વાઘાસાહેબની જાત સાથેની સંવાદ વાણી

ધર્મતેજ

ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની

રવિ-ભાણ પરંપરામાં પ્રેમસાહેબ ખૂબ પ્રખ્યાત છે. દાસી જીવણનો એમના પર અપાર-અસીમ સ્નેહ હતો. એમણે કોટડાસાંગાણી ખાતે પોતાનું સ્થાનક સ્થાપ્યું. અહીં નાનકડો બાળક સત્સંગમાં સમયસર અવશ્ય હાજર હોય. ભારે મનથી-ધ્યાનથી બધું સાંભળે-હોંકારો પણ ભણે. પ્રેમસાહેબને પંડયના પોતાનાં સંતાનો કરતાં પણ વધુ ભાવ-પ્રેમ આ બાળક પરત્વે. એનું નામ વાઘો. દાસ વાઘો કહી પોતાની જાતની ઓળખ આપે. ગુરુ પ્રેમસાહેબે એને જ્ઞાનમાર્ગની ઉપાસના અને યોગવિદ્યામાં પળોટેલ. ગુરુકૃપાએ પોતાને દાસ ગણાવતા વાઘાનું વાઘાસાહેબ નામકરણ થયું.
એમનું જન્મવર્ષ્ા ઈ.સ.૧૭૯૦ મનાય છે. માતુશ્રીનું નામ લક્ષ્મીબાઈ અને પિતાશ્રીનું નામ પાતાભાઈ. એમનું મૂળવતન તો ગોંડલની નજીકનું ગામ વાછરા. જ્ઞાતિએ હરિજન ભંગી પરિવારમાં જન્મ પણ ભક્તિકર્મથી ભારે ઉજળા અને તેજસ્વી પદને તેઓ પામ્યા. તેઓની યોગસાધના- ઉપાસના પરત્વેની પ્રીતિ હતી પણ સાથે-સાથે પાટ-પૂજા અને મંડપમાં પણ શ્રદ્ધા હતી અને એ વિધિની ઊંડી જાણકારી પણ હતી. તેમનું આયુષ્ય અલ્પ. બહુ જ નાની વયે અર્થાત્ ઈ.સ.૧૮રપમાં પાંત્રીસ વર્ષ્ાની વયે દેહાવસાન થયું અને ગોંડલની બાજુમાં ખરેડા નામના ગામમાં એમનું સમાધિ સ્થાનક છે.
રવિભાણ પરંપરામાં તત્ત્વદર્શી ભજનવાણીના દૃષ્ટાંતો અનેક છે. પણ એમાં વાઘાસાહેબની વાણી મને ભારે વિશિષ્ટ જણાઈ છે. યોગાભ્યાસની અનુભૂતિની અભિવ્યક્તિ એમની ભજનવાણીમાં પ્રગટતી જણાઈ છે. પોતે સાધના-ઉપાસના કરી એની પ્રક્રિયાનું આલેખન કરીને તેઓ અનુયાયીઓને-શિષ્યોને પણ ભજનગાનના માધ્યમથી દિશાનું દર્શન કરાવે છે. આ યોગમાર્ગની યાત્રામાં એમને સાધના પછી થયેલી અનુભૂતિની વિગતો એમની સાધના-ઉપાસનાના ફળ સમાન છે. આત્મસાક્ષ્ાાત્કારની ભૂમિકાએ પહોંચીને એમણે કરેલું ગાન, એમણે ગાયેલું ભજન આપણી સંપદા છે. એ સંપદાની એક વાણીનું આચમન અને આસ્વાદ અહીં પ્રસ્તુત છે.
માઈલા શહેરમાં સંધુર નોબત વાગી, મનવા જોને જાગી. …ટેક
પ્રેમ ચરણ પદ પામી, અજબ વાત છે નથી કાંઈ નાની,
પૂર્વેની ખેડ હશે તેને મળશે રે, મનવા જોને તું જાગી. …૧
ઓહંગ સોહંગ ધર તેને તાગી, ત્રિવેણીમાં ઝિલમિલ જયોતિ જાગી,
નુરતે સુરતે તું નિરખ લેને જોગી રે, મનવા જોને તું જાગી. …ર
ગગનમંડલમેં ખેલે કોઈ નર જ્ઞાનિ, ત્યાં ધ્યાન ધરી લે તું ધ્યાની,
દૃષ્ટિમાં ધૂન ઈ તો નહીં રહે છાની રે, મનવા જોને તું જાગી. …૩
સંતચરણ ગુરૂ હોય જ્ઞાની, એ પદ મનવા લે ને માની,
દાસ વાઘો રે ગુરૂ પ્રેમ કેરી બાની રે, મનવા જોને તું જાગી. …૪
વાઘા ભગત અહીં અંત:કરણમાં – હૃદયકમળમાં જે સંગીત ઝણઝણાટીની નોબત સંભળાણી એટલે પોતાના દેહને-મનથી સભાન કરે છે. અને કહે છે કે આ વાત-વિગત કહીં સાવ સામાન્ય નથી. પ્રેમતત્ત્વને પ્રાપ્ત કરવું એ અજબની ઘટના છે. પૂર્વ જન્મના કંઈ સંચિત સત્કર્મ હશે તેને કારણે જ આ સ્થિતિ-પદની પ્રાપ્તિ થતી હોય છે. હે મન તું સભાન થઈને જાગૃત થઈને જો – અવલોકન કર.
ઓહમ્-સોહમની પ્રાણાયામની સાધનાને જેણે તાગી-માપી-સમજી હોય, એ સાધક જ ત્રિકુટીમાં-ત્રિવેણીની અનુભૂતિ મેળવે. એ જોગીને નૂરત-સૂરતની સાધનાથી જ નીરખી શકાય માટે હે મન તું સભાન થઈને એ સાધનામાં લીન-તલ્લીન થા.
ગગનમંડળ એટલે દેહમાં મસ્તકમાં જે જ્ઞાનનો ઝરો અસ્તિત્વ ધરાવે છે ત્યાં જ્ઞાનવાન તપસ્વી જ ધ્યાન ધરીને એને પામી શકે. તું એની ધૂનમાં લાગી જા. એ છૂપું નહીં રહે. હે મન તું સભાન થઈને આ સાધનાક્રિયામાં જ લાગી જા.
જ્ઞાનવાન સદ્ગુરુ-સંતની કૃપાએ જ એ પદની પ્રાપ્તિ થતી હોય છે. વાઘો દાસ ગુરુની પ્રેમસાહેબ વાણીથી જ એ પદે પહોંચી શક્યો છે. હે મન તું જાગૃત થઈ-સભાન થઈ આ સાધનામાં – યોગક્રિયામાં લીન રહેજે. વાઘાસાહેબ આત્મસાક્ષ્ાાત્કાર પછી પોતાની જાતને સમજાવે છે – માનવે છે કે આમાં તારું કશું નથી. ગુરુકૃપાનું એ ફળ ગણવું.
વાઘા સાહેબની આ સાધનાધારા અને એમાં ગુરુકૃપાએ જે ફળ પ્રાપ્ત થયું એ કંઈ નાનુ-સુનું અને સામાન્ય નથી. આ અજબ પ્રકારની અનુભૂતિની મહત્તા એમનાં દેહના મનપ્રદેશને એ સંબોધે છે. જાત સાથે સંવાદ કરતો દાસ વાઘો આવા કારણથી ભારે મહત્ત્વનો જ્ઞાની કવિ છે. પ્રત્યેક કડીના પૂર્વાર્ધ-ઉત્તરાર્ધમાં અંતે ઈકારાન્ત પ્રાસ મેળવીને ગાયેલી-પ્રગટેલી વાણી આપણને આસ્વાદ્ય લાગે છે અને અભ્યાસનો વિષ્ાય બની રહે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.