ધર્મવીર, મુકામ પોસ્ટ થાણે: જ્યારે ઉદ્ધવ ઠાકરે અડધી ફિલ્મે ઊભા થઈને ચાલ્યા ગયા…!

વીક એન્ડ

ભાત ભાત કે લોગ-જ્વલંત નાયક

૧૯૮૯થી ૨૦૦૧ વચ્ચેનું કોઈ પણ એક વર્ષ ધારી લો. આ વર્ષો દરમિયાન મુંબઈ નજીકના થાણે શહેરના એક ચોક્કસ વિસ્તારમાં નિયમિત જનતા દરબાર લાગતો. અહીં નાની-મોટી સમસ્યા લઈને આવેલા લોકોનું મોટું ટોળું રહેતું. સામાન્ય રીતે સરકારી અધિકારીઓ, વરિષ્ઠ પોલીસ ઓફિસર્સ કે મંત્રીઓ જનતા સાથે સીધો સંવાદ સાધવા માટે જનતા દરબાર લગાવે, એવો આ દરબાર નથી. અહીં તો સરકારી અધિકારીઓ ફાઈલો લઈને બાજુ પર ઊભા રહેતા. એમના મનમાં છૂપો ડર પણ રહેતો કે ક્યાંક ખુરસી પર બેઠેલા માણસની કરડી આંખ પોતાની ઉપર ન પડે! …અને ખુરસી પર બેઠેલો, મધ્યમ કરતાં સહેજ ઓછી ઊંચાઈ ધરાવતો દાઢીધારી માણસ લોકોને શાંતિથી છતાં રુઆબથી સાંભળતો! બસ એમ સમજો કે ફિલ્મ ‘સરકાર’માં અમિતાભ બચ્ચન જેમ લોકોની ફરિયાદો સાંભળવા દરબાર ભરતા, એવો જ આ દરબાર છે. સહુ જાણે છે કે ‘સરકાર’ ફિલ્મ મોર ઓર લેસ, શિવસેના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેના જીવન પર આધારિત હતી, પણ થાણેમાં જે દરબારની વાત કરી, એમાં બાળાસાહેબનો તો માત્ર ફોટો છે. ખુરસી પર બેઠેલા પેલા દાઢીધારી માણસનું નામ છે આનંદ દીઘે!
* * *
ઓવર ટુ ઓગસ્ટ, ૨૦૦૧. થાણેમાં એક અકસ્માત થાય છે. આ કોઈ એવો ગમખ્વાર અકસ્માત નહોતો, છતાં મુંબઈ સુધીના ટેલિફોન્સની ઘંટડી રણકી ઊઠે છે. ખાસ કરીને શિવસેના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેના ઘર ‘માતોશ્રી’ સુધી આ અકસ્માતના ખબર પહોંચે છે. હકીકત એવી હતી કે અકસ્માત થયેલી એ કારમાં એક શિવસૈનિક સવાર હતા. એમને તાબડતોબ થાણેની સિંઘાનિયા હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવે છે. હોસ્પિટલમાં ખબર કાઢવા માટે મનોહર જોષી અને રાજ ઠાકરે જેવા શિવસેનાનાં મોટાં માથાઓ આવી પહોંચ્યાં. દર્દીની તબિયત સુધારા પર હોય એવું જણાતું હતું. ઈજા પગમાં હતી અને ઈજાગ્રસ્ત દર્દીની હાલત સંપૂર્ણ ભયમુક્ત હતી, તેમ છતાં બે દિવસમાં દર્દીને અચાનક હાર્ટ એટેકના બે હુમલાઓ આવી જાય છે. બીજા એટેકમાં દર્દી મૃત્યુ પામે છે. બસ પત્યું, થાણેના દોઢેક હજાર શિવસૈનિકોનું રોષે ભરાયેલું ટોળું સિંઘાનિયા હોસ્પિટલ ખાતે ધસી આવ્યું અને હોસ્પિટલમાં ભારે તોડફોડ કરીને આગ લગાડી દેવામાં આવી. હોસ્પિટલના પ્રાંગણમાં જૂના જમાનાનું એક વિમાન પણ મૂકવામાં આવેલું. રોષે ભરાયેલા ટોળાએ એ પણ તોડી નાખ્યું! એક શિવસૈનિકના મૃત્યુને પ્રતાપે હોસ્પિટલને પહોંચેલા મોટા નુકસાનથી વ્યથિત થયેલા ઉદ્યોગપતિ અને સિંઘાનિયા હોસ્પિટલના માલિક વિજયપત સિંઘાનિયાએ પોતાની હતાશા પ્રકટ કરતાં કહ્યું, આપણે પાકિસ્તાનને આતંકવાદી રાષ્ટ્ર કહીએ છીએ, પણ શું થાણે કંઈ અલગ છે? શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેએ (શિવસૈનિકો દ્વારા કરાયેલી તોડફોડ બદલ) હોસ્પિટલના પ્રશાસનની માફી માગવી જોઈએ!
સિંઘાનિયાની અકળામણ યોગ્ય હતી, પણ સામે બાળ ઠાકરે પણ કશું કરી શકે એમ નહોતા, કેમ કે શિવસેનાના જે નેતાનું મૃત્યુ થયું, એની લોકચાહના એવડી મોટી હતી કે રોષે ભરાયેલા શિવસૈનિકોને રોકવાનું અશક્ય બની ગયું. મૃત્યુ પામનારા શિવસૈનિકનું નામ હતું આનંદ દીઘે. થાણેના મરાઠી માણૂસના ખૂનમાં ગરમી પેદા કરી નાખવા માટે આ એક નામ કાફી હતું!
* * *
એકનાથ શિંદે. વીતેલા બાર-તેર દિવસ મહારાષ્ટ્રની રાજનીતિમાં ઐતિહાસિક ઉઠાપટકના રહ્યા, જેમાં છ અક્ષરનું આ નામ કેન્દ્રસ્થાને રહ્યું. છેલ્લા પાંચેક દાયકાઓ દરમિયાનના મહારાષ્ટ્રના રાજકારણ પર નજર ફેરવશો તો સમજાશે કે શિવસેના સત્તામાં હોય કે ન હોય, પણ સેનાસુપ્રીમો બાળ ઠાકરેની છબી એવી લાર્જર ધેન લાઈફ રહી કે શિવસેનાના પ્રભાવને અવગણી ન શકાય. મરાઠી અસ્મિતા પર જાણે દાયકાઓ સુધી શિવસેનાએ એકાધિકાર ભોગવ્યો! છગન ભુજબળ, નારાયણ રાણે, સંજય નિરુપમ અને રાજ ઠાકરે જેવા કદાવર નેતાઓ પક્ષ છોડીને ગયા, તેમ છતાં શિવસેનાને ઊની આંચ ન આવી. ઊલટાનું પક્ષ છોડી જનારની કેરિયર ઝાંખી પડી ગઈ, પણ એકનાથ શિંદે મામલે આખું ચિત્ર બદલાઈ ગયું. અત્યારે તો એવું લાગે છે કે શિંદેએ શિવસેનાનાં એવી રીતે ઊભાં ફાડચાં કરી નાખ્યાં, જેનાથી ઠાકરે પરિવાર જાણે પોતાની જ રાજકીય વિરાસતથી વિખૂટો પડી ગયો હોય!
એકનાથ શિંદેમાં આટલો પાવર આવ્યો ક્યાંથી? જાણકારો માને છે કે એકનાથને આ કૌવત પોતાના ગુરુ ધર્મવીર આનંદ દીઘે પાસેથી વારસામાં પ્રાપ્ત
થયું છે!
આનંદ દીઘે હંમેશથી વિવાદાસ્પદ રહ્યા. ૨૭ જાન્યુઆરી, ૧૯૫૧ને દિવસે થાણેમાં જન્મેલા આનંદ દીઘે યુવાનીમાં ભારે જોશીલા હતા. થાણેમાં દીઘેનો પરિવાર જ્યાં રહેતો હતો, એ ટેમ્ભી નાકા વિસ્તારમાં બાળાસાહેબ કાયમ બેઠક કરવા આવતા. યુવાન વયના આનંદ દીઘેને બાળાસાહેબના મરાઠી અસ્મિતા અને હિન્દુત્વ અંગેના વિચારોમાં રસ પડ્યો. સામે ઠાકરેને પણ આનંદ નામના આ યુવાનની આંખમાં તણખો દેખાયો. પછી તો બાળાસાહેબે આનંદ દીઘેને પોતાની સાથે જ લઇ લીધા. આગળ જતાં થાણેમાં શિવસેનાની તમામ જવાબદારી ઠાકરેના અતિવિશ્ર્વાસુ બની ગયેલા આનંદ દીઘેને જ સોંપવામાં આવી. જોતજોતામાં આનંદ દીઘેની છાપ થાણેના ‘દબંગ નેતા’ તરીકે પડી ગઈ! ખાસ કરીને હિન્દુત્વ અને સુશાસનના મુદ્દે લોકો દીઘેથી પ્રભાવિત થઈ ગયા. વાત આટલેથી જ ન અટકી. એક સમય એવો આવ્યો જ્યારે આનંદ દીઘે થાણેના ‘બાળાસાહેબ ઠાકરે’ તરીકે ઓળખાતા થઈ ગયા!
