દેવપોઢી એકાદશી: જ્યારે જગતના પાલનહાર શયન કરવા જાય છે

વીક એન્ડ

મંથન -આર. સી. શર્મા

અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીએ જગતના પાલનહાર ચાર મહિના માટે વિશ્રામ કરવા પાતાળ લોક ચાલ્યા જાય છે. હવે પ્રશ્ર્ન એ થાય કે આ સમય દરમ્યાન સંસારનો પાલનહાર કોણ હશે? જવાબ છે ગુરુ.
જી.. હાં, દેવપોઢી એકાદશી બાદ ગુરુનું સ્થાન એ જ થઇ જાય છે જે સાધારણ સંજોગોમાં ભગવાન વિષ્ણુનું હોય છે. આમ તો ભગવાન વિષ્ણુ પછી ધરતીનું પાલનપોષણ શિવ કરે છે, પંરતુ મોટા ભાગના સમયમાં શિવ તો સ્વયંમાં જ મગ્ન હોય છે એટલે આ કાર્યભાર ગુરુઓને સોંપવામાં આવ્યો છે. ભગવાન વિષ્ણુ સાથે મોટા ભાગનો દેવતાગણ પણ નિદ્રામાં લીન હોવાથી આગામી ચાર મહિના સુધી માંગલિક કાર્ય પણ સ્થગિત કરવામાં આવતાં
હોય છે.
આ વર્ષે દેવપોઢી એકાદશી ૯ જુલાઇએ સાંજે ૪.૩૯ વાગે શરૂ થશે જે ૧૦ જુલાઇ બપોરે ૨.૧૩ સુધી રહેશે. જોકે, હિન્દુ ધર્મમાં ઉદયા તિથિ જ માનવામાં આવે છે એટલે આ વ્રત ૧૦ જુલાઇએ જ રાખવું ઉચિત છે. તેનું પારણું ૧૧ જુલાઇએ સવારે ૫.૫૬થી ૮.૩૬ સુધી કરવું.
આપણે જાણીએ છીએ તેમ દેવશયનીનું આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે બને તો વિષ્ણુની પ્રતિમા પર ગંગાજળથી અભિષેક કરવો. દીવો પ્રકટાવવો અને વિષ્ણુ સહસ્રનામના પાઠ કરવા. ભગવાન વિષ્ણુને ગળ્યા શીરોનો ભોગ ધરાવવો જેના પર તુલસી દળ રાખવું ન ભૂલતા. ભગવાન વિષ્ણુને પીળો રંગ અતિ પ્રિય છે એટલે તેમની પૂજા પીળાં ફૂલથી કરવી, પીળાં ફળ ચઢાવવાં અને શક્ય હોય તો પીળાં વસ્ત્ર ધારણ કરવાં.
આ વર્ષે દેવશયની એકાદશીના દિવસે વિશેષ સંયોગ આવે છે. આ દિવસે રવિ યોગ, શુભ યોગ અને શુક્લ યોગનું નિર્માણ થઇ રહ્યું છે. રવિ યોગની શરૂઆત ૧૦ જુલાઇના દિવસે સાવારે પાંચ વાગીને બત્રીસ મિનિટે શરૂ થશે અને સવારે નવ વાગીને છપ્પન મિનિટ સુધી રહેશે. વળી સૂર્યોદય સાથે શુભ યોગનો પણ પ્રારંભ થશે. આ બન્ને યોગ સમાપ્ત થશે ત્યારે શુકલ યોગની શરૂઆત થશે.
એવી માન્યતા છે કે આ દિવસે જો અન્ન કે ગાયનું દાન કરવામાં આવે તો કરજ મુક્તિ મળે છે. જો તમને નોકરી ન મળતી હોય કે વ્યવસાયમાં ધારી સફ્ળતા ન મળે તો આ દિવસે યથાશક્તિ જરૂરિયાતમંદોને ગોળ-ચણા ખવડાવવાથી ફાયદો થાય છે. ઘર-પરિવારમાંથી નકારાત્મક ઊર્જા દૂર કરવા આ દિવસે કોઇ મંદિરમાં કપૂરનું દાન કરવું જોઇએ. આ દિવસ બાદ ચાર મહિના સુધી કોઇ શુભ કાર્યો નથી કરવામાં આવતાં, કારણ કે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લઇને બલિ રાજા પાસે ત્રણ પગલાં મૂકવા જેટલી જમીન માગી હતી. ભગવાને બે પગલાંમાં તો પૃથ્વી અને સ્વર્ગ બેઉ લઇ લીધાં હતાં. બાદમાં ત્રીજો પગ રાખવા ગયા તો બલિએ પોતાનું માથું ધરી દીધું. ભગવાન વિષ્ણુએ પ્રસન્ન થઇને બલિને પાતાળ લોકમાં સ્થાપ્યો. તેની મહાન દાન ભક્તિ જોઇને વરદાન માગવાનું કહ્યું ત્યારે બલિએ કહ્યું, ‘પ્રભુ, તમે દરેક દેવદેવી સાથે પાતાળ લોકમાં નિવાસ કરો.’ ત્યારથી ભગવાન વિષ્ણુ બધાં જ દેવ-દેવીઓ સાથે પાતાળ લોકમાં ચાલ્યા ગયા અને એ જ દિવસથી માંગલિક કાર્યોનો લોપ થવા લાગ્યો.
બીજી બાજુ આ ઘટનાથી લક્ષ્મીદેવી ચિંતિત થયાં અને પોતાના પતિને પાછો લાવવા બલિ રાજા પાસે પહોંચી ગયાં. બલિને રાખડી બાંધીને ભાઇ બનાવી દીધો. રક્ષાબંધનની ભેટરૂપે બલિ રાજાએ લક્ષ્મીદેવીને કશુંક માગવાનું કહ્યું ત્યારે લક્ષ્મીજીએ પોતાના વર વિષ્ણુને માગી લીધા. જોકે બલિ રાજાને નિરાશ ન કરતાં તેમણે બલિને કહ્યું કે દર વર્ષે અષાઢ સુદ ૧૧થી કાર્તિક સુદ ૧૧ સુધી તેઓ પાતાળ લોકમાં નિવાસ કરશે. ત્યારથી જ દેવપોઢી અને દેવઊઠી એકાદશી આપણી સંસ્કૃતિનો મહત્ત્વનો ભાગ બની ગઈ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.