Homeધર્મતેજદેવરાજ, તમારામાં દોષો નહીં દેખાય ત્યાં સુધી તમારો અહંકાર અને અહમ્ સુરક્ષિત...

દેવરાજ, તમારામાં દોષો નહીં દેખાય ત્યાં સુધી તમારો અહંકાર અને અહમ્ સુરક્ષિત રહેશે

શિવ રહસ્ય -ભરત પટેલ

ગત સપ્તાહ સુધીનો સારાંશ: કપાઈ ગયેલા માથાવાળો રાહુ કહે છે, ‘સૂર્યદેવ અને ચંદ્રમા તમારા કારણે મારી આ અવદશા થઈ છે હું તમને છોડીશ નહીં. એટલું કહી તે સૂર્યદેવ અને ચંદ્રમા પાછળ દોડે છે. ગભરાયેલી સૂર્યદેવ અને ચંદ્રમા ભગવાન શિવ પાસે પહોંચે છે. ભગવાન શિવ ત્રણેયને સમજાવે છે કે તમારા ત્રણેની ભૂલ છે. શ્રીહરિ વિષ્ણુ અમૃતને સમાન ભાગે દેવગણો અને અસુરોમાં વહેંચવાના હતા તો સૂર્યદેવ અને ચંદ્રમા તમે શ્રીહરિ વિષ્ણુને કેમ ઉશ્કેર્યા, અને રાહુ તમે એટલા અધિરા બની ગયા અને દેવગણોનો વેશ ધારણ કરી શ્રીહરિ વિષ્ણુને છેતર્યાં, તમને ત્રણેયને દંડ મળશે. ત્રણે દંડ સ્વીકારવા તૈયાર થતાં ભગવાન શિવ કહે છે, ‘રાહુ તમે અમૃત પી લીધું છે એટલે અમર રહેશો પણ ભગવાન શ્રીહરિ વિષ્ણુનો દંડ મળ્યો હોવાથી તમે યુગોના યુગો આ અવસ્થામાં જ રહેશો હવેથી તમારું મુખ રાહુ અને ધડ કેતુ કહેવાશે. અને સૂર્યદેવ અને ચંદ્રમા તમારા કારણે રાહુની આ દશા થઈ, સમય સમય પર રાહુ અને કેતુ તમને ગ્રહણ લગાવતા રહેશે. ગભરાયેલા સૂર્યદેવ કહે છે, ‘પણ મહાદેવ ગ્રહણ લાગતા અમે અંધકારમાં ડૂબી જશું, સૃષ્ટિનું સંતુલન બગડી જશે, રક્ષા કરો મહાદેવ.’ તેના જવાબમાં ભગવાન શિવ કહે છે, ‘નહીં ઘણા સમયે અને થોડા સમય માટે જ ગ્રહણ લાગશે, જેથી સૃષ્ટિનું સંતુલન નહીં બગડે.’ તો સામે સમુદ્રકિનારે વિદ્યમાન ભગવાન શ્રીહરિ વિષ્ણુ ક્રોધિત થાય છે અને રાજા બલિને કહે છે: ‘બલિ આ શું છે? રાહુએ ફક્ત દેવગણોને નહીં, અસુરોને પણ છેતર્યા છે. રાજા બલિ ભગવાન વિષ્ણુની માફી માગતાં ભગવાન શ્રીહરિ વિષ્ણુ અમૃત કળશ દેવગણોને આપી ત્યાંથી વિદાય લે છે. પરિસ્થિતિ વિકટ બની ગયેલી જોઈ શુક્રાચાર્ય તુરંત કૈલાસ પહોંચે છે.ભગવાન શિવ તરફથી અસુર ગુરુ શુક્રાચાર્યને આશ્ર્વાસન મળતાં કૈલાસથી વિદાય લે છે. દેવગણો અમૃત મેળવીને ઉત્સાહિત થઈ જાય છે અને દેવરાજ ઈન્દ્ર રાજા બલિને કડવા વેણ કહે છે. કડવા વેણ સાંભળી ભગવાન શિવનું હૃદય દ્રવિત થઈ જાય છે અને તેઓ દેવરાજ ઈન્દ્રને પાઠ
ભણાવવા મક્કમ બની અસુર વેશ ધારણ કરી તેમની સમક્ષ ઉપસ્થિત થાય છે અને કહે છે: ‘પોતાને દેવરાજ ઈન્દ્ર
કહેવાવાળા મહાશય તમે જો શક્તિશાળી હોવ તો આ મારા હાથમાં રહેલા આ ઘાસના તણખલાને તમારી એક ફૂંકથી ઉડાડી બતાવો.’
