ધો ડાલા: મુંબઈમાં ૨૪ કલાકમાં ૮ ઈંચ વરસાદ

આમચી મુંબઈ

જળ બંબાકાર મેઘરાજા સતત ત્રીજા દિવસે મન મૂકીને વરસતાં દાદરમાં પાણી ભરાઈ
ગયાં હતાં. (તસવીર જય પ્રકાશ કેળકર)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સતત બે દિવસ મુશળધાર પડ્યા બાદ બુધવારે વરસાદનું જોર થોડું હળવું રહ્યુંં હતું. જોકે સવારના સમયે વરસાદને કારણે અનેક ઠેકાણે પાણી ભરાવવાથી લઈને રસ્તા પર ટ્રાફિકજામ અને ઘરની દીવાલ અને ભેખડ તૂટી પડવાના બનાવ નોંધાયા હતા. મુંબઈમાં મંગળવાર સવારથી બુધવાર સવાર સુધીના ૨૪ કલાકમાં સરેરાશ ૮ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તો મુંબઈમાં જુલાઈ મહિનાનો સરેરાશ ૭૦ ટકાની આસપાસ વરસાદ પડી ચૂક્યો છે.
મુંબઈમાં હજી પણ ઓરેન્જ એલર્ટ છે. બુધવારના સવારના સમયે વરસાદનું થોડું જોર રહ્યું હતું. બાદમાં જોકે વરસાદ થોડો ધીમો પડી ગયો હતો. સવારના ચુનાભઠ્ઠીમાં ભેખડ ધસી પડતા ત્રણ જખમી થયા હતા. સવારના રહેલા વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં. સવારના પીક અવર્સમાં ટ્રાફિકજામની સમસ્યા રહી હતી. બુધવાર સાંજના ૫.૩૦ વાગ્યા સુધીમાં કોલાબામાં ૨૫ મિ.મી. તો સાંતાક્રુઝમાં ૩૨ મિ.મી. જેટલો વરસાદ નોંધાયો હતો.
સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવે પ્રશાસનના દાવા મુજબ લોકલ ટ્રેનો સમયસર હતી. જોકે પ્રવાસીઓના દાવા મુજબ રેલવેની ત્રણે લાઈનમાં ટ્રેનો મોડી દોડી રહી હતી. સવારના વરસાદમાં બેસ્ટની બસોને પણ અસર થઈ હતી. બેસ્ટ ઉપક્રમના દાવા મુજબ મુંબઈના છ લોકેશન પર લગભગ બે ડઝન જેટલી બસના રૂટ ડાઈવર્ટ કરવામાં આવ્યા હતા.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ દિવસ દરમિયાન ૨૦થી વધુ જગ્યાએ શોર્ટ સર્કિટ થવાના કેસ નોંધાયા હતા. તો ઝાડ અને તેની ડાળખી તૂટી પડવાના ૩૪થી વધુ કેસ નોંધાયા
હતા.
———-
મોસમનો સરેરાશ ૩૨.૩૭ ટકા વરસાદ
મુંબઈમાં મંગળવાર સવારના ૮ વાગ્યાથી બુધવાર સવારના ૮ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં કોલાબામાં ૮૪.૦ મિ.મી. (સાડા ત્રણ ઈંચ) અને સાંતાક્રુઝમાં ૧૯૩.૬ મિ.મી. (૮ ઈંચ) જેટલો વરસાદ નોંધાયો હતો. તો તળ મુંબઈમાં ૧૦૭.૦ મિ.મી., પૂર્વ ઉપનગરમાં ૧૭૧.૬૮ મિ.મી. અને પશ્ર્ચિમ ઉપનગરમાં ૧૫૨.૦ મિ.મી. જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે મુંબઈમાં મોસમનો અત્યાર સુધીનો ૩૨.૩૭ ટકા વરસાદ પડી ચૂક્યો હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હતું. હવામાન ખાતાએ પૂરા અઠવાડિયામાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે ખાનગી હવામાન સંસ્થાએ કહ્યું હતું કે તીવ્ર લો પ્રેશર સિમસ્ટ સર્જાઈ હોવાથી આગામી ૧૦ દિવસ સુધી ચોમાસું સક્રિય રહેશે. મહારાષ્ટ્રના અમુક જિલ્લામાં અતિવૃષ્ટિની શક્યતા છે.
———
બે દિવસ ભારે વરસાદની આગાહી
ભારતીય હવામાન ખાતાએ સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો આગામી બે દિવસ મુંબઈમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા હોવાનું હવામાન ખાતાએ કહ્યું હતું. હવામાન ખાતાના અધિકારીના કહેવા મુજબ ગુજરાત અને મહારાષ્ટ્રના કિનારા પર ઓફ-શોર ટર્ફ છે. તો પશ્ર્ચિમ મધ્ય મહારાષ્ટ્રની ઉપર લો પ્રેશર સર્જાયું છે, તેને કારણે સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
——-
ઉત્તર કોંકણમાં ઓરેન્જ એલર્ટ
હવામાન ખાતાએ ગુરુવાર અને શુક્રવાર બે દિવસ માટે ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, પૂર્વ વિદર્ભ અને પશ્ર્ચિમ વિદર્ભ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો મરાઠવાડ માટે યલો એલર્ટ જાહેર કર્યું હતું.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.