રાજકારણ જબરી માયા છે. અહીં તમે લોકપ્રિય થાવ એનાથી પક્ષને ફાયદો થાય છે, પણ તમે વધુ પડતા લોકપ્રિય થાવ તો એનાથી શીર્ષસ્થ નેતાને નુકસાન થાય છે! એવું કહેવાય છે કે બાળાસાહેબ અને દીઘે વચ્ચે બધું બરાબર નહોતું. દીઘે બાળાસાહેબને ગુરુવર્ય માનતા, પણ ગુરુની બધી વાત સાથે સહમત નહોતા થતા. દીઘે તડ ને ફડમાં માનતા. કોઈ વ્યક્તિ ફરિયાદ લઈને આવે એટલે સંબંધિત ખાતાના અધિકારીને બોલાવીને તરત એ ફરિયાદનો નિકાલ કરાતો. સરકારી મશીનરી દીઘેના નામથી ફફડતી. ગુંડાઓને એમની ભાષામાં ‘સમજાવી’ દેવાતા. ટૂંકમાં, થાણેમાં જાણે આનંદ દીઘેની સમાંતર સરકાર ચાલતી હતી. દીઘેના દરબારમાં તરત ન્યાય મળતો હોવાથી લોકો બહુ ખુશ હતા, પણ સિસ્ટમમાં બેઠેલા કેટલાંક મોટાં માથાંઓ આનાથી સ્વાભાવિક રીતે જ નાખુશ હતા. થાણે કોર્પોરેશનમાં શિવસેનાનું રાજ આવ્યું, ત્યારે ભ્રષ્ટાચારની ફરિયાદ ઊઠી. દીઘેએ બીજા રાજકારણીઓની જેમ ગોળ ગોળ વાત કરવાને બદલે જાહેરમાં સોઈ ઝાટકીને કહી દીધું, થાણે પાલિકામાં ૪૧ ટકા જેટલો ભ્રષ્ટાચાર છે, જે સત્વરે બંધ થવો જોઈએ! દીઘેની આ દબંગ સ્ટાઈલ પર યુવાન શિવસૈનિકો ફિદા હતા.
એક વાર ખુદ બાળાસાહેબે કીધેલું, આનંદ દીઘેની નિષ્ઠા વિષે કોઈ શંકા નથી, પણ એની કાર્યપદ્ધતિ કેટલાક પ્રશ્ર્નો ઊભા કરે છે, પરંતુ લોકોની માન્યતા બાળાસાહેબ કરતા સાવ ઊંધી હતી! લોકો માનતા કે દીઘેની કાર્યપદ્ધતિ ગમે એ હોય, પણ પક્ષ અને હિન્દુત્વ પ્રત્યની એમની નિષ્ઠા વિષે કોઈ શંકાને સ્થાન નથી! થાણેમાં નવરાત્રિ ઉત્સવ અને દહી હંડી જેવા તહેવારો શરૂ કરાવવાનું શ્રેય આનંદ દીઘેને જાય છે. લોકોની ફરિયાદ સાંભળવા અને પ્રજાને પૂરતો સમય આપવા માટે દીઘેએ પોતાનો પરિવાર છોડીને કાર્યાલયમાં જ રહેવાનું શરૂ
કર્યું. લોકસેવા ખાતર એમણે લગ્ન પણ ન કર્યાં.
રોજ કોઈ ને કોઈ કાર્યકર એમના માટે ભોજન લઈ આવતો. બે ટંકના ભોજન અને પહેરવા માટેનાં સાદાં વસ્ત્રો સિવાય દીઘેને બીજા કશાનો ખપ નહોતો.
એવું કહેવાય છે કે આનંદ દીઘેએ કદી પોતાનું બેંક એકાઉન્ટ સુધ્ધાં ખોલાવ્યું નહોતું! ધર્મનિષ્ઠા અને લોકો માટે આખી સિસ્ટમ સામે લડી લેવાની દબંગાઈને કારણે લોકો પ્રેમથી આનંદ દીઘેને ‘ધર્મવીર’ નામે સંબોધવા માંડ્યા. પછી તો આ સંબોધન આનંદ દીઘેના નામ સાથે અકાટ્ય બનીને જોડાઈ ગયું. દીઘેએ થાણેમાં શિવસૈનિકોની આખી કેડર તૈયાર કરી. થાણે અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં શિવસેના પક્ષ આનંદ દીઘેને આધારે જ ટકેલો હતો, એમ કહીએ તો ખોટું નથી.