***
કોઈ અસુર દ્વારા દેવરાજ ઇન્દ્રને મળેલા પડકારથી દેવરાજ ઈન્દ્ર ડઘાઈ જાય છે અને દેવરાજ ઈન્દ્રનો બચાવ કરવા પવનદેવ તેમની બાજુમાં આવી કહે છે:
પવનદેવ: ‘હે અસુર તમે આટલા નાના કામ માટે દેવરાજ ઇન્દ્રને ન પડકારો, આ તણખલાને ઉડાડી દેવા હું જ સક્ષમ છું.’
અસુર વેશમાં ભગવાન શિવ: ‘પવનદેવ ચાલો તમને પણ જોઈ લઈએ.’
પવનદેવ ભગવાન શિવની સમક્ષ આવે છે અને પોતાની સંપૂર્ણ શક્તિ લગાવી ફૂંક મારે છે પણ એ ઘાસનું તણખલું હલતું નથી. આ જોઈ અસુરગણો ગેલમાં આવી જાય છે.
પવનદેવને બચાવવા અગ્નિદેવ સામે આવી જાય છે અને
કહે છે:
અગ્નિદેવ: ‘તમને ખબર નથી હું અગ્નિદેવ છું કોઈપણ વસ્તુને એક ક્ષણમાં ભસ્મ કરી શકું છું.’
અસુર વેશમાં ભગવાન શિવ: ‘અગ્નિદેવ ચાલો તમને પણ જોઈ લઈએ.’
અગ્નિદેવ ભગવાન શિવની સમક્ષ આવે છે અને પોતાની સંપૂર્ણ શક્તિ લગાવી એ ઘાસના તણખલા પર અગ્નિ ફેંકે છે પણ એ ઘાસનું તણખલું સળગતું નથી.
હવે અગ્નિદેવને બચાવવા વરુણદેવ તેમની સામે આવી જાય છે અને કહે છે:
વરુણદેવ: ‘હું વરુણદેવ મારી તેજ ધારામાં આ ઘાસનું તણખલું એક ક્ષણમાં વહી જશે.’
અસુર વેશમાં ભગવાન શિવ: ‘વરુણદેવ ચાલો તમને પણ જોઈ લઈએ કે તમારામાં કેટલી શક્તિ છે.’
વરુણદેવ પોતાની સંપૂર્ણ શક્તિથી એ ઘાસના તણખલા પર પોતાની ધારાનો મારો ચલાવે છે પણ એ ઘાસનું તણખલું તસનું મસ થતું નથી અને હલતું નથી. દેવગણોમાં વ્યાપેલી તંગદિલી જોઈ દેવરાજ ઈન્દ્ર એ તણખલા પર પ્રહાર કરે છે. તણખલું જરાપણ ન હલતાં દેવરાજ ઈન્દ્ર નિ:સહાય થઈ જાય છે. દેવરાજ ઈન્દ્ર: ‘હે પરાક્રમી વીર તમે કોણ છો?’
એજ સમયે ત્યાં દેવર્ષિ નારદ ઉપસ્થિત થાય છે.
દેવર્ષિ નારદ: ‘એકમાત્ર શક્તિ જેના તેજથી સમગ્ર સંસાર પ્રકાશમાન છે. એ જીવનદાયી શક્તિ જેના વગર મન વિચારવા યોગ્ય નથી, કાન સાંભળવા યોગ્ય નથી અને જીભ વાણી યોગ્ય નથી.’ એમને ઓળખવા સંભવ જ નથી, દરેક એમને માને છે પણ એમના સંપૂર્ણ રૂપને કોઈ નથી જાણતું, અને કોઈને આભાસ હોય કે એમને તેઓ સંપૂર્ણ રીતે જાણી ગયા છે તો એ નથી જાણતો કે અત્યાર સુધી તે કંઈ સમજ્યો જ નથી, એમના અભાવમાં સૃષ્ટિ શબ સમાન છે, તેઓ દેવોના દેવ મહાદેવ છે.
ઓળખ થઈ જતાં ભગવાન શિવ મૂળસ્વરૂપમાં આવે છે.
ભગવાન શિવ: ‘જય અને પરાજય સાત્વિકતા અને અસાત્વીકતાની દેન છે, અભિમાન સાત્વીકતાનો શત્રુ છે, અભિમાની વ્યક્તિ ક્યારેય દિવ્યશક્તિને સાચવી શકતો નથી, દિવ્યશક્તિને પામવા કે સાચવવા નિરાભીમાની બનવું પડે છે. દેવરાજ તમે વિજય મેળવવા પહેલા અસુરોના પરાજય માટે યુક્તિ વિચારી, જે અમૃત તમે મંથન દ્વારા મેળવ્યું તેમાં સરખો હિસ્સો અસુરોનો પણ હોવો જોઈએ, અસુરો સિવાય દેવગણો માટે સાગરમંથન અશક્ય હતું, દેવગણો સમજી લે કે સંસારની ઉન્નતિ ત્યારે શક્ય છે જ્યારે સંસારમાં સમાનતા હોય. દરેક જણ સમાન હોય, કોઈ શક્તિશાળી જ ન હોય તો કોઇ નિર્બળ પણ ન હોય, જો કોઈ મોટું ન હોય તો કોઈ નાનું પણ નહીં રહે. શક્તિનું સંચાલન કરવું અનિવાર્ય છે. અસુરોને થયેલા અન્યાય માટે હું તેમને શક્તિશાળી થવાનું વરદાન આપું છું.
દેવરાજ ઈન્દ્ર: ‘મહાદેવ હું આપની માફી માગું છું, મારાથી ઘણી ભૂલો થઈ છે, હું પશ્ર્ચાત્તાપ કરવા તૈયાર છું.’
ભગવાન શિવ: ‘દેવરાજ પશ્ર્ચાતાપની કોઈ જરૂરત નથી. પશ્ર્ચાત્તાપનો અર્થ છે તમે જે કર્યું તેનો પસ્તાવો કરવો, પસ્તાવો કર્યા બાદ તમે કરેલા દુષ્કૃત્યમાં દોષ અવશ્ય દેખાશે, પણ તમારામાં દોષ નહીં દેખાય અને તમારામાં દોષો નહીં દેખાય ત્યાં સુધી તમારો અહંકાર અને અહમ સુરક્ષિત રહેશે, તેથી આપ સહુ માટે પસ્તાવો નહીં પ્રાયશ્ર્ચિત કરવું જરૂરી છે, કેમકે પ્રાયશ્ર્ચિત્ત પાપમોચન છે, પાપને સમાપ્ત કરવાની પ્રક્રિયા છે. પ્રાયશ્ર્ચિત્ત એટલે એ ચેતનાનો વિનાશ જેનાથી વારંવાર ભૂલ થઈ રહી છે, જો તમે પોતાની ભૂલનો સ્વીકાર કરતા હો તો પ્રાયશ્ર્ચિત્ત અનિવાર્ય છે. જો ફક્ત પશ્ર્ચાત્તાપ કરશો તો એ ભૂલો વારંવાર કરતા રહેશો અને તમારા અસ્તિત્વના વિનાશનું કારણ બનશો, કદાચ સંસારના વિનાશનું કારણ પણ બનશો.
આટલું કહી ભગવાન શિવ ત્યાંથી વિદાય લે છે.
***
ભગવાન શિવની વિદાય થતાં અસુર ગુરુ શુક્રાચાર્ય અને અસુર ગણો પણ ત્યાંથી વિદાય લે છે. ભગવાન શિવ દ્વારા મળેલા ઠપકાથી દેવગણો નિરાશ થઈ જાય છે. દેવગુરુ બૃહસ્પતિ દેવર્ષિ નારદને કહે છે: ‘હે દેવર્ષિ તમે તો બ્રહ્માપુત્ર છો તમને બધુ જ જ્ઞાત છે તમે જણાવો કે દેવગણોએ કઈ રીતે પશ્ર્ચાત્તાપ કરવો?
દેવર્ષિ નારદ: ‘બૃહસ્પતિ તમે તો દેવગણના ગુરુ છો, તમે પણ જ્ઞાની છો, દેવગણો અમૃત મેળવી અમર તો થઈ ગયા છે હવે તેમણે સ્વર્ગ પહોંચી અહમ અને અહંકારને ત્યાગી સૃષ્ટિના ઉત્કર્ષ માટેનાં કાર્યો કરવા જોઈએ અને વધુમાં વધુ સમય ત્રિદેવની ભક્તિ કરવી જોઈએ.’
(ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular