કપરા કાળમાંથી પસાર થઈ રહેલી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધાર્મિક ફિલ્મો બનાવવા પાછળ વધી રહેલો ઝુકાવ મુશ્કેલીના સમયે સૌથી વધુ યાદ ભગવાન આવતા હોય છે એનો સંકેત હોઈ શકે છે

કવર સ્ટોરી -હેન્રી શાસ્ત્રી

ખરાબ સમય ચાલી રહ્યો હોય ત્યારે માનવી એમાંથી નીકળવા વિવિધ રસ્તા અજમાવતો હોય છે. દરેક કોશિશ-પ્રયાસ નિષ્ફળ રહ્યા પછી એ પ્રભુનું દ્વાર ખટખટાવે છે, એને શરણે જાય છે. એ આશા સાથે કે હરિ તો સૌનો તારણહાર છે, એની કૃપાદૃષ્ટિ એને મુશ્કેલીમાંથી બહાર કાઢશે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી કપરા કાળમાંથી પસાર થઈ રહી છે. કોવિડ મહામારીને લીધે ૨૦૨૧ તો કોરી પાટી જેવું રહ્યું. ૨૦૨૨ના પહેલા નવ મહિનાનો હિસાબકિતાબ નફો રતીભાર અને નુકસાન ટનભર જેવો રહ્યો છે. ફિલ્મો ધડાધડ ફ્લોપ થઈ રહી છે. સફળતાની ખોજ અને આર્થિક અકળામણની પરિસ્થિતિમાં ફિલ્મમેકરોએ પ્રભુના દ્વાર પર ટકોરા માર્યા હોય એવું દેખાઈ રહ્યું છે. એકવીસમી સદીના ત્રીજા દાયકામાં અધધધ બજેટ ધરાવતી માઈથોલોજિકલ ફિલ્મો (ધાર્મિક ચિત્રપટ) બનાવવા તરફનો ઝોક વધી રહ્યો છે. દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના સોશિયોલોજી પ્રોફેસર એસ. વિશ્ર્વનાથનની દલીલ છે કે ‘માઈથોલોજી ચિરંજીવી છે. એને માટેની રુચિ ખતમ નથી થતી, બલકે સમય સાથે નવેસરથી રસ જાગે છે.’
મહામારીનો સકંજો વધ્યો હતો એ દરમિયાન રામાનંદ સાગરની ‘રામાયણ’ અને બી. આર. ચોપડાની ‘મહાભારત’ સિરિયલના રી-રનને મળેલો પ્રચંડ આવકાર જોઈ ફિલ્મમેકરો ધાર્મિક ચિત્રપટના નિર્માણ તરફ વળ્યા એવી દલીલ પણ કરવામાં આવે છે. જોકે પ્રેક્ષકોની બદલાયેલી રુચિ ધ્યાનમાં રાખવી જરૂરી છે. ૧૯૭૫ અને ૨૦૦૮ વચ્ચે પસંદ બદલાઈ છે એ સમજવું જરૂરી છે, નહીંતર ‘જય સંતોષી માં’ (૨૦૦૬)ની રિમેક ફ્લોપ થઈ એવી નિષ્ફળતા મળે. આજના દર્શકને ભવ્ય અને આંખને આંજી દે એવું પોતાની કલ્પના બહારનું ચિત્ર આનંદ આપે છે, મોહ પમાડે છે. ‘બાહુબલી’થી એની શરૂઆત થઈ છે. આવતા શુક્રવારે રિલીઝ થનારી ‘બ્રહ્માસ્ત્ર’ આ શરૂઆતનું નવું પ્રકરણ છે. પ્રસ્તુત છે નવા પેકેજિંગ સાથે બની રહેલી માઈથોલોજિકલ ફિલ્મોનું ટ્રેલર.
