લાખો લાકડાં વેચતો, ભીખ માગે છે ધનપાળ, અમર સરખા ચાલ્યા ગયા, ધન્ય ધન્ય ઠંઠણપાળ

39

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

જગવિખ્યાત નાટ્યકાર વિલિયમ શેક્સપિયર ભલે કહી ગયા કે ‘નામમાં શું બળ્યું છે?’ પણ નામની પ્રીતિ જ અલાહાબાદને પ્રયાગરાજ બનાવી દે છે અને એનો આડંબર જયકાંતને જેક્સન બનાવી દે છે. અસલના વખતમાં ‘નજર ન લાગે’ એવું કારણ આપી પુત્રનું નામ ગાંડાલાલ રાખવાની પ્રથા હતી. જોકે, નામ પ્રમાણે જ ગુણ માણસમાં હોય એ જરૂરી નથી. ગાંડાલાલ ખૂબ ડાહ્યો અને વિચક્ષણ હોઈ શકે છે અને વિદ્યાસાગર બે ચોપડી પણ ન ભણ્યો હોય એવી શક્યતા પણ છે. નામની ઘેલછા પરથી એક મજેદાર કહેવત જાણીતી છે લાખો લાકડાં વેચતો, ભીખ માંગે ધનપાળ, અમર સરખા ચાલ્યા ગયા, ધન્ય ધન્ય ઠંઠણપળ. આ કહેવત પાછળની કથા આજે જાણીએ અને માણીએ.
એક નગરમાં ઠંઠણપાળ નામના એક ઉદ્યમી શેઠ રહેતા હતા. નામનો અર્થ ભલે નિર્ધન માણસ થતો હોય, તેમની પાસે પુષ્કળ પૈસો હતો. લક્ષ્મીના તેમના પર ચાર હાથ હતા. ગુણવાન સુધ્ધાં હતા, પણ તેમની પત્ની વિજયાલક્ષ્મીને પતિનું નામ પસંદ નહોતું. એટલે સારું નામ શોધવા તેમણે પ્રવાસ કરવાનો નિર્ણય લીધો. વગડામાંથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે એક માણસ સામે મળ્યો અને શેઠાણીએ લાગલું જ એને નામ પૂછ્યું. ‘મારું નામ લાખો’ પેલાએ જવાબ આપ્યો. વિજયાલક્ષ્મીને આ નામ ગમી ગયું. મનમાં વિચાર આવ્યો કે નામ લાખો છે તો લખપતિ જરૂર હોવાનો. ખાતરી કરવા શેઠાણીએ પૂછપરછ કરી તો જવાબ મળ્યો કે ‘ઘરમાં હાલ્લાં ગગડે છે. એક ટંક ભોજનના પણ સાંસા છે. જંગલમાંથી લાકડાં વેચું ત્યારે કોળિયા ભેગો થાઉં છું.’ સાંભળીને નિરાશ થયેલા વિજયાલક્ષ્મી આગળ ચાલ્યાં. શહેરમાં એક વેપારી મળ્યો અને એને પણ નામ પૂછ્યું. એનું નામ તો હતું ધનપાળ પણ ઘરે તિજોરી હોવાની વાત તો દૂર રહી એ ધનપાળ તો ભીખ માંગીને ગુજરાન ચલાવતો હતો. મોઢું મચકોડીને શેઠાણી આગળ ચાલ્યા ત્યાં અન્ય એક વેપારીનો ભેટો થયો. પૂછપરછ કરતા જાણ થઈ કે એનું નામ અમર છે અને એ ખૂબ ધનવાન પણ હતો. વિજયાલક્ષ્મીને આ નામ પસંદ પડ્યું અને બીજે દિવસે અન્ય વિગત જાણવા તેમના ઘરે ગયા. હજી ડેલીમાં પગ મૂકે છે ત્યાં રોકકળ સાંભળવામાં આવી. ખબર પડી કે અમરનું અવસાન થયું હતું. એ તો મરીને અમર થઈ ગયો હતો. આ ત્રણ અનુભવ પરથી શેઠાણીને બોધપાઠ મળ્યો કે વ્યક્તિમાં કાયમ નામ પ્રમાણે જ ગુણ હોય એ જરૂરી નથી. નામનો મોહ રાખવાને બદલે વ્યક્તિના સારા ગુણનો મોહ રાખવો ઉચિત છે એ વાત તેમને સમજાઈ ગઈ. વધુ મુસાફરી કરી નામની શોધખોળ કરવાનું માંડી વાળી તેઓ પાછા શેઠ ઠંઠણપાળને ત્યાં જ આવી ગયા. શેઠએ કટાક્ષમાં સવાલ કર્યો કે ‘કેમ સારું નામ શોધી લાવ્યા?’ જવાબમાં વિજ્યાલક્ષ્મીએ કહ્યું કે લાખો લાકડાં વેચતો, ભીખ માંગે ધનપાળ, અમર સરખા ચાલ્યા ગયા, ધન્ય ધન્ય ઠંઠણપાળ. પછી બંને પ્રેમથી સાથે રહ્યા અને શેઠાણીએ ક્યારેય નામ વિશેની ફરિયાદ ન કરી.
———
ONE WORD MANY MEANINGS
One word can have different meanings depending upon how it is used. એક કે શબ્દ એના વપરાશના આધારે વિવિધ અર્થ ધરાવી શકે છે. ઉદાહરણથી આ વાત સ્પષ્ટ થતા સમજવામાં સહેલું પડશે. દાખલા તરીકે RISE. ચાર અક્ષરનો આ શબ્દનો અત્યંત પ્રચલિત અર્થ છે જાગવું, ઊંઘમાંથી ઉઠવું.Early to Bed, Early to Rise, makes a man healthy, wealthy and wise ઉક્તિ તમે જરૂર સાંભળી હશે. રાત્રે વહેલા જે સુવે, વહેલા ઊઠે વીર, બળ, બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. કોઈ વસ્તુના વજન, કિંમત કે ભાવમાં વધારો થાય એ માટે પણ આ શબ્દ વપરાય છે. Gold prices have risen sharply in recent times. તાજેતરના સમયમાં સોનાના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. More and more people want to buy houses in cities, but prices are continuously rising.વધુ ને વધુ લોકોને શહેરમાં ઘર ખરીદવા છે, પણ ભાવ સતત વધી રહ્યા છે. બહેતર ગુણવત્તા, પ્રગતિ કરવી માટે પણ આ શબ્દનો ઉપયોગ થાય છે. If you want a job in a reputed company, your work should rise considerably. પ્રતિષ્ઠિત કંપનીમાં નોકરી મેળવવા કામની ગુણવત્તા વધારવી જરૂરી છે. We have to rise early tomorrow morning to catch the 7AM train.. કાલે સવારે સાત વાગ્યાની ટ્રેન પકડવા આપણે વહેલા જાગી જવું પડશે.The Sun rises in the east and sets in the west. It is universal truth. સૂરજ પૂર્વમાં ઊગે અને પશ્ર્ચિમમાં આથમે એ સનાતન સત્ય છે.
ક્યારેક આ શબ્દ મૂડ – માનસિક સ્થિતિ સુધ્ધાં સૂચવે છે. Mukul’s spirits suddenly rose when he got the new job નવી નોકરી મળી એની જાણકારી મળતા જ મુકુલ એકદમ મૂડમાં આવી ગયો.The river rises in the hills above the town વાક્યમાં રાઇઝ શબ્દ ઉગમ સ્થાન સૂચવે છે. નગર બહાર આવેલો ઊંચો પર્વત નદીનું ઉદ્ગમ સ્થાન છે. The children rose when the teacher entered the classroom વાક્યમાં ઊભા થવાનો અર્થ છે. ટીચર ક્લાસમાં દાખલ થતા બાળકો આદર આપવા ઊભા થઈ ગયા. They began to quarrel and their voices rose. તેમની વચ્ચે ઝઘડો શરૂ થતા તેમનો અવાજ પણ ઊંચો થઈ ગયો, મતલબ કે જોરજોરથી બોલવા લાગ્યા.
———–
गाढवाच्या म्हणी

આજે નૈસર્ગિક વનસૃષ્ટિ ઘટી રહી છે અને કોન્ક્રિટ જંગલ વધી રહ્યા છે એ પરિસ્થિતિમાં પશુ – પંખીના વસવાટની સમસ્યા ગંભીર બનતી જાય છે. જોકે, આ પશુ – પંખી કાયમ આપણા લાગણી તંત્ર સાથે જોડાયેલા રહે છે. એટલે વિશ્વમાં પણ તેમની હાજરી અચૂક અને પ્રભાવશાળી હોય છે. મરાઠી ભાષામાં ગાઢવ એટલે કે ગધેડા પરથી ઘણી કહેવતો છે. હકીકતમાં ગધેડો અત્યંત મહેનતુ પ્રાણી છે, પણ આપણે એને ખૂબ બદનામ કર્યો છે, ક્યારેક હાસ્યાસ્પદ બનાવ્યો છે.गाढवापुढे वाचली गीता अन् कालचा गौधळ बरा होता’ किंया ‘अडला हरी गाढवाचे पाय धरी’ ‘गाढवही गेले अन् बह्मचर्यदेखील,’ ‘गाढवाला गुळाची चब काय’ એના જાણીતા ઉદાહરણ છે. गाढवापुढे वाचली गीता अन् कालचा गौधळ बरा होता’’ કહેવતનો ભાવાર્થ એમ છે કે મૂરખ માણસને ગમ્મે તેટલો સારો ઉપદેશ આપો, ડાહી ડાહી વાતો કરો તો પણ જે મુશ્કેલી એ ઊભી કરવાનો હોય કે ગોટાળા સર્જવાનો હોય એ થયા વિના નથી રહેતું.
अडला हरी गाढवाचे पाय धरीએટલે ક્યારેક હોશિયાર કે વિચક્ષણ વ્યક્તિ એવી મુસીબતમાં ફસાઈ ગયો હોય કે મૂરખની મદદ લીધા વિના છૂટકો નથી હોતો. गाढबही गेले अन् बह्मचर्य देखील એટલે ક્યારેક એવા ભૂલભરેલા નિર્ણય લેવાઈ જાય કે જે મેળવવાનો પ્રયાસ કર્યો હોય એ તો હાથમાં આવે જ નહીં, પણ હાથમાં રહેલું પણ જતું રહે. ધંધામાં નફો તો દૂરની વાત રહી, મૂડીથી હાથ ધોવાનો વારો આવે એવી વાત થઈ. गाढवाला गुळाची चव कायઅત્યંત માર્મિક કહેવત છે. જે વસ્તુની જાણ જ ન હોય એનું મૂલ્ય ન સમજાય એ એનો ભાવાર્થ છે. કૂવાની દુનિયામાં જીવતા દેડકાને દુનિયાનું ભાન ક્યાંથી હોય એવી વાત થઈ.
———
बादल के मुहावरे

बादल संबंधी मुहावरों में सूक्ष्म भावों की व्यंजना होती है. વાદળાના રૂઢિપ્રયોગમાં સૂક્ષ્મ ભાવ પ્રગટ થાય છે. વરસાદ વરસવો કે મેઘ ગર્જના બાદલના રૂઢિપ્રયોગમાં મહદઅંશે વ્યક્ત થતા જોવા મળે છે. बादल उमडना, बादल फट पडनाવગેરે રૂઢ અર્થના જાણીતા ઉદાહરણ છે. હવે આપણે સૂક્ષ્મ ઉદાહરણ જોઈએ અને જાણીએ. बादल के साथ विपति और अस्थायित्व का भाव जुडा हुआ है. हालांकि बादलों से होनेवाली वृष्टि नुकसानप्रद कम और लाभदायक अधिक होती है.
વાદળ સાથે વિપત્તિ અને અસ્થાયીત્વનો ભાવ જોડાયેલો છે. જોકે, વાદળ વૃષ્ટિ નુકસાનકારક ઓછી અને લાભદાયક વધુ હોય છે.

बादल मंडराना और बादल जाना વિપરીત અર્થ ધરાવે છે. પહેલા રૂઢિપ્રયોગમાં મુશ્કેલીથી ઘેરાઈ જવું એ આફતમાં સપડાઈ જવું એવો અર્થ છે જ્યારે બીજામાં આફત – મુશ્કેલી દૂર થવી કે ટળી જવી એ અર્થ સમાયેલો છે. બીજો એક જાણવા જેવો મજેદાર પ્રયોગ છે बादल की छांह का क्या भरोसा? વાદળાની છાંયના ભરોસે ન રહેવાય. હમણાં છે તો થોડી વાર પછી ન પણ હોય. આ થયો સ્થૂળ અર્થ. આમાં સમજવાની વાત એ છે કે ઉછીની રાહત કે સગવડ કાયમ નથી રહેતા. ગમે ત્યારે એ ગુમાવી દેવાનો વારો આવે છે. ટૂંકમાં કહીએ તો આપ સમાન બળ નહીં. મેઘ સમાન જળ નહીં જેવો ભાવાર્થ છે. અસંભવ કામ કરવાની વાતમાં પણ બાદલની હાજરી છે.बादल छूना, बादल में चकती लगाना એના પ્રમુખ ઉદાહરણ છે.કોઈ લાભ થશે કે કોઈ વસ્તુ હાથ લાગશે એ આશામાં હાથમાં રહેલી વસ્તુ નષ્ટ કરવી એ નરી મૂર્ખતા છે, કારણ કે એ લાભ ન થાય કે વસ્તુ હાથમાં ન આવે એ પણ સંભાવના હોય છે. તેમ છતાં મનુષ્ય આવી ભૂલ જીવનમાં અનેક વાર કરી બેસતો હોય છે. बादल देखकर घडा फोडना એવી જ મૂર્ખતા પર વ્યંગ કરે છે. આકાશમાં વાદળા જોઈ હવે તો વરસાદ આવવાનો જ છે એ આશાએ પાણી ભરીને સાચવી રાખવા માટે વપરાતો ઘડો તોડી નાખવો એ નરી મૂર્ખાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!