નાગપુરઃ મહારાષ્ટ્ર કોંગ્રેસે આશિષ દેશમુખને તેમની પાર્ટી વિરોધી ટિપ્પણી માટે પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. તેઓ કાટોલના પૂર્વ વિધાનસભ્ય છે. આશિષ દેશમુખે કહ્યું હતું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમની ‘મોદી સરનેમ’ ટિપ્પણી માટે અન્ય પછાત વર્ગ (ઓબીસી) સમુદાયની માફી માંગવી જોઈએ. તેમણે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે પર મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે સાંઠગાંઠનો પણ આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસ પાર્ટી વિરોધી ગતિવિધિને કારણે તેની સામે પગલા ભરવામાં આવ્યા છે. આશીષ દેશમુખને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા પછી હવે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં સામેલ થવાની સંભાવના વ્યક્ત કરી હતી.
કોંગ્રેસના નેતા આશીષ દેશમુખને પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા પછી કોઈએ આશ્ચર્ય વ્યક્ત કર્યું નથી. ભાજપમાંથી કોંગ્રેસમાં આવીને નાના પટોલે પ્રદેશ પ્રમુખ બન્યા હતા, પરંતુ આશીષ દેશમુખને કોંગ્રેસમાં કોઈ સ્થાન આપવામાં આવ્યું નહોતું. કોંગ્રેસ પ્રત્યે પણ તેમની નિરંતર નારાજગી વધી હતી. દેશમુખ ત્રણ દિવસ પહેલા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેને મળ્યા હતા, જ્યારે તેના પૂર્વે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ નાના પટોલેની પણ ટીકા કરી હતી. આશીષ દેશમુખે કહ્યું હતું કે નાના પટોલેને દર મહિને એકનાથ શિંદે તરફથી એક ખોખું (રુપિયા) મળે છે.
દેશમુખ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવ્યા પૂર્વે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણના નેતૃત્વમાં અનુશાસન સમિતિ સંતુષ્ટ નહોતી, ત્યારબાદ બુધવારે દેશમુખને કોંગ્રેસ પાર્ટીના સભ્યપદમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. દેશમુખને પાર્ટીમાંથી કાઢવામાં આવ્યા પછી તેઓ ભાજપ (ભારતીય જનતા પાર્ટી) સામેલ થઈ શકે છે. દેશમુખ સ્વતંત્ર વિદર્ભનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે. ભાજપ સત્તામાં આવ્યા પહેલા વિદર્ભને મહારાષ્ટ્રમાંથી અલગ કરવાના પક્ષમાં હતા. જો, ભાજપમાં જોડાય તો સ્વતંત્ર વિદર્ભના મુદ્દે પાછા ભાજપ સાથે શિંગડા ભરાવી શકે છે, તેથી હવે બધાની નજર રહેશે.
અહીં એ જણાવવાનું કે આશિષ દેશમુખ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. તેમના પિતા રણજીત દેશમુખ કોંગ્રેસના નેતા છે. વર્ષ 2009માં તેઓ ભાજપની ટિકિટ પર સાવનેર વિધાનસભાથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી આશિષે 2014ની વિધાનસભા ચૂંટણીમાં તેના કાકા અનિલ દેશમુખ સામે ચૂંટણી લડી હતી. તેણે કાટોલમાંથી તેના કાકાને હરાવ્યા હતા. આશિષ દેશમુખના પિતા દેવેન્દ્ર ફડણવીસના મોટા વિરોધી તરીકે ઓળખાય છે.