ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

આસ્થા સાથે ખતરનાક ખેલ મંદિરોમાં પ્રસાદનો ‘ધંધો’ જ બંધ કરાવવો વધુ જરૂરી…

કવર સ્ટોરી -વિજય વ્યાસ

દેશના એક સૌથી વધુ શ્રીમંત અને આસ્થાના મોટા સ્થાનક ગણાતા તિરુપતિ વેંકટેશ્ર્વર મંદિરના પ્રસાદમાં થતી ભેળસેળની જેમ અન્ય મંદિરોનાંય પ્રસાદ કૌભાંડથી આસ્થાળુની લાગણી દુભાઈ છે. આ પ્રસાદમના ભ્રષ્ટાચાર પર અંકુશ ન આવે ત્યાં સુધી પરંપરાના નામે દૂષિત પ્રસાદ આપવાને બદલે એ પરંપરા જ ન પળાય તો વધુ સારું

આપણા દેશમાં વિવાદોની કયારેય અછત હોતી જ નથી. એક માગો ને ત્રણસો તેંત્રીસ મળી આવે.

આ બધા વચ્ચે આપણે ત્યાં હમણાં પ્રસાદનો વિવાદ વકર્યો છે. દેશના સૌથી ધનિક ગણાતા તિરૂપતિ મંદિરમાં પ્રસાદ તરીકે અપાતા લાડુ બનાવવા માટે વપરાતા ઘીમાં ભેળસેળ કરાતી હોવાના વાત ગાજી છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ પોતાના પુરોગામી જગન મોહન રેડ્ડીની સરકાર પર કરેલા આક્ષેપના કારણે પ્રસાદની પંચાત શરૂ થઈ અને આ પંચાત તિરુપતિ મંદિર પૂરતી મર્યાદિત ના રહેતાં બીજાં મંદિરો સુધી પણ પહોંચી ગઈ છે.

ગુજરાતના ડાકોરમાં ભગવાન રણછોડરાયના મંદિરમાં અપાતા પ્રસાદમાં વપરાતા ઘીમાં ભેળસેળ કરાતી હોવાનો મુદ્દો મુખ્ય પૂજારીએ જ ઉઠાવ્યો છે ત્યારે બીજાં ધર્મસ્થાનોમાં પણ પ્રસાદના મુદ્દે આડેધડ આક્ષેપો થઈ રહ્યા છે.

તિરુપતિ મંદિરમાં પ્રસાદની પવિત્રતા ના જળવાઈ એ મુદ્દાને આગળ ધરીને દેશનાં બીજાં મોટાં હિંદુ ધર્મસ્થાનોમાં પણ પ્રસાદની પવિત્રતા જળવાય એ માટે નિયમો બદલાઈ રહ્યા છે. હિંદુઓનાં સૌથી મોટાં ધર્મસ્થાનો ઉત્તર પ્રદેશમાં છે તેથી ઉત્તર પ્રદેશે નિયમોમાં ફેરફારની પહેલ કરી છે. ઉત્તર પ્રદેશનાં ત્રણ મોટાં મંદિર અયોધ્યા, પ્રયાગરાજ અને મથુરામાં પ્રસાદ વ્યવસ્થા અને નિયમોમાં સૌથી પહેલાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

અયોધ્યામાં રાજ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે બહારની એજન્સી દ્વારા તૈયાર પ્રસાદ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની માગ કરી છે. એમણે મંદિરના પ્રસાદમાં ઉપયોગમાં લેવાતા ઘીની શુદ્ધતા પર ચિંતા વ્યક્ત કરીને આગ્રહ કર્યો છે કે તમામ પ્રસાદ મંદિરના પૂજારીઓની દેખરેખમાં તૈયાર કરવામાં આવે.

પ્રયાગરાજના ત્રણ મોટા મંદિરમાં પણ પ્રસાદના નિયમોમાં ફેરફાર કરીને મંદિરની અંદર જ પ્રસાદ બનાવવાનો નિર્ણય લીધો છે. જોકે , આ બધામાં સૌથી પ્રશંસનીય પહેલ મથુરામાં કરવામાં આવી છે.

મથુરાના ભગવાન શ્રીકૃષ્ણના મંદિરે પ્રસાદમાં મીઠાઇના બદલે ફળને અપનાવવાનો નિર્ણય કર્યો છે. મીઠાઈની તૈયારી વખતે ભેળસેળવાળું ઘી વપરાવાની શક્યતા વધુ હોય છે,પણ પ્રસાદરુપે ફળ આપવામાં આવે તો એમાં ભેળસેળ થવાની શક્યતા સાવ નહીંવત થઈ જાય. બીજાં મંદિરો પણ આ પ્રકારની પહેલ કરે એ ઈચ્છનીય છે કેમ કે તિરુપતિ મંદિરમાં પ્રસાદમાં થતી ભેળસેળના આક્ષેપો અત્યંત ગંભીર છે. નાયડુની ‘તેલુગુ દેશમ પાર્ટી’ (ટીડીપી)એ ધડાકો કર્યો છે કે, તિરુપતિ મંદિરમાં લાડુ બનાવવા માટે ચરબીયુક્ત ઘી ઉપરાંત ગૌમાંસ, સુવરની ચરબી અને માછલીનું તેલ વપરાય છે…!

અત્યાર સુધી એવી માન્યતા હતી કે, તિરુપતિ મંદિરના લાડુમાં શુદ્ધ ચણાનો લોટ, બૂંદી, ખાંડ, કાજુ અને શુદ્ધ ઘી હોય છે. આ પ્રસાદ મંદિરમાં જ બનતો હોવાથી કોઈને શંકા નહોતી જતી, પણ ટીડીપીનો દાવો છે કે, જગન મોહનની સરકારના સમયમાં તિરુપતિ ટ્રસ્ટ દ્વારા પ્રસાદ બનાવવા માટે જે કંપની પાસેથી ઘી મગાવવામાં આવતું હતું એ કંપનીએ ભેળસેળ કરીને પ્રસાદની પવિત્રતાને ખતમ કરી નાંખી છે.

ચંદ્રાબાબુ નાયડુ સરકાર દ્વારા આ કેસની તપાસ વિજિલન્સને સોંપવામાં આવી છે. આ આક્ષેપોના મુદ્દે રાજકીય દાવપેચ પણ થઈ ગયા છે. ટીડીપીના પ્રવક્તા અનમ વેંકટ રમના રેડ્ડીએ પ્રેસ કોન્ફરન્સમાં એક કહેવાતો લેબ રિપોર્ટ જાહેર કરીને માહિતી આપી હતી કે, તિરુપતિ મંદિરના પ્રસાદના નમૂના ૯ જુલાઈ, ૨૦૨૪ના રોજ ગુજરાતની લાઈવસ્ટોક લેબોરેટરી, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (ગઉઉઇ ) સેન્ટર ફોર એનાલિસિસ એન્ડ લર્નિંગ ઇન લાઈવસ્ટોક એન્ડ ફૂડ( ઈઅકઋ લિમિટેડ)ને મોકલવામાં આવ્યા હતા. નમૂના અંગે ૧૬ જુલાઈના રોજ લેબ રિપોર્ટ મળ્યો તેમાં લાડુમાં પશુઓની ચરબી અને ફિશ ઓઈલમાંથી બનેલા ઘીનો ઉપયોગ કરવામાં આવે છે એવું બહાર આવ્યું છે. તપાસ દરમિયાન લાડુમાં વપરાતા ઘીમાં ભેળસેળ હોવાનું પણ જણાયું છે. જોકે, આ કહેવાતા લેબ રિપોર્ટની જે નકલો બહાર આવી તેમાં ક્યાંય ટેસ્ટિંગ કરનારી સંસ્થાનું નામ કે સંસ્થાની કઈ લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરાયું તેનો ઉલ્લેખ જ નથી. સાદા કાગળ પર કોઈ પણ બનાવી શકે એ રીતે આ રિપોર્ટ બનાવી દીધો હોય એવું લાગે છે તેથી તેની વિશ્રઅવસનિયતા અંગે શંકા પેદા થઈ ગઈ છે. જગન મોહન રેડ્ડી ખ્રિસ્તી હોવાથી હિંદુઓની ધાર્મિક લાગણી સાથે રમત રમી રહ્યા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે તો ચંદ્રાબાબુ હિંદુ મતબેંકને ખાતર હોહા કરી રહ્યા છે એવી વાતો પણ રાજકારણની લોબીમાં ચાલી રહી છે.

