્રને લેવાની હતી, કારણ કે તેઓ એ સમયના બેસ્ટ ડાન્સ કરી શકનારા એક્ટર હતા. મેં મેહમૂદ ભાઈજાનને ભલામણ કરી કે આ રોલ માટે તમે અમિતાભને લો.
જોકે જમાનાના ખાધેલ મેહમૂદભાઈને અમિતાભની ડાન્સ તેમ જ રિધમ પરની સમજણ-આવડત વિશે શંકા હતી. તેમના નાના ભાઈ અનવર અલી ઈચ્છતા હતા કે પોતાનો ભાઈબંધ અમિતાભ કોઈ પણ રીતે ડાન્સિંગની ટેસ્ટ પાસ કરી લે. તેઓ અમિતાભને કશુંય કહ્યા વગર મેહમૂદ ભાઈજાનની સાથે મુંબઈની તાજ હોટેલમાં આવેલા બ્લોઅપ ડિસ્કો થેકમાં લઈ ગયા. સાવ અજાણ અમિતાભને ડિસ્કોમાં ડાન્સ કરતો જોયા પછી મેહમૂદ ભાઈજાન આશ્ર્વસ્ત થયા અને… અમિતાભ ‘બોમ્બે ટુ ગોવા’ માટે કાસ્ટ થઈ ગયા. આ એ ફિલ્મ હતી જેમાં ખુદ અનવર અલી બોમ્બેથી ગોવા જતી બસના ડ્રાઇવર રાજેશ બને છે અને તેમના મોટા ભાઈ મેહમૂદ ક્ધડક્ટર ખન્ના. રાજેશ ખન્ના નામના વાવાઝોડાની ક્રેડિટ ‘બોમ્બે ટુ ગોવા’માં આ રીતે લેવામાં આવી ત્યારે બિગ બીની ઓળખ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં માત્ર અમિતાભ તરીકેની જ હતી.
‘બોમ્બે ટુ ગોવા’ ફિલ્મ એનાઉન્સ થઈ એ પહેલાં અને ખ્વાજા અહેમદ અબ્બાસની ‘સાત હિન્દુસ્તાની’ ફિલ્મ મળી એ પછી અમિતાભને અનેક લોકોએ એવી સલાહ આપી હતી કે તે પોતાના નામ પાછળ લાગતું બચ્ચન નામનું પૂંછડું છોડી દે, કારણ કે એ બોલવામાં બહુ કષ્ટદાયક છે. ઉપરાંત તેના કારણે નામ પણ લાંબું લચક (અમિતાભ બચ્ચન) બની જાય છે. એ સ્ટ્રગલનો એટલે કે સમાધાનો કરવાનો પીરિયડ હોવા છતાં અમિતાભ એ માટે સંમત થયા નહોતા એટલે પ્રથમ ફિલ્મથી જ તેમને અમિતાભ બચ્ચન તરીકેની ક્રેડિટ આપવામાં આવી હતી. ‘સાત હિન્દુસ્તાની’ ફિલ્મ ભારતીય ફિલ્મ જગત માટે જ નહીં, અનવર અલી જેવા સ્ટ્રગલર માટે પણ શુકનિયાળ સાબિત થઈ હતી, કારણ કે આ ફિલ્મથી જ તેઓ અને અમિતાભ બચ્ચન પાકા ભાઈબંધ બની ગયા હતા. ફિલ્મી ઘરાનામાં (કોરિયોગ્રાફર પિતા મુમતાઝ અલી, કોમેડિયન ભાઈ મેહમૂદ, અભિનેત્રી બહેન મીનુ મુમતાઝ) જન્મેલા અનવર અલીએ અમિતાભનો ચહેરો સૌપ્રથમ વખત ખ્વાજા અહેમદ અબ્બાસની ઓફિસમાં જોયો હતો. ઓફિસમાં અમિતાભના બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફ રાખેલા હતા. જરા પણ પ્રભાવિત થયા વગર ‘સાત હિન્દુસ્તાની’માંના એક હિન્દુસ્તાની તરીકેનું ઓડિશન આપીને અનવર અલી રજાઓ માણવા બેંગલોર ચાલ્યા ગયા હતા. ફિલ્મ માટે સિલેક્ટ થયાનો કોલ મળતાં તેઓ વિમાનમાં સાન્તાક્રુઝ એરપોર્ટ પર ઊતર્યા ત્યારે તેમને લેવા માટે, તેમની જેગુઆર કાર લઈને મિત્ર જલાલ આગા આવ્યો હતો. તેમની સાથે સફેદ કુરતા-પાયજામા અને બંડી પહેરેલો અમિતાભ પણ હતો. અનવર અલીને તરત અબ્બાસ સાહેબની ઓફિસમાં જોયેલા ફોટોગ્રાફ્સ યાદ આવી ગયા. બન્ને પ્રથમ વખત મળ્યા. રિટર્ન આવતી વખતે જેગુઆર કાર અમિતાભે ચલાવી હતી. અનવર અલીને યાદ છે કે ‘એ વખતે હું બોલતો હતો, અમિતાભ એકધારું સાંભળ્યા કરતો હતો.’
આજે ભલે અમિતાભ બચ્ચન માટે ‘હતો’નું સંબોધન અવિવેક લાગે, પણ આ એ દિવસો અને એ મિત્રની વાતો છે કે જેમાં આદર કરતાં આત્મીયતા વધુ હતી. મેચ્યોરિટી કરતાં મજાકમસ્તી વિશેષ હતી. વર્તમાન સાથે શિંગડાં ભરાવવાની અને ભવિષ્યની સુંદર કલ્પનાઓને મોરપિચ્છ જેવા મુલાયમ સ્પર્શથી પંપાળવાની હતી. એવી દોસ્તીનું ગઠબંધન કરતા એ દિવસો હતા કે જેનાં પાંત્રીસ વરસ પછી અનવર અલી ‘અમિતાભ એન્ડ આઈ’ નામની સ્મરણગાથા લખવાના હતા, જેનું સંપાદન દીકરી મોના માથુર અલી કરવાની હતી. અનવર અલીને યાદ છે કે ‘સાત હિન્દુસ્તાની’ ફિલ્મના પ્રથમ શોટ વખતે જ તેનાથી છબરડા થતા હતા. ડાયરેક્ટર એક્શન બોલે એ સાથે જ થતું એવું કે અનવર અલી પોતાના ડાયલોગ ભૂલી જતા. સીન એવો હતો કે અનવર અલીએ ડાયલોગ બોલવાના હતા, અમિતાભે કશુંય બોલ્યા વગર એ સાંભળવાના હતા. રિહર્સલમાં બધું બરાબર થતું, પણ જેવો કેમેરા સ્ટાર્ટ થાય અને એક્શન શબ્દ હવામાં ગુંજે કે અનવર અલી બ્લેન્ક થઈ જતા. અમિતાભે અનવર અલીને સમજાવ્યું કે તેણે રિલેક્સ થઈને કયા શબ્દ પર કેટલું વજન આપવું કે જેથી ડાયલોગ આપમેળે યાદ આવવા માંડે, પણ…
પરિણામ શૂન્ય. ફરી એક વાર રિહર્સલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. રિહર્સલ બરાબર થતાં હોવાથી અનવર રિલેક્સ થઈ ગયા અને કશીય ભૂલચૂક વગર તેમણે ડાયલોગ બોલ્યા. બરાબર ત્યારે જ કટનો અવાજ સંભળાયો. અનવર અલીને રહી રહીને ટ્યુબલાઈટ થઈ કે રિહર્સલના નામે શૂટિંગ કરી લેવામાં આવ્યું હતું. શોટ તો પતી ગયો હતો, પણ આ રીતે પોતાનો શોટ લેવાયો તેને કારણે અનવર અલીને બહુ શરમજનક લાગતું હતું…
‘સાત હિન્દુસ્તાની’ અમિતાભની જેમ અનવર અલીની પણ પ્રથમ ફિલ્મ હતી. એ અલગ વાત છે કે પછી એવો સમય પણ આવ્યો કે અમિતાભ બચ્ચન કરતાં અનવર અલી પાસે વધારે ફિલ્મો હોય. એની વે, ‘સાત હિન્દુસ્તાની’ ફિલ્મના આઉટડોર માટે (સલામતી માટે ટિટનસના ઈન્જેક્શન લઈને) આખું યુનિટ બેલગામ અને ગોવા પહોંચ્યું ત્યારે સાતેય હિન્દુસ્તાનીઓનો ઉતારો એક બંગલામાં હતો. ડોરમેટરી સિસ્ટમ પ્રમાણે બધા એક્ટરો એક જ કમરામાં સૂતા હતા. અનવર અલી અને અમિતાભ એક જ ડબલ બેડ પર સૂતા. એક રાતે તેમના ઓરડામાં ચામાચીડિયું ઘૂસી ગયું ત્યારે સાતેય હિન્દુસ્તાની ડરી ગયા હતા.
માથે ઘૂમરીઓ લેતા ચામાચીડિયાથી બચવા માટે બધા બ્લેન્કેટ માથે ઓઢીને તેના છેડાથી ચામાચીડિયાને કાઢવાના પ્રયાસો કરતા રહ્યા હતા. ચામાચીડિયું તો આખરે પોતાની રીતે ચાલ્યું ગયું, પણ પછી અમિતાભે પગથી એવી હરકત કરી કે અનવર અલીએ હેબતાઈને બ્લેન્કેટમાંથી નીકળીને ભાગવું પડ્યું હતું.
‘સાત હિન્દુસ્તાની’ ફિલ્મના કાસ્ટિંગની લાક્ષણિકતા એ હતી કે અનવર અલી તેમાં હિન્દુ મિસ્ટર શર્મા બન્યા હતા અને અમિતાભ મુસ્લિમ અનવર. ફેમસ સ્ટુડિયો (તાડદેવ)ના પ્રિવ્યુ થિયેટરમાં ‘સાત હિન્દુસ્તાની’ ફિલ્મનો ટ્રાયલ શો રાખવામાં આવ્યો ત્યારે મેહમૂદ ભાઈજાન સહિત અનવર અલીના તમામ ફેમિલી મેમ્બર આવ્યા હતા. ઘરના છોકરાની પ્રથમ ફિલ્મ માટે બધા દુઆઓ માગતા હતા. અનવર અલી નિખાલસતાથી કહે છે કે ‘મારા પરિવારની તમામ દુઆઓ અમિતાભને પણ મળી હતી, કારણ કે (ફિલ્મમાં) અનવર એ બન્યો હતો.’ (ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.