રામ સેતુ: ભગવાન શ્રીરામના જીવનકાળના અનેક પહેલુઓ પૈકી સૌથી રોમાંચક પ્રકરણ છે લંકા વિજય. રાવણની લંકા પર ચડાઈ કરવામાં રામ સેતુનું મહત્ત્વ જાણીતું છે. આ પુલ એ માત્ર કથાની કલ્પના છે કે એ સમયની હકીકત એની ફરતે આ ફિલ્મનું કથાબીજ આકાર લે છે. રામની વાનરસેનાએ બાંધેલા બ્રિજના સત્યની ખોજમાં નીકળેલા આર્કિયોલોજિસ્ટનું પાત્ર મુખ્ય છે. ફિલ્મના મુખ્ય કલાકાર છે અક્ષય કુમાર, જેક્લિન ફર્નાન્ડિઝ, નુસરત ભરૂચા. અક્ષય કુમારની પ્રોડક્શન કંપનીના નિર્માણ હેઠળ તૈયાર થયેલી આ ફિલ્મનું દિગ્દર્શન અભિષેક કપૂરે (તેરે બિન લાદેન, પરમાણુ વગેરે) કર્યું છે. ‘સત્ય, વિજ્ઞાન અને ઐતિહાસિક વારસાના આધારે તૈયાર થયેલી કથા’ તરીકે પ્રોજેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ આ વર્ષે દિવાળીમાં રિલીઝ કરવાની ગણતરી છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જેમ અક્ષય કુમારને પણ એક હિટ ફિલ્મની અત્યંત જરૂર છે, કારણ કે આ વર્ષે તેની થિયેટરમાં રિલીઝ થયેલી ત્રણ ફિલ્મ ‘બચ્ચન પાંડે’, ‘સમ્રાટ પૃથ્વીરાજ’ અને ‘રક્ષાબંધન’ નિર્માતાને વળતર આપનાર નહીં, પણ તેમની મૂડીમાં ગળતર કરનાર સાબિત
થઈ છે.
આદિપુરુષ: ‘બાહુબલી’ના બજેટ કરતાં પણ વધુ પૈસા (૫૦૦ કરોડ) રેડી રામાયણ પર આધારિત આ ફિલ્મ આવતા વર્ષે ૧૨ જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવશે. હેરત પમાડનારી સ્પેશિયલ ઈફેક્ટ્સ ધરાવતી આ ફિલ્મનો હીરો ‘બાહુબલી’ સ્ટાર પ્રભાસ છે અને એનું દિગ્દર્શન અજય દેવગનની ‘તાનાજી’ના ડિરેક્ટર ઓમ રાઉતે કર્યું છે. ફિલ્મનાં અન્ય કલાકાર છે કૃતિ સેનન (સીતા), સની સિંહ (હનુમાન) અને સૈફ અલી ખાન (રાવણ). ગયા વર્ષે નવેમ્બરમાં ફિલ્મનું બધું શૂટિંગ પૂરું થઈ ગયું હતું અને પછી વીએફએક્સ – સ્પેશિયલ ઈફેક્ટ્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આવતે મહિને પ્રમોશન શરૂ કરવામાં આવશે.
સીતા – ધ ઈન્કાર્નેશન: ફિલ્મના લેખક છે કે. વી. વિજયેન્દ્ર પ્રસાદ (બાહુબલી, આરઆરઆર) અને તેમણે જ સીતાના રોલ માટે અફલાતૂન અભિનેત્રી કંગના રનૌતનું નામ સૂચવ્યું હતું. એડ ફિલ્મોમાં સફળતા મેળવનાર નવસારીના અલૌકિક દેસાઈ દિગ્દર્શક છે. ખબરીએ જણાવ્યા અનુસાર ફિલ્મની વાર્તામાં શ્રીરામ સાથે વિવાહ કર્યા પહેલાંના સીતાના જીવન સફર પર ફોકસ છે. જનક રાજાની પુત્રીના શૌર્ય, સમર્પણ અને પવિત્રતાના ગુણ ફરતે કથા આકાર લેશે. કંગનાની છેલ્લી ફિલ્મ ‘ધાકડ’ અને એ પહેલાં ‘થલાઈવી’ બોક્સ ઓફિસ પર ધડામ દઈને પછડાઈ હતી. અલબત્ત પિરિયડ ડ્રામા ‘મણિકર્ણિકા: ઝાંસી કી રાની’ સફળ સાબિત થઈ હતી. બેફામ નિવેદન માટે જાણીતી કંગના ટોપ ક્લાસ એક્ટ્રેસ છે એ અંગે બેમત નથી અને અભિનયથી પાત્રને ઊંચાઈ પર લઈ જવાનું સામર્થ્ય એનામાં છે. અલબત્ત ફિલ્મના ટાઈટલ પરથી સીતા મૈયાના અવતારની કથા હોવાનું અનુમાન છે અને એટલે વાર્તામાં નવીનતા હોવાની. એ નાવીન્ય અને એની રજૂઆત દર્શકો સ્વીકારે છે કે નહીં એ જોવાનું રહે છે.
