Homeઆમચી મુંબઈધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને મુંબઈ હાઈ કોર્ટમાં પડકાર

ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને મુંબઈ હાઈ કોર્ટમાં પડકાર

સેકલિંક કંપનીએ કરી પિટિશન: સરકારના હેતુ પર પ્રશ્ન
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો વિરોધ કરતી એક પિટિશન મુંબઈ હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. સેકલિંક કંપની દ્વારા મહારાષ્ટ્ર સરકારે અદણીને આ ટેન્ડર આપવાનો નિર્ણય લીધો તે પહેલાં આ પિટિશન મુંબઈ હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. હવે આ પિટિશનમાં આવશ્યક સુધારા કરવાની પરવાનગી મુંબઈ હાઈ કોર્ટે આપતાં આખી બાબત સામે આવી છે. આ પ્રકરણે આગામી સુનાવણી છ જાન્યુઆરીએ થશે.
ધારાવી રિડેવલપમેન્ટનું ટેન્ડર મહારાષ્ટ્ર સરકારે પહેલી વખત ૨૦૧૮માં કાઢ્યું હતું. તેને માટે સેકલિંક નામની સાઉદી અરેબિયાના રાજાનું પીઠબળ ધરાવતી કંપનીએ ૨૦૧૯ની સાલમાં આ પ્રોજેક્ટ માટે સફળ બોલી લગાવી હતી.
ધારાવી રિડેવલપમેન્ટ ઓથોરિટી તરફથી પેરવી કરનારા એડવોકેટ મિલીંદ સાઠેએ હાઈ કોર્ટને એવી માહિતી આપી હતી કે ૨૦૧૮ની ટેન્ડર પ્રક્રિયા રદ કરવામાં આવી હતી કેમ કે તેના પછી આ પ્રોજેક્ટ માટે રેલવેની ૪૫ એકર વધારાની જમીન ઓથોરિટીને મળી હતી. આને કારણે નવેસરથી ટેન્ડર કાઢવામાં આવ્યું હતું જેમાં અદાણી રિઅલ્ટી પાત્ર પુરવાર થઈ હતી.
જોકે ઓથોરિટીનો દાવો ખોટો હોવાનું જણાવતાં પિટિશનરે કહ્યું હતું કે પહેલાંના અને અત્યારના બંને ટેન્ડરમાં રેલવેની ‘તે’ જમીન દેખાડવામાં આવી હતી. આમ બંને ટેન્ડરમાં કોઈ ફેરફાર નથી.
૨૦૧૮ની બોલીમાં સેકલિંકે સૌથી વધુ રૂ. ૭,૨૦૦ કરોડની બોલી લગાવી હતી, જ્યારે અદાણીએ ત્યારે ફક્ત રૂ. ૪,૩૦૦ કરોડની બોલી લગાવી હતી. કોઈ વિશિષ્ટ હેતુથી જ બીજી વખત ટેન્ડરિંગની પ્રક્રિયા કરવામાં આવી હતી અને તેમાં સેકલિંક સહભાગી ન થઈ શકે એવી સાવચેતી રાખવાની સાથે કેટલીક વિશેષ શરતો લાગુ કરવામાં આવી હતી.
બુધવારે આ કેસની સુનાવણી પ્રભારી ચીફ જસ્ટિસ એસ. વી. ગંગાપુરવાલા અને જસ્ટિસ એસ. જી. ચપલગાંવકરની ખંડપીઠ સમક્ષ કરવામાં આવી ત્યારે સરકારી વકીલે કહ્યું હતું કે અદાણીને હજી સુધી વર્ક ઓર્ડર આપવામાં આવ્યો નથી. સૌથી ઊંચી બોલી લગાવનારા તરીકે તેમને કૉન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular