(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર મંગળવારે ૧૫મી વિધાનસભામાં ધુળેટી મહોત્સવ ઉજવાયો હતો. વિધાનસભાના પ્રવેશ દ્વાર પાસે ખાસ શમિયાણો ઊભો કરાયો હતો. જ્યાં ધારાસભ્યો ઘુળેટીની મજા માણી હતી. સોમવારે હોળીનો તહેવાર હતો અને મંગળવારે પડતર દિવસ છે. અને તા.૮મી માર્ચના રોજ ધુળેટી પર્વ ઉજવાશે. જેથી મંગળવારે સરકારે પડતર દિવસના રોજ વિધાનસભાના પ્રવેશ દ્વાર પાસે ઘુળેટીની ઉજવણી કરવામાં આવી હતી. સરકારે તેના ઓફિશિયલ કેલેન્ડરમાં પણ તા.૮મીની રજા જાહેર કરી હતી.
વિધાનસભામાં આદિવાસી પારંપરિક નૃત્ય સહિત ઢોલ નગારા સાથે ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી.
આ હોળી પર્વની ઉજવણીમાં રાજ્યના મુખ્ય પ્રધાન, વિધાનસભા અધ્યક્ષ, પ્રધાન મંડળના સભ્યો તેમજ ધારાસભ્યો જોડાયા હતા. વિધાનસભાના અધ્યક્ષે ધારાસભ્યોને પરિસરમાં ધૂળેટી રમવા માટે પરવાનગી આપી હતી. કુદરતી રંગથી હોળીનો તહેવાર ઉજવવાનો સંદેશ રાજ્યની જનતાને આપવા માટે ખાસ કેસુડાના ફૂલોની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ હોળી પર્વ માટે ૧૦૦ કિલો કેસુડાના ફૂલ ની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કેસુડાના પાણીથી ધારાસભ્યો એકબીજા પર નાંખતા પણ નજરે પડ્યા હતા. આ સાથે વિવિધ રંગોની સાથે આ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
અગાઉ કૉંગ્રેસના શાસનમાં પણ સ્વ. અમરસિંહ ચૌધરીએ હેલિપેડ ગ્રાઉન્ડ પર ઘેરૈયા નૃત્યનું આયોજન હોળી પર્વે કર્યુ હતું. આમ આ આયોજન વિધાનસભા સંકુલમાં અત્યાર સુધીમાં બીજી વાર થઇ રહ્યું છે
અત્રે ઉલ્લેખનીય છે કે, શાસક પક્ષના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલએ હોળીના આયોજન માટે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને એક દરખાસ્ત આપી હતી અને અધ્યક્ષે દરખાસ્ત ગ્રાહ્ય રાખતાં વિધાનસભા સચિવાલયે પણ તેને મંજુરી આપી છે. દરમ્યાન પડતર દિવસ હોઈ વિધાનસભા ગૃહની બેઠક પણ સવારની કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભામાં આદિવાસી પારંપરિક નૃત્ય સહિત ઢોલ-નગારા સાથે ધુળેટીની ઉજવણી
RELATED ARTICLES