ચંદ્રાબાબુ નાયડુએ પોતાની કંપની ‘હેરિટેજ ફૂડ્સ’નો માલ ખપાવવા આ વિવાદ ઊભો કર્યો હોવાના પણ આક્ષેપ પણ થઈ રહ્યા છે.

તિરુપતિ મંદિરમાં દરરોજ ૩ લાખથી વધારે લાડુ બનાવવામાં આવે છે અને દર વરસે લગભગ ૫૦૦૦ ટન ઘીનો ઉપયોગ થાય છે. દર વરસે લગભગ ૨૦૦ કરોડ રૂપિયાનું ઘી લાડુ બનાવવામાં વપરાય છે. આ કારણે ચંદ્રાબાબુ આ ખેલ કરી રહ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

આ આક્ષેપોમાં કેટલો દમ છે એ ખબર નથી પણ આ વિવાદે આપણે ત્યાં ધર્મનું કઈ હદે વ્યાપારીકરણ થયું છે એ છતું કરી દીધું છે. મંદિરમાં અપાતા પ્રસાદમાં ભેળસેળ કરવામાં આવે , ભ્રષ્ટાચાર થાય એ આપણું કઈ હદે નૈતિક અધ:પતન થયું છે તેનો પુરાવો છે. આપણે ધર્મ ને સંસ્કારની મોટી મોટી વાતો કરીએ છીએ, પણ મંદિરમાં અપાતા પ્રસાદમાં પણ ભેળસેળ કરીને કમાણી કરવાના ભ્રષ્ટ ધંધા કરીએ છીએ એ આઘાતજનક છે.

અહીં વધારે આઘાતજનક એ છે કે, આ ભ્રષ્ટ રીતરસમો સામે નથી કોઈ કહેવાતી હિંદુવાદી સંસ્થાઓ બોલી રહી કે નથી ધર્મના ઠેકેદારો બોલી રહ્યા. હિંદુ પ્રજાને તો કશું લાગતું વળગતું ના હોય એ રીતે વર્તી રહી છે.

વાસ્તવમાં હિંદુવાદી સંસ્થાઓ અને કહેવાતા સાધુ-સંતોએ આ ભ્રષ્ટાચાર સામે મેદાનમાં આવવું જોઈએ ને આ ગોરખધંધા બંધ કરાવવા જોઈએ. દેશના કોઈ પણ મંદિરમાં પ્રસાદના નામે મંદિરના કારભારીઓનો ને રાજકારણીઓનાં ઘર ભરવાનો ધંધો ચાલે છે એ બંધ કરાવવો જોઈએ. તેના બદલે મથુરાના મંદિરમાં અપાય છે એ રીતે ફળ કે પછી હિંદુઓમાં વરસોથી પ્રચલિત સાકરીયા-સીંગ કે એવા બીજા પ્રસાદનું ચલણ શરૂ કરાવવું જોઈએ. સ્થાનિક લોકો જ આ પ્રસાદ સપ્લાય કરે તો તેના કારણે રોજગારી પણ મળશે. આ પ્રસાદ સસ્તો પણ પડશે ને દરેક શ્રદ્ધાળુને મફતમાં આપી શકાશે. અત્યારે તો પ્રસાદને જ ધંધો બનાવીને ગરીબોની મજાક ઉડાવાય છે.

આમ ચાલતું રહ્યું તો આ ઘણાંની લાગણી દુભાશે ને હોહા પણ થશે, પણ તેને ગણકાર્યા વિના પ્રસાદરૂપે ફળ કે સાકરીયા-સીંગનું ચલણ દેશવ્યાપી બને એ જરૂરી છે. મોટાં મંદિરોમાં પરંપરાના નામે ભેળસેળવાળો પ્રસાદ ખવડાવીને શ્રદ્ધાળુની ધાર્મિક લાગણી દુભાવાને બદલે પ્રસાદની પરંપરા ના પળાય એ બહેતર છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