પરંતુ ઈ. સ. ૧૯૮૯માં જરા ગરબડ થઈ ગઈ. થયું એવું કે થાણે પાલિકામાં શિવસેનાના મેયર બને એવી પૂરતી તકો હતી, પરંતુ શ્રીધર ખોપકર નામના એક શિવસેનાના જ કાઉન્સિલરે પક્ષના હાઈ કમાન્ડ સામેની પોતાની ખીજ ઉતારવા માટે ક્રોસ વોટિંગ કરીને કોંગ્રેસને મત આપ્યો! પરિણામે પાલિકા શિવસેનાના હાથમાંથી સરી ગઈ! કહેવાય છે કે ખુદ બાળાસાહેબ આ ઘટનાથી અત્યંત ક્રોધિત થયા. એમણે ઘરના જ ભેદીને શોધીને સજા ફટકારવાની વાત કહી. થોડા દિવસો બાદ શ્રીધર ખોપકરની હત્યા થઈ ગઈ! આ હત્યા બાળાસાહેબના ઇશારે આનંદ દીઘેએ જ કરી હોવાનો આરોપ લાગ્યો. દીઘેએ જેલમાં જવું પડ્યું. જોકે પાછળથી જામીન પર છૂટી ગયા, પણ ખોપકરની હત્યાનો કેસ દીઘેના મૃત્યુપર્યંત ઊભેલો જ રહ્યો. ઓગસ્ટ, ૨૦૦૧માં ગણેશોત્સવ ચાલતો હતો, એ દરમિયાન દીઘે કોઈકને મળવા જઈ રહ્યા હતા. ત્યાં એમની કારને અકસ્માત થયો. દીઘેને પગમાં ઈજા થઈ અને થાણેની સુનીતિદેવી સિંઘાનિયા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા. એ પછી ઉપર જણાવ્યું એમ, હાર્ટ એટેક આવવાને કારણે દીઘેનું માત્ર એકાવન વર્ષની ઉંમરે મૃત્યુ થયું!
એ સમયે એવી જોરદાર ચર્ચાઓ ચાલી કે કોઈકે એક્સિડન્ટનું બહાનું બનાવીને બાળાસાહેબ ઠાકરે કરતાં પણ વધુ લોકપ્રિય (અને ઠાકરે પરિવારના અળખામણા) થઈ રહેલા આનંદ દીઘેનો કાંટો કાઢી નાખ્યો! દીઘેના મૃત્યુ બાદ રોષે ભરાયેલા શિવસૈનિકોએ હોસ્પિટલ ફૂંકી મારી હોવાને કારણે એવો કોઈ સબૂત મળે એમ નહોતો, જે દીઘેના મૃત્યુ વિશેનું રહસ્ય ખોલી શકે! આથી આ આખી ચર્ચા માત્ર કોન્સ્પિરસી થિયરી બનીને જ રહી ગઈ.
દીઘેએ અનેક યુવાનોને રાજકારણમાં આવવા તૈયાર કર્યા. એમાં એક સમયના દીઘેના ડ્રાઈવર રહી ચૂકેલા અને આજના મુખ્ય મંત્રી એવા એકનાથ શિંદેનો પણ સમાવેશ થાય છે. એવું મનાય છે કે એકનાથ પણ પોતાના રાજકીય ગુરુ આનંદ દીઘેને જ માર્ગે ચાલીને ઠાકરે પરિવાર કરતાં વધુ લોકપ્રિય થઈ રહ્યા હતા. એમાં વળી શિંદેએ આનંદ દીઘેના જીવન પરથી એક ફિલ્મ બનાવડાવી, ‘ધર્મવીર : મુકામ પોસ્ટ થાણે’, જે વીતેલા મે મહિનામાં રિલીઝ થઈ. આ ફિલ્મ જોવા માટે તત્કાલીન મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને પણ આમંત્રણ આપવામાં આવ્યું, પણ જાણકારો માને છે કે આ ફિલ્મ એકનાથ શિંદેને પ્રમોટ કરવા અને લોકોમાં એમની કેટલી પકડ છે, એ સાબિત કરવાના હેતુથી જ બનાવાઈ હતી. અડધી ફિલ્મ માંડ પૂરી થઈ ત્યાં તો ઉદ્ધવ ફિલ્મ છોડીને ચાલી નીકળ્યા. પત્રકારોને ઉદ્ધવે એવો જવાબ આપ્યો કે આનંદ દીઘે મને એટલા પ્રિય હતા કે એમને પડદા પર પણ મરતાં ન જોઈ શકું! જોકે મહારાષ્ટ્રની રાજનીતિને જાણનારા સમજી ગયા હતા કે ઠાકરે પરિવાર અંદરખાને જેનાથી નારાજ હતો, એવા દીઘે વિષે મોટી ફિલ્મ બને અને એના દ્વારા દીઘેનો જ કટ્ટર શિષ્ય બધો લાભ ખાટી જાય, એ વાતથી ઉદ્ધવ અકળાયા હતા! આમાં સાચું-ખોટું રામ જાણે!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.