આજે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ડાકોર ખાતે ઉત્સવપૂર્ણ ફાગણી પૂનમની ઉજવણી કરવામાં આવી હતી. પૂનમના દિવસે ડાકોરના ઠાકોર રાજા રણછોડરાયજીની નિત્ય સેવા પૂજા સમયાનુસાર સવારે 4 વાગ્યે કરવામાં આવી હતી. આજે વહેલી સવારે રાજા રણછોડરાયજીની મંગળા આરતી કરવામાં આવી હતી. ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે.
વર્ષોથી ચાલી આવતી પરંપરાને જીવંત રાખવા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મંદિરમાં પૂજા વિધિ કરી ધજા ચઢાવવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નથી અને ભાવિક ભક્તો કોઈ પણ પ્રકારના ચિંતા કર્યા વિના રણછોડજી મહારાજના દર્શન કરી શકશે. સાથોસાથ કલેકટર દ્વારા જિલ્લાના અને રાજયના પ્રજાજનોની સુખાકારીમાં ઉત્તરોત્તર વધારો થાય તેવી પ્રભુને પ્રાર્થના કરવામાં આવી હતી.
આ પ્રસંગે મંદિર પ્રશાસન, સેવા સંચાલકો, નગરપાલિકાએ કરેલી સુચારુ વ્યવસ્થાની કામગીરી કલેકટર દ્વારા બિરદાવવામાં આવી હતી અને કલેકટર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગયા વર્ષ કરતા આ વર્ષે અહીં આવનાર ભક્તોનું પ્રમાણ વધુ છે અને ભક્તો તથા પદયાત્રીઓને કોઈ અગવડતા ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર ખડે પગે ભક્તોની સેવામાં હાજર છે.
ડાકોર મંદિર ખાતે મોટી સંખ્યામાં હાજર રહી શ્રધ્ધાળુઓએ ભારે આનંદ ઉત્સાહ સાથે ભગવાનના દર્શનનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી.
સાળંગપુરમાં 50,000 ભકતો રંગાયા દાદાના રંગમાં, 25,000 કિલો ઓર્ગેનિક રંગ મંગાવાયા ઉદયપુરથી
ગુજરાતના સાળંગપુરમાં વિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં મંગળવારે ભવ્ય રંગોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. દાદાને 25 હજાર કિલો રંગ ધરાવીને શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી વિવેકસાગર સ્વામી દ્વારા સંતો પર રંગોનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ રંગોત્સવમાં 50 હજારથી વધુ ભક્તો દાદાના રંગે રંગાયા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા 25 હજાર કિલો ઓર્ગેનિક રંગ ખાસ આજની ઉજવણી માટે ઉદયપુરથી મંગાવવામાં આવ્યા છે. આ રંગોત્સવમાં રંગના 250 બ્લાસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભક્તિ ગીતો પર લોકો ઝૂમી ઉઠ્યા હતા…