રામાયણ ટ્રિલોજી: અઢળક કમાણી કરનાર ફિલ્મ ‘દંગલ’ના દિગ્દર્શક નિતેશ તિવારીએ ભવ્ય બજેટમાં (૧૦૦૦ કરોડ?) ‘રામાયણ’ પરથી ટ્રિલોજી બનાવવાની યોજના તૈયાર કરી હોવાની વાત સાંભળવા મળી છે. જાણવા મળ્યું છે કે રિતિક રોશન અને રણબીર કપૂર કામ કરવા તૈયાર થઈ ગયા છે.
દિવાળીમાં પ્રોજેક્ટની સત્તાવાર જાહેરાત થશે અને ૨૦૨૩ના જૂનમાં શૂટિંગ શરૂ થવાની ધારણા છે. આ બંને અભિનેતામાંથી કોણ રામ અને કોણ રાવણના રોલમાં હશે એ જાણવું રસપ્રદ રહેશે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિળ અને તેલુગુ ભાષામાં પણ રજૂ કરવામાં આવશે.
દ્રૌપદી: રામાયણ પરથી ફિલ્મો બને તો કથાવસ્તુમાં વધુ વૈવિધ્ય અને રોમાંચ ધરાવનાર મહાભારત થોડું પાછળ રહી જાય! ‘મહાભારત’ ફિલ્મ બનાવવી એ મહાભારત – મહા ભગીરથ પ્રોજેક્ટ છે. ત્રણેક વર્ષ પહેલાં આમિર ખાનનું નામ સંકળાયેલું હતું અને અમિતાભ બચ્ચન ભીષ્મ પિતામહ અને આમિર કર્ણનો રોલ કરશે એવી વાત વહેતી થઈ હતી. અલબત્ત એ વાત વહેતી વહેતી હવામાં ઓગળી ગઈ હોય એવું લાગે છે. નવી વાત છે ‘દ્રૌપદી’ ફિલ્મની જેની સાથે દીપિકા પાદુકોણનું નામ જોડાયું છે. આ ફિલ્મ બનશે એવું લાગે છે, કારણ કે તાજેતરમાં દીપિકાએ જ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘પ્રી-પ્રોડક્શનનું કામ ચાલુ છે અને એ પૂરું થયા પછી આવતા વર્ષે શૂટિંગ શરૂ થશે.’ દ્રૌપદીની કથામાં ઈમોશન અને એડવેન્ચર બંને છે. એટલે ફિલ્મ રસપ્રદ જરૂર બની શકે. મહાભારતનાં પુરુષ પાત્રો કાયમ વધુ ચર્ચામાં રહ્યાં છે. હવે સ્ત્રી પાત્રનો સમય પાકી ગયો છે.
ધ ઈમ્મોર્ટલ અશ્ર્વત્થામા: ‘ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક’ની ટીમ નિર્માતા રોની સ્ક્રૂવાલા, લેખક-દિગ્દર્શક આદિત્ય ધર અને અભિનેતા વિકી કૌશલે મહાભારતના એક અનોખા પાત્ર અમરત્વનું વરદાન મેળવનાર અશ્ર્વત્થામા પર આધારિત
ફિલ્મ બનાવવાની યોજના તૈયાર કરી છે. આવા પ્રોજેક્ટ માટે અઢળક પૈસા અને પ્રાથમિક તૈયારી માટે લાંબો સમય
આવશ્યક હોય છે. પ્રોજેક્ટની જાહેરાત તો ગયા વર્ષે થઈ હતી, પણ હજી કંઈ નક્કર નથી જાણવા મળ્યું. ખબરીની
માહિતી અનુસાર અત્યારે પ્રી-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે અને વિકીની ‘સેમ બહાદુર’ પૂરી થયા પછી અશ્ર્વત્થામાની જાહેરાત કરવામાં આવશે. આ સિવાય પણ કેટલીક ફિલ્મો વિચારાધીન છે.

Google search engine